ગૉર્ડન ગ્રીનિજઃ પીઠ પર ખાતરની બોરી ઉપાડનારો દુનિયાનો સૌથી વિસ્ફોટક ઓપનર કેવી રીતે બન્યો

    • લેેખક, પ્રદીપકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ક્રિકેટની દુનિયાએ એકબીજાથી ચઢિયાતા ઘણા વિસ્ફોટક બૅટ્સમૅન જોયા છે અને એ બૅટ્સમૅનોની સામે દુનિયાભરના બૉલરો ફફડતા હતા.

પરંતુ બીબીસીમાં આજે અમે તમને એક એવા ક્રિકેટર વિશે જણાવીએ છીએ કે જેમની નિવૃત્તિના ત્રણ દાયકા પછીએ દુનિયાના સૌથી વિસ્ફોટક બૅટ્સમૅનોમાં તેમની ગણતરી થાય છે.

જોકે એ બૅટ્સમૅનની સમગ્ર કરિયર વિવિયન રિચાર્ડ્સ જેવા ઘણા નૅચરલ ગણાતા વિસ્ફોટક બૅટ્સમૅનની પાછળ ઢંકાયેલી રહી, તેમ છતાં ક્રિકેટની દુનિયામાં એમનું પોતાનું એક સ્થાન રહ્યું.

આ ધૂંઆધાર બૅટ્સમૅનને દુનિયાના સૌથી વિસ્ફોટક ઓપનર ગણવામાં આવે છે, દુનિયા એમને ગૉર્ડન ગ્રીનિજના નામે ઓળખે છે.

એમની વિસ્ફોટક બૅટિંગ વિશે પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર માર્ક નિકોલસે 'ધ ક્રિકેટ મંથલી'માં લખ્યું છે, "જ્યારે તેઓ ક્રિઝ પર હોય ત્યારે કોઈ સેફ નહોતું - ના બૉલર, ના ફીલ્ડર, ના આસપાસનાં ઘરોના કાચ અને ના રેકૉર્ડ."

ગ્રીનિજ વિશે આ આકલનને વાંચવાની સાથે જ તમારા મનમાં એ પણ આવવું જોઈએ કે તેઓ દુનિયાની સર્વશ્રેષ્ઠ ક્રિકેટ ટીમના આધારસ્થંભ હતા.

1970-80ના દાયકામાં ક્રિકેટની દુનિયામાં વેસ્ટ ઇન્ડીઝની બાદશાહીનો જે સમય રહ્યો એમાં એમના ઝડપી બૉલરોના બૅટરી જેવા યોગદાનની ચર્ચા તો થતી રહી છે પરંતુ બૅટ્સમૅનો એટલી ચર્ચામાં નથી રહ્યા. વળી, જે ચર્ચાઓ થઈ તેમાંની મોટા ભાગની વિવિયન રિચાર્ડ્સના હિસ્સે રહી.

પરંતુ જો તમે એ સમયની વેસ્ટ ઇન્ડીઝની ટીમને કૅપ્ટન ક્લાઇવ લૉઇડનું કિંગડમ કહો, તો એન્ડી રૉબર્ટ્સ, માઇકલ હોલ્ડિંગ, મૅલ્કમ માર્શલ અને જોએલ ગૉર્નરને કિંગડમના પાવર સપ્લાયર માનવા પડે.

એ ટીમને મહિમામંડિત કરવાની જવાબદારી ભલે વિવિયન રિચાર્ડ્સના ખભે રહી હોય પરંતુ ગૉર્ડન ગ્રીનિજ અને ડેસમંડ હેન્સની ઓપનિંગ જોડી એ ટીમના શાશ્વત આત્માની જેમ હંમેશાં ઉપસ્થિત રહી.

બાળપણનો સંઘર્ષ

ગૉર્ડન ગ્રીનિજ એવા પસંદગીના ક્રિકેટરોમાં સામેલ હતા જેમની સામે બે દેશ તરફથી ક્રિકેટ રમવાની તક હતી. તેઓ ઇચ્છતા તો ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમમાં પણ સામેલ થઈ શકતા હતા, કેમ કે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ધમાલ મચાવતાં પહેલાં ગ્રીનિજ ઇંગ્લિશ કાઉન્ટી હૅમ્પશાયર માટે રનનો ખડકલો કરી ચૂક્યા હતા. પરંતુ આ બધું એટલું આસાન નહોતું.

1 મે, 1951માં બારબેડૉસમાં જન્મેલા ગ્રીનિજ 8 વર્ષના હતા ત્યારે એમનાં માતા બેકરીમાં કામ કરવા માટે લંડન જતાં રહ્યાં હતાં. એમણે પોતે પોતાના બાળપણના સંઘર્ષનું માર્મિક વિવરણ લખ્યું છે.

વાસ્તવમાં, ગૉર્ડન ગ્રીનિજ પોતાની ક્રિકેટ કરિયરના સુવર્ણકાળમાં હતા ત્યારે જ એમણે આત્મકથા લખી નાખી હતી. 1980માં પ્રકાશિત એ આત્મકથાને તમે પ્રીમૅચ્યૉર ઑટોબાયોગ્રાફી કહી શકો.

'ગૉર્ડન ગ્રીનિજ ધ મૅન ઇન મિડલ'માં એમણે લખ્યું છે, "8 વર્ષની ઉંમરે મારાં માતા કામ અને સારા પગારની શોધમાં લંડન જતાં રહ્યાં, હું મારાં નાનીની સાથે રહેતો હતો. 12 વર્ષની ઉંમર સુધી મારું નામ કથબર્ટ ગૉર્ડન લાવિન હતું."

"મારાં માતાએ ત્યાં સુધી લગ્ન નહોતાં કર્યાં. લંડનમાં કામ કરતાં હતાં તે દરમિયાન એમને બારબેડૉસના એક વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરી લીધાં. આ રીતે મારું નામ ગૉર્ડન ગ્રીનિજ થઈ ગયું. જ્યારે હું 14 વર્ષનો થયો ત્યારે રીડિંગ શહેરમાં આવ્યો, જ્યાં મારાં માતા મારા સાવકા પિતાની સાથે રહેતાં હતાં."

ગૉર્ડન ગ્રીનિજને હંમેશાં એક આક્રમક અને ચીડિયા સ્વભાવના ક્રિકેટર માનવામાં આવ્યા, પરંતુ તે એમનામાં ક્યાંકથી આવ્યાં હશે એને સમજવું મુશ્કેલ નથી. એક મિશ્ર સંસ્કૃતિ સાથે તાલમેળ કરવાના પ્રયાસોએ એમને આવા બનાવ્યા હશે.

કેમ કે ગ્રીનિજે આત્મકથામાં લખ્યું છે કે એમને સ્કૂલમાં 'બ્લૅક બાસ્ટર્ડ' કહીને ચીડવવામાં આવતા હતા અને આવી સ્થિતિ ત્યારે હતી જ્યારે કામધંધાની શોધમાં રીડિંગ શહેરમાં આવેલા વેસ્ટ ઇન્ડીઝના લોકોની ભરમાર હતી. ગ્રીનિજને સ્કૂલે જવાનું મન નહોતું થતું પરંતુ તેઓ જતા હતા, કેમ કે એમણે પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું હતું.

પૈસા કમાવા માટે કોલ્ડ સ્ટોરેઝમાં કામ કર્યું

પરંતુ આ જ ગ્રીનિજ ક્રિકેટના મેદાન પર એવી ધૂંઆધાર ઇનિંગ્સ રમ્યા કે જ્યારે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની સો સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ પર 'માસ્ટરલી બૅટિંગ' નામનું પુસ્તક પ્રકાશિત થયું ત્યારે ઇંગ્લૅન્ડનાં પ્રતિષ્ઠિત અખબારોમાંના એક ગણાતા ગાર્ડિયને ટેસ્ટ ક્રિકેટની સૌથી શ્રેષ્ઠ સદીઓ પર એક સિરીઝ છાપી અને એ સિરીઝમાં જાણીતા ક્રિકેટ વિશ્લેષક ડૅનિયલ હૅરિસે ગ્રીનિજની એક ખૂબ જ ઉત્તમ ઇનિંગનો ઉલ્લેખ કર્યો.

હૅરિસે ગ્રીનિજ વિશે લખ્યું કે, "એવું શક્ય નથી કે તમે કથબર્ટ ગૉર્ડન ગ્રીનિજ કહો અને એમને બ્રિલિયન્ટ બાસ્ટર્ડ ના કહો. તેઓ બ્રિલિયન્ટ હતા, બ્રિલિયન્ટ બાસ્ટર્ડ."

એક રીતે બ્લૅક બાસ્ટર્ડથી બ્રિલિયન્ટ બાસ્ટર્ડ સુધીની પોતાની આખી સફરમાં ગ્રીનિજે ઘણા મુકામ જોયા, પરંતુ બૉલરો સામેની એમની નિર્મમ આક્રમકતા હંમેશાં એકસરખી રહી અને એ જ કારણે એમને હંમેશાં વિશિષ્ટ બનાવી રાખ્યા.

જોકે 15 વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમવાનો એમને ખાસ કશો વિચાર નહોતો આવ્યો.

એમણે 'ગૉર્ડન ગ્રીનિજ ધ મૅન ઇન મિડલ' નામની આત્મકથામાં લખ્યું છે, "15 વર્ષની ઉંમરે મારે કામ શોધવું પડ્યું અને હું કોલ્ડ સ્ટોરેઝમાં પહોંચી ગયો. જ્યાં ખાતરની બોરી ઉપાડવાનું કામ હતું. પીઠ પર બોરી લાદીને એક ઇમારતથી બીજી ઇમારતમાં મૂકવાનું કામ હતું. મને એ કામના દર અઠવાડિયે 12 પાઉન્ડ મળતા હતા. હું એમ તો નહીં કહું કે મને એમાં મજા આવતી હતી, પરંતુ મારા ખભા એ દરમિયાન જ મજબૂત થયા હતા."

ગ્રીનિજે લખ્યું છે કે, "હું એકદમ એકલો હતો, એટલે ઓવર ટાઇમ પણ કરતો હતો. રાતના 8 વાગ્યા સુધી કામ કરતો હતો. પરંતુ મને એમ લાગવા માંડ્યું કે આ કામ કરવાથી હું ક્યાંય પહોંચી શકીશ નહીં. 1967માં ગ્રેજ્યુએટનું ભણતર પૂરું કર્યું અને પછી ક્રિકેટને ગંભીરતાથી લેવા લાગ્યો."

"મને લાગ્યું કે ક્રિકેટર બનીને જોવું જોઈએ. પરંતુ એ સમયમાં ક્લબ લેવલે મેં કેટલા રન કર્યા, એ બધું મને યાદ નથી. એક જ ઇનિંગ યાદ છે, જેમાં મેં 135 રન કર્યા હતા. પરંતુ મારી રમત ધીમેધીમે સારી થતી જતી હતી."

ગ્રીનિજને ભલે યાદ ન હોય પરંતુ આજુબાજુની ક્રિકેટ ક્લબની નજર એમના પર પડવા લાગી હતી. હૅમ્પશાયરના કોચ આર્થર હૉલ્ટે એમને સેકન્ડ ડિવિઝન લીગમાં તક આપી, જેમાં પ્રારંભિક નિષ્ફળતા પછી ગ્રીનિજે પોતાનો પગ જમાવવાનું શરૂ કર્યું.

પરંતુ ઇંગ્લૅન્ડની પરિસ્થિતિઓમાં કાઉન્ટી ક્રિકેટમાં પગ જમાવવાનું કામ આસાન નથી હોતું. કેટલીક ઇનિંગ્સને બાદ કરતાં ગ્રીનિજ સતત નિષ્ફળ થતા હતા અને 1969માં એમનો કરાર પૂરો થવાના અંતિમ ચરણમાં હતો.

શરૂઆત થઈ પછી પાછા વળીને જોયું નહીં

પરંતુ એમના પર ટીમ મૅનેજમૅન્ટ અને કોચને ઘણો ભરોસો હતો, તેનું એક કારણ એ હતું કે બારબેડૉસના ક્રિકેટરોની ઘણી પ્રતિષ્ઠા હતી અને લોકોને ગ્રીનિજમાં આશાનું કિરણ દેખાતું હતું.

ગ્રીનિજે અહીંથી પુનઃપ્રવેશ કર્યો અને પહેલાં હૅમ્પશાયરના ફર્સ્ટ ઇલેવનમાં સ્થાન મેળવ્યું. 1970માં સસેક્સ સામેની મૅચથી એમણે પોતાની કાઉન્ટી કરિયરની શરૂઆત કરી.

તેઓ ઘણી લાંબી ઇનિંગ તો ના રમી શક્યા પરંતુ ઝડપી બૉલર જૉન સ્નોના દડાઓને એમણે જે રીતે હૂડ શોટ્સ માર્યા એણે ઘણાને પ્રભાવિત કર્યા.

એ વર્ષના વિઝડને ગૉર્ડન વિશે લખ્યું હતું, "ડેબ્યૂ સમયે સૌથી વધારે પ્રભાવિત કરનારા બૅટ્સમૅન. ખતરનાક હૂક શોટ્સથી એમણે જે સિક્સ મારી એ દડાને શોધવા પાંચ મિનિટ કરતાં વધારે સમય લાગ્યો હતો."

ત્યાર પછી ગ્રીનિજે પાછા વળીને જોયું નહીં, પછીનાં ચાર-પાંચ વર્ષમાં બૅરી રિચર્ડ્સની જોડીમાં એમણે ઓપનિંગ બૅટિંગ કરીને એવું સ્થાન બનાવ્યું કે આજે પણ ગ્રીનિજ અને બૅરી રિચર્ડ્સની જોડીને દુનિયાની સૌથી ખતરનાક આક્રમક જોડી કહેવામાં આવે છે.

દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન બૅરી રિચર્ડ્સને પણ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં એવું સ્થાન નથી મળ્યું જેના તેઓ હકદાર હતા. પરંતુ ગ્રીનિજને એક ખતરનાક ઓપનર બનાવવામાં એમનું ખૂબ મોટું યોગદાન હતું.

કાઉન્ટી ક્રિકેટમાં ઘડાયા પછી ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમમાં સંભવિત નામ તરીકે એમની ચર્ચા થવા લાગી હતી.

1974માં એમને ઇંગ્લૅન્ડ તરફથી રમવાની તક પણ મળવાની હતી પરંતુ ત્યારે ગ્રીનિજે વેસ્ટ ઇન્ડીઝને પસંદ કર્યું અને એ પણ ત્યારે જ્યારે વેન્ડીઝ ટીમ માટેના એમના દાવાને રદ કરી દેવાયો હતો. પરંતુ એમને રાહ જોવાનું યોગ્ય લાગ્યું અને એમની પ્રતીક્ષા જલદી પૂરી થઈ.

એમને ભારત, શ્રીલંકા અને પાકિસ્તાનનો પ્રવાસ કરનારી ટીમમાં પસંદ કરી લેવાયા. ભારતમાં ગ્રીનિજ ભલે એટલા લોકપ્રિય ના થયા હોય પણ ભારત સામેની એમની બૅટિંગ હંમેશાં શાનદાર રહી અને એમણે પોતાની ક્રિકેટ કરિયરની શરૂઆત પણ ભારતમાંથી જ કરી હતી.

1974માં ભારતના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગૉર્ડન ગ્રીનિજ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની પહેલી ટેસ્ટ મૅચ રમ્યા હતા. એ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ તરફથી 23 વર્ષના ગૉર્ડન ગ્રીનિજની સાથે જ 22 વર્ષના વિવિયન રિચર્ડ્સ પણ પોતાની ડેબ્યૂ મૅચ રમ્યા હતા.

એ જાણવું રસપ્રદ રહેશે કે બૅંગલુરુમાં રમાયેલી આ મૅચની પહેલી ઇનિંગમાં ગૉર્ડન ગ્રીનિજે 93 રન અને બીજી ઇનિંગમાં 107 રન કર્યા હતા, જ્યારે વિવિયન રિચર્ડ્સે પોતાની પહેલ ઇનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 3 રન કર્યા હતા.

ગૉર્ડન ગ્રીનિજે પોતાની પહેલી ઇનિંગ વિશે આત્મકથામાં લખ્યું છે કે, આ એક રીતે ભારતના ચાર દિગ્ગજ સ્પિનરો સામે બાપ્તિસ્મા લેવા જેવું હતું. કેમ કે ઝડપી બૉલરની સરખામણીએ તેઓ સ્પિનરોને સામનો કરતાં પહેલાં ખૂબ જ નર્વસ હતા.

તેઓ પોતાની પહેલી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી નહોતા કરી શક્યા, એનો અફસોસ એમને ઘણા લાંબા સમય સુધી રહ્યો. પરંતુ એ ઇનિંગમાં તેઓ 93 રને રન આઉટ થયા હતા. ભારતના કોઈ પણ બૉલર એમને આઉટ નહોતા કરી શક્યા.

પહેલી ટેસ્ટની નિષ્ફળતાને, વિવિયન રિચર્ડ્સે બીજી ટેસ્ટમાં 192 રનની જોરદાર ઇનિંગ રમીને ભરપાઈ કરી દીધી, જ્યારે ખૂબ સારી શરૂઆત પછી આખી સિરીઝમાં ગ્રીનિજ પોતાની ચમક ના ફેલાવી શક્યા. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટને એવા ઓપનર મળી ગયા હતા જે ખૂબ સારા ડિફેન્સ સાથે બૉલરોને બરાબર ફટકારવાની રણનીતિ પર ખૂબ જ સારું કામ કરનારા હતા.

બૅટિંગના આંકડા શું કહે છે?

અહીંથી આરંભાયેલી સફર 1991 સુધી ખૂબ સરસ રીતે ચાલી. એ દરમિયાન 108 ટેસ્ટ મૅચોમાં ગ્રીનિજે લગભગ 45 રનની સરેરાશ અને 19 સદીની મદદથી 7,558 રન કર્યા.

એટલું જ નહીં, 128 વન-ડે મૅચોમાં પણ લગભગ 45 રનની સરેરાશ અને 11 સદીની મદદથી એમણે 5,134 રન કર્યા. આ આંકડા એમના વિસ્ફોટક અંદાજની પૂરી કહાણી નથી કહેતા.

જોકે, ટેસ્ટ ક્રિકેટમાં એમણે જ્યારે જ્યારે સદી કરી ત્યારે ત્યારે એમની ટીમ જીતી હતી. અને 128 વન-ડે મૅચમાં તેઓ 20 વાર મૅન ઑફ ધ મૅચ બનાવાયા. એ દરમિયાન ડેસમંડ હેન્સની સાથે એમણે ઇન્ટરનૅશનલ ક્રિકેટની સૌથી સફળ ઓપનિંગ જોડી પણ બનાવી.

1975થી લઈને 1991 સુધીની વન-ડે ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમના સુપર સ્ટારોને જોતાં પ્રતિ સાડા પાંચ મૅચમાં એક વાર મૅન ઑફ ધ મૅચનો ખિતાબ જીતવો તે દર્શાવે છે કે ગ્રીનિજની બૅટિંગ ટીમ માટે કેટલું મહત્ત્વ ધરાવતી હતી. એમની 11 વન-ડે સદીમાં 9 વાર ટીમને જીત મળી હતી.

1975 અને 1979ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમનો તેઓ ભાગ બન્યા અને 1983માં ભારતના હાથે ફાઇનલ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝની હારનું એક કારણ ગ્રીનિજ સસ્તામાં આઉટ થઈ ગયા એ પણ રહ્યું.

જોકે, એમના વિસ્ફોટક અંદાજને દર્શાવતી ઇનિંગ્સનો ઉલ્લેખ કર્યા વિના ગ્રીનિજની વાર્તા પૂરી નહીં થાય. ટેસ્ટ ઇતિહાસની તોફાની ઇનિંગ્સનો જ્યારે જ્યારે ઉલ્લેખ થશે ત્યારે ત્યારે 3 જુલાઈ, 1984એ લૉર્ડ્સના મેદાન પર રમાયેલી એમની ઇનિંગનો ઉલ્લેખ હંમેશાં થશે.

પાંચમા દિવસે ઇંગ્લૅન્ડે લંચના થોડા સમય પહેલાં વેસ્ટ ઇન્ડીઝને જીત માટે 342 રનનો લક્ષ્યાંક આપ્યો. આ એક અસંભવ જણાતો લક્ષ્યાંક હતો. બૉબ વિલિસ, ઇયાન બૉથમ અને જ્યોફ મ્યૂલરની ઝડપી બૉલિંગની સામે ગ્રીનિજે આવતાંની સાથે જ આક્રમણ શરૂ કરી દીધું.

આખરે 242 બૉલે 214 રનની અણનમ ઇનિંગ રમીને ગ્રીનિજે વેસ્ટ ઇન્ડીઝને એ ટેસ્ટ 9 વિકેટે જિતાડી આપી. એમની ઇનિંગમાં રનની રમઝટના કારણે માત્ર 66 ઓવરોમાં વેસ્ટ ઇન્ડીઝે જીત માટેના 344 રન કરી લીધા. આટલા મોટા લક્ષ્યાંકનો પીછો કરતાં આટલી પ્રભાવી જીતીનું બીજું ઉદાહરણ મુશ્કેલીથી જોવા મળશે.

આવી જ તોફાની ઇનિંગ તેઓ ક્રિકેટ કરિયરની છેલ્લી સિરીઝમાં પણ રમ્યા. ત્યારે તેઓ આઉટ ઑફ ફૉર્મમાં જતા રહ્યા હતા. ટીમના પસંદગીકર્તાઓ એમને ટીમમાંથી બહાર કાઢવા માટેનું દબાણ કરી રહ્યા હતા, પરંતુ ટીમના કૅપ્ટન વિવિયન રિચર્ડ્સ એમને ટીમમાં રાખવાના પક્ષમાં હતા.

આ ખેંચતાણ એવી હતી કે ખૂબ ઓછા લોકોને ખબર હશે કે ગ્રીનિજ, માર્શલ અને જેફ ડૂઝોને ટીમની બહાર કરવાના બદલે રિચર્ડ્સે પોતાનું રાજીનામું ધરી દઈને ક્રિકેટને જ અલવિદા કહી દેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ એમની કથા ફરી ક્યારેક.

ગ્રીનિજ છેલ્લી 13 ઇનિંગ્સમાં ખાસ કશું કરી શક્યા નહોતા, એવામાં બ્રિજટાઉન ટેસ્ટ દ્વારા એમણે પોતાના ટીકાકારોને જવાબ આપવાનું નક્કી કર્યું. ક્રેગ મૅકડરમૉટ, બ્રૂસ રીડ અને મર્વ હ્યૂઝ જેવા ઝડપી બૉલરોની સામે વેસ્ટ ઇન્ડીઝની પહેલી ઇનિંગ માત્ર 149 રનમાં સંકેલાઈ ગઈ. એના જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમ 134 રન કરી શકી.

પરંતુ બીજી ઇનિંગમાં 11 કલાક સુધી વિકેટ પર ટકી રહીને ગ્રીનિજે પોતાના કૅપ્ટનના ભરોસાને સાચો સાબિત કર્યો અને કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ એટલે કે 226 રનની ઇનિંગ રમ્યા. આ ઇનિંગથી એમણે પોતાના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો.

રિટાયર્ડ નોટ આઉટ ગ્રીનિજ

તેમ છતાં, ત્યાર પછીની ટેસ્ટ પછી એમણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું. પછી વન-ડે ક્રિકેટને પણ અલવિદા કહ્યું. ત્રણ દાયકા પસાર થઈ ગયા પછી પણ બૅટિંગના કેટલાક રેકૉર્ડઝ એમના નામે નોંધાયેલા રહ્યા છે.

એક તો તેઓ દુનિયાના એકમાત્ર એવા બૅટ્સમૅન હતા જેમણે પોતાની સોમી ટેસ્ટ અને સોમી વન-ડે, બંનેમાં સદી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં પહેલી અને સોમી ટેસ્ટ, બંનેમાં સદી કરવાનો કરિશ્મા પણ એમના નામે છે.

તે ઉપરાંત, તેઓ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસના એકમાત્ર બૅટ્સમૅન છે જેમના નામ સાથે રિટાયર્ડ નોટ આઉટની ટૅગ લાગેલી છે. સામાન્ય રીતે જ્યારે બૅટ્સમૅન બૅટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ જાય ત્યારે રિટાયર્ડ હર્ટ ગણાય છે અને જ્યારે અણનમ રહીને પૅવેલિયનમાં પાછા ફરે છે ત્યારે નોટ આઉટ ગણાય છે.

1983ના વર્લ્ડ કપ પહેલાંની ભારત સામે એન્ટીગા ટેસ્ટના ત્રીજા દિવસે જ્યારે તેઓ પૅવેલિયનમાં પાછા ફર્યા ત્યારે 154 રન સાથે રમતમાં હતા. ડેસમંડ હેન્સની સાથે એમણે 296 રનની ભાગીદારી કરી હતી.

બધાને આશા હતી કે ચોથા દિવસે તેઓ જ્યારે બૅટિંગ કરવા આવશે તો એમના નામે બેવડી સદી નોંધાશે, પરંતુ એમને હૉસ્પિટલમાં દાખલ કરાયેલી પોતાની 2 વર્ષની પુત્રીની તબિયત બગડવાના સમાચાર મળ્યા તેથી તેઓ બારબેડૉસ પહોંચ્યા.

બીજા દિવસની સવારે એમની જગ્યાએ વિવિયન રિચર્ડ્સ નાઇટ વૉચમૅન વિંસ્ટન ડેવિટની સાથે બૅટિંગ કરવા આવ્યા.

વધારે લોકો ગ્રીનિજનું નામ લેત

બે દિવસ પછી કિડની ઇન્ફેક્શનથી ગ્રીનિજની પુત્રીનું મૃત્યુ થયું. ક્રિકેટની દુનિયાએ કશા યે વિરોધ વગર એમની એ ઇનિંગને રિટાયર્ડ નોટ આઉટની ટૅગ આપી. પરંતુ કરિયરના અંતિમ દિવસોમાં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ સાથે એમના સંબંધો સારા ન રહ્યા.

એ વિશે ગ્રીનિજે સ્પૉર્ટ્સ ઑસ્ટ્રેલિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, એમને ખબર નથી કે એનું શું કારણ હશે, એ તો બોર્ડના લોકો જ જણાવી શકશે.

પરંતુ ગોર્ડન ગ્રીનિજે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને પોતાની ઓળખ ઊભી કરવામાં મોટું યોગદાન આપ્યું અને કોચ તરીકે એમણે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને નક્કર રૂપ આપ્યું અને એને 2000માં ટેસ્ટ દરજ્જો અપાવ્યો.

બાંગ્લાદેશે એમને 1997માં નાગરિકતાથી સન્માનિત કર્યા હતા અને એની પહેલાં 1993માં ઢાકામાં એમના નામ સાથેની એક સ્કૂલ પણ શરૂ કરવામાં આવી. બારબેડૉસમાં પણ એમના નામ સાથેની એક સ્કૂલ છે. દુનિયાના બંને છેડાને જોડવાનું કામ ગ્રીનિજ અને ક્રિકેટે કરી બતાવ્યું.

ગ્રીનિજની બૅટિંગ અંગે પૂર્વ ક્રિકેટર અને જાણીતા ક્રિકેટ લેખક માર્ક નિકોલસે એક વાર ઇંગ્લૅન્ડના ઝડપી બૉલર એલક બેડસરને જણાવેલું કે, "આધુનિક ક્રિકેટરોમાં એક તેઓ જ હતા જે મને ડૉન બ્રેડમૅન જેવા લાગે છે. તેઓ પોતાના પગ એ જ રીતે ઉપાડીને પુલ શોટ્સ રમે છે, પછી જ્યારે તમે ફુલ લૅન્થથી બૉલિંગ કરો ત્યારે શાનદાર ગ્રાઉન્ડેડ શોટ્સ રમે છે."

2009માં આઇસીસીએ જ્યારે દુનિયાભરના દિગ્ગજોને હૉલ ઑફ ફેમમાં સામેલ કર્યા ત્યારે ગ્રીનિજ પહેલી યાદીમાં 55 ક્રિકેટરોમાં સામેલ હતા.

આ પ્રસંગે એમની સાથે રમી ચૂકેલા ઝડપી બૉલર માઇકલ હોલ્ડિંગે કહેલું, "જો વિવિયન રિચર્ડ્સ ના હોત તો દુનિયામાં ગ્રીનિજનું ઘણું વધારે નામ હોત, ઘણા લોકો નામ લેત."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો