You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રક્ષાબંધન : ટોક્યો ઑલિમ્પિકમાં એક જ દિવસે ગોલ્ડ મેડલ જીતનારાં ભાઈ-બહેન
- લેેખક, હર્ષલ અકુડે
- પદ, બીબીસી મરાઠી
ટોક્યો ઑલિમ્પિક રમત હાલમાં જ સમાપ્ત થઈ છે. હજારો રમતવીરો તેમાં મેડલ જીતવાનાં સ્વપ્ન સાથે સામેલ થયા હતા અને સેંકડો રમતવીરોનું આ સ્વપ્ન સાકાર પણ થયું હતું.
કેટલાક પોતાના જ રેકૉર્ડ બહેતર બનાવવામાં સફળ રહ્યા તો કેટલાક અસફળ.
જે રમતવીરો મેડલ ન જીતી શક્યા, તેઓને વિશ્વના સૌથી મોટા ખેલ આયોજનમાં ભાગ લેવાનો અનુભવ હાંસલ થયો. ટોક્યો ઑલિમ્પિકમાં ભાગ લેનારાની સાથોસાથ તેના દર્શકો પણ આ રોમાંચને ઘણા સમય સુધી યાદ રાખશે.
પરંતુ આજે અમે તમને એક ભાઈ-બહેન વિશે જણાવીએ છીએ, જેમના માટે આ ઑલિમ્પિક ઐતિહાસિકની સાથોસાથ યાદગાર પણ સાબિત થયું.
ખરેખર તો બંનેએ એવી સિદ્ધિ હાંસલ કરી જે પહેલાં ક્યારેય ઑલિમ્પિકના ઇતિહાસમાં નથી બન્યું.
રક્ષાબંધન નિમિત્તે વાંચો હિફુમી આબે અને ઉતા આબેની કહાણી, જેમણે આ સ્વર્ણિમ ઇતિહાસ રચી બતાવ્યો.
એક જ દિવસે જૂડોમાં જીત્યા ગોલ્ડ મેડલ
ટોક્યો ઑલિમ્પિકમાં 25 જુલાઈ, 2021ના દિવસે જૂડોના મુકાબલા થયા હતા.
21 વર્ષીય ઉતા અને તેમના ભાઈ 24 વર્ષીય હિફુમી જાપાની જૂડો ટીમનાં સભ્ય હતાં. બંને પોતપોતાની ઇવેન્ટના ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યાં. બંનેની ફાઇનલ મૅચ પણ એ દિવસે જ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલાં 21 વર્ષીય ઉતા આબેએ મહિલાઓના 51 કિલોગ્રામ ઇવેન્ટના રાઉન્ડ 16માં બ્રાઝિલનાં લારિસા પેમિંટા, ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનનાં ચેલ્સી જાઇલ્સ અને સેમિફાઇનલમાં ઇટાલીનાં ઓટેડા ગ્યૂફ્રીડાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો.
મેડલના મુકાબલા માટે ઉતાની ટક્કર ફ્રાંસનાં એમાનડિને બુશાર્ડ સાથે થઈ, ઉતાએ બુશાર્ડને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.
હિફુમી આબેએ પણ પુરુષોના 66 કિલોગ્રામ વર્ગની સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું.
હિફુમીએ રાઉન્ડ 16ની મૅચમાં ફ્રાન્સના કિલિયન લે બ્લોકને, ક્વાર્ટર ફાઇનલમાં મંગોલિયાના યોંદોનપેરેનલઈ બાસખૂને અને સેમિફાઇલનમાં બ્રાઝિલના ડેનિયલ કાર્ગનિનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો.
ફાઇનલ મુકાબલામાં હિફુમીએ જ્યૉર્જિયાના વાઝા માર્ગવેલાશવિલીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.
રસપ્રદ વાત તો એ રહી કે બંને ભાઈ-બહેન અમુક મિનિટોના અંતરમાં જ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યાં.
પહેલાં બહેન ઉતાને સફળતા મળી અને તેની અમુક મિનિટો બાદ મોટા ભાઈ હિફુમીએ ગોલ્ડ મેડલ જીતીને ન માત્ર ઇતિહાસ રચ્યો, પરંતુ પોતાના પરિવાર સહિત સમગ્ર જાપાનને ગર્વની લાગણીનો અનુભવ કરાવ્યો.
ગોલ્ડ જીત્યા બાદ હિફુમીએ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું, "આ અમારા માટે અત્યંત ખાસ દિવસ છે. મારા ખ્યાલથી ભાઈ અને બહેન બંને, ટોક્યો ઑલિમ્પિક જેવા સ્ટેજ પર આના કરતાં વધુ બીજું કંઈ જ નહોતાં કરી શકવાનાં. અમે ખૂબ ખુશ છીએ."
હિફુમી પર વધુ દબાણ હતું
52 કિલોગ્રામ વર્ગમાં ઉતા ગોલ્ડ મેડલનાં પ્રબળ દાવેદાર હતાં, તેમણે અપેક્ષા પ્રમાણે ગોલ્ડ મેડલ મેળવ્યો પણ ખરો, પરંતુ આ જ કારણે તેમના ભાઈ હિફુમી પર વધુ દબાણ પણ હતું.
હિફુમીએ પ્રેસ-કૉન્ફરન્સમાં આ અંગે કહ્યું કે, "હવે હું આધિકારિકપણે કહી શકું છું કે બહેનની સાથોસાથ હું ગોલ્ડ મેડલ જીતવાના ઇરાદાથી આ ઑલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો હતો. ઉતાનો મોટો ભાઈ હોવાના કારણે મારા માટે હારવાનો કોઈ વિકલ્પ નહતો."
સ્વાભાવિક છે કે હિફુમીના મગજમાં આ જ વાત હતી. તેથી તેમણે પોતાની પૂરી તાકાત લગાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો.
હિફુમી માટે આ સફળથા એટલી સરળ નહોતી. તેઓ જાપાન તરફથી ઑલિમ્પિકમાં ક્વૉલિફાઇ કરનારા 14મા અને અંતિમ ખેલાડી હતા.
ઑલિમ્પિક રમતો માટે ક્વૉલિફાઇંગ રાઉન્ડ માટેની રમતો ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાઈ અને ત્યાં તેમને ઑલિમ્પિકમાં ભાગ લેવા માટેની પાત્રતા હાંસલ કરવામાં સફળતા મળી.
બહેને ભાઈને પ્રેરિત કર્યા
હિફુમી અને ઉતા, બંને માટે બાળપણથી જ જૂડો પૅશન હતું. બંને જૂડો સ્પર્ધાઓમાં એકબીજાને પડકારતાં દેખાતાં. ત્યાંથી શરૂ થયેલી સફર આ મુકામ સુધી પહોંચી, જ્યાં બંને પાસે ઑલિમ્પિકના ગોલ્ડ મેડલ છે.
ઉતાની જીત બાદ ઘણા પત્રકાર તેમના ઇન્ટરવ્યૂ માટે તેમની પાસે પહોંચ્યા. ઉતાએ વાતચીત કરવાનો ઇન્કાર કરી દીધો અને કહ્યું કે ભાઈનો મુકાબલો શરૂ થવાનો છે, એ બાદ તેઓ મીડિયા સાથે વાત કરશે.
જ્યાં સુધી ભાઈએ ગોલ્ડ મેડલ ન મેળવી લીધો, ઉતા મૅટની નજીક ઊભાં રહીને પોતાના ભાઈનો ઉત્સાહ વધારતાં રહ્યાં. ત્યારબાદ બંનેના ચહેરા પર રાહતની લાગણી જોઈ શકાતી હતી અને બંનેએ સફળતાની ઉજવણી એકસાથે કરી.
વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં કરી ચૂક્યાં છે કમાલ
આબે ભાઈ-બહેનની આ જોડીએ ઑલિમ્પિક પહેલાં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પણ એક સાથે ગોલ્ડ મેડલ જીતવાનો ચમત્કાર કરી બતાવ્યો છે.
2018માં બંને વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યાં હતાં. એ બંનેની સફળતાની જૂડોના વિશ્વે પ્રશંસા કરી હતી, બંનેએ આ જ કમાલ ઑલિમ્પિકમાં પણ કરી બતાવી.
ઑલિમ્પિક જેવી રમતોમાં કોઈ પણ મેડલ હાંસલ કરવો એ સરળ નથી હોતું. આવી પરિસ્થિતિમાં ગોલ્ડ મેડલ હાંસલ કરવા પાછળની મહેનત અને ધગશને સમજી શકાય છે.
પરંતુ સૌથી ખાસ વાત એ છે કે આબે ભાઈ-બહેનએ સમગ્ર વિશ્વમાં એ યુવાન ખેલાડીઓને પ્રેરિત કર્યા છે, જેઓ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ઇતિહાસ બનાવવા માગે છે.
આપણે બધા જાણીએ છીએ કે ભાઈ-બહેનનો સંબંધ ખાસ હોય છે, એકમેક વચ્ચે લડાઈ પણ થાય છે. એ લોકો એકબીજાની મશ્કરી પણ કરતાં હોય છે. પરંતુ એકમેકને અતિશય પ્રેમ કરતાં હોય છે.
હિફુમી અને ઉતાની કહાણી પણ કંઈક આવી જ છે. આ બંનેએ એ વાત સાબિત કરી બતાવી કે ન માત્ર ભણતરમાં પરંતુ રમતગમતમાં પણ ભાઈ-બહેન મળીને ઇતિહાસ રચી શકે છે.
તેમની સફળતાએ એ પણ બતાવ્યું કે છોકરા અને છોકરીઓમાં કોઈ જ ફેર નથી હોતો. તેથી માતા-પિતાએ બંને સાથે એકસમાન વર્તન કરવું જોઈએ, તેમને એકસમાન તકો આપવી જોઈએ અને એકસમાન સુવિધાઓ પણ.
રક્ષાબંધન નિમિત્તે અમે એ જ આશા કરીએ કે રમતની દુનિયામાં હિફુમી અને ઉતા જેવી મેડલ જીતનારાં ભાઈ-બહેનની જોડીની સંખ્યા આવનારા દિવસોમાં વધે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો