‘હું ભણીને મારા પતિ કરતાં વધુ કમાવું છું’, એ ગામ જ્યાં પરિવારનાં ‘મોભી’ મહિલાઓ છે

    • લેેખક, દિવ્યા આર્યા
    • પદ, બીબીસી ન્યૂઝ

પુરુષો જ પરિવારનું ગુજરાન ચલાવતા હોય અને પરિવારના તમામ નિર્ણય લેતા હોય એવા પિતૃસત્તાક સમાજમાં વધુને વધુ મહિલાઓ પરિવારનું નેતૃત્વ કરી રહી હોવાથી ભારતમાં સામાજિક પરિવર્તન જોવા મળી રહ્યું છે.

‘બધા મને મારા નામથી જાણે છે’

દેશના સૌથી ગરીબ રાજ્ય બિહારમાં ઉષાદેવીના સાધારણ ઘરમાં હું તેમની વાત સાંભળવા બેઠી હતી ત્યારે બધું બહુ સરળ, લગભગ નગણ્ય લાગતું હતું, પરંતુ 38 વર્ષનાં ઉષાદેવી માટે તે જીવનની સૌથી મોટી સિદ્ધિ હતી.

“ઓળખ નાની વસ્તુ નથી,” તેઓ ભારપૂર્વક કહેતાં હતાં, “પહેલાં ફક્ત પુરુષો જ તેમના નામથી ઓળખાતા હતા. હવે મહિલાઓ પણ તેમના નામથી ઓળખાય છે.” ઉષાદેવી 15 વર્ષનાં હતાં ત્યારે અભ્યાસ છોડાવીને તેમનાં લગ્ન કરી દેવાયાં હતાં.

તેમનું જીવન એક ઝાટકે બદલાઈ ગયું હતું અને તેઓ તેમના પતિનાં પત્ની અથવા તેમના ગામનાં વહુ તરીકે ઓળખાવા લાગ્યાં હતાં. પરિવારને પુત્રની ઇચ્છા હતી એટલે તેમને વારંવાર ગર્ભધારણ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ એક જ બાબત એવી હતી, જેના પર ઉષાનો કોઈ અંકુશ ન હતો.

તેમનાં સપનાંના તમામ રસ્તા બંધ થઈ ગયા હોય એવું લાગતું હતું, પછી એક ખાસ માર્ગ દેખાયો હતો.

વિસ્તરતા જતા પરિવારનો અર્થ એ હતો કે વધુ લોકોનું પેટ ભરવાનું છે. ગામમાં તકના અભાવને કારણે ઉષાના પતિએ કામની શોધમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. તેમનાં સંતાનોના જીવનની જવાબદારી ઉષા પર આવી પડી હતી.

સમગ્ર દેશનાં ગામડાં તથા નાનાં નગરોમાં આ કથાનું પુનરાવર્તન વારંવાર થતું રહે છે, જેમાં જરૂરિયાતને કારણે પુરુષોએ સ્થળાંતર કરવું પડે છે અને મહિલાઓ માટે તક સર્જાય છે.

સમાજશાસ્ત્રી અને વસ્તીશાસ્ત્રી પ્રો. સોનાલ્ડે દેસાઈ ઇન્ડિયા હ્યુમન ડેવલપમૅન્ટ સર્વે (આઇએચડીએસ) મારફત લિંગ અને વર્ગ અસમાનતા પર નજર રાખતાં રહ્યાં છે. આઇએચડીએસ 2005 અને 2012માં નેશનલ કાઉન્સિલ ફૉર એપ્લાઇડ ઇકૉનૉમિક રિસર્ચ, યુનિવર્સિટી ઑફ મેરીલૅન્ડ, ઇન્ડિયાના યુનિવર્સિટી અને મિશિગન યુનિવર્સિટી દ્વારા દેશનાં 41,000 ઘરને આવરી લેતું રાષ્ટ્રીય સ્તરનું સર્વેક્ષણ છે.

પ્રોફેસર દેસાઈના જણાવ્યા મુજબ, આ તકનો આધાર, સસરા તથા જેઠ કે દિયર જેવા પરિવારના અન્ય પુરુષો પર આધારિત રહેવાને બદલે પતિના પરિવારથી બહાર જવાની પત્નીની ક્ષમતા પર હોય છે.

પ્રોફેસર દેસાઈ કહે છે, “મહિલા પોતાની રીતે સ્વતંત્ર ઘર સ્થાપવા સક્ષમ હોય તેવા કિસ્સામાં નિર્ણય લેવાની, નાણાકીય જવાબદારીના વહનની ક્ષમતામાં તથા ખેતરનાં કામકાજ અને સંચાલનમાં પણ આપણને એક વાસ્તવિક પરિવર્તન જોવા મળે છે.”

પિતૃસત્તાત્મક પારિવારિક વ્યવસ્થામાં આ પરિવર્તનનું મોટું યોગદાતા આંતરિક સ્થળાંતર છે.

ભારતની છેલ્લી વસ્તીગણતરી (2011) મુજબ, 45 કરોડ લોકોએ દેશમાં આંતરિક સ્થળાંતર કર્યું હતું. તે છેલ્લા દાયકામાં 45 ટકાનો વધારો દર્શાવે છે અને તે દર, દાયકાના 18 ટકા વસ્તીવૃદ્ધિદરની સરખામણીએ બહુ વધારે છે.

પ્રોફેસર દેસાઈ માને છે કે કોવિડ પ્રેરિત ગરીબી અને રોજગારની ઘટતી તકોને કારણે આગામી વર્ષોમાં વધુ પુરુષોએ તેમના પરિવારની જવાબદારી તેમની પત્નીના હાથમાં સોંપીને સ્થળાંતર કરશે.

શિક્ષણ

પતિએ અન્ય શહેરમાં સ્થળાંતર કર્યું એ પછી ઉષાએ તેમનું સાસરું છોડી દીધું હતું. પરિવારનું ગુજરાન ચલાવવા માટે પતિ જે પૈસા મોકલતા હતા, તે અપૂરતા હતા. તેથી બાકીનાં નાણાં કમાવવા માટે તેમણે કામ શોધ્યું હતું. તેનાથી ઘરમાં પૈસા આવતા થયા હતા અને ઉષાને ઓળખ પણ મળી હતી.

સ્વતંત્ર, આત્મવિશ્વાસથી સભર ઉષાદેવી હવે તેમના ગામની મહિલાઓમાં અગ્રણી છે.

તેમના કામમાં, ગામની ગરીબ મહિલાઓને આસાન લોન આપતી એક સરકારી યોજનામાં મહિલાઓની નોંધણી કરવાનો સમાવેશ થાય છે. તેમનું જૂથ દર સપ્તાહે મળે છે, નાનું યોગદાન એકત્ર કરે છે, બૅન્કમાં જાય છે અને નાણાકીય નિર્ણયો કરે છે. આ કામ કાયમ પુરુષો કરતા હતા.

ગામમાંથી પુરુષો હવે મોટા પ્રમાણમાં સ્થળાંતર કરતા હોવાથી મહિલાઓ ઘરની બહાર નીકળી રહી છે.

આવી મહિલાઓની એક બેઠકમાં હું સામેલ થઈ હતી. તેમાં અસહમતિ અને હાસ્ય સમાન પ્રમાણમાં જોવા મળ્યાં હતાં. પુરુષો તથા પરિવારોથી સ્વતંત્ર, એકમેકને આધાર આપતા અનૌપચારિક સંગઠનમાં ભારોભાર સખીપણું જોવા મળ્યું હતું.

મુન્નીદેવીએ કહ્યું હતું, “અમે દરેક મહિલાને તેના નામથી ઓળખીએ છીએ. વધારે ભણેલા સભ્યોની મદદથી હું મારું નામ લખતાં શીખી છું, નાણાકીય વ્યવહાર કરતાં શીખી છું.”

તેમના ગ્રૂપમાં શોભાદેવી વધારે સાક્ષર સભ્યો પૈકીનાં એક છે. તેમનાં લગ્ન પણ નાની વયે કરી નાખવામાં આવ્યાં હતાં, પરંતુ બાદમાં તેઓ અભ્યાસ પૂર્ણ કરી શક્યાં હતાં. ઉષાદેવીની ગેરહાજરીમાં તેઓ કામકાજ સંભાળે છે.

શોભાદેવી કહે છે, “મારા પતિ જે પૈસા મોકલે છે તે કાયમ અપૂરતા હોય છે. એ પછી અમે મહિલાઓ એકમેકને સુખ-દુઃખમાં મદદ કરીએ છીએ. પૈસાનો વહીવટ કેવી રીતે કરવો તે શીખી લીધું હોવાથી ખર્ચ સંબંધી નિર્ણયમાં મારો અભિપ્રાય મહત્ત્વનો હોય છે.”

શોભાદેવીનો સમાવેશ એવી મહિલાઓમાં થાય છે, જેઓ તેમના પતિ કરતાં વધુ ભણેલી છે.

ઇન્ડિયા હ્યુમન ડેવલપમૅન્ટ સર્વે મુજબ, 1980ના દાયકામાં જેમનાં લગ્ન થયાં હતાં એ મહિલાઓ પૈકી માત્ર પાંચ ટકા મહિલાઓ તેમના પતિ કરતાં વધારે શિક્ષિત હતી. એ પ્રમાણ 2000 અને 2010ના દાયકામાં લગ્ન કર્યાં હોય તેવી મહિલાઓના સંદર્ભમાં વધીને 20 ટકા થઈ ગયું હતું.

પ્રોફેસર દેસાઈ કહે છે, “વડપણ એટલે સૌથી વધુ કમાતી વ્યક્તિને બદલે નિર્ણય લેવામાં સક્ષમ હોય તેવી વ્યક્તિ. આ વાત આપણે સમજીએ તો મને લાગે છે કે આ વધુ શિક્ષિત મહિલાઓને વધુ શક્તિ મળતી થશે.”

પુરુષ સાથીઓ

વધુ કમાવાની સાથે ઉષાદેવી તેમના અભ્યાસ માટે વધુ ખર્ચ કરી શક્યાં હતાં અને હવે તેમની પાસે કૉલેજની ડિગ્રી છે. વધુ અભ્યાસ કરવાના ઉષાદેવીના નિર્ણયને તેમના પતિ રણજિતે સમર્થન આપ્યું હતું.

રણજિત કહે છે, “હું તો અભણ છું. હું કશું જાણતો નથી. મારી પત્ની પણ મારા જેવી હોત તો અમારાં સંતાનો પણ મારાં જેવાં જ થયાં હોત.”

રણજિત દસ વર્ષના હતા ત્યારે તેમણે અભ્યાસ પડતો મૂક્યો હતો. પોતાની પત્ની કેટલી સ્માર્ટ છે એ જાણ્યા પછી અભ્યાસ છોડવાની પોતાની ભૂલ સમજાઈ હોવાનો એકરાર રણજિત નિખાલસતાથી કરે છે.

તેઓ કહે છે, “મારી પત્નીને કારણે મારાં સંતાનોને બહેતર ભવિષ્યની તક મળી શકશે.”

મહિલા અને પુરુષની પરંપરાગત ભૂમિકાની માન્યતાથી છલોછલ દેશમાં ઉછરેલા કોઈ પુરુષ દ્વારા આવો એકરાર દુર્લભ છે. કામની શોધમાં પુરુષો સ્થળાંતર કરે છે ત્યારે અમુક રીતે પરિવાર પરનું તેમનું નિયંત્રણ ઘટે છે અને પત્ની પરની નિર્ભરતા વધે છે.

મેં રણજિત સાથે ફોન પર વાત કરી હતી, પરંતુ તેમની વેદના સ્પષ્ટ રીતે અનુભવી શકી હતી.

તેમને ગર્વ છે કે દક્ષિણ ભારતના તામિલનાડુમાં દોરડાનું ઉત્પાદન કરતી એક ફેકટરીમાં કામ કરીને તેઓ પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. પોતે શિક્ષિત નથી અને ઘરઆંગણે કામ મળે તેવું કૌશલ્ય પણ ધરાવતા નથી. તેથી પરિવાર સાથે રહી શકતા નથી, એ વાતનો તેમને રંજ છે.

તેમ છતાં ઉષા, શોભા અને મેં જેમની સાથે વાત કરી હતી તે અન્ય મહિલાઓ ખુદને પતિ પછીના બીજા ક્રમે જ ગણે છે.

ઉષા તેમના પતિને આજે પણ પરિવારનો આધારસ્તંભ ગણે છે. તેઓ કહે છે, “હું નહીં, તેઓ મહાન છે. તેમણે મને સાથ ન આપ્યો હોત તો હું આગળ વધી જ ન શકી હોત.”

જોકે, તેમની સૌથી મોટી પુત્રી રશ્મિ માટે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. રશ્મિ કહે છે, “મેં મારી માતાને બદલાતી જોઈને તેના જેવી બનવા વિચાર્યું છે.”

રશ્મિ પરિવારની આવકમાં પૂર્તિ કરવા માટે ટ્યુશન આપે છે અને પોલીસ બનવાની તાલીમ લેવા માટે જરૂરી બચત કરવાનાં સપનાં જુએ છે. એ માત્ર કારકિર્દીનું લક્ષ્ય નથી, પરંતુ રશ્મિ તેની માતાની જેમ દાખલો બેસાડવા ઇચ્છે છે.

રશ્મિ કહે છે, “ગામના લોકોને એમ લાગવું જોઈએ કે માત્ર છોકરાઓ જ ઘર ચલાવી શકે છે. છોકરીઓનો ઉછેર યોગ્ય રીતે કરવામાં આવે અને તેમને વધુ સ્વાતંત્ર્ય આપવામાં આવે તો છોકરીઓ પણ તે કરી શકે છે.”