સુદાન હિંસા : એક જ દેશનાં લશ્કરી દળો એકબીજા સામે જ આવી ભીષણ લડાઈ કેમ લડી રહ્યાં છે?

    • લેેખક, બૅવર્લી ઓચિંગ
    • પદ, બીબીસી મૉનિટરિંગ, નૈરોબી

સુદાનની રાજધાની ખાર્તુમ અને દેશનાં અન્ય સ્થળોએ ફાટી નીકળેલી ભીષણ હિંસા એ દેશના લશ્કરી નેતૃત્વની અંદરના સત્તાસંઘર્ષનું સીધું પરિણામ છે.

અર્ધલશ્કરી દળ - રૅપિડ સપોર્ટ ફોર્સિસ (આરએસએફ) અને નિયમિત સૈનિકો વચ્ચે દેશની રાજધાની ખાર્તુમમાં વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ હિંસક અથડામણ ચાલી રહી છે.

અહીં પ્રસ્તુત છે આ હિંસાને લગતી એ તમામ માહિતી જે તમારે જાણવી જરૂરી છે.

શું છે વિવાદનું કારણ?

ઑક્ટોબર 2021માં થયેલા બળવા બાદ દેશનું સંચાલન જનરલ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાઉન્સિલનું નેતૃત્વ બે લશ્કરી વ્યક્તિઓ કરી કીરી છે, જે હાલના વિવાદનું કેન્દ્ર બનેલી છે.

  • જનરલ અબ્દેહ ફત્તાહ અલ-બુરહાન, સશસ્ત્ર દળોના વડા અને રાષ્ટ્રપતિ
  • જનરલ મોહમ્મદ દગાલો, ઉપરાષ્ટ્ર પતિ અને આરએસએફના નેતા

આ બંને વ્યક્તિઓ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એ મામલે તથા નાગરિક શાસન તરફના પ્રસ્તાવિત પગલા અંગે અસહમતિ દર્શાવે છે.

એક લાખથી વધુ સભ્યો ધરાવતી આરએસએફને સૈન્યમાં ભેળવી દેવાની યોજનાઓ અને તે પછી નવા દળનું નેતૃત્વ કોણ કરશે તે વિવાદનો એક મુખ્ય મુદ્દો છે.

સુદાન ક્યાં આવેલું છે?

ઉત્તર-પૂર્વ આફ્રિકન રાષ્ટ્ર એવું સુદાન સાત દેશોની સરહદ ધરાવે છે. જેમાં ઉત્તરના શક્તિશાળી પાડોશીઓ ઈજિપ્ત અને પૂર્વમાં ઇથોપિયાનો સમાવેશ થાય છે.

આ દેશ લાલ સમુદ્ર સાથે દરિયાકિનારો પણ ધરાવે છે, જે આંતરરાષ્ટ્રીય વેપાર માટે જરૂરી છે.

દાયકાઓ સુધી ચાલતા ગૃહયુદ્ધ બાદ વર્ષ 2011માં દક્ષિણ સુદાનને સ્વતંત્રતા મળી ત્યાં સુધી એક સમયે ક્ષેત્રફળની દૃષ્ટિએ તે ખંડનો સૌથી મોટો દેશ હતો.

શનિવારે હિંસક અથડામણ કેમ શરૂ થઈ?

ગયા અઠવાડિયે આરએસએફના સૈનિકોને દેશભરમાં તહેનાત કરવામાં આવ્યા હતા. આ ઘટનાને સામાન્ય સૈન્યએ ખતરારૂપ માની હતી.

એવી આશા હતી કે વાટાઘાટથી પરિસ્થિતિનો ઉકેલ આવશે પરંતુ આવું ન થયું.

હજી સુધી એ વાતની જાણકારી મળી નથી કે શનિવારે પ્રથમ ગોળી કોણે ચલાવી પરંતુ સુદાનના ડૉક્ટર યુનિયનના જણાવ્યા અનુસાર, લગભગ 100 નાગરિકોનાં મૃત્યુ સાથે દેશના જુદાજુદા ભાગોમાં હિંસા વધી છે.

નાગરિકો શા માટે ફસાયા?

મોટા ભાગની હિંસા બંને પક્ષોના મજબૂત નિયંત્રણ ધરાવતા વિસ્તારો અને સ્થાપનોની આસપાસમાં જ થઈ હોવાનું જણાય છે. જે શહેરી વિસ્તારોમાં છે અને અજાણતામાં જ નાગરિકો તેના ભોગ બન્યા હોય તેમ લાગી રહ્યું છે.

આરએસએફનાં ગુપ્ત સ્થળો કયાં છે તે અંગે કોઈ સ્પષ્ટ જાણકારી નથી પણ એવું માનવામાં આવી રહ્યું છે કે તેમના લડવૈયાઓ ગીચ વસતીવાળા વિસ્તારોમાં પહોંચી ગયા છે.

સુદાનની વાયુસેનાએ 60 લાખથી વધુ વસતી ધરાવતી રાજધાની ખાર્તુમમાં હવાઈ હુમલાઓ કર્યા છે, જેના લીધે અનેક નાગરિકોનાં મૃત્યુ થયાં હોવાની શક્યતા છે.

લોકો આ લડાઈમાંથી બચીને બહાર જઈ શકે તે માટે બંને પક્ષોએ શનિવારે સહમતિથી થોડાક સમય માટે વિરામની જાહેરાત કરી હતી.

રેપિડ સપોર્ટ ફોર્સિસ શું છે?

રેપિડ સપોર્ટ ફોર્સિસ (આરએસએફ)ની સ્થાપના વર્ષ 2013માં કરવામાં આવી હતી અને તેની ઉત્પત્તિ કુખ્યાત જનજાવીદ મિલિશિયામાં છે જેણે ડાર્કુરમાં બળવાખોરોને નિર્દયતાથી લડત આપી હતી.

એ સમયથી જનરલ દગાલોએ એક શક્તિશાળી દળનું નિર્માણ કર્યું છે જેણે યમન અને લિબિયાના સંઘર્ષમાં દખલ કરી છે. તેમણે આ દળ દ્વારા દેશની કેટલીક સોનાની ખાણો પર નિયંત્રણ મેળવવા સહિત કેટલાંક આર્થિક હિતો પણ વિકસાવ્યાં છે.

આરએસએફ પર જૂન 2019માં 120થી વધુ વિરોધીઓના નરસંહાર સહિત માનવાધિકારોના હનનનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

સેનાની બહાર આટલી મજબૂત તાકતને દેશમાં અસ્થિરતાના સ્ત્રોત તરીકે જોવામાં આવે છે.

સૈન્ય શા માટે લડાઈ કરી રહ્યું છે?

લાંબા સમયથી સેવા આપનાર રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીરની 2019માં હકાલપટ્ટી બાદ તણાવગ્રસ્ત પરિસ્થિતિનો આ એક નવો ઍપિસોડ છે.

તેમના લગભગ ત્રણ દાયકા લાંબા શાસનનો અંત લાવવા માટે મોટાં વિરોધપ્રદર્શનો થયાં હતાં અને સેનાએ તેમનાથી છુટકારો મેળવવા બળવો કર્યો હતો.

જોકે, નાગરિકોએ લોકશાહી શાસનમાં પાછા ફરવા માટે અભિયાન યથાવત્ રાખ્યું હતું. ત્યાર પછી સંયુક્ત સૈન્ય-નાગરિક સરકારની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ તે ઑક્ટોબર 2021માં બીજા એક બળવા દ્વારા ઉથલાવી દેવામાં આવી હતી. અને ત્યારથી જ જનરલ બુરહાન અને જનરલ દગાલો વચ્ચેની દુશ્મનાવટ વધી ગઈ છે.

ગત ડિસેમ્બરમાં નાગરિકોના હાથમાં સત્તા પાછી આપવા માટે એક ફ્રેમવર્ક ડીલ માટે સહમતિ થઈ હતી પરંતુ વિગતોને અંતિમ સ્વરૂપ આપવાની વાટાઘાટ નિષ્ફળ ગઈ હતી.

આ બે માણસો શું ઈચ્છે છે?

જનરલ દગાલોએ કહ્યું છે કે 2021ની બળવાખોરી એક ભૂલ હતી અને તેમણે પોતાને અને આરએસએફને ખાર્તુમના ગણતરીના લોકો સામે જાહેર જનતાના પક્ષે હોવાને રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેમની પાસે થોડો ટેકો તો છે જ પણ ઘણા લોકોને તેમના ક્રૂર ટ્રૅક રૅકોર્ડને જોતાં આ સંદેશ પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે.

આ દરમિયાન જનરલ બુરહાને કહ્યું છે કે સૈન્ય માત્ર ચૂંટાયેલી સરકારને સંપૂર્ણ સત્તા સોંપશે.

જોકે, શંકાઓ છે કે લશ્કરી માણસો અને તેમના સમર્થકો બંને ચિંતિત છે કે જો તેમને તેમના શક્તિશાળી હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો તેમની સંપત્તિ અને પ્રભાવનું શું થશે?

આ ઘટનામાં અન્ય દેશો શું કરી શકે ?

એવી શંકા છે કે આ હિંસા દેશના વધુ ટુકડા કરી શકે છે. રાજકીય માહોલ બગાડી શકે છે અને તેનો પ્રભાવ પાડોશી રાજ્યોમાં પણ પહોંચી શકે છે.

આ દેશને નાગરિક શાસનમાં પાછા ફેરવવાના પ્રયાસોમાં રાજદ્વારીઓ પણ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ બંને પક્ષો વચ્ચે વાટાઘાટ માટેનો માર્ગ શોધવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે.

કેન્યા, દક્ષિણ સુદાન અને જિબુટીના રાષ્ટ્રપ્રમુખો ખાર્તુમ જવા માટે સહમત થયા હતા, પરંતુ એ અસ્પષ્ટ છે કે તેઓ યાત્રા કરી શકશે કે નહીં. કારણ કે હાલ આ દેશમાં કોઈ વિમાનને ઊતરવાની કે ઉડાન ભરવાની મંજૂરી નથી.

યુકે, યુએસ અને ઈયુએ તમામ સંકટના ઉકેલ માટે યુદ્ધવિરામ અને વાટાઘાટોની હાકલ કરી છે.