એવી તો શી બીક હતી કે પાકિસ્તાનની આખી ટીમ હેલમેટ પહેરીને મેદાનમાં ઊતરી?

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, ક્રિકેટ એક્સપર્ટ, બીબીસી ગુજરાતી માટે

ભારત અને ન્યૂઝીલૅન્ડ મહિલા ટીમો વચ્ચેની ત્રીજી વનડે ક્રિકેટ મૅચ 29 ઑક્ટોબર 2024ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે રમાઈ રહી છે.

બીસીસીઆઈ તથા લગભગ તમામ સ્ટેડિયમના આયોજકો હવે સુરક્ષાની દૃષ્ટિએ કોઈ પગલાં બાકી રાખતા નથી પરંતુ આજથી ત્રણેક દાયકા અગાઉ આવું કંઈ ન હતું. તમને ટિકિટ ચેક કરીને સ્ટેડિયમમાં પ્રવેશ મળે એ પછી ક્યાંય કોઈ રોકટોક નહીં.

તેમાંય તમારી ઓળખાણ હોય તો તમે છેક ડ્રેસિંગરૂમની નજીક પણ પહોંચી શકો. એવા જ સમયમાં મોટેરામાં એક એવી ઘટના બની હતી જેને યાદગાર તો કહી શકાય પરંતુ કદાચ યજમાન ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અને ભારતીય ક્રિકેટ બોર્ડ તેને ભૂલી જવાનું પસંદ કરશે.

હાલની ક્રિકેટ મૅચમાં લગભગ 10થી 15 હજાર પોલીસકર્મીઓ, સંખ્યાબંધ સુરક્ષા કર્મચારીઓ, મૅટલ ડિટેક્ટર, મૉનિટરિંગ કૅમેરા આ તમામ બાબતો લગભગ અનિવાર્ય બની ગઈ છે અને પ્રેક્ષકો પણ તેનાથી ટેવાઈ ગયા છે ત્યારે એમ કહી શકાય કે 1987ના માર્ચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટેરા ટેસ્ટમાં જે ઘટના બની હતી તે ભવિષ્યમાં ફરીથી ના બને તે માટે વ્યવસ્થાઓ છે.

બન્યું એવું કે માર્ચ 1987માં મહાન ઝડપી બૉલર અને ઑલરાઉન્ડર ઇમરાન ખાનની આગેવાની હેઠળ પાકિસ્તાનની ટીમ ભારતમાં રમવા આવી હતી. સિરીઝની ચોથી ટેસ્ટ અમદાવાદમાં રમાનારી હતી. ચોથી માર્ચે એકદમ તેજ સૂર્યપ્રકાશમાં મૅચનો પ્રારંભ થયો અને પાકિસ્તાને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. બસ, અહીંથી સમસ્યાનો પ્રારંભ થયો હતો. તેના કારણ વિશે વાત કરીએ તે અગાઉ ઘટના શું બની હતી તેની ચર્ચા કરીએ.

મૅચના ત્રીજા દિવસની બપોરનો સમય હતો. આમ તો આ મૅચને સુનીલ ગાવસ્કરની કારકિર્દીના દસ હજાર રન પૂરા કરવા માટે યાદ રાખવામાં આવે છે પરંતુ એ દરમિયાન જે કાંઈ બન્યું તેની ઉપર નજર કરીએ.

ત્રીજા દિવસે ટી બ્રેક બાદનો સમય હતો અને અચાનક સ્ટેડિયમના ઇસ્ટ સ્ટેન્ડમાંથી પાણીની ભરેલી એક બૉટલ મેદાનમાં જ્યાં ઇઝાઝ ફકીહ ફિલ્ડિંગ કરી રહ્યા હતા ત્યાં આવીને પડી.

હજી તો ફિલ્ડર કંઈ સમજે તે અગાઉ તો બીજી બે ત્રણ બૉટલ આવી પડી. પ્રેક્ષકો ગેલમાં આવી ગયા અને આવી કોઇને કોઇ ચીજ ફેંકવા લાગ્યા.

એ વખતે આજની માફક સ્ટેડિયમના તમામ સ્ટેન્ડ કવર્ડ ન હતા, માત્ર પેવેલિયન જ છતથી ઢંકાયેલું હતું. 1983માં બનેલા વિવિધ સ્ટૅન્ડમાં બેસવા માટે કોઈ ખુરસીઓ ન હતી અને પ્રેક્ષકો તેમના માટે બનાવેલી બેઠક (એટલે કે પગથિયાં) પર બેસતા હતા.

તેઓ ત્યાંથી સિમેન્ટના ઊખડી ગયેલા પોપડા ઉઠાવીને મેદાન પર ફેંકવા લાગ્યા હતા તો આઇસક્રીમ અને કૅન્ડી વેચવા માટે આવતા ફેરિયાઓ પાસેથી કૅન્ડી ખરીદીને (હા, ખરીદીને) એ કૅન્ડી પણ મેદાન પર પાકિસ્તાની ફિલ્ડર્સ પર ફેંકવા લાગ્યા હતા.

આ ઘટનાથી હતપ્રભ થઈ ગયેલા ઇમરાન ખાને તમામ ફિલ્ડરને પેવેલિયનમાં દોડી જવાનો આદેશ આપ્યો. આ સંજોગોમાં કોઇ પણ કૅપ્ટન આવો જ નિર્ણય લે તે સ્વાભાવિક હતું.

પાકિસ્તાની ટીમના તમામ ખેલાડી પેવેલિયનમાં પરત ફરી ગયા અને ડ્રેસિંગરૂમમાં પહોંચી ગયા. તેમણે ડ્રેસિંગરૂમનું બારણું પણ બંધ કરી દીધું.

આયોજકો મુશ્કેલીમાં મૂકાયા

હવે સમસ્યા આયોજકોની થઈ. પાકિસ્તાની ખેલાડીઓને મનાવવા કેવી રીતે કેમ કે એ વખતે તેમની પાસે પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા તો હતી જ નહીં.

પોલીસને જાણ કરીને સુરક્ષા મગાવવામાં સમય વેડફાવાનો હતો કેમ કે મેદાન પર પોલીસની સંખ્યા પણ અપૂરતી હતી. ( મૅચ અગાઉ એમ માની લેવામાં આવ્યું હતું કે આવી સુરક્ષાની જરૂર જ ક્યાં પડવાની છે) એવામાં ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના અધિકારીઓએ મહાન બેટ્સમેન અને પ્રેક્ષકોના માનીતા સુનીલ ગાવસ્કરની મદદ લીધી.

ગાવસ્કરે માઇક હાથમાં લીધું અને ગુજરાતી ભાષામાં પ્રેક્ષકોને શાંત રહેવા અને મહેમાનોનું માન જાળવીને તેમનું સ્વાગત કરવા અપીલ કરી. થોડી અસર થઈ અને પ્રેક્ષકો શાંત પડ્યા.

હવે વારો પાકિસ્તાનની ટીમે પ્રતિક્રિયા આપવાનો હતો. ટીમ મૅનેજર અને ભૂતપૂર્વ ટેસ્ટ ઝડપી બૉલર ઇન્તિખાબ આલમે ખેલાડીઓને મેદાન પર જવાની સૂચના આપી. ખેલાડીઓ પેવેલિયનમાંથી બહાર નીકળ્યા તે સાથે હજારો પ્રેક્ષકોએ તાળીઓ પાડીને તેમને વધાવી લીધા પણ બીજી જ મિનિટે ખેલાડીઓ પરત પેવેલિયનમાં.

હકીકતમાં મેનેજરની સૂચનાથી બહાર આવેલા ખેલાડીઓની પાછળ તેમના કૅપ્ટન ઇમરાન ખાન આવ્યા અને ડ્રેસિંગરૂમનાં બારણાં પાસેથી તેમણે સવાલ સંકેત કર્યો કે કેમ ભાઈ, કોને પૂછીને મેદાન પર જાઓ છો.

થોડી મિનિટ બાદ તમામ ખેલાડી મેદાન પર આવ્યા પરંતુ આ વખતે તે તમામે હેલમેટ પહેરેલી હતી. આમ તો ભારત સરકાર કે ભારતીય ક્રિકેટ બોર્ડનું અપમાન દેખાતું હતું પરંતુ ઇમરાનમાં વડાપ્રધાન બન્યાના બે અઢી દાયકા અગાઉ પણ રાજકારણીની ઝલક અહીં દેખાઈ આવી હતી. તેમ છતાં પ્રેક્ષકો ખુશ થઈ ગયા કે કમસે કમ પાકિસ્તાની ટીમે પરત આવવાનું તો કબૂલ્યું.

આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ કે લિમિટેડ ઓવરના ક્રિકેટમાં અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હોય તેવી આ ઘટના હતી કે એક સાથે 11 ફિલ્ડર હેલમેટ પહેરીને ફિલ્ડિંગ કરી રહ્યા હોય.

હવે આ ઘટના કેમ બની તેની પર નજર કરવા જેવી છે.

વાત જાણે એમ હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ટેસ્ટ કદાચ ક્રિકેટ ઇતિહાસની સૌથી ધીમી ટેસ્ટ પૈકીની એક હશે. પાકિસ્તાને લગભગ સાડા બાર કલાક બૅટિંગ કરીને 395 રન નોંધાવ્યા હતા. તેમાંય ઇજાઝ ફકીહે સદી તો ફટકારી પણ તે માટે તેણે સાડા ચાર કલાક બૅટિંગ કરી. એટલા સમયમાં તો અત્યારે ટી20 મૅચની બંને ઇનિંગ્સ પૂરી થઈ જાય છે. ખુદ ઇમરાન ખાને પોણા ચાર કલાક રમીને 72 રન ફટકાર્યા હતા તો રમીઝ રાજાએ બીજા દાવમાં બે કલાક રમીને 21 રન કર્યા તો રિઝવાન ઝમાને પાંચ કલાક રમીને માંડ 50 રન ફટકાર્યા હતા.

આવી ધીમી બૅટિંગ જોઇને પ્રેક્ષકો કંટાળ્યા હતા. તેવામાં સુનીલ ગાવસ્કર અને દિલીપ વેંગસરકરે પણ લગભગ આવી જ ધીમી બેટિંગ કરી હતી. એ સમયે ભલે ટી20 ક્રિકેટ ન હતું પરંતુ રમતપ્રેમીઓ વન-ડે મૅચો નિહાળી ચૂક્યા હતા અને તેમને ગોકળગાય કક્ષાની બૅટિંગ જોવી પસંદ ન હતી.

કેટલાક પ્રેક્ષકોએ તો તાત્કાલિક બૅનર બનાવીને તેમાં લખ્યું પણ હતું કે ભારતના બેટ્સમેને ધીમી બૅટિંગ કરી તો તેમની પણ આવી હાલત કરાશે.

હવે ક્રિકેટ બદલાયું છે. લગભગ દરેક ટેસ્ટમાં પરિણામ આવતું થયું છે ત્યારે આવી કોઈ ઘટના બનવાની શક્યતા ઘટી ગઈ છે.

મોટેરામાં સચીનની બેવડી સદીનું રહસ્ય

ભારતના મહાન બેટ્સમેન અને લોકપ્રિયતામાં અવ્વલ એવા સચીન તેંડુલકરને સદીઓના શહેનશાહ તરીકે ઓળખવામાં આવે છે.

સચીનના નામે ટેસ્ટ અને વન-ડેમાં મળીને 100 ઇન્ટરનેશનલ સદી નોંધાયેલી છે.

1989માં કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ સચીન તેંડુલકર 1999 સુધી એકેય બેવડી સદી ફટકારી શક્યા ન હતા.

એ સમયે તેની ટીકા થતી હતી કે સચીન માત્ર સદીના ખેલાડી છે તે ક્યારેય બેવડી સદી ફટકારી શકતા નથી.

તેમની સરખામણી બ્રાયન લારા કે સ્ટીવ વૉ તથા અન્ય સમકાલીન મહાન બૅટ્સમૅન સાથે થતી ત્યારે સચીનની આ ખામી હંમેશાં હાઇલાઇટ થતી રહેતી હતી.

એવામાં ન્યૂઝીલૅન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી અને તેની એક ટેસ્ટ મૅચ મોટેરા સ્ટેડિયમ ખાતે રમાનારી હતી.

સચીન તેંડુલકર ભારતીય ટીમના કૅપ્ટન હતા. મૅચની સવારે ટૉસ થવામાં હજી અડધા કલાકની વાર હતી ત્યાં અચાનક જ સચીનના ગુરુ અને ભારત માટે સૌથી વધુ સદી (34)નો રેકૉર્ડ ધરાવતા સુનીલ ગાવસ્કરનું આગમન થયું.

ગાવસ્કર એ મૅચમાં કૉમેન્ટરી આપવાના ન હતા તેમ છતાં તેમને મેદાન પર જોઇને સૌને નવાઈ જરૂર લાગી પણ ગાવસ્કરે આવતા વેંત જ સચીન તરફ ચાલવા માંડ્યું.

સાથી ખેલાડીઓ સાથે નેટ્સમાં વૉર્મઅપ કરી રહેલા સચીને તેના પ્રિય એવા સની સરને જોયા અને તે તેમની પાસે પહોંચી ગયા.

ગાવસ્કર તેને લઈને મેદાનના મિડ વિકેટ તરફ લઈ ગયા જ્યાં અન્ય કોઈ ખેલાડી ન હતો.

તેમણે લગભગ અડધા કલાક સુધી ચર્ચા કરી. ગાવસ્કર અને સચીનને દૂરથી જોઈ શકાતા હતા.

ગાવસ્કર થોડી વાતચીત (સલાહ-સૂચન) કરે અને પછી બૅટ હાથમાં લઈને ડિફેન્સ રમવાની, ડ્રાઇવ લગાવવાની વિગેરે સ્ટાઇલ કરે અને તેમાં પગને આગળ પાછળ લઈ જાય, તે બતાવ્યું.

સચીન એકચિત્તે આ તમામ ક્રિયાની નોંધ કરતા હોય તેમ જોતા રહેતા હતા.

વળી તેઓ કંઈ પૂછે અને સની સર તેને સમજાવે. આમ અડધા કલાક સુધી ચાલ્યું.

ટીમના એક બે ઑફિશિયલ બંનેની નજીક જવાનો પ્રયાસ કરતા હતા પરંતુ કોઈની હિંમત ચાલતી ન હતી.

અંતે સચીનને કહેવામાં આવ્યું કે ટૉસનો સમય થઈ ગયો છે અને તેમણે ટૉસ માટે જવાનું છે.

આ સલાહ-સૂચનનું પરિણામ એ આવ્યું કે મૅચના પ્રથમ દિવસે સાંજે સચીન તેંડુલકર 104 રન સાથે રમતમાં હતો અને બીજે દિવસે તેમણે ટૅસ્ટ કારકિર્દીની પ્રથમ બેવડી સદી નોંધાવતાં 217 રન ફટકારી દીધા હતા.

ત્યાર બાદ તો સચીને તેમની કરિયરમાં છ બેવડી સદી ફટકારી છે પરંતુ તેની સૌથી યાદગાર બેવડી સદીનું સાક્ષી મોટેરા સ્ટેડિયમ રહ્યું છે.

(આ લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો લેખકના અંગત વિચારો છે, બીબીસીના નહીં)