ભાવિન મહેતા : ભૂકંપ અને જિંદગીના આંચકા સામે 'નોટઆઉટ' રહેલા ગુજરાતી ઓલરાઉન્ડર ક્રિકેટર

  • એક સમયે ભાવિન પાસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવા યોગ્ય બૅટ નહોતું ત્યારે તેમને સાથીદાર સંજય તલાટીએ પોતાનું બૅટ આપ્યું હતું જેનાથી ભાવિને તેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો
  • ભાવિન મહેતાની એક ખાસિયત એ રહી છે કે તેઓ ફોર્મમાં હોય ત્યારે એકપછી એક એમ બધી ઇનિંગ્સમાં સાતત્યપૂર્ણ જોરદાર દેખાવ કરે છે
  • 1996માં સૌરાષ્ટ્ર અને મુંબઈ સામે ઉપરા-ઉપરી મૅચમાં અડધી સદી તો ત્યાર પછીની સળંગ બે મૅચમાં પાંચ પાંચ વિકેટ
  • 1997માં બરોડા સામે બંને દાવમાં આક્રમક અડધી સદી તો 2002માં તામિલનાડુ, પંજાબ અને ઓરિસ્સા સામે સળંગ ત્રણ મૅચમાં ચાર અડધી સદી
  • ગુજરાતની રણજી ટીમના કૅપ્ટન રહી ચૂકેલા ભાવિન મહેતાએ તેની કારકિર્દીમાં 1756 રન ફટકારવા ઉપરાંત 112 વિકેટ ઝડપી છે
  • ગુજરાત માટે એક હજાર રન અને 100 કરતાં વધુ વિકેટ મેળવનાર તેઓ ઉદય જોશી અને ધીરજ પરસાણા બાદ ત્રીજા ઑલરાઉન્ડર હતા
  • 2001-02ની સિઝનમાં તો ભાવિન સમગ્ર દેશમાં સૌથી વધુ વિકેટ મેળવનારા બૉલરમાં ટોપ-10માં હતા

2001ના કચ્છ ભૂકંપની વરસીને હવે થોડા દિવસની વાર છે. એ ભૂકંપમાં કચ્છના ભચાઉ અને ભૂજ-ગાંધીધામની આસપાસના સ્થળોએ તો લગભગ દરેક ઘરમાં કાંઇકને કાંઇક વિનાશની કહાણી સાંભળવા મળતી હતી. અહીં વાત કરવી છે કુદરતી પ્રકોપના એ કપરા કાળમાંથી બહાર આવીને ગુજરાતના એક ક્રિકેટરની સફળતાની કહાણીની.

ફિનિક્સ પક્ષીની માફક બેઠા થઈને સફળ થયેલી એ વ્યક્તિ એટલે ભાવિન મહેતા. ધરતીકંપનો આંચકો ભાવિનને પણ લાગ્યો હતો. 26મી જાન્યુઆરી 2001નો એ દિવસ. બૅંકમાં રજા હોવાથી ભાવિન ઘરે જ હતા અને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના શિખર ટાવરના બી બ્લોકમાંથી તેઓ વાળને કલર કરાવવા બહાર નીકળ્યા. નજીકની દુકાને ગયા.

તેમનાં પત્ની અને સાત વર્ષની પુત્રી હજું ઊંઘી રહ્યા હતા.

ભાવિન દુકાનેથી પરત ફર્યા ત્યારે તેણે શું જોયું.....નર્યો વિનાશ. તેમના બી બ્લોકનો ત્રીજો માળ નહીં, આખો ટાવર જમીનદોસ્ત થઈ ગયો હતો.

ભાવિનના સંઘર્ષની વાત આગળ વધારીએ તો ભાવિન આ કડવી યાદોને ભૂલી જવા માગે છે.

ખાડિયાનો લડાયક છોકરો

જાન્યુઆરી 2001માં ગુજરાતની રણજી સિઝન પૂરી થઈ ગઈ હતી અને ત્યાર બાદ આગામી નવેમ્બર (2001)માં નવી સિઝનનો પ્રારંભ થયો ત્યારે ભાવિન મહેતા ગુજરાતની ટીમમાં હતા.

ભાવિને જે આત્મવિશ્વાસ દાખવ્યો હતો તે અદ્ભુત હતો. ઘણી વાર ભાવિન મેદાન પર રમવા ઊતરે ત્યારે આ લખનારને કહીને જતો કે પરત ફરીશ ત્યારે મારા નામે પાંચ વિકેટ લખાયેલી હશે.

આવી જ ચૅલેન્જ તેમણે 2001ના ડિસેમ્બરમાં વલસાડ ખાતે કરી હતી. મુંબઈની મજબૂત ટીમ સામે ગુજરાત રમી રહ્યું હતું. પ્રથમ દાવમાં તો શ્યામલ ભટ્ટે સાત વિકેટ ખેરવી હતી તેમ છતાં મુંબઈની ટીમ સવા ત્રણ સો રન કરી શકી હતી પરંતુ બીજા દાવમાં ભાવિન ત્રાટક્યા હતા.

ગુજરાતે આપેલા ઑફ સ્પિનરોમાં સર્વશ્રેષ્ઠ એવા ભાવિને વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે એ દિવસે લંચ બાદના સમયગાળામાં તરખાટ મચાવ્યો હતો.

ટી બ્રેક વખતે જ તેમના ખાતામાં પાંચ વિકેટ હતી અને તેમણે આઉટ કરેલા પાંચેય ખેલાડી હતા, અમોલ મજુમદાર, વિનોદ કાંબલી, રમેશ પોવાર, સમીર ડિઘે અને અજીત અગરકર. આ તમામ ધૂરંઘર ખેલાડીઓ હતા. ભાવિન મહેતા અમદાવાદની ખાડિયાની પોળમાંથી આવે છે અને ખાડિયાના લોકોને લડાયક ગણવામાં આવે છે.

ગુજરાતે આપેલા ઑફ સ્પિનર ઑલરાઉન્ડરમાં ભાવિનની સરખામણી ઉદય જોષી સાથે કરી શકાય. કેમકે, બંનેએ ટીમ માટે એક સમાન યોગદાન આપેલું છે, પરંતુ ભાવિનનો પ્લસ પૉઇન્ટ એ રહ્યો હતો કે તેઓ અંગત જીવનની સમસ્યામાંથી બહાર આવીને ટીમ માટે સર્વશ્રેષ્ઠ દેખાવ કરતા રહ્યા હતા.

મિત્રના બૅટથી કારકિર્દીની શરૂઆત

આમ તો ભાવિન બૉલિંગ ઑલરાઉન્ડર ગણાય કેમકે તેનું મુખ્ય શસ્ત્ર બૉલિંગ હતું, પરંતુ તેનું નામ થયું બેટિંગને કારણે.

એક સમયે તેમની પાસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવા યોગ્ય બૅટ નહોતું ત્યારે ગુજરાતના સદાબહાર ખેલાડી અને ભાવિનની બૅંક ઑફ ઇન્ડિયાની ટીમના સિનિયર સાથીદાર સંજય તલાટીએ તેમને પોતાનું બૅટ આપ્યું હતું જેના થકી ભાવિને તેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

આજે ભાવિન એ તમામનો આભાર માનવાનું ભૂલતા નથી, જેમણે તેમને કારકિર્દીના પ્રારંભમાં અથવા તો જીવનની સૌથી કપરી ક્ષણમાં સાથ આપ્યો હતો. ભાવિન મહેતાની એક ખાસિયત એ રહી છે કે તેઓ ફોર્મમાં હોય ત્યારે એક-પછી-એક બધી જ ઇનિંગ્સમાં જોરદાર દેખાવ કરે છે.

જેમકે 1996માં સૌરાષ્ટ્ર અને મુંબઈ સામે ઉપરા-ઉપરી મૅચમાં અડધી સદી તો ત્યાર પછીની સળંગ બે મૅચમાં પાંચ-પાંચ વિકેટ.

આવી જ રીતે 1997માં બરોડા સામે બંને દાવમાં આક્રમક અડધી સદી તો 2002માં તામિલનાડુ, પંજાબ અને ઓરિસ્સા સામે સળંગ ત્રણ મૅચમાં ચાર અડધી સદી. 2001માં અમદાવાદના નવરંગપુરા ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમ પર મહારાષ્ટ્ર સામે 53 રનમાં છ વિકેટ હોય કે વલસાડમાં મુંબઈ સામે પાંચ વિકેટ અને વડોદરામાં બરોડા સામેની પાંચ વિકેટ... આ તમામ મૅચોમાં ભાવિન છવાઈ ગયા હતા.

આવી જ રીતે બીસીસીઆઈની રણજી ટ્રૉફી વન-ડે ટુર્નામેન્ટ રમાતી હતી, ત્યારે ભાવિને સિઝનમાં 536 રન અને 29 વિકેટ ખેરવીને તરખાટ મચાવ્યો હતો તો તેમને બે સિઝન માટે દુલીપ ટ્રૉફીની વેસ્ટ ઝોનની ટીમમાં પણ પસંદ કરાયા હતા. જેમાં 1996-97માં વેસ્ટ ઝોનને દુલીપ ટ્રૉફીમાં ચૅમ્પિયન બનાવવામાં ભાવિનનું યોગદાન હતું, તો ત્યાર પછીની સિઝનમાં વેસ્ટ ઝોન દુલીપ ટ્રૉફીમાં રનર્સ અપ રહ્યું ત્યારે પણ ભાવિનનું યોગદાન અમૂલ્ય રહ્યું હતું.

વિકેટ લેવામાં દેશમાં ટૉપ-10માં

ગુજરાતની રણજી ટીમના કૅપ્ટન રહી ચૂકેલા ભાવિન મહેતાએ તેની કારકિર્દીમાં 1756 રન ફટકારવા ઉપરાંત 112 વિકેટ ઝડપી છે. આમ ગુજરાત માટે એક હજાર રન અને 100 કરતાં વધુ વિકેટ મેળવનાર તેઓ ઉદય જોશી અને ધીરજ પરસાણા બાદ ત્રીજા ઑલરાઉન્ડર હતા. જોકે રૂશ કલેરિયા પણ હવે આ સિદ્ધિ નોંધાવી ચૂક્યા છે.

ગુજરાતના રણજી ટ્રૉફીના ઇતિહાસમાં 100થી વધારે વિકેટ ખેરવનારા બૉલરમાં તો ભાવિન અવ્વલ છે જ પરંતુ 2001-02ની સિઝનમાં તો ભાવિન સમગ્ર દેશમાં સૌથી વધુ વિકેટ મેળવનારા બૉલરમાં ટોપ-10માં હતા. ભાવિન અંડર-19 અને યુનિવર્સિટી ક્રિકેટ રમતા રણજી અને દુલીપ ટ્રૉફી સુધી પહોંચ્યા અને ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે કોચિંગ અપનાવ્યું. જોકે તેઓ અગાઉ બીસીસીઆઈની મૅચોમાં રૅફરી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા.

બીસીસીઆઈની સિનિયર અને જુનિયર મૅચોમાં રૅફરી રહ્યા બાદ તેણે ક્રિકેટ સાથે નાતો જાળવી રાખવા કોચ તરીકેની કારકિર્દી અપનાવી જે હાલમાં પણ જારી છે. હાલમાં ભાવિન ગુજરાતની સીકે નાયડુ ટીમ (અંડર-25)ના કોચ છે તો અગાઉ તેમણે લગભગ તમામ જુનિયર ટીમના કોચનો ચાર્જ સંભાળેલો છે.

આમ ભાવિન મહેતા છેલ્લા સાડા ત્રણ દાયકાથી ક્રિકેટ સાથે સંકળાયેલા રહ્યા છે.

જોકે ભાવિન તેમની દીકરી વંશિકાને ક્રિકેટ નહીં પરંતુ બૅડમિન્ટનની રમતમાં સાંકળી લીધી છે. પત્ની હર્ષા મહેતાના સતત પીઠબળથી આગળ ધપી રહેલા ભાવિને તેમની દીકરીને સારા બૅડમિન્ટન ખેલાડી બનાવ્યાં છે.

વંશિકા અત્યારે સ્ટેટ અને નેશનલ બૅડમિન્ટન ખેલાડી છે અને તેમની રમતની સાઇના નેહવાલ જેવા ખેલાડી પણ પ્રશંસા કરી ચૂક્યાં છે. જોકે હાલમાં વંશિકા ધોરણ-12 સાયન્સની તૈયારી કરી રહ્યાં છે એટલે થોડા સમય માટે તેમણે રમતમાંથી બ્રૅક લીધો છે.