You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ઘર બનાવવું હતું એટલે તે અમેરિકા ગયો અને તણાઈ ગયો', નદીમાં તણાયેલાં માઇગ્રન્ટ પિતા-પુત્રીના પરિવારજનો
અલ સલ્વાડૉરની સરકારે લોકોને ચેતવણી આપી છે કે તેઓ અમેરિકામાં ઘૂસવાની કોશિશમાં પોતાના જીવ જોખમમાં ન મૂકે.
રિયો ગ્રૅન્ડ નદીમાં એક વ્યક્તિ અને તેની દીકરીનું ડૂબીને અવસાન થયા બાદ સરકારે આ જાહેરાત કરી છે.
પિતા અને તેમની 23 મહિનાની પુત્રીની તસવીક વિચલિત કરી નાંખે તેવી છે, તેના પર લોકોએ કડક પ્રતિસાદ આપ્યો છે.
આ દરમિયાન અમેરિકા અને મૅક્સિકોએ કોઈ દસ્તાવેજ વિના આવતા વિદેશીઓ પર નિયંત્રણ રાખવા માટે કડક પગલાં લીધાં છે, તેમાંથી મોટા ભાગના લોકો મધ્ય અમેરિકાથી આવે છે.
તાજેતરમાં આ પ્રકારની ઘટનામાં છ લોકોનાં મૃત્યુ થયાં છે.
ચેતવણીઃ આ અહેવાલની તસવીરો આપને વિચલિત કરી શકે છે
આ દેશોમાંથી આવતા લોકોનું કહેવું છે કે તેઓ હોંડુરાસ, ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરથી ભાગી રહ્યા છે, કારણ કે ત્યાં બહુ હિંસા થઈ રહી છે અને ગરીબી બહુ છે. તેઓ અમેરિકામાં શરણ લેવાની કોશિશમાં અહીં આવે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની ટીકા કરતા લોકોનો આક્ષેપ છે કે માઇગ્રન્ટ્સ માટેની તેમની નીતિઓના કારણે જ લોકો અમેરિકા આવવા માટે આવા જોખમી રસ્તા અપનાવે છે.
વર્ષ 2018માં અમેરિકા-મૅક્સિકો સીમા પર ઓછામાં ઓછા 283 માઇગ્રન્ટ્સ માર્યા ગયા હતા. આ આંકડો યુએસ બૉર્ડર પેટ્રોલનો છે. જ્યારે માનવ અધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે આ આંકડો ઘણો મોટો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નદીના તેજ વહેણમાં તણાઈ ગયા
25 વર્ષના ઑસ્કર અલ્બર્ટો માર્ટિનેજ રામીરેજ પોતાની દીકરી વલેરિયા સાથે રવિવારે મૅક્સિકોના માટામોરોસથી અમેરિકાના ટેક્સાસ આવવાની કોશિશ કરી રહ્યા હતા.
તેમની અને તેમની પુત્રીની પાણીમાં તરતી તસવીર પત્રકાર જુલિયા લી ડકે સોમવારે લીધી હતી. તે મૅક્સિકોના અખબાર લો જોર્નાડાએ છાપી હતી.
માનવામાં આવી રહ્યું છે કે પિતા અને પુત્રી રિઓ ગ્રૅન્ડના તેજ વહેણમાં તણાઈ ગયા. રામીરેજનાં પત્ની તાનિયા વેનેસા અવાલોસે સમાચાર એજન્સી એપીને જણાવ્યું કે તેઓ છેલ્લા બે મહિનાથી માનવીય વીઝા પર મૅક્સિકોમાં રહેતાં હતાં.
કાયદેસર રીતે શરણ લેવા માટે અમેરિકાના અધિકારીઓને મળી ન શકવાથી નિરાશ અને પરેશાન રામીરેજે નદી પાર કરીને અમેરિકામાં પ્રવેશવાનો નિર્ણય કર્યો.
તેમનાં પત્નીએ મૅક્સિકોની પોલીસને જણાવ્યું કે રામીરેજ પોતાની દીકરી સાથે જ નદી પાર કરવામાં સફળ થઈ ગયા હતા પરંતુ તેઓ જ્યારે તેમનાં પત્નીને લેવા પાછા ફર્યા તો દીકરી ગભરાઈ ગઈ અને નદીમાં કૂદી ગઈ. રામીરેજ દીકરી સુધી પહોંચ્યા તો ખરા પણ બંને નદીના તેજ વહેણમાં ડૂબી ગયા.
બીજી તરફ રામીરેજનાં માતાએ એજન્સી એપીને જણાવ્યું કે તેમણે પોતાના દીકરાને નહીં જવા માટે કહ્યું હતું,પણ તેને પૈસા કમાવીને પોતાના માટે એક ઘર બનાવવું હતું.
વિદેશમંત્રીની અપીલ
અલ સલ્વાડોરના વિદેશમંત્રી ઍલેક્ઝેન્ડ્રા હિલે કહ્યું કે ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવવા માટે જીવ જોખમમાં ન મૂકો.
મૅક્સિકોની સરકારે કહ્યું કે તે બંનેના મૃતદેહ પોતાના ખર્ચે પરત લાવશે અને પરિવારજનોની જે પણ જરૂરિયાત હશે એ પૂરી કરવામાં આવશે.
મૅક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રે મૅનુઅલ લોપેઝ ઓબ્રાડોરે પણ લોકને ચેતાવણી આપી છે કે તેઓ આવું ન કરે અને આ પિતા-પુત્રીનાં મૃત્યુ અંગે અફસોસ પણ વ્યક્ત કર્યો છે.
વેટિકન તરફથી પણ નિવેદન આવ્યું છે, જેમાં કહેવાયું છે કે પૉપ ફ્રાન્સિસે તસવીર જોઈ છે અને તેમને બહુ દુઃખ થયું છે.
આ તસવીરની સરખામણી સીરિયાના છોકરા એલેન કુર્દી સાથે થઈ રહી છે, જે સીરિયાના યુદ્ધમાં માનવીય ક્રુરતાનો પ્રતીક બની ગયો હતો.
આ જ મહિનાની શરૂઆતમાં મૅક્સિકો અને અમેરિકા વચ્ચે એક સમજૂતી થઈ હતી, તેમાં ગેરકાયદેસર માઇગ્રેન્ટ્સના પ્રવેશ પર નિયંત્રણ લાવવાની વાત કરવામાં આવી હતી.
ત્યાર બાદ મોટી સંખ્યામાં દસ્તાવેજ વિનાના પ્રવાસીઓને પરત મોકલાવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકોને પકડવામાં આપણ આવ્યા છે. આ સંખ્યા પહેલાં કરતાં વધી છે.
આ દરમિયાન અમેરિકાની પ્રતિનિધિ સભામાં ડેમૉક્રેટ્સે અમેરિકા-મૅક્સિકો સીમા પર લોકોને મદદ માટે 4.5 અબજ ડૉલરની રકમ મંજૂર કરી છે, પરંતુ આ ઠરાવને રિપબ્લિકનની બહુમતિવાળી સેનેટમાં મુશ્કેલી પડી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો