You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિદેશમાં ગુજરાતી સ્વાદની યાદને અકબંધ રાખતી મીઠાઈ ફરસાણની દુકાનો
- લેેખક, ધ્રુતિ શાહ
- પદ, બિઝનેસ રિપોર્ટર
પારિવારિક માલિકીની ખાદ્યસામગ્રીની દુકાન પોપટ મીઠાઈ ઍન્ડ ફરસાણનાં માલિક વિજયા પોપટ અને તેમનાં મહિલા કર્મચારીઓની ટીમ વિવિધભાષી ગ્રાહકોની માગ સંતોષવામાં એટલાં વ્યસ્ત હોય છે કે તેમને શાંતિથી બેસવાનો સમય સુધ્ધાં મળતો નથી ત્યારે તેઓ કોઈ પત્રકાર સાથે કેવી રીતે વાત કરે.
વિજયા પોપટે ભારતીય મીઠાઈઓ તથા ફરસાણ વેચવા માટે બ્રિટનના લેસ્ટરમાં 2011માં બિઝનેસ શરૂ કર્યો હતો.
શરૂઆતમાં તેમાં માત્ર બે કર્મચારી હતા અને આજે તેની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. તેમણે 2018થી ઓનલાઈન ઑર્ડર લેવાનું પણ શરૂ કર્યું હતું.
ઇસ્ટ મિડલૅન્ડ્ઝ શહેર અને તેની આગળના ક્ષેત્રમાં વસેલા દક્ષિણ એશિયન મૂળના લોકોને સેવા આપતી આ દુકાનના માલનું વેચાણ કોરોના વાઇરસની રોગચાળા દરમિયાન આભ આંબી ગયું હતું, કારણ કે ગ્રાહકો તેમને વધુ માફક આવે તેવું, તેમના પૂર્વજો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા સહિતના દેશોમાંથી જે સ્વાદ બ્રિટન લાવ્યા હતા એવા સ્વાદવાળું ભોજન આરોગવા ઇચ્છતા હતા.
વિજયા પોપટના પુત્ર શ્યામે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, “મારાં મમ્મી બિઝનેસ ચલાવતાં મહિલા તરીકે સમુદાયમાં બહુ જાણીતાં છે અને ચોક્કસ સામગ્રી મેળવવા માટે બધા લોકો એમની સાથે વાત કરવા ઇચ્છતા હોય છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “વસાહતીઓની પહેલી પેઢી કે તાજેતરમાં બ્રિટન આવેલા લોકો જ અમારા ગ્રાહકો નથી. વસાહતીઓની બીજી પેઢીના લોકો પણ તેમના પરિવારો માટે અમારી પાસેથી ખાદ્યસામગ્રી ખરીદે છે અને ઓનલાઈન વેચાણ વધી રહ્યું છે.”
શ્યામ પોપટે કહ્યું હતું કે, “રોગચાળા દરમિયાન અમારી વેબસાઈટ તારણહાર બની હતી. હવે લૉકડાઉનનો અંત આવ્યો છે ત્યારે તે અમારા બિઝનેસનો એક ધમધમતો હિસ્સો બની ગઈ છે. અમારા કુલ વેચાણમાં ઓનલાઈન સેલનો હિસ્સો 25થી 33 ટકા જેટલો છે.”
દક્ષિણ એશિયાના દેશોમાંથી પ્રોડક્ટ્સની આયાત કરવા ઉપરાંત તેઓ કેન્યામાંથી પણ ખરીદી કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વના આ વસાહતીઓ દેશો વચ્ચેના વેપારને જે પ્રકારે વેગવંતો બનાવી રહ્યા છે તેનું આકલન કરવું મુશ્કેલ છે, પરંતુ સરકારો આવા સ્થળાંતરિત લોકો અને તેમના પૂર્વજોના આર્થિક મહત્ત્વથી બરાબર વાકેફ છે.
કેન્યાએ સપ્ટેમ્બર-2022માં જાહેરાત કરી હતી કે વિદેશમાં રહેતા કેન્યાના લોકો માટે નવું મંત્રાલય બનાવવામાં આવશે.
ડાયસ્પોરામાં લોકોની ચોક્કસ સંખ્યા જાણવી મુશ્કેલ
ડાયસ્પોરા એટલે કે પરદેશમાં વસેલા અન્ય દેશોના લોકોનું પ્રમાણ. સંયુક્ત રાષ્ટ્રસંઘના ઇન્ટરનેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ માઇગ્રેશન(આઈઓએમ)ના 2022ના વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ મુજબ, હાલ વિશ્વમાં 281 મિલિયન લોકો તેઓ જ્યાં જન્મ્યા હતા તેનાથી અલગ દેશમાં રહે છે.
આ પ્રમાણ વિશ્વની કુલ વસતીના 3.6 ટકા જેટલું છે એટલે કે પ્રતિ 30 વ્યક્તિએ એક વ્યક્તિનું છે. જે લોકો વતન છોડીને પરદેશ ગયા હતા અને એ દેશમાં જન્મેલાં તેમનાં સંતાનોનો અને તેમના ભૂતપૂર્વ સ્થળાંતરકર્તાઓના વંશજોનો સમાવેશ તેમાં થતો નથી.
આ કારણસર આઇઓએમ તેમને માઇગ્રન્ટ્સ અને ડાયસ્પોરા એમ અલગ-અલગ રીતે વર્ગીકૃત કરે છે. ડાયસ્પોરામાં ભૂતપૂર્વ સ્થળાંતરકર્તાઓના વંશજોનો સમાવેશ થાય છે. “આવા લોકોની ઓળખ અથવા પોતાપણાની વાસ્તવિક કે પ્રતીકાત્મક ભાવના તેમના સ્થળાંતરના અનુભવ તથા પૃષ્ઠભૂમિને કારણે આકાર પામી છે.”
આવા લોકોની સંખ્યા અબજોમાં હશે, પરંતુ તેમનો ચોક્કસ આંકડો આપવો મુશ્કેલ છે, કારણ કે તે વ્યક્તિની સાંસ્કૃતિક ઓળખના આધારે નક્કી થતું હોય છે. આઈઓએમે 2020માં જણાવ્યું હતું કે વૈશ્વિક ડાયસ્પોરાનું ચોક્કસ પ્રમાણ નક્કી કરવાના કોઈ પ્રયાસ પણ હાલ થતા નથી.
એક વાત નક્કી છે કે સ્થળાંતરીત (માઈગ્રન્ટ) લોકોની ઉદ્યોગસાહસિકતાની ભાવનાને લાંબા સમયથી પિછાણી લેવામાં આવી છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના 2010ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે માઈગ્રન્ટ ઉદ્યોગસાહસિકો, જે તે દેશના મૂળ ઉદ્યોગસાહસિકોની સરખામણીએ વધારે શિક્ષિત છે અને તેઓ નવા બિઝનેસનું સર્જન કરે તેવી શક્યતા વધારે હોય છે.
દેશ-વિદેશના લોકોમાં પ્રચલિત
વિજયા પોપટ અને લેસ્ટરમાંની તેમની ધમધમતી દુકાન જેવા બિઝનેસ મોટાભાગે તેમના ભૂતપૂર્વ દેશમાંથી ફૂડ, વસ્ત્રો અને અન્ય સામગ્રીની આયાત કરતાં હોય છે. ભારતે ગયા વર્ષે બ્રિટનમાં 10.4 અબજ ડૉલરના મૂલ્યની નિકાસ કરી હતી. આ નિકાસમાં વિજયા પોપટના સ્ટોર અને તેમના જેવા અન્ય બિઝનેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
પેરિસમાં સ્થાયી થયેલા ઓલિવિયર હબિયામ્બેરે યુરોપમાં કેન્યાના નિકાસ વધારવામાં મદદરૂપ થાય છે. તેઓ કેન્યન ડાયસ્પોરા માર્કેટ નામની વેબસાઈટના સ્થાપક છે. આ વેબસાઈટ મારફત કેન્યામાંથી ફૂડ તથા વસ્ત્રોની જથ્થાબંધ આયાત અને તેનું સમગ્ર યુરોપ ખંડમાંના ગ્રાહકોને વેચાણ કરવામાં આવે છે.
કેન્યામાં ઉછરેલા ઓલિવિયર અભ્યાસ માટે પેરિસ આવ્યા અને કેન્યા તથા ઈસ્ટ આફ્રિકાના અન્ય લોકોને મળ્યા ત્યારે તેમને આ બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે “બધાને કેન્યાની પ્રોડક્ટ્સ જોઈતી હતી, પરંતુ સમસ્યા તેને કેન્યાથી અહીં લાવવાની હતી. લોકો કેન્યા જતા ત્યારે ત્યાંથી જરૂરી પ્રોડક્ટ્સ લાવતા હતા, પરંતુ તેઓ દર વર્ષે એવું કરી શકતા ન હતા.”
તેથી તેમણે યુરોપમાં વસતા મૂળ કેન્યાના લોકો, તેમના વતનની પ્રોડક્ટ્સ ખરીદી શકે એ હેતુસર પોતાનો બિઝનેસ એપ્રિલ-2022માં શરૂ કર્યો હતો. ઓલિવિયરે જણાવ્યુ હતું કે મૂળ કેન્યાના લોકોના વોટ્સએપ ગ્રૂપ્સમાં આ માહિતીનો પ્રસાર થવાની સાથે તેમનો બિઝનેસ સતત વૃદ્ધિ પામી રહ્યો છે.
કેન્યન ડાયસ્પોરા માર્કેટ કેન્યાના માઈગ્રન્ટ્સ પર આધારિત છે, જ્યારે ગ્લાસગો સ્થિત અગોરા ગ્રીક ડેલિકસીઝ નામની વેબસાઈટના ગ્રાહકોમાં બ્રિટનમા વસતા મૂળ ગ્રીક લોકો કરતાં બિન-ગ્રીક લોકોનું પ્રમાણ વધુ છે.
ક્રિસ્ટિના લાયરોપૌલોવ અને માઈકલ લાયરોપૌલોવે એક દાયકા પહેલાં આ વેબસાઈટ શરૂ કરી હતી. ક્રિસ્ટિના અને માઈકલ બ્રિટન ભણવા આવ્યાં હતાં. તેમને ત્યાં હવે 14 લોકો કામ કરે છે અને તેઓ લોકો માટે અને રેસ્ટોરાં, કેફે તથા અન્ય બિઝનેસ માટે ગ્રીક ફૂડ તથા પીણાંની આયાત કરે છે.
ક્રિસ્ટિનાએ કહ્યું હતું કે “અમે ગ્રીસના પ્રવાસે જતા કે ગ્રીક દોસ્તો ધરાવતા બ્રિટનના લોકો માટે બિઝનેસ વિસ્તારવાનું શરૂ કર્યું અને લૉકડાઉનના પહેલા કેટલાક મહિનાઓમાં જ અમારા વેચાણમાં આશરે 1,000 ટકાનો વધારો થયો હતો.”
માઈગ્રેશન અને ડાયસ્પોરા સમસ્યાસર્જક હોય છે?
યુનિવર્સિટી ઓફ લોંગબોરોમાં બિહેવિયરલ અને ડેટા સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત પ્રોફેસર પ્રજ્ઞા અગ્રવાલ પોતાના માટે તથા બ્રિટનમાંના તેમના પરિવાર માટે ભારતથી મગાવવામાં આવતી પ્રોડક્ટ્સ નિયમિત રીતે ખરીદે છે.
પ્રોફેસર પ્રજ્ઞાએ કહ્યું હતું કે “અંગત રીતે કહું તો આ માતૃ તથા પિતૃભૂમિ સાથેનો સંપર્ક જાળવી રાખવાની વાત છે.”
ભારતીય કેરી પ્રત્યેના તેમના પ્રેમનું વર્ણન કરતાં હસી પડેલા પ્રોફેસર પ્રજ્ઞાએ સ્વીકાર્યું હતું કે ખાસ કરીને રોગચાળાના સમયમાં તેઓ એક ચોક્કસ ઓનલાઈન સ્ટોર મારફતે તેમને પસંદ કેરી મગાવતાં હતાં.
તેમણે કહ્યું હતું કે “ભારતમાં હું મોટી થતી હતી ત્યારે દરેક ઉનાળામાં, દરરોજ, બન્ને વખત ભોજન કરતી વખતે અમે કેરી ખાતા હતાં.”
યુનિવર્સિટી ઓફ સધર્ન ડેન્માર્કમાં એસોસિએટ પ્રોફેસર મારિયા એલોએ ડાયસ્પોરા તથા વેપાર વિશે સંખ્યાબંધ પુસ્તકો અને લેખો લખ્યા છે.
પ્રોફેસર મારિયાએ જણાવ્યું હતું કે માઈગ્રન્ટ્સ વિશે ચર્ચા થતી હોય ત્યારે તેમાં ચોકસાઈ રાખવી જરૂરી હોય છે.
એક ધારણા એવી છે કે માઈગ્રેશન અને ડાયસ્પોરા સમસ્યાસર્જક હોય છે. આ વાતને પ્રોફેસર મારિયાએ નકારાત્મક સૂચિતાર્થ સાથેનો સંકુચિત દૃષ્ટિકોણ ગણાવી હતી, પરંતુ ઉમેર્યું હતું કે બિઝનેસ અને અર્થતંત્રના સંદર્ભમાં તેનું હકારાત્મક પાસું પણ હોય છે.
પ્રોફેસર મારિયાએ જણાવ્યું હતું કે ડાયસ્પોરા ઉદ્યોગસાહસિકો ચપળ અને ક્રોસ-ઓવર પ્રોડક્ટ્સને પ્રોત્સાહિત કરવા હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું છે.
તેમણે કહ્યું હતું કે “આપણે બધા ઇટાલિયન નથી, પણ પિઝા ખાઈએ છીએ. પિઝા ઇટાલીની સીમાને ક્યારના ઓળંગી ગયા છે.”
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો