You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્રિકેટ વિકલાંગ મહિલાઓને કઈ રીતે સશક્ત બનાવી રહી છે? - BBCShe
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
- લેેખક, એનાક્ષી રાજવંશ
- પદ, ધ બ્રિજ
ક્રિકેટમાં વૉકિંગ સ્ટિક સાથે ફિલ્ડિંગ કરવાની વાત વિચારો. અથવા તો વિચારો કે તમે બૅક ફૂટ પર જઈને કટ શૉટ મારવાનો પ્રયાસ કરો છો પરંતુ ત્યારે જ તમને ખબર પડે છે કે તમારો એ પગ કામ નથી કરતો. આવું કરવું અસંભવ લાગે છે? પરંતુ આ સુપર-વિમૅન માટે આ વાત બંધબેસતી નથી.
26 વર્ષીય તસનીમ ઝારખંડના વાસેપુરમાં ઊછર્યાં છે. આ સ્થળે મહિલાઓ માટે ઘરની બહાર પગ મૂકવું એ પણ અસુરક્ષિત માનવામાં આવતું હતું, આવી પરિસ્થિતિમાં તડકામાં રમત રમવા જવાની વાત તો ખૂબ દૂરની હતી. આજે, તેઓ એક સ્કૂલટીચર છે, જેઓ ઘણાંની પ્રેરણા છે.
26 વર્ષીય લલિતા ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ઊછરીને મોટાં થયાં છે, તેમના પરિવાર પાસે માત્ર પોતાનું ગુજરાન ચલાવવા પૂરતાં જ સંસાધનો હતાં. હાલ તેમને એક નાની દીકરી પણ છે. પરંતુ તેમના ઘરે હજુ સુધી ટેલિવિઝન નથી તેમજ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં વીજ સપ્લાય ઉપલબ્ધ છે.
તસનીમ અને લલિતા બંને દેશના જુદા જુદા ભાગોમાં ઊછર્યાં, એક દરરોજ ક્રિકેટ જોઈને મોટાં થયાં તો બીજાં ક્યારેય રમતગમતને જોઈને માણવાની તક ન મળી. આજે તેઓ બંને રાજ્ય-સ્તરનાં ક્રિકેટરો છે, તેમજ ભારતની પ્રથમ વિકલાંગ ક્રિકેટ ટીમમાં રમી ચૂક્યાં છે. પરંતુ આ સિવાય વધુ તેમની વચ્ચે વધુ એક સામ્યતા છે એ છે પોલિયો.
આ સ્ટોરી ધ બ્રિજ સાથે મળીને બીબીસી She પ્રોજેક્ટના ભાગરૂપે કરાઈ છે, જે અંતર્ગત મહિલા વાચકો અને દર્શકોને કેન્દ્રમાં રાખીને પત્રકારત્વ કરાઈ રહ્યું છે.
બીબીસી She પ્રોજેક્ટ અંગે વાંચવા માટે અહીં ક્લિક કરો.
તસનીમ કહે છે કે, “હું જ્યારે નાની હતી ત્યારે ઇરફાન પઠાણની ઘણી મોટી પ્રશંસક હતી, હું ક્યારેય એક પણ મૅચ જોવાનું ન ચૂકતી. પરંતુ મને મારી મર્યાદાઓનું ભાન હતું. મને લાગતું કે હું ક્યારેય સ્ટેડિયમમાં મૅચ નહીં જોઈ શકું, રમવાની વાત તો જવા દો. પોલિયોના કારણે મારા જીવન પાસેથી મારી અપેક્ષાઓ ખૂબ ઓછી હતી, હું તાણગ્રસ્ત હતી.”
તેઓ કહે છે, “પરંતુ હવે મેં જાણે આત્મ-વિશ્વાસની ચાવી જડી ગઈ છે, લોકો હવે મને ઓળખવા લાગ્યા છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં તસનીમ અને લલિતા જેવાં ઘણાં છે જેઓ તેમની શારીરિક મર્યાદા છતાં ક્રિકેટ રમી રહ્યાં છે, ક્રિકેટ એટલે એ રમત કે જેના પર હજુ પણ મોટા ભાગે પુરુષોનું એકહથ્થુ શાસન ચાલે છે.
ભારતમાં 1.2 કરોડ વિકલાંગ મહિલાઓ રહે છે. જે પૈકી 70 ટકા ગ્રામીણ વિસ્તારોમાં છે, તેમની આગવી ક્ષમતાઓમાં મદદરૂપ થઈ શકે તેવાં મૂળભૂત સંસાધનો સુધીની તેમની પહોંચ નહિવત્ છે.
તેમ છતાં રમતગમતક્ષેત્રે આ મહિલાઓ ક્રિકેટ માટેના તેમના ઝનૂનને અનુસરવા માટેનું ખમીર શોધી શક્યાં છે. માત્ર આટલું જ નહીં મર્યાદિત સંભાવનાઓ વચ્ચે તેઓ દરેક મુશ્કેલી પાર કરીને સામાજિક માન્યતાઓ તોડીને એક આખા સમાજને સ્વપ્ન જોવા માટે પ્રેરી રહ્યાં છે. ઉપરાંત તમામ મુશ્કેલીઓ છતાં તેઓ ક્રિકેટ રમવાના પોતાના સપનાને હકીકત બનાવવા માટે જરૂરી સાધનો ભેગાં કરી રહ્યાં છે અને સમગ્ર દેશમાં નગરે-નગરે પ્રવાસ પણ કરી રહ્યાં છે.
વિકલાંગ મહિલાઓની પ્રથમ ક્રિકેટ ટીમ
વર્ષ 2019માં બરોડા ક્રિકેટ ઍસોસિયેશનના સહયોગથી ગુજરાતમાં વિકલાંગ મહિલા ક્રિકેટ પ્લેયરો માટે પ્રથમ વખત કૅમ્પ યોજાયો હતો.
આ પહેલનું નેતૃત્વ કરનારા ચીફ કોચ નીતેન્દ્રસિંઘે કહ્યું, “વિકલાંગ છોકરીઓ વધુ કૃતનિશ્ચય હોય છે અને અન્યો કરતાં પોતાની જાતને સાબિત કરવા માટેની ઇચ્છા તેઓમાં વધારે હોય છે. તેઓ હંમેશાં કંઈક વધુ કરવા માટે તલપાપડ હોય છે, આવું કરવા માટે તેઓ ક્યારેક પોતાનો જીવ પણ ખતરામાં મૂકે છે.”
આ કૅમ્પથી કેટલાંક મહિલાઓને નવો રસ્તો મળ્યો. તેનાથી દેશનાં ટોચનાં સૌથી સારું પ્રદર્શન કરતાં મહિલા ખેલાડીઓ મળી આવ્યાં. તેમજ આ કૅમ્પ દેશની પ્રથમ વિકલાંગ મહિલા ક્રિકેટ ટીમ બનાવવા માટે ઉદ્દીપક પણ સાબિત થયું.
પરંતુ આ કૅમ્પ બાદ આ દિશામાં ઝાઝી પ્રગતિ થઈ નથી. મોટાં ભાગનાં રાજ્યો પોતાની વિકલાંગ મહિલા ક્રિકેટ ટીમ ઘડવા માટે મથી રહ્યાં છે.
વર્ષ 2021માં બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા(બીસીસીઆઇ)એ વિકલાંક ક્રિકેટરો માટે સમિતિ રચી પરંતુ આ માટે હજુ કોઈ ફંડ જાહેર કરાયું નથી.
વિકલાંગ મહિલા ક્રિકેટરોને નાણાકીય સહાય માટે એક પણ સરકારી નીતિ નથી. તેમજ આ ક્રિકેટરોને નોકરી મળી રહે તે માટે પણ કોઈ સ્પષ્ટ માર્ગ નથી.
પૅરા-બૅડમિન્ટન અને પૅરા-ઍથ્લેટિક્સ જેવી રમતોમાં સારી તકો છે કારણ કે તેની રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટો છે, આ રમતો પૅરાલિમ્પિક્સનો ભાગ છે અને આ રમતોમાં રમતવીરોને દેશનું પ્રતિનિધિત્વ કરવાની અને સ્પૉર્ટ્સ ક્વૉટા અંતર્ગત નોકરી મેળવવાની તકો રહે છે.
કારકિર્દી ઘડવા માટેના ચોક્કસ રસ્તાના અભાવ છતાં આ રમત સાથે સંકળાયેલાં કેટલાંક મહિલાઓએ પોતાની ધગશ અને સમર્પણથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
આજે પણ ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી 15-20 મહિલાઓ ટ્રેનિંગ માટે દર રવિવારે ભેગાં થાય છે.
તે પૈકી એક છે દાહોદના ઉમરિયા ગામનાં 26 વર્ષીય લલિતા. જેઓ નિયમિતપણે 150 કિલોમીટરનું અંતર કાપીને ટ્રેનિંગ માટે વડોદરા પહોંચે છે.
માત્ર બે વર્ષની વયે પોલિયોગ્રસ્ત થયેલાં લલિતાનો ડાબો પગ લગભગ બિલકુલ કામ કરતો નથી. જોકે આ વાત તેમને બેટિંગ વખતે શાનદાર ફૂટવર્કનો ઉપયોગ કરતાં રોકી શકતી નથી. તેઓ લાકડીના ટેકે ઊભાં રહે છે. તેઓ એક પ્રૉફેશનલ ક્રિકેટરની જેવી છટા સાથે પોતાનું બૅટ ફેરવે છે.
કૅમેરાની વિષયવસ્તુ તરીકે જવાબ આપી રહેલાં લલિતા ગર્વભેર કહે છે કે, “મેં મારા મોબાઇલમાં પ્રથમ વખત વર્ષ 2018માં ક્રિકેટ જોયું હતું, ત્યારે મને લાગ્યું કે મારે રમવું જોઈએ. અત્યારે પણ રમત જોવા માટે મારી પાસે ટીવી નથી તેમ છતાં હું આંતરરાષ્ટ્રીય સ્તરે મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોઉ છું.”
લલિતાના પતિ પ્રવીણ છૂટક મજૂરી કરે છે. તેઓ તેમને ખૂબ હિંમત પૂરી પાડે છે. તેઓ લલિતા પ્રૅક્ટિસ માટે આવે ત્યારે તેમની સાથે રહે છે, આ માટે તેઓ આઠ કલાક સુધી સફર કરે છે. લલિતા જ્યારે રમતના મેદાન પર પરસેવો રેડી રહ્યાં હોય છે ત્યારે તેઓ એક ખરા જીવનસાથીની ફરજ નિભાવતાં તેમની પાંચ માસની બાળકીની સંભાળ રાખે છે.
પ્રવીણ કહે છે કે, “જ્યારે અમે ટ્રેનિંગ માટે ઘરેથી બહાર નીકળીએ છીએ ત્યારે ઘણા લોકો લલિતાનાં કપડાંને લઈને ટોકે છે, અમારા ગામમાં કોઈ મહિલા ટી-શર્ટ કે ટ્રાઉઝર પહેરતી નથી. તેઓ એવું પણ કહે છે કે આ બરાબર ચાલી શકતી નથી તો રમશે કેમની? પરંતુ હું તેમની વાતો પર ધ્યાન નથી આપતો, હું ફક્ત મારી પત્ની આગળ વધે અને અમને બધાને ગૌરવાન્વિત કરતી રહે તેવું ઇચ્છું છું.”
પ્રવીણ જેવી વ્યક્તિઓ એ વાતનો પુરાવો છે કે રમત કોઈ જાતિભેદ જોતી નથી, તેના માટે પ્રામાણિક સહાય અને મહિલા ખેલાડી શું હાંસલ કરી શકે એ વાતમાં વિશ્વાસ જરૂરી છે.
ભારતની સૌથી લોકપ્રિય રમતમાં જાતિના પડકાર વિશે ઘણી ચર્ચાઓ થઈ છે. પરંતુ આ ક્ષેત્રે લલિતા અને તસનીમ જેવાં ખેલાડીના મુદ્દા પર ઘણી વખત ધ્યાન નથી અપાતું.
સહાયનો અભાવ
વિકલાંગોને ક્રિકેટક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે માત્ર સાધનોની જરૂરિયાત નથી હોતી. તેના માટે ખાસ ફિલ્ડિંગ ગોઠવવા, જેમના પગ ન કામ કરતાં હોય તેવા રનરો અને બૅટરો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવાની હોય છે. આ સિવાય પ્લેયરોની ક્ષમતાનો મહત્તમ લાભ લેવા માટે પાવરપ્લે માટે પણ જુદી રણનીતિ તૈયાર કરાય છે.
ભારતની પ્રથમ વિકલાંગ મહિલા ક્રિકેટ ટીમનાં કપ્તાન આલિયા ખાન જણાવે છે કે, “આજે, વિમૅન્સ પ્રિમિયર લીગ જેવી પહેલોને કારણે લોકો ઓછામાં ઓછું અમુક મહિલા ખેલાડીઓને ઓળખતા તો થયા છે. પરંતુ અમને ક્યારેય એક પણ ટુર્નામેન્ટ રમવાની તક સાંપડી નથી.”
તેઓ ઉમેરે છે કે રમતક્ષેત્રે પોતાનું નામ કરવાના પ્રયાસને કારણે તેમને અહેસાસ કરાવવામાં આવે છે કે તેઓ આ કામને યોગ્ય નથી.
“અત્યારે પણ ઘણી વખત મને એવું સાંભળવા મળે છે કે કહેવાતી સામાન્ય છોકરીઓ પણ ક્રિકેટ નથી રમી શકતી અને તું એક હાથે રમવા માગે છે? તમે જાણો જ છો કે આપણા સમાજમાં મહિલાઓનું શું સ્થાન હોવાનું માનવામાં આવે છે, મને અવારનવાર એવી સલાહ અપાય છે કે મારે ઘરે રહીને ઘર અને બાળકો સાચવવાં જોઈએ ના કે બહાર રમવા નીકળવું જોઈએ.”
દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ફૉર ઇન્ડિયા (DCCBI) દ્વારા તાજેતરમાં મહિલાઓ માટે એક સમિતિ ઘડવામાં આવી છે. આ પહેલ છતાં વિકલાંગ મહિલા ક્રિકેટરો માટેની સમિતિની આગેવાની માટે મહિલા સંચાલકોની સ્પષ્ટપણે અછત છે.
જોકે દેશમાં પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોને કૉર્પોરેટ સામાજિક જવાબદારી અને ક્રિકેટ ઍસોસિયેશન ફૉર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા (CABI) મારફતે ફંડિગ દ્વારા પ્રમાણસર સારી સહાય મળે છે.
ઑસ્ટ્રેલિયાથી ટેલિફોન મારફતે વાત કરતાં કોચ નીતેન્દ્રસિંઘ જણાવે છે કે, “આદર્શ પરિસ્થિતિમાં DCCBI, CABI અને BCCI જેવા તમામ બોર્ડે આ ક્રિકેટ માટે એક માળખું રચવા માટે સાથે આવવું જોઈએ. ખેલાડીઓ આવે છે, રમે છે, જીતે છે પરંતુ તેમને જોવા માટે કોઈ આવતું નથી. આવી રીતે લોકો કેવી રીતે સમજશે કે તેઓ પણ રમી શકે અને એ પણ ખૂબ સારી રીતે?”
એક એવા સમયે જ્યારે કહેવાતા સામાન્ય શરીર ધરાવતા ક્રિકેટરોને લીગમાં રમવા માટે કરોડો રૂપિયા અપાઈ રહ્યા છે, વિજ્ઞાપનોમાં કામ કરવા માટે એ ખેલાડીઓને ખૂબ કમાણી થઈ રહી છે, લોકો તેમને જોવા માટે ટિકિટો ખરીદી રહ્યા છે, તેવા સમયમાં આ વિકલાંગ મહિલા ક્રિકેટરો આવી કોઈ ઓળખ પ્રાપ્ત કરવાની આશા વગર ટ્રેનિગ કરી રહ્યાં છે.
તેઓ માત્ર તેમના રમત પ્રત્યેના જુસ્સાને કારણે, સમાજમાં પોતાનું સ્થાન મેળવવા અને એ મહિલાઓ જેઓ હજુ સુધી પોતાનાં બંધનો તોડવા માટે હિંમત અને સહાય હાંસલ નથી કરી શક્યાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે તાલીમ મેળવી રહ્યાં છે.