પ્રેગનન્સી દરમિયાન મહિલાના શરીરમાં કેવા કેવા ફેરફાર થાય છે?

    • લેેખક, એડમ ટેલર
    • પદ, ધ કોન્વર્સેશન

કંઈક અલગ વાનગી ખાવાની ઇચ્છા હોય, ચહેરા પરનો ચળકાટ હોય કે પછી મોર્નિંગ સિકનેસ (સવાર સવારમાં અસ્વસ્થતા) હોય, આવા કેટલાક ફેરફાર ગર્ભવતી મહિલા માટે સામાન્ય હોઈ શકે છે, પરંતુ બીજા કેટલાક ફેરફારો બહુ જાણીતા નથી.

કેટલીક મહિલાઓએ ગર્ભાવસ્થા પહેલાં અને પછીના તેમના નાકના ફોટોગ્રાફ્સ તથા વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ટ્રૅન્ડને પ્રૅગનન્સી નોઝ તરીકે ઓળખાવવામાં આવે છે. તે દર્શાવે છે કે સ્ત્રીઓના શરીરનો આ હિસ્સો ગર્ભાવસ્થાના મહિનાઓ દરમિયાન કેવી રીતે ફૂલે છે અને તેનો આકાર કેવી રીતે બદલાય છે.

આ કેટલું સર્વસામાન્ય છે તે જાણી શકાયું નથી, કારણ કે દરેક વ્યક્તિના શરીરમાં હોર્મોનનું સ્તર અલગ હોય છે અને તેઓ શરીરમાં થતા ફેરફારની પ્રતિક્રિયા અલગ રીતે આપતા હોય છે.

હકીકતમાં તે ચિંતાનું કારણ નથી અને સામાન્ય રીતે પ્રસૂતિના છ સપ્તાહ પછી તેનું નિરાકરણ આપોઆપ થઈ જતું હોય છે.

ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનના, ખાસ કરીને ઍસ્ટ્રોજનના સ્તરમાં નોંધપાત્ર વધારો થવાને લીધે તેવું થાય છે.

ઍસ્ટ્રોજનના સ્તરમાં વધારાને કારણે તમામ પેશીઓમાંની રક્તવાહિનીને આરામ મળે છે.

તેને લીધે નાકના ટિસ્યૂઝમાં વધારે લોહી પ્રવેશે છે, જેનાથી નાક વિસ્તરે છે, તેના આકારમાં ફેરફાર થાય છે અને તે મોટું તથા ફૂલેલું દેખાય છે.

આ હોર્મોનલ ફેરફારોને લીધે નાક સતત ગળતું રહે છે, નાકમાંથી રક્તસ્ત્રાવ થાય છે. આવું પાંચમાંથી એક સગર્ભાને થતું હોય છે, પરંતુ સગર્ભાવસ્થામાં માત્ર નાકના આકારમાં જ ફેરફાર થતો નથી. બીજા ઘણા ફેરફાર થાય છે.

હૃદય મોટું થવું

ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભના વિકાસના હેતુસર સ્ત્રીના હૃદયમાં સંખ્યાબંધ ફેરફાર થાય છે. વિકાસશીલ ગર્ભ માટે જગ્યા બનાવવા પેટના અવયવો ભીંસાય છે. તેના પરિણામે હૃદય છાતીના ઉપરના ભાગમાં ધકેલાય છે.

એટલું જ નહીં, હૃદય પણ જાડા સ્નાયુ વિકસાવે છે અને કદમાં ફેરફાર કરે છે. તેનું કારણ એ છે કે સગર્ભાવસ્થા દરમિયાન હૃદયે વધુ મહેનત કરવી પડે છે. ગર્ભાવસ્થા પૂર્વેના સમયગાળાની સરખામણીએ તેણે પ્રતિ મિનિટ આઠ ગણું વધારે ધબકવું પડે છે, જેથી શરીર અને ગર્ભમાંના બાળકની આસપાસ વધારે લોહી પહોંચી શકે.

કેટલાક કિસ્સામાં ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરમાં ફરતા રક્તનું પ્રમાણ બમણું થઈ જાય છે. તેનાથી બાળકના વિકાસ માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે સુનિશ્ચિત થાય છે.

ત્વચાના રંગમાં ફેરફારમાં પણ ફેરફાર થાય છે?

ઘણાં લોકોએ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના રૂપમાં આવી જતી ચમક (પ્રૅગનન્સી ગ્લો) વિશે સાંભળ્યું હશે. તે કેટલીક મહિલાઓની ત્વચાના રંગને તેજસ્વી બનાવે છે.

વાસ્તવમાં કેટલીક સગર્ભાઓને મેલાસ્મા તરીકે ઓળખાતી સ્થિતિનો અનુભવ થાય છે. તેને લીધે આંખો, નાક, ચિબુક અને ઉપલા હોઠની આસપાસની ત્વચા કાળી થઈ જાય છે.

આ એક અત્યંત સામાન્ય સ્થિતિ છે, જે લગભગ 75 ટકા સગર્ભાઓમાં જોવા મળે છે, પરંતુ ત્વચાનો રંગ વધુ કાળો થઈ જાય તે વધુ લાક્ષણિક હોય છે. આ ફેરફારો પ્રસૂતિ પછી અથવા બાળક સ્તનપાન કરતું બંધ થાય પછી તરત જ દૂર થઈ જાય છે.

સગર્ભાવસ્થામાં મેલાસ્માનું ચોક્કસ કારણ અજ્ઞાત છે, પરંતુ તેમાં ઍસ્ટ્રોજન અને પ્રૉજેસ્ટેરોનની સામેલગીરી હોવાનું માનવામાં આવે છે.

ગર્ભાવસ્થા દરમિયાન સ્તનની ડીટડીની આસપાસની ત્વચા (એરોલા) પણ કાળી પડી શકે છે. તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ તે નવજાત બાળકને આહાર માટે સ્તનની ડીટડીને ઓળખવામાં મદદ કરે છે.

નવજાત શિશુઓ સંતૃપ્ત અને લાલ હોય તેવી વસ્તુઓમાં રંગોના ભેદને સંપૂર્ણપણે પારખી શકતાં નથી અને તેઓ તેમના ચહેરાથી 30 સેન્ટિમિટરથી વધુ દૂર કશું જોઈ પણ શકતાં નથી.

નવજાત શિશુઓ પ્રકાશ અને અંધારાનો ભેદ સારી રીતે પામી શકે છે. તેથી ઍરોલાની ચારેય તરફની હળવા રંગની ત્વચાની સરખામણીએ શ્યામ એરોલા તેમને એ ઓળખવામાં મદદરૂપ થાય છે. મોટા ભાગની સ્ત્રીઓમાં પ્રસૂતિ પછી એ ભાગ થોડો ડાર્ક રહી જાય છે.

વાળ વધવા અને ઊતરવા

સગર્ભાવસ્થા દરમિયાન ઘણી સ્ત્રીઓના વાળ વધે છે અને સ્વસ્થ દેખાય છે. તેનું કારણ એ છે કે શરીરમાં ઍસ્ટ્રોજન વધે છે, જેનાથી વાળની કોશિકાઓ સતત વૃદ્ધિ પામતી રહે છે. તેનું ખરાબ પાસું એ પણ છે કે આ હોર્મોનલ ફેરફારો માત્ર માથાના જ નહીં, શરીર પરના તમામ વાળને અસર કરે છે.

તેનો અર્થ એ થાય કે સગર્ભાવસ્થા દરમિયાન ઓછી ઇચ્છનીય જગ્યાએ પણ વાળમાં વૃદ્ધિ થઈ શકે છે. તેમાં ઉપલા હોઠ, જાંઘનો ઉપરનો હિસ્સો, પેટ અને પીઠનો સમાવેશ થાય છે. જોકે, પ્રસૂતિ પછી એ અદૃશ્ય થઈ જાય છે.

પ્રસૂતિ પછી હોર્મોન્સનું સ્તર નૉર્મલ થઈ જાય અને ઍસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જાય એટલે વાળ ખરી પણ શકે છે. સામાન્ય રીતે પ્રસૂતિના ચાર મહિનાની આસપાસ વાળ ખરવાનું શરૂ થાય છે અને મોટા ભાગના કિસ્સામાં વાળ ફરીથી વધે છે.

મુખ-સ્વાસ્થ્યમાં ફેરફાર

ગર્ભાવસ્થાને લીધે મુખ-સ્વાસ્થ્યમાં પણ ઘણા ફેરફાર થાય છે. ઍસ્ટ્રોજન અને પ્રૉજેસ્ટેરોનમાંનો વધારો પેઢાંમાં રક્તસ્ત્રાવ, ચેપ અને ઈજાનું કારણ બની શકે છે. વાસ્તવમાં 70 ટકા સગર્ભા જિન્જિવાઇટિસ (પેઢાં સોજી જવા)નો અનુભવ કરતી હોય છે.

ગર્ભાવસ્થા દરમિયાન, ખાસ કરીને સ્ત્રી મોર્નિંગ સિકનેસનો અનુભવ કરતી હોય તો દાંતમાં નુકસાન તથા સડો થવાનું જોખમ વધારે હોય છે. તેનું કારણ એ છે કે પેટમાંનો એસિડ દાંત પરના રક્ષણાત્મક આવરણને ઓગાળી શકે છે.

દાંત હલતા હોય તેવું પણ લાગે. તેવું ઍસ્ટ્રોજનના સ્તર અને રિલેક્સિન નામના હોર્મોનમાં વધારાને કારણે થાય છે. તે પ્રસૂતિમાં મદદ માટે શરીરના તમામ અસ્થિબંધને ગર્ભાવસ્થા દરમિયાન વધારે લવચીક બનાવે છે.

એક તરફ તે બસ્તીપ્રદેશ (પેલ્વિસ સહિતના કેટલાક ભાગોને મદદરૂપ થાય છે ત્યારે બીજી તરફ રિલેક્સિન અસ્થિબંધ પણ અસર કરે છે. તેનાથી દરેક વ્યક્તિને તેના દાંત ઢીલા પડી ગયા હોય તેવું લાગે છે.

દાંત પડી જાય તેવા કિસ્સા જૂજ છે. કેટલી સગર્ભા સ્ત્રીઓ આ પરિસ્થિતિનો અનુભવ કરે છે તે સ્પષ્ટ નથી.

જાણીતી વાત એ છે કે અનેક વખત સગર્ભા થઈ હોય અને નીચલા સામાજિક-આર્થિક વર્ગની હોય તેવી સ્ત્રીઓમાં આવું થવાની શક્યતા વધારે છે.

સામાન્ય રીતે કોઈ સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન દાંત ગુમાવે તો તેનું કારણ ગર્ભાવસ્થા વેળાના ફેરફાર જ નહીં, પરંતુ ખરાબ મુખ-સ્વાસ્થ્ય પણ હોય છે.