You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચેતેશ્વર પૂજારા : 8 વર્ષની ઉંમરે ઘરે બનાવેલા પૅડ અને નાનકડા બૅટથી જ્યારે ક્રિકેટની શરૂઆત કરી
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ચેતેશ્વર પૂજારા પોતાના ટૅસ્ટ કૅરિયરની 100મી ટેસ્ટ મૅચ રમવા જઈ રહ્યા છે. આ સફરમાં તેમણે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જોકે, ટેસ્ટ અને પૂજારાનું આકર્ષણ આજકાલનું નથી.
લગભગ ત્રણેક દાયકા અગાઉ આ આકર્ષણની શરૂઆત રાજકોટમાંથી થઈ ગઈ હતી. રાજકોટનું કોઠી કમ્પાઉન્ડ એટલે કે રેલવેના કર્મચારીઓનાં ક્વાર્ટર્સ અને તેનું બાઉન્ડરી વિનાનું મેદાન.
રેલવે ગ્રાઉન્ડ આમ તો દેખાવમાં સાવ સામાન્ય લાગે, પણ આ મેદાન પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચો પણ રમાઈ છે અને હજી પણ રમાતી રહે છે ત્યારે 1990ના અંત ભાગમાં એક પિતા (પોતે પણ ભૂતપૂર્વ ક્રિકેટર) અરવિંદ પૂજારા પોતાના માંડ આઠ વર્ષના પુત્ર ચિંતુને રેલવે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા માટે લઈને આવતા.
સૌને આશ્ચર્ય થતું હતું અને કેટલાક તો પૂજારાભાઈ (સૌરાષ્ટ્રમાં અટક સાથે ભાઈ જોડી દેવાનો રિવાજ છે)ને અતિઉત્સાહી ગણતા હતા, કેમ કે આઠ વર્ષનો પૂજારાભાઈનો છોકરો એવું તો શું ઉકાળશે કે તેને અત્યારથી બૅટ-પૅડ પકડાવી દીધાં.
અને, એ નાની સાઇઝના બૅટ કરતાં પણ અચરજ તો તેના ઘરમાં જ બનાવેલાં પૅડ હતાં, જે માંડ માંડ તેના પગ સાથે ફિટ થતાં હતાં.
આમ છતાં પૂજારાભાઈ જમીન પર રગડાવીને બૉલ ફેંકે અને તેમનો દીકરો એ બૉલને પરત તેના કોચ-કમ-પિતા પાસે પરત ફટકારે. બસ, અહીંથી સ્ટ્રેઇટ શોટની શરૂઆત થઈ જે આગળ જતાં ગ્લેન મેકગ્રા, શેન વોર્ન કે ટ્રેન્ટ બોલ્ટના બૉલને પણ બાઉન્ડરી તરફ મોકલી આપવામાં કામ લાગી.
દરરોજ સાંજે અચરજ સાથે કોઠી કમ્પાઉન્ડના છોકરાઓ આ બેટિંગ નિહાળતા અને તેના બે દાયકા બાદ વિશ્વભરના સ્ટેડિયમમાં પરિપક્વ બની ગયેલા ક્રિકેટપ્રેમીઓ 17 હજારથી વધુ રન અને 54 સદી નિહાળી ચૂક્યા છે. જેમાં 6713 રન તો ચેતેશ્વર પૂજારાએ માત્ર ટેસ્ટ ક્રિકેટમાં ફટકાર્યા છે.
પિતાનું પરફેક્ટ કોચિંગ
અરવિંદ પૂજારાનું માનવું હતું કે આઠ વર્ષની નાનકડી વયે છોકરાઓ ક્રૉસ બૅટથી રમતા હોય છે અને અંતે સમગ્ર કારકિર્દીમાં તેમનું બૅટ સીધું થતું જ નથી, પણ ચિંતુ પાસેથી મને આવી બેટિંગની ક્યારેય અપેક્ષા ન હતી અને તેથી જ મેં તેને સીધા બૅટથી જ રમતા શીખવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિણામ એ આવ્યું છે કે આજે ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ટેકનિકલી પરફેક્ટ બૅટ્સમૅનમાં ચેતેશ્વર પૂજારા ટોપ-10માં આવે છે, જેનો પ્રારંભ તમે સુનીલ ગાવસ્કર કે સચીન તેંડુલકર કે રાહુલ દ્રવિડથી કરી શકો. અરવિંદ પૂજારાએ રેલવે ગ્રાઉન્ડ પર હજારો રગડતા બૉલ ફેંક્યા જે ક્યારેય અટક્યા નહીં અને અત્યારે ઇંગ્લૅન્ડમાં સસેક્સના હોય કે ડર્બીશાયર કે વુરસ્ટરશાયરનાં મેદાનો પર પણ બાઉન્ડરી પાર કરી રહ્યા છે, તો અમદાવાદ (ટેસ્ટમાં પ્રથમ બેવડી સદી), રાજકોટ, ચેન્નાઈ, સિડની કે મેલબર્ન, લૉર્ડ્ઝ કે માન્ચેસ્ટરનાં મેદાન પર જંગી સ્કોરના સાક્ષી બની ચૂક્યા છે.
પૂજારાની એક વાત યાદ આવે છે. 2013માં રાજકોટમાં વન-ડે ઇન્ટરનેશનલ મૅચ રમાનારી હોવાથી ખંડેરીનું મેદાન ઉપલબ્ધ ન હતું અને તેથી કર્ણાટક સામેની સૌરાષ્ટ્રની રણજી મૅચ યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર યોજાઈ હતી.
મૅચના ચોથા દિવસની સવારે પૂજારા 300ની આસપાસ રમી રહ્યા હતા ત્યારે અચાનક જ આ લખનાર પર ફોન આવ્યો અને સામે છેડેથી સવાલ થયો કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સર્વોચ્ચ સ્કોરનો ભારતીય રેકૉર્ડ શું છે? જવાબ આપ્યો કે 443 રન. બસ, સામે છેડેથી એટલું જ સાંભળવા મળ્યું કે આજે થઈ જશે.
આ આત્મવિશ્વાસ ભાગ્યે જ કોઈ બૅટ્સમૅનમાં જોવા મળ્યો હતો. એ વાત અલગ છે કે 548 મિનિટ અને 427 બૉલની ઇનિંગ્સ બાદ ચેતેશ્વર પૂજારા 352 રન કરી શક્યા હતા, જેમાં 49 બાઉન્ડરીનો સમાવેશ થતો હતો. પણ એ દિવસે સવારે તેઓ રમવા ઊતર્યો ત્યારે તેમના દિમાગમાં 443 રનનો સ્કોર રમતો હતો.
'પૂજારા માત્ર ટેસ્ટના બૅટ્સમૅન'
પૂજારા વિશે એમ કહેવાય છે કે તેઓ માત્ર ટેસ્ટના બૅટ્સમૅન છે અને ટી20 કે વન-ડેમાં તેઓ ચાલી શકે તેમ નથી, પરંતુ તાજેતરમાં કાઉન્ટી ક્રિકેટમાં તેમણે પાકિસ્તાનના સુપરફાસ્ટ બૉલર શાહીનશાહ આફ્રિદીની બૉલિંગમાં જે રીતે સિક્સર (અપર કટ) ફટકારી હતી તે સોશિયલ મીડિયા પર આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બની હતી.
તો ભાગ્યે જ કોઈને યાદ હશે કે થોડાં વર્ષ અગાઉ રાજકોટમાં યોજાયેલી બીસીસીઆઈને ચેલેન્જર વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં સળંગ ત્રણ સદી ફટકારીને પૂજારાએ જ તેમની ટીમને ટાઇટલ અપાવ્યું હતું.
કાઉન્ટી ક્રિકેટના વર્તમાન ફૉર્મ સાથે તેમણે કારકિર્દીમાં 15 બેવડી સદી ફટકારી છે જે અત્યારે ક્રિકેટ રમી રહેલા વિશ્વના તમામ બૅટ્સમૅન કરતાં તો વધારે છે, જ પરંતુ તેના પછીના ક્રમે આવતા ખેલાડીની સરખામણીએ તો ઘણી વધારે છે.
પૂજારાની 15 બેવડી સદી બાદ વિરાટ કોહલી અને અભિનવ મુકુન્દ સાત સાત બેવડી સદી ધરાવે છે, તો રોહિત શર્મા અને તેમના કાઠિયાવાડી સાથી રવીન્દ્ર જાડેજા પાંચ-પાંચ બેવડી સદી ધરાવે છે.
સ્વાભાવિકપણે જ સર ડોનાલ્ડ જ્યોર્જ બ્રૅડમૅન 37 બેવડી સાથે મોખરે છે, પરંતુ અન્ય સર્વકાલીન મહાન ક્રિકેટર અને ક્રિકેટના પિતામહ ડૉ. ડબલ્યુ જી ગ્રેસ હવે પૂજારા કરતાં બે બેવડી સદી પાછળ છે.
જ્યારે ભારતના સૌપ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટર રણજી કરતાં પૂજારા આગળ છે. રણજીની વાત કરીએ તો તેમણે રાજકોટમાં જ ક્રિકેટના પાઠ શીખ્યા હતા અને તેમણે પોતાની મોટા ભાગની ક્રિકેટ કારકિર્દી સસેક્સમાં જ અપનાવી હતી, જ્યાંથી હાલમાં પૂજારા રમી રહ્યા છે.
રણજી અને પૂજારામાં ઘણી સામ્યતા છે તો ફરક પણ એટલા જ છે. રણજીને ક્રિકેટ શીખવનારાની કમી ન હતી, જ્યારે ચિંતુ પાસે એકમાત્ર કોચ અરવિંદભાઈ હતા.
રણજીએ જ્યાંથી તેમનું શિક્ષણ અને ક્રિકેટ કોચિંગ પ્રાપ્ત કર્યું તે જ રાજકોટ શહેરમાં જન્મેલા પૂજારા પાસે રાજકુમાર કૉલેજ જેવી રાજવીઓની કૉલેજ ન હતી, પરંતુ તેમણે સદગુરુ બાલમંદિર, લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા, વિરાણી હાઇસ્કૂલ અને રમેશભાઈ છાયા બૉયઝ સ્કૂલમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું, જ્યાં કોઈ ક્રિકેટ મેદાન ન હતાં.
આમ છતાં પૂજારાને એક લાભ થયો હતો અને તે એ કે દરેક શાળામાં હાજરી ફરજિયાત હોવા છતાં ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓને સત્રને અંતે હાજરીની સમસ્યા થાય ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ અને પીટી શિક્ષક ગમે તેમ કરીને તેમની હાજરીની સંખ્યાનો આંક જરૂર પ્રમાણે વધારી દેતા હતા, જેથી ભવિષ્યના સુપરસ્ટાર ક્રિકેટર અભ્યાસમાં પાછળ રહી જાય નહીં.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો