You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ :'પહેલાં ખભે કાગળ વીણવાનો થેલો રહેતો, હવે પર્સ લઈને ફરીએ છીએ'-વિશાળ કંપનીઓ માટે સ્ટેશનરી બનાવતી મહિલાઓ
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
આ કહાણી છે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કાગળનું નાનું કારખાનું ચલાવતી મહિલાઓની. જ્યાં કોઈ મહિલા મશીન પર કાગળનો જથ્થો કટ કરતાં દેખાશે તો કોઈક ચોપડી તૈયાર કરતાં દેખાશે તો કોઈક પન્ચિંગ મશીન પર કામ કરતાં દેખાશે.
પોતે પાલીબહેન ભલે સાત ધોરણ સુધી જ ભણ્યાં છે પરંતુ તેઓ ગીતાંજલિ સંસ્થાનનાં પ્રમુખ છે. આ મંડળીની શરૂઆત થઈ ત્યારે માત્ર પાંચ જ મહિલાઓ જોડાઈ હતી, હવે 200 મહિલાઓ અહીં કામ કરે છે.
કારખાનામાં કામ કરતી મહિલાઓ માત્ર દસમું કે બારમું ધોરણ જ ભણેલી છે અને મોટાં-મોટાં મશીનો ચલાવે છે.
જાણીતી કંપનીઓ આ મહિલાઓ પાસે સ્ટેશનરી તૈયાર કરાવીને સમયાંતરે મગાવતી રહે છે. આ મહિલાઓએ ધીમે-ધીમે રિસાઇકલ કાગળમાંથી સ્ટેશનરી બનાવાવનું શરૂ કર્યું. સગવડ અને જરૂરિયાત મુજબ તેઓ એક પછી એક મશીન તેમજ સામગ્રી વસાવતાં ગયાં.
"પહેલાં અમે ખભે થેલો લઈને ફરી-ફરીને કચરામાંથી કાગળ વીણતાં હતાં. હવે અમે ખભે થેલો નહીં પણ હાથમાં પર્સ લઈને જઈએ છીએ. પહેલાં અમને લોકો એય...કચરો વીણવાવાળાં બહેન."
"એમ કહીને બોલાવતા હતા. હવે મને મારા નામથી પાલીબહેન કહીને બોલાવે છે. અમે કચરાના રિસાઇકલ કાગળમાંથી નોટબુક, ફાઇલ વગેરે સ્ટેશનરી બનાવીએ છીએ."
આ શબ્દો છે અમદાવાદનાં પાલીબહેનના.
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક નાનું કારખાનું છે. અહીં તમને માત્ર મહિલાઓ જ દેખાશે. કોઈ મહિલા મશીન પર કાગળનો જથ્થો કટ કરતાં દેખાશે તો કોઈક ચોપડી તૈયાર કરતી દેખાશે તો કોઈક પન્ચિંગ મશીન પર કામ કરતાં દેખાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાસ વાત એ છે કે આ મહિલાઓ માત્ર દસમું કે બારમું ધોરણ જ ભણેલી છે અને મોટાં-મોટાં મશીનો ચલાવે છે. કૉલેજનું પગથિયું ય નહીં ચઢેલી આ મહિલાઓ આટલે કેવી રીતે પહોંચી?
એનો જવાબ આપતાં પાલીબહેન કહે છે કે, "સહકારી મંડળીના પ્રતાપે આ શક્ય બન્યું છે. સ્વાશ્રયી મહિલાઓ માટે કામ કરતી સંસ્થા સેલ્ફ ઍમ્પ્લોઇડ વિમેન્સ ઍસોસિયેશન એટલે કે સેવાના સહયોગથી અમદાવાદમાં કાગળ વીણનારી મહિલાઓની ગીતાંજલિ સહકારી મંડળી રચાઈ."
એ મહિલાઓએ ધીમે-ધીમે રિસાઇકલ કાગળમાંથી સ્ટેશનરી બનાવાવનું શરૂ કર્યું. સગવડ અને જરૂરિયાત મુજબ એક પછી એક મશીન તેમજ સામગ્રી વસાવતાં ગયાં. જેમકે, કટિંગ મશીન, પન્ચિંગ મશીન, સ્પીડ મશીન વગેરે. મંડળી શરૂ કરી ત્યારે પાંચ જ બહેનો હતી, હવે 200 બહેનો છે.
હું બાર ચોપડી ભણી છું, પણ સંતાનોને ગ્રૅજ્યુએટ કરાવ્યાં
જ્યોત્સનાબહેન પરમાર ગીતાંજલિ સંસ્થા સાથે પંદર વર્ષથી સંકળાયેલાં છે. તેઓ પણ તેમનાં સાસુ સાથે શહેરમાં કચરામાંથી કાગળ વીણવા જતાં હતાં. હવે મશીન ચલાવીને સ્ટેશનરી બનાવે છે.
જ્યોત્સના પરમાર બીબીસીને કહે છે કે, "અહીં જોડાયાં પછી બે પાંદડે થઈ. હું તો 12 પાસ જ છું પણ આ પ્રવૃત્તિ સાથે જોડાઈ એ પછી મારાં બાળકોને ગ્રૅજ્યુએશન કરાવી શકી છું."
તેમણે વધુમાં કહ્યું કે, "પહેલાં મને લોકો કાગળ વીણવાવાળી કહેતાં, ત્યારે મને ખરાબ લાગતું. મને થતું કે શું કાગળ વીણવા એ ખરાબ કામ છે? હવે મંડળીમાં પ્રોડક્શનનું કામ કરું છું એને લીધે મને સમાજમાં ખૂબ આદર મળ્યો છે."
"કાગળ વીણવાનું કામ પણ આદરવાળું જ છે. કાગળ વીણનારી મહિલાને જે લોકો આદર ન આપે તેમના પ્રત્યે મને દયા આવે છે."
જ્યોત્સનાબહેનની વાત આગળ વધારતાં પાલીબહેન ગળગળા થઈને કહે છે કે, "મારે પતિ નથી. કાગળ વીણતી મહિલાઓને તો લોકો કેવી રીતે જોતાં હોય છે એ વિશે મારે ઝાઝું કશું કહેવાની જરૂર નથી. આજે મને આટલું માન સન્માન આ સંગઠન થકી મળ્યું છે."
પાલીબહેન ગીતાંજલિ સંસ્થાના પાયાના પત્થર છે. સાત ચોપડી ભણેલાં પાલીબહેન ગીતાંજલિ સંસ્થાનાં પ્રમુખ છે. અનુભવની પાઠશાળામાં તૈયાર થયેલાં પાલીબહેન પોતે ભલે ભણ્યાં નથી શક્યાં પણ સંતાનોને ભણાવ્યાં છે.
પાલીબહેન કહે છે કે, "મારું જીવન બાળપણથી જ કાગળ વચ્ચે રહ્યું છે. હું મારી જાતને કાગળવાળી તરીકે ઓળખાવતાં ગર્વ અનુભવું છું. મેં ગામમાં ફરીને કચરામાંથી કાગળ વીણ્યાં છે. આજે હું કાગળઉદ્યોગના કટિંગ મશીન, સ્પીડ મશીન કે પન્ચિંગ મશીન ચલાવી જાણું છું. હાથમાં કાગળ આવે એટલે મને તેના જીએસએમ(ગ્રામ્સ પર સ્ક્વૅર મીટર)ની ખબર પડી જાય છે. હું બાંગ્લાદેશમાં કાગળ વીણતી મહિલાને તાલીમ આપવા પણ ગઈ છું."
ઝાઝા હાથ રળિયામણા
પાલીબહેન જણાવે છે કે આજે તેમના આ યુનિટમાં બનતી સ્ટેશનરી પ્રોડક્ટ્સ વીપ્રો, ઇન્ફોસિસ, માઇન્ડટ્રી, એચસીએલ, લૉરિયલ જેવી કંપનીઓ મગાવતી રહે છે.
મંડળીમાં કામ કરતાં ફાલ્ગુની પરમાર કહે છે કે, "મને સ્ટેશનરી તો બધી જ બનાવતાં આવડે છે, ને મશીનો પણ ચલાવતાં આવડે છે. હાલ હું સોશિયલ મીડિયા માર્કેટિંગની પણ તાલીમ મેળવી રહી છું. અમારા ઉત્પાદનો સોશિયલ મીડિયા મારફતે કેવી રીતે વેચી શકાય એ શીખી રહી છું."
ફાલ્ગુની પણ તેમનાં મમ્મી સાથે કાગળ વીણવા જતાં હતાં. તેઓ બહેનો સાથે મળીને વિવિધ વસ્તુઓ બનાવે છે અને તેની જાણકારી મળ્યા બાદ તેમાં જોડાયાં હતાં.
તેઓ કહે છે કે, "શરૂમાં મારા પપ્પા ના પાડતા હતા કે આપણે નથી જવું. મેં જીદ પકડી કે હું ત્યાં તાલીમ લઈશ અને કામ કરીશ. પપ્પા માની ગયા અને આજે તો હું સંસ્થામાં કારોબારી સભ્ય છું."
સહકારી મંડળી બનાવવાના ફાયદા વર્ણવતા ફાલ્ગુનીબહેન કહે છે કે, "સહકારી મંડળી હોય તો સાગમટે ઑર્ડર મળે. જૂથ મોટું હોય તો કામ પણ ઝાઝા મળે. એક મહિલા કામ કરે તો ફાયદો તરત ન થાય પણ બધી મહિલાઓ મળીને કામ કરે તો એના ફાયદા ઘણા હોય છે.”
મહિલાઓ માટેની સહકારી મંડળીઓ રચીને નોંધપાત્ર કામ કરનારાં સેવા સંસ્થાના સંસ્થાપક ઈલાબહેન ભટ્ટે કહ્યું હતું કે, "જ્યારે ગામની એક મહિલા પોતાના ગામમાં ગાય દોહે ત્યારે તેને કામદાર ગણવામાં આવતી નથી,પરંતુ જ્યારે તે દૂધમંડળીમાં હોય છે ત્યારે તેને ઓળખ અને માન્યતા મળે છે. તેનું કામ દેખાય છે અને નોંધ લેવાય છે. સર્વસમાવેશી અર્થતંત્ર ઊભું કરવા માટે સંઘર્ષ અને વિકાસની આ સહિયારી રણનીતિ છે."