અશોક જોશી : સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોને પેવેલિયન ભેગા કરનાર ગુજરાતના 'ફર્સ્ટ ક્લાસ' બૉલર

ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક સમયે માત્ર રણજી ટ્રૉફી કે દુલીપ ટ્રૉફી જ નહીં પરંતુ મોઇન-ઉદ-દુલ્લા ટ્રૉફીનું પણ એટલું જ મહત્ત્વ હતું અને આ ટુર્નામેન્ટની મૅચોને આઇસીસીએ પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચનો દરજ્જો આપેલો હતો.

રણજી ટ્રૉફી જેટલું જ આકર્ષણ આ ટુર્નામેન્ટનું હતું અને તેમાં સૌથી મજબૂત ગણાતી ટીમ એટલે સ્ટેટ બૅંકની ટીમ.

આ ટીમ માટે રમનારા ખેલાડીઓ પર નજર કરીએ તો એમ લાગે કે આ જ તો ભારતની ટેસ્ટ ટીમ હશે.

ખેલાડીઓની એક યાદી જોઈએ તો તેમાં આબિદ અલી, પી. કૃષ્ણમૂર્તિ, અજિત વાડેકર, ગુંડપ્પા વિશ્વનાથ, હનુમંતસિંઘ, અંબર રોય, શરદ દીવાડકર, વીવી કુમાર અને બિશનસિંઘ બેદી જેવા ખેલાડીઓ રમતા હતા.

1970ના ઑક્ટોબરમાં હૈદરાબાદ ખાતે ટુર્નામેન્ટની ફાઇનલ હતી જેના આગલા દિવસે સ્ટાર બૉલર બિશનસિંઘ બેદીને કોઈ કારણસર હૈદરાબાદ છોડવાનું થયું.

મૅચની પૂર્વસંધ્યાએ ટીમ મૅનેજમૅન્ટની સમસ્યા વધી ગઈ અને એક બેઠક બોલાવામાં આવી. જેમાં બેદીનું સ્થાન કોણ લેશે તેવી ચર્ચા ચાલતી હતી.

આ સમયે ભારતના મહાન ઑફ સ્પિનર એરાપલ્લી પ્રસન્નાએ વિશ્વાસપૂર્વક એક સૂચન કર્યું કે તમારી પાસે બેદી જેવો જ વર્લ્ડ ક્લાસ સ્પિનર છે તો તમે ચિંતા કેમ કરો છો.

તેમણે ગુજરાતના લેફ્ટ આર્મ સ્પિનર અશોક જોશીના નામનું સૂચન કર્યું.

આજે આ વાતને બાવન વર્ષ વીતી ગયાં છે પરંતુ અશોક જોશી જાણે ગઈ કાલની ઘટના હોય તેમ તેમના વિશે કહે છે કે, “પ્રસન્નાએ મારી ઉપર ભરોસો મૂક્યો અને તે જ કારણે મારી કારકિર્દીમાં બાદમાં બદલાવ આવ્યો અને તે આત્મવિશ્વાસે મને ઘણી બધી સફળતા અપાવી હતી.”

ફાઇનલના પ્રથમ દિવસે સ્ટેટ બૅંકની ટીમ 248 રનમાં આઉટ થઈ ગઈ અને બીજે દિવસે હૈદરાબાદ ઇલેવનને આસાનીથી સરસાઈ મળી શકે તેમ હતી, પરંતુ અશોક જોશીના ખતરનાક સ્પિન અને આર્મરે તેમને ફાવવા દીધા નહીં.

અંતે હૈદરાબાદની ટીમ 208 રનમાં આઉટ થઈ ગઈ જેમાં અશોક જોશીની સાત વિકેટ હતી. અશોક જોશી તેમની કારકિર્દીની આ સૌથી યાદગાર મૅચ માને છે.

એ ટુર્નામેન્ટને વાગોળતાં તેમણે વધુ એક રસપ્રદ વાત કરી.

તેમણે કહ્યું હતું કે, “એ વખતે મને મૅન ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાયો હતો અને આજથી બાવન વર્ષ અગાઉ મને 1500 રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત થયો હતો જેમાંથી મેં મારા પરિવાર માટે સૌપ્રથમ રેફ્રિજેટર ખરીદ્યું હતું.”

આજે પણ આ વાત અશોક જોશીના ચહેરા પર ગજબનો રોમાંચ લાવી દે છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ‘ફર્સ્ટ ક્લાસ બૉલર’

26મી ડિસેમ્બરે અશોક જોશીનો જન્મદિવસ છે. ગુજરાતના રણજી ટ્રૉફીના ઇતિહાસમાં એ પછી તો ઘણા બૉલર આવી ગયા.

છેલ્લા બે દાયકામાં તો કેટલાક અદભુત બૉલર ગુજરાતને મળ્યા છે જેમાં જસપ્રીત બુમરાહ, સિદ્ધાર્થ ત્રિવેદી, અક્ષર પટેલ વગેરેને સામેલ કરી શકાય, પરંતુ અશોક જોશી જેટલી વિકેટ અન્ય કોઈ બૉલરને સાંપડી નથી.

તેમણે ગુજરાત માટે 66 મૅચમાં 227 વિકેટ ઝડપી છે અને બૉલિંગમાં સાતત્ય તો એવું કે સ્પિનર હોવા છતાં માત્ર 24.73ની સરેરાશથી તેમણે વિકેટો ખેરવી છે.

જે દિવસે તેમને ટર્ન થતી પીચ મળે ત્યારે તો તેઓ વધારે ખતરનાક બની જતા હતા.

એમ કહેવાતું હતું કે અશોક જોશી માત્ર મેટિંગ વિકેટના બૉલર છે પરંતુ હકીકત તેના કરતાં વિપરીત છે, કેમ કે તેમણે ભારતનાં લગભગ તમામ મેદાનો પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચો રમી છે અને તે તમામ સ્થળે તેમને ટર્ફ વિકેટ પર જ રમવાનું આવતું હતું.

સ્ટેટ બૅંકની ટીમ માટે રમે ત્યારે અજિત વાડેકર તેમની સાથે રમતા હોય પરંતુ ગુજરાત અને મુંબઈ વચ્ચેની મૅચમાં તેઓ વાડેકરની સામે રમતા હોય અને તેમને આઉટ પણ કરતા હોય.

રણજી ટ્રૉફીમાં ગુજરાતને માંડ ચાર મૅચ રમવા મળતી જેમાં તેમના હરીફો હોય મુંબઈ, મહારાષ્ટ્ર, બરોડા અને સૌરાષ્ટ્ર.

જેમાં પણ સૌરાષ્ટ્રની ટીમના મોટા ભાગના ખેલાડીઓ અમદાવાદમાં જોશી સાથે સ્ટેટ બૅંકમાં નોકરી કરતા હોવાને કારણે દરરોજ સાથે જ પ્રૅક્ટિસ કરતા હોય.

આ સંજોગોમાં સૌરાષ્ટ્ર સામે અશોક જોશીએ 15 મૅચમાં 81 વિકેટ ખેરવી હોય તે સ્વાભાવિક લાગે પરંતુ મુંબઈ સામે 16 મૅચમાં 44 વિકેટ અને એટલી જ મૅચમાં બરોડાની 56 વિકેટ ખેરવવું સરળ નહોતું.

ભારતના સ્ટાર બૉલર બિશન બેદીનો ‘વિકલ્પ’

બિશન બેદીને કારણે ઘણા લેફ્ટ આર્મ સ્પિનરને ભારત માટે રમવાની તક સાંપડી નહીં તેમાંના એક એટલે અશોક જોશી.

જોકે તેમને આ માટે ખાસ વસવસો નથી, કેમ કે તેમણે ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં ઘણી વખત ધમાકેદાર પ્રદર્શન કરેલું છે. અન્ય એક યાદગાર પ્રસંગ વિશે અશોક જોશી વાત કરે છે.

એ મૅચ હતી 1966ના ઑક્ટોબરમાં રમાયેલી દુલીપ ટ્રૉફીની મૅચ.

તેઓ એ મૅચ વિશે વાત કરતાં કહે છે કે, “મારી એ પ્રથમ દુલીપ ટ્રૉફી મૅચ હતી. સામે પક્ષે પણ એવા જ હોનહાર ખેલાડીઓ હતા જેમાં સલીમ દુરાની, હનુમંતસિંઘ, ખુદ રાજસિંઘ ડુંગરપુર, પાર્થસારથી શર્મા, કૈલાસ ગટ્ટાણી જેવા ખેલાડીઓની ટીમ ઘણી મજબૂત હતી તો અમારી ટીમમાં મારા જેવા એકાદ બે ખેલાડીને બાદ કરતાં બધા જ ટેસ્ટ ક્રિકેટર હતા.”

અશોક જોશી તેમની આ યાદગાર મૅચ અંગે વાત કરતાં આગળ જણાવે છે :

“ઇન્દોરના નેહરુ સ્ટેડિયમનો માહોલ જાણે ટેસ્ટ મૅચ રમાતી હોય તેવો હતો તેવામાં કૅપ્ટન ચંદુ બોરડેએ મને બૉલ આપ્યો. મારી પહેલી જ ઓવર અને સામે છેડે સલીમ દુરાની જેવો ખતરનાક બૅટ્સમૅન. સ્ટેન્ડમાંથી સિક્સરની ડિમાન્ડ શરૂ થઈ ગઈ કેમ કે દુલીપ ટ્રૉફીમાં હું નવોસવો અને પાછો સ્પિનર.”

“આમ દુરાની માટે પરફેક્ટ પ્લૅટફૉર્મ હતું પરંતુ મેં પહેલા જ બૉલે દુરાનીને વિકેટ પાછળ ફારુક એન્જિનિયરના હાથમાં ઝડપાવી દીધો. આમ મારા માટે દુલીપ ટ્રૉફીનો પ્રારંભ યાદગાર બની ગયો.”

મુંબઈની ‘મજબૂત’ ટીમને માત્ર 42 રને આઉટ કરી બતાવી

આવો જ એક યાદગાર પ્રસંગ હતો વલસાડ ખાતેની રણજી મૅચનો.

1977ના ડિસેમ્બરમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે વલસાડના કૉલેજ ગ્રાઉન્ડ પર મૅચ રમાતી હતી.

મુંબઈ સામે આ અગાઉ ગુજરાતની ટીમ ક્યારેય જીતી શકી ન હતી.

અશોકભાઈના પરમ મિત્ર એવા પંકજ ઝવેરી ટીમના કૅપ્ટન હતા.

ગુજરાતની ટીમ માત્ર 169 રન કરી શકી. જેના જવાબમાં મુંબઈ જંગી સ્કોર ખડકશે તેવી અટકળો થતી હતી પરંતુ હરીફ ટીમે માત્ર 83 રન કર્યા અને કોઈ અકળ કારણસર ઇનિંગ્સ ડિકલેર કરી દીધી.

બીજા દાવમાં શરદ પટેલના 58 રનની મદદથી ગુજરાતે 181 રનનો સ્કોર રજૂ કર્યો.

આમ મુંબઈને જીતવા માટે 268 રનનો ટાર્ગેટ મળ્યો. કાં તો મુંબઈ ટાર્ગેટ વટાવી દે અથવા તો મૅચ ડ્રૉ રહે, એ બે જ સંભાવનાઓ વ્યક્ત કરાતી હતી, કેમ કે એ જમાનામાં ગુજરાતની ટીમ મુંબઈને ઓલઆઉટ કરી દે તેવો તો કોઈને વિચાર પણ આવતો ન હતો.

પણ બન્યું તેના કરતાં અવળું.

અશોક જોશીએ માત્ર આઠ રન આપીને છ વિકેટ ખેરવી દીધી.

મુંબઈની ટીમ માત્ર 42 રનમાં ઓલઆઉટ થઈ.

રણજી ટ્રૉફીમાં સૌથી વધારે ટાઇટલ જીતવાનો અડીખમ રેકૉર્ડ ધરાવતા મુંબઈના ઇતિહાસનો આ સૌથી ઓછો સ્કોર.

ગુજરાતે 225 રનના વિશાળ અંતરથી મૅચ જીતી લીધી હતી.

જોકે એ મૅચમાં સુનીલ ગાવસ્કર કે દિલીપ વેંગસરકર જેવા બૅટ્સમૅન હતા નહીં પરંતુ અશોક જોશી કહે છે કે, “એ દિવસે તો જે સામે આવ્યો હોત તે ગયો હોત.”

આ મૅચમાં મુંબઈની ટીમના મૅનેજર બાપુ નાડકર્ણી હતા.

ભારત માટે રમેલા મહાન લેફ્ટ આર્મ સ્પિનર પૈકીના એક એવા નાડકર્ણી પણ એ દિવસે અશોક જોશીની બૉલિંગથી પ્રભાવિત થઈ ગયા હતા.

ગુજરાતના ‘સર્વકાલીન મહાન સ્પિન બૉલર’

અશોક જોશી આજે એ મૅચનાં 45 વર્ષ બાદ પણ તેને એક સફળતા માને છે, કેમ કે એ દિવસે હરીફ ટીમમાં ભલે બે સ્ટાર ટેસ્ટ ખેલાડી ન હતા, પરંતુ રામનાથ પારકર, મોહનરાજ, મિલિન્દ રેગે, સંદીપ પાટિલ, એકનાથ સોલકર જેવા સફળ બૅટ્સમૅન તો હતા જ.

આમ અશોક જોશીએ કોઈ નબળી ટીમને હરાવી ન હતી.

અશોક જોશી નિઃશંકણે ગુજરાતના ‘સર્વકાલીન મહાન સ્પિન બૉલર’ છે.

માત્ર તેમના રેકૉર્ડ પરથી જ નહીં પરંતુ તેઓ જે સ્ટાઇલથી બૉલિંગ કરતા હતા અને તેમના આગમન સાથે હરીફ બૅટ્સમૅન જે રીતે સાવધાન બની જતા હતા તેને કારણે પણ તેઓ મહાન બૉલરની હરોળમાં આવી જાય છે.

અશોક જોશીએ તેમની કારકિર્દીમાં કુલ 282 વિકેટ ખેરવી છે. ઇનિંગ્સમાં પાંચ વિકેટની સિદ્ધિ 13 વખત નોંધાવી છે.

તેમના શિકારમાં એકનાથ સોલકર અને ઋષિકેશ કાનીટકર (છ છ વખત) તો એમ એલ જયસિંહા, સલીમ દુરાની અને સાક્ષાત્ સુનીલ ગાવસ્કરનો પણ સમાવેશ થઈ જાય છે.

ભારત માટે ટેસ્ટ નહીં રમવાનો અફસોસ તો અશોક જોશીને નથી પરંતુ તેમના પ્રશંસકોને આ વસવસો જરૂર રહી ગયો હશે.