અમદાવાદ : વકીલનું ભણીને હવે રોજના 20 હજાર ખાખરા બનાવતા સેજલ પટેલની કહાણી

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ધંધો શરૂ કરતાં અને ગોઠવાતાં વર્ષોના વર્ષ નીકળી જતા હોય છે, પણ અમદાવાદનાં સેજલ પટેલે ખાખરાના વ્યવસાયમાં ઝુકાવ્યા પછી છ જ મહિનામાં તેમના ખાખરા ગુજરાત ઉપરાંત દેશવિદેશમાં વેચાતા થયા. 30 જાતના ખાખરા તેઓ બનાવે છે.

અમદાવાદની ભાગોળે સાંતેજ વિસ્તાર આવેલો છે. નાના મોટા ઔદ્યોગિક એકમોથી ધમધમતા એ વિસ્તારમાં સેજલબહેન પટેલનું ખાખરા બનાવવાનું એકમ છે. ત્યાં જાવ એટલે બહારથી જ ખાખરાની સુગંધ આવવા માંડે.

સવારે નવ વાગ્યે સેજલબહેન પટેલની સાથે વીસેક બહેનો કામે જોતરાઈ જાય અને સાંજે છએક વાગ્યા સુધીમાં ચારસો કિલો એટલે કે વીસ હજારથી વધુ ખાખરા બનાવી નાખે છે.

લોટ બાંધવાથી માંડીને ખાખરા શેકાય ત્યાં સુધીનું મોટા ભાગનું કામકાજ મશીન પર થાય છે. ખાખરાનો મસાલો સેજલબહેન પોતે તૈયાર કરે છે.

કેટલા સ્વાદના ખાખરા તમે બનાવો છો? એના જવાબમાં સેજલબહેન હસતાં હસતાં કહે છે કે, “રોજ એક સ્વાદનો ખાખરો ખાવ તો પણ ફરી એનો વારો આવતાં મહિનો લાગી જાય. એટલે કે ત્રીસ સ્વાદના ખાખરા અમે બનાવીએ છીએ.”

તેમને ત્યાં કામ કરતાં કાજલ મકવાણા ખાખરાના લૂઆ ઇલેક્ટ્રોનિક તાવડી પર મૂકતાં મૂકતાં કહે છે કે, “અમે જે સ્વાદના ખાખરા તૈયાર કરીએ છીએ એમાં મેથી, મન્ચુરિયન, પાણીપુરી, પાઉંભાજી, પીત્ઝા, ચીઝ વગેરે સામેલ છે.”

એલએલબીનો અભ્યાસ અને પછી ખાખરાનો વ્યવસાય...

સેજલબહેન પટેલે એમકોમ, બીએ, એલએબીનો અભ્યાસ કર્યો છે. તેઓ વિદ્યાર્થીઓને ભણાવવાના ક્લાસિસ લેતા હતા. દરમ્યાન 2020માં તેમને લકવાની અસર થઈ હતી. છ મહિના સુધી તેઓ પથારીવશ રહ્યાં હતાં.

એ પછી શરીર સારું થયું ત્યારે તેમણે નક્કી કર્યું કે હવે ક્લાસિસ નથી લેવા પણ અન્ય કોઈ કામધંધો કરવો છે.

આથી તેમણે સૌપ્રથમ નાસ્તા વગેરેનું વેચાણ શરૂ કર્યું. એમાંથી તેમને વિચાર આવ્યો કે જો આપણે જ ઉત્પાદન કરીને વેચીએ તો નફો પણ સારો મળી શકે. એ રીતે ખાખરાનું ઉત્પાદન શરૂ કર્યું.

દોઢેક વર્ષ અગાઉ તેમણે જ્યારે વ્યવસાય શરૂ કર્યો ત્યારે શરૂઆતનો એક મહિનો તો ખાખરાના નમૂના તૈયાર કરીને ચાખવા માટે જ મોકલતા હતા. ધંધો ગોઠવાતા છ મહિના થયા હતા.

તેઓ જણાવે છે કે, હું પહેલાં વિદ્યાર્થીઓને ભણાવવાના ક્લાસિસ લેતી હતી. પછી બેએક વર્ષ ઘરે જ બેસી રહી. દરમ્યાન વિચાર આવ્યો કે મને ભોજન રાંધવાનો શોખ છે તો ખાખરાનો વ્યવસાય શરૂ કરી શકાય. આપણો પોતાનો વ્યવસાય તો ખરો.

“એ રીતે દોઢેક વર્ષ પહેલાં પા...પા...પગલી ભરવાની શરૂઆત કરી અને આજે અમારા ખાખરા ગુજરાતભરમાં તો ઠેર ઠેર જાય જ છે, ઉપરાંત મુંબઈ, દિલ્હી, પુણે તેમજ અમેરિકા અને લંડન સુધી જાય છે.”

તમે જ્યારે ખાખરાના વ્યવસાયમાં ઝુકાવ્યું ત્યારે મનમાં કેવા સવાલ હતા? સેજલબહેન કહે છે કે, “થોડી અવઢવ અને ડર હતાં. આ ધંધો ચાલશે કે નહીં? ખાખરા તૈયાર કરીશું તો વેચાશે કે નહીં? કામ માટે બહેનો મળશે કે નહીં?”

“એકસરખા સ્વાદના ખાખરા બનાવામાં ફાવટ આવશે કે નહીં? મસાલા કેવી રીતે તૈયાર કરશું? વગેરે સવાલ હતા. શરૂઆતના છ મહિના સુધી થોડો સંઘર્ષ, થોડી સફળતા અને સખળડખળ બધું સાથે ચાલ્યું. ધંધો ગોઠવાઈ ગયા પછી તો અમારા ખાખરા છેક વિદેશની ધરતી સુધી પહોંચવા માંડ્યા હતા.”

વેચાણ વિભાગ સેજલબહેનના પતિ સંભાળે છે

ખાખરાનો તમામ મસાલો અને માપ સેજલબહેન પોતે મેળવે છે. સેજલબહેનના પતિ સિદ્ધાર્થ પટેલ ખાખરાના વેચાણનું કામ સંભાળે છે.

તેઓ કહે છે કે, “પ્રાઇમ મિનિસ્ટર ઍમ્પલૉયમૅન્ટ જનરેશન પ્રોગ્રામની સરકારની જે યોજના છે તે અંતર્ગત અમને આ વ્યવસાય શરૂ કરવામાં આર્થિક મદદ મળી છે. અમારે ત્યાં ખાખરા ઉત્પાદનનું મશીન છે તે 200 કિલો ક્ષમતાનું છે.''

''જગ્યા ભાડે રાખવાથી લઈને બધી ગોઠવણ સાથે 28-30 લાખમાં આ પ્રકારના વ્યવસાયની શરૂઆત કરી શકાય. 100 કિલો ખાખરા ઉત્પાદનનું નાનું મશીન પણ આવે છે. તેથી પંદરેક લાખની મૂડી સાથે પણ આ વ્યવસાય શરૂ કરી શકાય છે. સરકારની યોજના પણ મદદરૂપ થાય છે.”

સેજલબહેનને એ વાતનો સંતોષ છે કે આ વ્યવસાયથી વીસેક બહેનોને નાનું મોટું કામ મળી રહી છે. દિવાળી વગેરે તહેવારો નજીક હોય ત્યારે તેમને ત્યાં ખાખરાની માગ વધુ રહે છે.

એ દિવસોમાં તેમનું કામ વધી જાય છે અને પૈસા પણ વધુ કમાય છે.