You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉનમાં નોકરી ગુમાવ્યા પછી અમિતાએ રસોઈના શોખને કેવી રીતે સફળ બિઝનેસ બનાવ્યો?
- લેેખક, માનસી દેશપાંડે
- પદ, બીબીસી મરાઠી માટે
અમિતાને 2020ની સાત જુલાઈનો દિવસ બરાબર યાદ છે. તેમણે એમસીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ એક આઈટી કંપનીમાં કામ કરતાં હતાં. એ દિવસે કામ શરૂ કરવા માટે તેમણે સિસ્ટમમાં લોગ-ઇન કર્યું અને એક મૅસેજ જોવા મળ્યો.
એ મૅસેજ મુજબ, કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે અમિતાની બેઠક યોજવામાં આવી હતી અને તે બેઠકમાં અમિતાના બીજા કોઈ સાથી હાજર ન હતા.
એ કોરોનાની પ્રથમ લહેરનો સમય હતો. દરેક વ્યક્તિએ આકરા લૉકડાઉનનો અનુભવ પહેલી વાર કર્યો હતો.
નિયત સમયે મીટિંગ શરૂ થઈ.
અમિતા પાસલકર કહે છે કે “સામાન્ય હાય, હલ્લોથી મીટિંગ શરૂ થઈ હતી. એ પછી મારા ઉપરી અધિકારીએ મને કહ્યું હતું કે તમારે આવતી કાલથી કામ પર આવવાની જરૂર નથી. શરૂઆતમાં મને સમજાયું નહીં. તેથી મેં પૂછ્યું કે તમે શું કહ્યું? તેમણે કહ્યું કે મંદીના કારણે મને કામ પરથી રૂખસદ આપવામાં આવી છે. એ સાંભળીને હું ચોંકી ગઈ હતી.”
નોકરી ગયાનું જાણ્યા પછી અમિતા બે કલાક બહુ રડ્યાં હતાં. અમિતા અને આઈટી સૅક્ટરમાં જ કામ કરતા તેમના પતિ મનોહરે સાથે મળીને એક વર્ષ પહેલાં જ નવું ઘર ખરીદ્યું હતું. તેની લોનના હપ્તા ચાલુ હતા.
એ વખતે અમિતાનો પુત્ર માત્ર એક વર્ષનો હતો. બન્નેના પગારની ગણતરી કરીને તેમણે નાણાકીય આયોજન કર્યું હતું, પરંતુ અચાનક નોકરી ગુમાવ્યા પછી તમામ નાણાકીય આયોજન ભાંગી પડ્યું હતું.
અમિતા કહે છે કે “મારી નોકરી ગયા પછી બધો તણાવ મારા પતિ પર આવવાનો હતો. અમારા બન્નેના પગારને ધ્યાનમાં લઈને થોડું પ્લાનિંગ કર્યું હતું, પણ એ બધું એક જ ક્ષણમાં ભાંગી પડ્યું હતું. મને સમજાતું ન હતું કે એ પરિસ્થિતિમાં શું કરવું. એ મીટિંગ પછી થોડા કલાકો સુધી હું રડતી રહી હતી. પરિવારના બધા લોકો મને સમજાવતા હતા કે આ અંતિમ ક્ષણ નથી, પણ શરૂઆતમાં તે આઘાત તીવ્ર હતો. પછીના બે દિવસ એવી જ રીતે પસાર થયા હતા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોટલી-શાકના ટિફિનથી બિઝનેસનો પ્રારંભ
બે-ત્રણ દિવસ પછી અમિતાએ પોતાની જાતને સ્વસ્થ કરી હતી અને નોકરી ગુમાવવાનો અફસોસ ન કરવાને બદલે આગળનું પગલું ભરવાનું નક્કી કર્યું હતું.
અમિતાના પતિ મનોહર કહે છે કે “અમિતાએ મને અમારી હાઉસિંગ સોસાયટીના ગ્રૂપમાં એક મૅસેજ પોસ્ટ કરવા જણાવ્યું હતું. જેમને રોટલી-શાક જોઈતાં હશે તેમને મળશે. હું ભોજન બનાવી આપીશ, એમ અમિતાએ કહ્યું હતું. મેં તેની વાત સાંભળી. અમિતાને રસોઈ બનાવવી બહુ પસંદ છે.”
“મુખ્ય વાત એ કે તેના હાથમાં સ્વાદ છે. તે કોઈ પણ વાનગી પૂરા દિલથી બનાવે છે. મેં સોસાયટીના ગ્રૂપમાં મૅસેજ પોસ્ટ કર્યો પછી અમને કેટલાક ઑર્ડર મળ્યા હતા. એ કોવિડનો સમય હતો. મોટા ભાગના લોકો ત્યારે ઘરે બેસીને કામ કરતા હતા. તેથી તેમને તૈયાર ટિફિનની જરૂર હતી.”
નોકરી ગુમાવ્યાના આઘાતમાંથી અમિતા આ રીતે બહાર આવ્યાં હતાં અને પોતાના બિઝનેસની શરૂઆતનું પહેલું પગલું ભર્યું હતું. રોટલી-શાકનાં ટિફિન ઘરે-ઘરે પહોંચાડવા સાથે તેમના બિઝનેસની શરૂઆત થઈ હતી.
આ કામ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તેની વાત કરતાં અમિતા કહે છે કે “મારાં મમ્મી મેસ ચલાવતા હતાં. એ કામમાં હું અને મારો ભાઈ નાનપણથી જ તેમને મદદ કરતાં હતાં. હું લોટ બાંધીને રોટલીઓ બનાવવાનું કામ કરતી હતી. શાળા-કૉલેજમાંથી પાછા આવીએ એટલે એ કામ કરવાનું. અમને તેમાંથી રજા મળતી ન હતી.”
“તેથી મને વિશ્વાસ હતો કે હું રોટલી-શાકનાં ટિફિન તો બનાવી જ શકીશ. તેથી મેં આ કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. મને કોઈ કામ કરવામાં નાનપ લાગતી નથી. તેથી મેં ઘરે જ ટિફિન બનાવવાની શરૂઆત કરી હતી.”
અમિતા પાસે ટિફિનના ઑર્ડરમાં ધીમે-ધીમે વધારો થવા લાગ્યો હતો. એ પછી કોવિડની બીજી લહેર આવી ત્યારે અમિતા અને તેના પરિવાર પાસે સવાર અને સાંજ મળીને 40-50 ટિફિનના ઑર્ડર્સ આવતા હતા. એ દરમિયાન તેમણે હોમ ક્વૉરેન્ટાઇન હોય તેવા દર્દીઓને પણ ટિફિન પહોંચાડ્યાં હતાં.
ટિફિનના ઑર્ડર્સ સાથે અમિતાએ તહેવારો દરમિયાન વિવિધ વાનગીઓના ઑર્ડર લેવાની શરૂઆત પણ કરી હતી. દાખલા તરીકે ગણપતિ-ગૌરી ઉત્સવ દરમિયાન તેઓ ઉકડીના મોદક, પુરણપોળી વગેરે જેવી વાનગીઓના ઑર્ડર પણ લેવા લાગ્યાં હતાં.
તેમને વધુને વધુ પ્રતિસાદ મળી રહ્યો હતો. દિવાળી દરમિયાન ફરસાણ, નાસ્તો અને સંક્રાંતિ વખતે તલસાંકળી તથા મીઠી રોટલી બનાવવાની શરૂઆત પણ કરી હતી.
અમિતા કહે છે કે “લૉકડાઉન દરમિયાન મારા પિતાએ પણ નોકરી ગુમાવી હતી. તેમને બ્રેઈન સ્ટ્રૉક આવ્યો હતો. તેમની દવાઓ પાછળ ખર્ચ થતો હતો. મારાં મમ્મીને પણ કામની જરૂર હતી. તેથી અમે સાથે મળીને રસોઈ બનાવવાનું શરૂ કર્યું હતું.”
“અમારા ઉકડીના મોદક, પુરણપોળી, થાળી, ચકલી, પોહાનો ચેવડો વગેરેને ઉત્તમ પ્રતિસાદ મળતો થયો હતો. ગ્રાહકો એકમેકને અમારી વાત કરતા હતા. તેથી અમને મળતા ઑર્ડર્સમાં વધારો થયો.”
‘ભૂલોમાંથી શીખ્યા’
અમિતા હવે શિવાંશ ફૂડ્ઝ નામથી આ બિઝનેસ ચલાવે છે. હવે આ તેમનો ફેમિલી બિઝનેસ બની ગયો છે.
અમિતા અને તેમના મમ્મી કેટલાંક ઉત્તમ વ્યંજન બનાવવાની આવડત ધરાવે છે, પરંતુ ઑર્ડર મુજબની સામગ્રી બનાવવા તથા પહોંચાડવાનું આયોજન કેવી રીતે કરવું એ તેમણે શીખવાનું હતું.
પરિવારના લોકો માટે ભોજન બનાવવાની માત્રા અલગ હોય છે. કેટલા લોકો માટે કેટલું ભોજન પૂરતું થશે એ જાણવા માટે તેમણે બહુ મહેનત કરવી પડી હતી.
અમિતાનાં મમ્મી શર્મિલા રાઉત કહે છે કે “દિવાળી વખતે ઘર માટે હું ફરસાણ, નાસ્તો બનાવતી હતી, પરંતુ અનારસા (એક મરાઠી વ્યંજન) ક્યારેય બનાવ્યા ન હતાં. તે મારાં સાસુ બનાવતાં હતાં. એ પછી અનારસા ખરીદી લાવતી હતી, પણ એ ક્યારેય જાતે બનાવ્યાં ન હતાં.”
“અમને દિવાળીમાં અનારસાનો ઑર્ડર પણ મળ્યો હતો. તેથી હું અનારસા બનાવતાં શીખી. અનારસા કેવી રીતે બનાવવા તે ઘરની વૃદ્ધ મહિલાઓને પૂછ્યું હતું અને તે પરફેક્ટ ન બન્યાં ત્યાં સુધી હું પ્રયાસ કરતી રહી હતી. હવે હું ઉત્તમ અનારસા બનાવું છું.”
ગણપતિ વખતે ઉકડીના મોદક બનાવવાનો જંગી ઑર્ડર મળ્યો ત્યારે શું થયું હતું તેની વાત કરતાં અમિતા કહે છે કે “અમારે ઉકડીના 100 મોદક બનાવવાના હતા. અમે સવારે પાંચ વાગ્યાથી મોદક બનાવતા હતા, પરંતુ તે ભાંગી જતા હતા.”
“30-40 મોદક બનાવ્યા, પણ તે ભાંગી જતા હતા. આખરે તેની ઉપરના પડમાં ફેરફાર કરીને અમે જેમતેમ મેનેજ કર્યું હતું. તે પહેલો અનુભવ હતો. હવે પ્રૅક્ટિસ થઈ ગઈ છે. મને 100-200 મોદકનો ઑર્ડર મળે તો પણ હું ગભરાતી નથી. હું કેક, પેસ્ટ્રી, માવા કેક, પ્લમ કેક જેવી બેકિંગ આઇટમ્સ બનાવતા પણ શીખી ગઈ છું.”
ફરી નોકરી કરવાનો નિર્ણય
અમિતાને થોડા મહિના પહેલાં એક આઈટી કંપનીમાં ફરી નોકરી મળી. વચ્ચેના સમયગાળામાં તેમણે તેમના બિઝનેસ પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું, પરંતુ એ દરમિયાન તેઓ યોગ્ય નોકરી પણ શોધતાં હતાં. એવી નોકરી મળી ત્યારે તેમણે તરત સ્વીકારી લીધી.
તેના વિશે વાત કરતાં અમિતા કહે છે કે “નોકરીમાં નિશ્ચિત પગારની ગૅરંટી હોય છે. આ નોકરીમાં મારે ઘરેથી કામ કરવાનું છે.. મારા બિઝનેસની સાથે તે કામ કરવું શક્ય છે. તેથી મેં આ નોકરી કરવાનું નક્કી કર્યું હતું. હવે મારો પ્રોજેક્ટ બદલાયો છે.”
“તેથી સપ્તાહમાં એક-બે દિવસ ઑફિસે જવું પડે છે. બાકીના દિવસોમાં ઘરેથી કામ કરવાનું હોય છે એટલે હું મારો બિઝનેસ અને નોકરી બન્ને સંભાળી શકું છું.”
નોકરી અને બિઝનેસનો સમન્વય
દૃઢ નિશ્ચય અને પરિશ્રમના બળે અમિતા અને તેમના પરિવારે સંયુક્ત સાહસ શરૂ તો કર્યું હતું, પરંતુ તેના માટે ઘણો ભોગ આપવો પડ્યો છે.
વીક-ડે દરમિયાન ભોજન બનાવવાનો ઑર્ડર હોય તો તે બનાવી, તેને પેક કરી, તેની ડિલિવરીની વ્યવસ્થા કરવા ઉપરાંત ઑફિસનું રોજિંદું કામ પણ કરવાનું હોય છે.
વીક-એન્ડમાં ઑફિસનું કામ ન હોય તો પણ ભોજનના ઑર્ડર તો હોય જ. તેથી તેમનો પરિવાર હંમેશાં વ્યસ્ત રહે છે.
અમિતા કહે છે કે “મારો દીકરો નાનો છે. અત્યારે હું તેને પૂરતો સમય આપી શકતી નથી. સપ્તાહમાં પાંચ દિવસ તે મારી મમ્મીની સાથે રહે છે. વીક-ઍન્ડમાં કોઈ ઑર્ડર હોય તો તેમાં સમય જાય છે. તેથી હું તેને જોઈએ તેટલો સમય આપી શકતી નથી. વીક-ઍન્ડમાં ફરવા જવાનું, મોકળાશથી સમય પસાર કરવાનું અમારા માટે શક્ય નથી.”
અમિતા ઉમેરે છે કે “આ બિઝનેસને કારણે અમે તહેવારો અને ઉત્સવો ધામધૂમથી ઊજવી શકતા નથી. અમારો મોટા ભાગનો સમય ઑર્ડર પૂરો કરવામાં જ જાય છે, પરંતુ મને લાગે છે કે અત્યારે કરેલી મહેનતનું ભવિષ્યમાં ઉત્તમ ફળ મળશે. આ બિઝનેસ મારું પેશન બની ગયો છે. તેથી હું તેને વિસ્તારવા ઇચ્છું છું.”
પરિવારનો ટેકો કેટલો મહત્ત્વનો?
નોકરી, ઘરનાં કામ, અન્ય કામ, પોતાનો બિઝનેસ અને નાનું સંતાન આ બધું કેવી રીતે મૅનેજ કરો છો, એવા સવાલના જવાબમાં અમિતા જણાવે છે કે પરિવારના ટેકા વિના આ બધું શક્ય નથી.
અમિતા કહે છે કે “મારો પરિવાર જ મને સપોર્ટ કરે છે. હું અને મારી મમ્મી રસોઈ બનાવીએ છીએ, જ્યારે મારા પતિ, ભાઈ અને પિતા જરૂર પડ્યે તેમાં મદદ કરે છે. મારા પતિ અને ભાઈ પેકિંગ તથા ડિલિવરીનું કામ સંભાળે છે.”
“મને ઑફિસમાં ક્યારેક બહુ કામ હોય તો મારા પતિ ઘરની નાની-નાની વાતોનું ધ્યાન પણ રાખે છે. સાફસફાઈ, કપડા સૂકવવાં, ચા બનાવવી વગેરે જેવાં કામ હું કરું છું. રસોઈ બનાવવાનો કંટાળો આવે તો પણ રસોઈ તો કરું જ. પરિવારના સપોર્ટ વિના આ બધું મેનેજ કરવું શક્ય નથી.”
અમિતાના પતિ મનોહર પણ માને છે કે ઘરના કામમાં પરિવારની દરેક વ્યક્તિએ સહયોગ કરવો જોઈએ.
મનોહર કહે છે કે “એક વ્યક્તિ માટે બધું કામ કરવાનું શક્ય નથી. અમિતા અને તેમનાં મમ્મીની મહેનત અમે જોઈએ છીએ. મને પહેલેથી જ ઘરકામમાં મદદ કરવાની આદત છે. મારાથી શક્ય હોય તેટલી મદદ હું કરું છું.”
બિઝનેસ વિસ્તારવાનું સપનું
2022માં અમિતા અને તેમના પરિવારે લગભગ અઢી લાખ રૂપિયાની કમાણી કરી હતી. હવે બિઝનેસમાં આત્મવિશ્વાસ વધ્યો હોવાથી એ વિસ્તારવાનું તેમનું સપનું છે.
મનોહર કહે છે કે “અમે કેટલાક રિટેલર્સ સાથે વાત કરી રહ્યા છીએ. ફક્ત સિઝનલ વાનગીઓને બદલે આખું વર્ષ ભોજન કેવી રીતે સપ્લાય કરી શકાય તેનો અભ્યાસ અમે કરીએ છીએ. એક નાની જગ્યામાં કેટલીક મહિલાઓની મદદ વડે તેમ કરવું શક્ય છે, પરંતુ નોકરી અને અન્ય જવાબદારી સાથે એ કઈ રીતે કરી શકાય તેનો વિચાર અમે કરીએ છીએ.”