એ ગુજરાતી ક્રિકેટર, જેઓ ભારતના 'સૌથી વધુ આક્રમક બૅટ્સમૅન' પૈકીના એક ગણાતા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • ગુજરાતના ડૉમેસ્ટિક ક્રિકેટ પ્લેયર સંજય તલાટી 80ના દાયકામાં ‘ટી20ની ઝડપે’ રન બનાવવા માટે ખ્યાત હતા
  • સાથી ક્રિકેટરો તેમને ‘નૈસર્ગિક ક્રિકેટર’ની સાથોસાથ ‘સૌથી આક્રમક બૅટ્સમૅન’ પણ માનતા
  • તેમના એક સાથી ક્રિકેટર તેમના વિશે કહે છે કે જો અત્યારના સમયની જેમ બધા ફોર્મેટ માટે અલગ ટીમો બનતી હોત તો ‘તેઓ જરૂર વનડે રમ્યા હોત’

1980ના દાયકાના પ્રારંભિક વર્ષ અને સ્થળ અમદાવાદના નવરંગપુરા વિસ્તારનું સરદાર પટેલ સ્ટેડિયમ.

હજી મોટેરા સ્ટેડિયમ બંધાયું ન હતું અને આ મેદાન પર બીસીસીઆઈની ડૉમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ મૅચો રમાતી હતી.

એકાદ વનડે ઇન્ટરનેશનલ મૅચ પણ રમાઈ ચૂકી હતી.

એવામાં આ સ્ટેડિયમ ખાતે પાંચથી દસ હજાર પ્રેક્ષકો મૅચ જોવા માટે હાજર રહ્યા હોય તો એમ લાગે કે રણજી ટ્રૉફી કે દુલીપ ટ્રૉફીની મૅચ રમાતી હશે પણ સ્ટેડિયમની અંદર જઈએ ત્યારે ખબર પડે કે આ તો લોકલ ટુર્નામેન્ટની મૅચ છે.

મોટા ભાગે ફૉર્ચ્યુન કપ કે રિલાયન્સ કપ જેવી સ્થાનિક ટુર્નામેન્ટની મૅચ હોય અને તેમાં એક બૅટ્સમૅન આક્રમક અંદાજથી રમતો હોય.

ફાસ્ટ બૉલરને પણ સ્વીપ ફટકારતો હોય તો નવાઈ લાગવી જોઈએ પણ ઉપસ્થિત હજારો પ્રેક્ષકોને નવાઈ લાગતી ન હતી, કેમ કે આ જોવા માટે તો તેઓ આવતા હતા.

આ બૅટ્સમૅન એટલે સંજય તલાટી અને રમતપ્રેમીઓ તેમને લાડથી લાટો પણ કહી દેતા હતા, કેમ કે આ બૅટ્સમૅન સૌનો લાડકો હતો એટલે આવા ઉપનામ સામે તેમને પણ વાંધો ન હતો.

‘ફાસ્ટ બૉલિંગમાં સ્વીપ શોટ’

ગુજરાતે ઘણા પ્રતિભાશાળી ક્રિકેટર આપ્યા છે અને એ તમામમાં ભારત માટે ટેસ્ટ રમવાની કે ઇન્ટરનેશનલ મૅચો રમવાની કાબેલિયત હતી પરંતુ એ સમયગાળો જ કદાચ એવો હતો જ્યારે પસંદગીકારોની નજર માત્ર મેટ્રો સિટી પર જ રહેતી હતી, જેને કારણે દેશના બાકીના પ્રાંતોમાંથી ઘણા ખેલાડીઓને તક પ્રાપ્ત થઈ ન હતી.

તેમાં નુકસાન ઘણા ખેલાડીને થયું હતું જે પૈકીના એક એવા સંજય તલાટી.

હા, કમસે કમ અમદાવાદના વાચકો માટે આ નામ સાવ નવું નથી પરંતુ આજે ત્રણ ચાર દાયકા બાદ આ નામ સાંભળીને એ જૂના રમતપ્રેમીઓની આંખ કાંઈક આશ્ચર્યથી પહોળી થઈ જાય તો નવાઈ નહીં.

સંજય તલાટીની લોકપ્રિયતા 1980ના દાયકામાં કેવી હતી તેના વિશે એ સમયના કોઈ પણ ક્રિકેટપ્રેમીને પૂછો તો ખ્યાલ આવશે. એમાંય અમદાવાદની કોઈ પણ સ્થાનિક ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય અને બૅંક ઑફ ઇન્ડિયા તથા સ્ટેટ બૅંકની ટીમ સામસામે રમતી હોય.

વળી તે ફાઇનલ મૅચ હોય તો તો જાણે સ્ટેડિયમ પર પ્રેક્ષકોનાં ટોળેટોળાં ઊમટતાં હતાં. ખાસ વાત તો એ છે કે આ પ્રેક્ષકોને સ્ટેડિયમ સુધી પહોંચાડવા માટે કોઈ જાહેરાત કરવી પડતી ન હતી.

અંગ્રેજીમાં જેને ક્રાઉડ પુલર કહેવાય છે તેની કમસે કમ અમદાવાદ કે ગુજરાતમાં શરૂઆત કરી હોય તો તે સંજય તલાટીએ.

આજે જસપ્રીત બુમરાહ કે અક્ષર પટેલ કે તેની પહેલાં પાર્થિવ પટેલ પણ અમદાવાદમાં આ રીતે પ્રેક્ષકોને કોઈ પણ આમંત્રણ વિના ખેંચી લાવવામાં સફળ રહ્યા નથી.

એ સમયે તમારે તમારી પસંદગીના ખેલાડીની રમત નિહાળવી હોય તો મેદાન પર જ જવું પડતું.

માત્ર ગુજરાત જ નહીં પરંતુ તેમાં બરોડા અને સૌરાષ્ટ્રને ઉમેરીએ તો આ ત્રણ ટીમે અત્યાર સુધી પેદા કરેલા તમામ બૅટ્સમૅનમાં કદાચ સૌથી આક્રમક બૅટ્સમૅન કોઈને ગણવા હોય તો તે તલાટી.

ઝડપી બૉલરને સ્વીપ ફટકારવાની તેમની આદત વિશે તો સ્થાનિક પ્રેક્ષકો જાણતા હતા પરંતુ મેદાન પર તેમની જે સ્ટાઇલ હતી તેના વિશે તો સાથી ખેલાડી જ કહી શકે.

‘એક ઓવરમાં સતત પાંચ ચોગ્ગા’

ગુજરાતના અન્ય રણજી ક્રિકેટર શૈલેન્દ્રસિંહ સોલંકી અને તલાટી એક જ બૅંકમાંથી સાથે રમે.

સોલંકી આ અંગે કહે છે કે એ મારી પ્રથમ મૅચ હતી અને મેં પહેલો બૉલ નાખ્યો તે પછી તરત જ કૅપ્ટન (તલાટી) થર્ડ મૅન તરફ ચાલ્યા ગયા. મેં પૂછ્યું કે આમ કેમ તો મને કહે, “તું તારે બૉલિંગ નાખ અને મને મારું કામ કરવા દે.”

મારા આશ્ચર્ય વચ્ચે ત્યાર પછીના બૉલે બૅટ્સમૅને થર્ડ મૅન તરફ જ બૉલ ઉછાળ્યો અને સંજય તલાટીએ આસાનીથી કૅચ કરી લીધો.

સોલંકીએ અત્યંત ઉત્સાહપૂર્વર્ક આ ઘટનાનું વર્ણન કરતાં ઉમેર્યું કે તેમને પહેલા બૉલે મેં કેવી રીતે બૉલિંગ કરી અને બૅટ્સમૅન કેવી રીતે રમ્યો તેના પરથી જ તાગ મેળવી લીધો હતો કે આગલા બૉલે શું થવાનું છે.

સંજય તલાટીનું કમનસીબ એ રહ્યું કે તેમને ક્યારેય ઉપરના લેવલ પર રમવાની તક સાંપડી નહીં.

તેઓ ઓપનર હતા અને એ સમયગાળામાં ભારતીય ટીમમાં સુનીલ ગાવસ્કરનો સિક્કો પડતો હતો, જેની સાથે ચેતન ચૌહાણ અને ક્યારેક અંશુમાન ગાયકવાડ ઇનિંગનો પ્રારંભ કરવા જતા હતા.

આમ તલાટી જેવા દેશના ઘણા ઓપનરને ભારત માટે રમવાની તક સાંપડી ન હતી.

આજની માફક તમામ ફૉર્મેટ માટે અલગઅલગ ટીમ બનતી હોત તો સંજય તલાટી ભારતની વનડે ટીમમાં તો ચોક્કસ સ્થાન હાંસલ કરી શક્યા હોત, કેમ કે આક્રમક બેટિંગ કરવામાં તો તેમનામાં ક્રિષ્ણામાચારી શ્રીકાન્ત કરતાં પણ વધારે કાબેલિયત હતી.

રણજી ટ્રૉફીમાંથી નિવૃત્ત થયા બાદ પણ આ આક્રમકતામાં ખાસ ફરક પડ્યો ન હતો.

આ અંગે સોલંકી કહે છે કે એક વાર ગુજરાતના નવાસવા પણ પ્રતિભાશાળી બૉલર સમીર સુશીલ સામે તેઓ રમી રહ્યા હતા.

મેં તેમને સૂચન કર્યું કે, “હેલ્મેટ પહેરી લો, કેમ કે આ બૉલર ખતરનાક છે.”

તેમણે મારી વાત ટાળીને મને કહ્યું કે, “તું તારું કામ કર ને....હવે શું થાય છે તે તું જોજે... બન્યું એવું કે મૅચની પહેલી ઓવરના પહેલા પાંચ બૉલમાં તેમણે પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. હાલત તો એ હતી કે ચોથા અને પાંચમા બૉલે વિકેટકીપર અને બૉલરને બાદ કરતાં બાકીના નવ ફિલ્ડર બાઉન્ડરી પર ઊભા રાખવા પડ્યા હતા.”

‘એ સમયનો ભારતનો સૌથી આક્રમક બૅટ્સમૅન’

આવા જ એક કિસ્સામાં તેમની આક્રમકતાનો પરચો મળી જાય છે.

એ વખતે તેમણે અમદાવાદના અન્ય એક સ્થાનિક મેદાન પર સિક્સર ફટકારી હતી.

બૉલ એ મેદાનની પાછળ આવેલી બાસ્કેટ બૉલ કોર્ટ પર જઈને પડ્યો હતો પરંતુ સાથી બૅટ્સમૅન અને વિકેટકીપર તથા બૉલરે તલાટીના મુખેથી સાંભળ્યું હતું કે, “અરે બૉલ બરાબર બેટ પર આવ્યો નહીં અને થોડી કાચી વાગી ગઈ.”

હવે વિચાર કરો કે મેદાનની લગભગ 150 મીટર પાછળ આવેલી બાસ્કેટ બૉલ કોર્ટ પાસે બૉલ પડયો હો તેને કાચી વાગી કહેતા હોય તો તેમના અસલ સ્ટ્રોકમાં શું હાલત થઈ હોત?

તલાટી સાથે લગભગ એક દાયકા કરતાં વધારે સમય સુધી રમનારા અને તેમની બૅંક તથા ગુજરાતની રણજી ટીમના સાથી અનિલ પટેલ આથી પણ અચરજભરી વાતો કરે છે.

ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના વર્તમાન સેક્રેટરી અનિલ પટેલે તેમના આ સાથીને નૈસર્ગિક ક્રિકેટર ગણાવ્યો છે.

તેમનું કહેવું છે કે, “એ જમાનામાં લિમિટેડ ઓવર ક્રિકેટ હોત અથવા તો સંજય તલાટી હાલના જમાનાનો ક્રિકેટર હોત તો તે ભારત માટે રમતો હોત. 1980ના દાયકામાં ભારત પાસે એવો કોઈ આક્રમક બૅટ્સમૅન ન હતો, જેની સરખામણી આપણે તલાટી સાથે કરી શકીએ. શ્રીકાન્ત કરતાં પણ તલાટી વધુ કાબેલ હતો.”

“તલાટી પાસે કોઈ પણ બૉલર ઉપર હાવી થઈ જવાની ક્ષમતા હતી અને તેમ છતાં તે સદાબહાર ખેલાડી હતો. તેને બીજી કાંઈ પડી જ ન હતી. ખરેખર તો તલાટી માત્ર શોખ ખાતર જ ક્રિકેટ રમતો હતો.”

અનિલ પટેલ ઉમેરે છે કે, “લોકલ ક્રિકેટમાં તો હરીફ ટીમના કેટલાક બૉલર તેમના કૅપ્ટનને એમ કહેતા હતા કે સંજય તલાટી આઉટ થાય પછી જ અમને બૉલિંગ આપજો.”

આ તો લોકલ ક્રિકેટની વાત થઈ પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રાજુ કુલકર્ણી (મુંબઈ), નારાયણ સાઠમ અને રશીદ પટેલ (બરોડા), બલવિન્દરસિંઘ સંધુ અને સલગાંવકર ઉપરાંત કરસન ઘાવરી સામે પણ તલાટીએ જે રીતે ઇનિંગનો પ્રારંભ કર્યો હતો તે જોતાં એમ કહી શકાય કે મૅચના પ્રારંભમાં જ બૉલરને હતાશ કરી નાખવા તે સંજય તલાટીની આદત હતી.

1980-81માં ગુજરાત માટે રણજી કારકિર્દીનો પ્રારંભ કરનારા તલાટીએ 37 મૅચમાં 33.62ની સરેરાશથી 2,219 રન ફટકાર્યા હતા, જેમાં તેમણે ત્રણ સદી ફટકારી હતી અને યોગાનુયોગે આ ત્રણેય સદી તેમણે મહારાષ્ટ્ર સામે ફટકારી હતી.

જોકે આ આંકમાં વધારો થઈ શકે તેમ હતો કેમ કે કારકિર્દીમાં તલાટીએ કમસે કમ દસેક ઇનિંગ એવી રમી છે જેમાં તેમનો સ્કોર 80થી વધારે હોય.

કમનસીબે એ સમયમાં હજી બૅટ્સમૅન કેટલા બૉલ રમે છે તેની ગણતરીની પ્રથા કાયમી બની ન હતી.

નહીંતર ચોક્કસ કહી શકાય કે તલાટીનો એ સમયનો સ્ટ્રાઇક રેટ કદાચ આજના ટી20 યુગના બૅટ્સમૅનને પણ શરમાવતો હોત.