You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દાહોદમાં પ્રેમી સાથે મહિલાનું 'અપહરણ અને પછી સાડી ખેંચીને જાહેરમાં માર માર્યો', શું છે સમગ્ર ઘટના?
તાજેતરમાં સોશિયલ મીડિયામાં દાહોદ જિલ્લાના એક ગામનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં એક ટોળું મહિલાને અર્ધનગ્ન કરીને માર માર્યા બાદ ઢસડીને લઈ જતા હોવાનું દેખાઈ રહ્યું છે.
આ વીડિયો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલા મારગાળા ગામનો છે.
દાહોદના એસપી બલરામ મીણાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "એક પરિણિતાએ તાજેતરમાં જ પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યાં હતાં."
"જેની જાણ થતા તેમના પતિએ કેટલાક લોકો સાથે મળીને તેમનું અને તેમનાં પ્રેમીનું અપહરણ કર્યું હતું."
અપહરણ કરીને લાવ્યા બાદ પરિણીતા અને તેમના પ્રેમીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.
દાહોદના ફતેપુરા પોલીસસ્ટેશનમાં આ મામલે 10 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
દાહોદના એસપી બલરામ મીણાના જણાવ્યા અનુસાર, "આ મામલે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે."
જ્યારે મહિલાનું પોલીસની ‘શી-ટીમ’ દ્વારા કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે વાઇરલ વીડિયોમાં?
સોશિયલ મીડિયા પર આ ઘટનાના સંખ્યાબંધ વીડિયો વાઇરલ થયા હતા.
જેમાં કેટલાક પુરુષો એક મહિલાની સાડી ખેંચીને કાઢતા નજરે પડે છે. ત્યાર પછી એ સાડી અન્ય એક પુરુષના માથે બાંધવામાં આવે છે.
મહિલાને લાકડી અને હાથોથી સતત માર મારવામાં આવતો હોવાનું દેખાય છે. જેના લીધે તે એક વખત જમીન પર ઢળી પડે છે.
તમામ વીડિયોમાં પાછળ બૅકગ્રાઉન્ડમાં આદિવાસી ટીમલી ગીતો સંભળાય છે અને સાથે જ એકઠા થયેલા લોકોની ગાળો સંભળાય છે.
આ ઘટના આસપાસમાં ઊભેલા લોકો જોઈ રહ્યા હતા. કેટલાક લોકો નાચી રહ્યા હતા તો કેટલાક ચિચિયારીઓ પાડી રહ્યા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર, "અપહરણ કરીને લાવ્યા બાદ મહિલાને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ અમરસીંગ ભાભોર નામક વ્યક્તિએ એમ કહીને તેમની સાડી કાઢી નાખી હતી કે "તારી ઇજ્જત પૂરી કરી દેવાની છે."
" આમ કર્યા બાદ મહિલાને તેમના (પહેલાં) પતિ સમસુભાઈ ભાભોરના ખભે બેસાડવા માટે તેને સાડી આપી અને બાદમાં મહિલાને ઢસડીને લઈ જવામાં આવી હતી. "
"આ દરમિયાન મહિલાને સતત ગાળો બોલવામાં આવતી હતી અને લાકડી અને હાથ વડે માર મારવામાં આવ્યો હતો."
શું હતી સમગ્ર ઘટના?
બીબીસીના સહયોગી પત્રકાર દક્ષેશ શાહના જણાવ્યા અનુસાર, " મારગાળા ગામે રહેતી એક પરિણીતાનાં લગ્ન 10 વર્ષ પહેલાં ગામમાં જ રહેતાં સમસુભાઈ ભાભોર સાથે થયાં હતાં. લગ્નજીવન દરમિયાન પરિણીતા તથા તેના પહેલાં પતિ વચ્ચે કોઈ અણબનાવને પગલે તે પતિને છોડીને પોતાના મામાને ઘરે જતાં રહ્યાં હતાં."
"ત્યાર પછી એક વર્ષથી ફતેપુરાના ઝવેસી ગામે રહેતાં કાંતિ સાથે રહેતાં હતાં."
દાહોદના એસપી બલરામ મીણાએ કહ્યું કે "ગત 27મી મેના રોજ બંને ગામમાં લગ્નપ્રસંગમાં આવ્યાં હતાં. તે જ સમયે મહિલાના પ્રથમ પતિ તથા તેના બે ભાઈઓએ આ બાબતની અદાવત રાખી લગ્નસ્થળેથી પરિણીતાનું અપહરણ કર્યું હતું."
અપહરણ કર્યા બાદ બંનેને મારગાળા ગામે લઈ લાવવામાં આવ્યાં હતાં. જ્યાં બંનેને અઢળક માર મારવામાં આવ્યો હતો.
તે સમયે સ્થળ પર હાજર વ્યક્તિએ ઘટનાનો વીડિયો ઉતારી લીધાં બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
દાહોદના એસપી બલરામ મીણાના જણાવ્યા પ્રમાણે, "મહિલાએ પોતાના પ્રથમ પતિ સાથે છૂટાછેડા લીધા નહોતા. લગ્નજીવનમાં ખટરાગ બાદ તેઓ અલગઅલગ રહેતા હતા. "