You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ હૉસ્પિટલોમાં કેમ મોબાઇલ ફોનની લાઈટના સહારે પ્રસૂતિ કરાવવી પડે છે?
- લેેખક, એથર શેલાબી
- પદ, બીબીસી અરેબિક
સુદાનની રાજધાની ખાર્તુમમાં કેટલીક હૉસ્પિટલોને બાદ કરતા બાકીની બધી હૉસ્પિટલો ત્યાં ચાલતા સંઘર્ષને કારણે બંધ થઈ ગઈ છે. જે હૉસ્પિટલો ચાલી રહી છે, તેનું કામકાજ પણ વીજળી ગુલ થઈ જવાથી ખોરવાઈ જાય છે.
તેને લીધે ગર્ભવતી સ્ત્રીઓની પ્રસૂતિ તથા તેમની મદદનો પ્રયાસ કરતા આરોગ્ય સંભાળ કાર્યકરોનાં કામ, ખાસ કરીને સર્જરીની જરૂર હોય ત્યારે, તણાવપૂર્ણ બની જાય છે.
ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. હોવેદા અહમદ અલ-હસને બીબીસી સાથે શૅર કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, “સિઝેરિયન (સ્ત્રીના પેટ પર કાપો મૂકીને કરવામાં આવતી પ્રસૂતિ) માટે અમારે મોબાઇલ ફોનની લાઈટ પર આધાર રાખવો પડે છે.”
ડૉ. હસન એક મહિલાની પ્રસૂતિ કરાવતાં હતાં, ત્યારે તેમણે આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. એ વીડિયોમાં તેઓ સિઝેરિયન કરાવતી વખતે ગર્ભવતી સ્ત્રીની છાતી તથા પેટ પર હૅન્ડ ગ્લોવ્ઝ પહેરીને દબાણ કરતા જોવા મળે છે.
તેમના તમામ તબીબી સહાયકો ડૉ. હસનની આસપાસ ઊભેલાં અને પ્રસૂતાના પેટ પર કાપો પાડવામાં આવ્યો છે, તે સ્થાને મોબાઇલ ફોનની લાઇટનો પ્રકાશ ફેંકતા જોવા મળે છે.
એપ્રિલમાં લશ્કરી જૂથો વચ્ચે લડાઈ ફાટી નીકળી પછી, રાજધાની ખાર્તુમની ઉત્તરે આવેલી અલ્બાન જાદીદ હૉસ્પિટલમાં સતત ત્રણ સપ્તાહ સુધી કાર્યરત રહેલાં જૂજ ગાયનેકૉલૉજિસ્ટોમાં ડૉ. હસનનો સમાવેશ થાય છે.
બીબીસીને મોકલવામાં આવેલા વીડિયોમાં ડૉ. હસને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં બાળકને જન્મ આપતી સ્ત્રીઓને મદદ કરતી પરિચારિકાઓ સાથેના વૉર્ડ્ઝ દેખાડ્યા હતા.
ડૉ. હસને કહ્યું હતું કે, “પરિસ્થિતિ ખરેખર ખરાબ છે. અમે ઘણા દિવસથી હૉસ્પિટલમાં છીએ. અમે સમયની સમજણ ગુમાવી દીધી છે. અમને ખબર નથી કે અત્યારે દિવસ છે કે રાત.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું હતું કે, “હૉસ્પિટલમાં ન્યૂનતમ તબીબી કર્મચારીઓ છે અને ઘણી વખત વીજળી ગુલ થઈ જાય છે. સિઝેરિયન માટે જનરેટર્સ ચલાવવા અમારી પાસે ગૅસોલિન પણ નથી.”
‘અત્યંત જોખમી પરિસ્થિતિમાં પ્રસૂતિ’
ડૉ. હસને જણાવ્યું હતું કે તેમની હૉસ્પિટલ પ્રસૂતિ પૂર્વે તાકીદની સારવાર અત્યંત જરૂરી હોય તેવી સ્ત્રીઓથી ખીચોખીચ ભરાયેલી છે. એ પૈકીની ઘણી સ્ત્રીને સિઝેરિયનની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે, “ઝાંખા પ્રકાશવાળા ઓપરેશનથિયેટરમાં સિઝેરિયન કરાવીને અમે બહુ મોટું જોખમ ઉઠાવી રહ્યાં છીએ. અમારી પાસે પૂરતાં સંસાધનો નથી. અમારી પાસે જનરલ એનેસ્થેસિયા કન્સલ્ટન્ટ્સ અને નિષ્ણાતો પણ નથી. પ્રત્યેક સિઝેરિયન ડિલિવરીના 10 કલાક પછી મહિલાઓને હૉસ્પિટલમાંથી રજા આપી દેવી પડે છે.”
એપ્રિલમાં નાજુક અને નિષ્ફળ યુદ્ધવિરામ વચ્ચે ખાર્તુમની આસપાસ જોરદાર લડાઈ ચાલી રહી હતી, ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ પોપ્યુલેશન ફંડે જણાવ્યું હતું કે અહીં અંદાજે 2.19 લાખ સગર્ભા સ્ત્રીઓ પર જોખમ છે.
લડાઈ શરૂ થઈ તે પહેલાં જણાવવામાં આવ્યું હતું કે આગામી સપ્તાહોમાં આશરે 24 હજાર મહિલાઓ બાળકોને જન્મ આપશે.
બશાયર અલ-ફાદિલ એવી સ્ત્રીઓ પૈકીનાં એક હતાં. ખાર્તુમમાં અથડામણ ફાટી નીકળ્યાના થોડા દિવસ પછી તેમનું સિઝેરિયન કરવામાં આવ્યું હતું.
બીબીસી સાથેના વીડિયો કોલમાં બશાયર અલ-ફાદિલ તેમની એક સપ્તાહની બાળકી ઓમાયમાને પારણામાં ઝૂલાવતાં જોવાં મળ્યાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે હું નસીબદાર છું કે મારી પ્રસૂતિ સમયે આ હૉસ્પિટલ કાર્યરત હતી. છૂટાછવાયા ગોળીબાર વચ્ચે મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બશાયર અલ-ફાદિલે કહ્યું હતું કે, “એ વખતે શેરીઓમાં ધડાકા સંભળાતા હતા.”
બશાયર અલ-ફાદિલના ઘરની આસપાસના વિસ્તારમાં મોટાભાગની હૉસ્પિટલો બંધ હતી. પરિચિતો પાસેથી મળેલી જાણકારીને લીધે તેઓ આ હૉસ્પિટલમાં દીકરીને જન્મ આપી શક્યાં હતાં.
વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, ખાર્તુમની પ્રત્યેક છમાંથી એક જ હૉસ્પિટલ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે.
બશાયર અલ-ફાદિલે કહ્યુ હતું કે, “મારું સિઝેરિયન કરી આપે તેવી કોઈ પણ હૉસ્પિટલ હું શોધી રહી હતી. હું નસીબદાર હતી કે ડૉક્ટરો અને દોસ્તોની મદદથી હું આ હૉસ્પિટલમાં પહોંચી શકી.”
પોતાની પ્રસૂતિના દિવસની વાત કરતાં બશાયર અલ-ફાદિલે જણાવ્યું હતું કે હું અને મારા પતિ અમારા વિસ્તારમાં ચાલતા ગોળીબારમાંથી જેમતેમ બચીને હૉસ્પિટલે સલામત રીતે પહોંચ્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે, “મારી પ્રસૂતિ મુશ્કેલ સમયમાં થઈ હતી. પાણી જેવી સાદી વસ્તુ પણ ઉપલબ્ધ ન હતી.”
હિંસા સતત ચાલુ હોવાથી બશાયર અલ-ફાદિલ તેમના સંતાનના જન્મનું પ્રમાણપત્ર મેળવી શક્યાં નથી. એ ઉપરાંત તેમના નવજાત સંતાનને જરૂરી રસી પણ આપી શકાઈ નથી.
બશાયર અલ-ફાદિલ જેવો અનુભવ અનેક ગર્ભવતી સ્ત્રીઓને થયો છે. તેમની સંખ્યાબંધ સખીઓ મહામુશ્કેલીએ હૉસ્પિટલ સુધી પહોંચી શકી હતી. કેટલીકને તો કસુવાવડ પણ થઈ હતી.
સુદાનની સૌથી મોટી હૉસ્પિટલો પૈકીની એક ઓમદુર્માન મૅટરનિટી હૉસ્પિટલે અથડામણ શરૂ થયાના ગણતરીના દિવસોમાં પોતાના દરવાજા બંધ કરી દીધા હતા.
એ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. કામિલ કમાલે બીબીસીને જણાવ્યું હતું કે મોટા ભાગની મૅટરનિટી હૉસ્પિટલો બંધ છે. તેના પરિણામે હજારો ગર્ભવતી મહિલાઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે.
તેમણે કહ્યું હતું કે, “સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ અમારો અંદાજ છે કે અનેક ગર્ભવતી સ્ત્રીઓ તેમના ઘરોમાં પીડા ભોગવી રહી છે. મને ખાતરી છે કે ઘણી સ્ત્રીઓ ઘરમાં જ મૃત્યુ પામી હશે. રક્તસ્રાવ, કસુવાવડ, ઍક્ટોપિક પ્રેગ્નેન્સી, બ્રીચ બર્થ્સ અને મૃત બાળકના જન્મની અનેક ઘટનાઓ ઉપરાંત ઘણી સ્ત્રીઓ એવી હશે જેઓ જરૂરી સારવાર મેળવી નહીં શકી હોય.”
ડૉ. કમાલે ચેતવણી આપી હતી કે સુદાનમાં ચાલી રહેલી લડાઈમાં સગર્ભા સ્ત્રીઓનો ભોગ લેવાઈ રહ્યો છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, માતૃત્વ સંબંધી તકલીફોને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓની સંખ્યા સુદાનમાં સૌથી વધારે છે.
‘અમે જીવનને જન્મ આપીએ છીએ, તેઓ અમારી હત્યા કરે છે’
સુદાનમાં દાયણો ઘરે ઘરે જઈને પ્રસૂતિ કરાવવામાં હજુ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
માવાહેબ નામનાં એક દાયણે બીબીસીને જણાવ્યું હતું કે લડાઈ શરૂ થયા પછી તેમણે સાતેક સ્ત્રીઓને કુદરતી રીતે સલામત પ્રસૂતિ કરાવી હતી.
તેમણે કહ્યું હતું કે, “કોઈ મહિલાને પ્રસૂતિમાં મદદ માટે વિનંતી કરતો ફોન કોલ આવે કે તરત જ હું જરાય ખચકાટ વિના એ મહિલાના ઘરે જવા પ્રયાણ કરું છું.”
તેમણે ઉમેર્યું હતું કે, “મોટા ભાગના કિસ્સામાં પ્રસૂતિ સરળતાથી થાય છે. કોઈ સમસ્યા સર્જાય તો હું મહિલાને નજીકની કાર્યરત હૉસ્પિટલમાં મોકલી આપું છું.”
ડૉ. હસને જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં સમસ્યાઓ સતત વધી રહી હોવા છતાં તબીબી સ્ટાફ જુસ્સો જાળવી રાખવાના પ્રયાસ કરે છે અને બાળકોના સલામત જન્મની ઉજવણી કરે છે.
તેમણે કહ્યું હતું કે, “અમે જીવનને જન્મ આપીએ છીએ, તેઓ અમારી હત્યા કરે છે. અમે માતા અને તેના સંતાન એ બે જીવને જીવંત રાખવામાં મદદ કરીએ છીએ.”