You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યાં બાળકોને ગોળીએ દેવાયાં એ સુદાનમાં શું થઈ રહ્યું છે?
એક વિરોધપ્રદર્શન દરમિયાન શાળાનાં બાળકો પર કરાયેલા ગોળીબારને પગલે સુદાનની તમામ શાળાઓ બંધ કરી દેવાઈ છે. સ્ટેટ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર દેશના સૈન્યશાસને બુધવારથી દેશની શાળાઓ બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો.
આ પહેલાં અલ-ઑબેઇડમાં ઈંધણ અને બ્રેડની અછતને પગલે વિરોધપ્રદર્શનનું આયોજન કરાયું હતું.
જેમાં સ્નાઇપર્સ અને અન્ય હથિયારધારીઓએ કરેલા ગોળીબારમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થતો હતો.
શાળાને બંધ કરવાનો આદેશ શા માટે અપાયો?
મંગળવારે દેશની રાજધાની ખાર્તુમમાં યોજાયેલા એક વિરોધપ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં શાળાએ જતાં બાળકોએ ભાગ લીધો હતો. સુદાનના રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલા આ પ્રદર્શનમાં અલ-ઑબેઇડમાં ઘટેલી ઘટનાનો વિરોધ કરાયો હતો.
આવાં જ પ્રદર્શનો દેશનાં અન્ય શહેરોમાં પણ યોજાયાં હતાં. જેને પગલે મંગળવારે સૈન્યશાસને દેશની તમામ શાળાઓ બંધ કરી દેવા આદેશ આપ્યો હતો.
સુના ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર "તમામ રાજ્યોના રાજ્યપાલોને આગામી નોટિસ ન મળે ત્યાં સુધી બાળમંદિરો, પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને આજથી બંધ કરી દેવાનો આદેશ અપાયો છે."
અલ-ઑબેઇડમાં શું થયું હતું?
ઉત્તર કોર્દોફાનમાંના અલ-ઑબેઇડમાં કરાયેલા ગોળીબારના કેટલાક વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં શાળાનો યુનિફોર્મ પહેરીને વિરોધ કરી રહેલાં બાળકો જોઈ શકાય છે.
સુદાનના ડૉક્ટરોની કેન્દ્રીય સમિતિના જણાવ્યા અનુસાર લોકશાહી તરફી સંગઠન દ્વારા આયોજિત આ પ્રદર્શનો દરમિયાન કરાયેલા ગોળીબારમાં 62 લોકોને ઈજા પહોંચી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રદર્શનકારીઓએ આ ગોળીબાર માટે રૅપિડ ઍક્શન ફૉર્સીઝ (આરએસએફ)ને જવાબદાર ઠેરવી છે.
આ ઘટનાને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં કટોકટી અને રાત્રી કર્ફ્યુ જાહેર કરાયાં છે.
બાળકો માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનિસેફે સુદાનને આ મામલે તપાસ કરવા અને દોષિતોને સજા કરવા જણાવ્યું છે.
યુનિસેફે આ અંગે આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે, "શાળાના યુનિફોર્મમાં કોઈ બાળક દફન ન થવું જોઈએ."
સુદાનની મિલિટરી કાઉન્સિલના અધ્યક્ષ જનરલ અબ્દેલ ફતેહ અલ-બુરહાને આ ઘટનાને વખોડી કાઢી છે.
સુદાનમાં શું થઈ રહ્યું છે?
સુદાનમાં જે ઊથલપાથલ ચાલી રહી છે, એનાં મૂળમાં ડિસેમ્બર 2018માં રહેલાં છે. એ વખતે છેલ્લાં 30 વર્ષથી સત્તા પર રહેલા રાષ્ટ્રપતિ ઓમર અલ-બશિર વિરુદ્ધ દેશમાં વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં હતાં.
રાષ્ટ્રપતિને હઠાવવા માટેની આ ચળવળ 6 એપ્રિલે પરાકાષ્ઠાએ પહોંચી જ્યારે પ્રદર્શનકારીઓએ સૈન્યના વડામથકની સામે આવેલા એક ચોક પર કબજો જમાવી લીધો.
આ ઘટનાના પાંચ દિવસ બાદ રાષ્ટ્રપતિને હઠાવી દેવાની જાહેરાત કરવામાં આવી.
એ બાદ 11 એપ્રિલે સૈન્યસભાએ દેશની સત્તા સંભાળી લીધી. જોકે, એમ છતાં દેશમાં સ્થિરતા સ્થાપી શકાઈ નહીં.
સાત સભ્યોની આ ટ્રાન્ઝિશનલ મિલિટરી કાઉન્સિલ (ટીએમસી)ના વડા લેફ્ટનન્ટ જનરલ અબ્દેલ ફતેહ અલ-બુરહાન છે.
સૈન્યસભાનું કહેવું છે કે દેશમાં શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા સ્થાપવા માટે સત્તા તેમના હાથમાં રહે એ જરૂરી છે.
જોકે, સુદાનમાં સૈન્ય એકહથ્થું શાસન ધરાવતી નથી. સંસદીય સંગઠનો અને કેટલીક ઇસ્લામિક મિલિશિયા પણ સુદાનના અમુક વિસ્તારો પર કબજો ધરાવે છે.
વિપક્ષમાં કોણ છે?
સત્તાવિરોધી વલણ ઉપરાંત કથળેલી આર્થિક પરિસ્થિતિએ સુદાનીઝોને રસ્તા પર ઊતરવા મજબૂર કરી દીધા છે.
આ વિરોધની આગેવાની સુદાનીઝ પ્રોફેશનલ્સ ઍસોસિએશન (એસપીએ)એ સંભાળી છે.
એસપીએ એ ડૉક્ટરો, સ્વાસ્થ્યકર્મીઓ અને વકીલોનું મંડળ છે.
સુદાનમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનોમાં મહિલાઓ આગળ પડતો ભાગ લઈ રહી છે.
તાજેતરમાં કારની છત પર ઊભી રહીને વિરોધપ્રદર્શનને સંબોધી રહેલી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો