કાબુલમાં 'કેદ' સમલૈંગિકની વ્યથા, "મને જોતા જ તેઓ ઠાર મારી દેશે"

અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો થયો તે પહેલાંથી જ સમલૈંગિક અબ્દુલ (બદલેલું નામ) ભયના ઓથાર હેઠળ જીવતા હતા, જો તેમણે પોતાની જાતીયતા વિશે કોઈ ખોટી વ્યક્તિને માહિતી આપી હોત તો તેમને જેલની સજા થઈ હોત.

પરંતુ હવે અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા પછી જો કોઈને અબ્દુલના સમલૈંગિક હોવા વિશે જાણ થશે તો તેમને તત્કાળ મારી નાખવામાં આવશે.

બીબીસી ન્યૂઝબીટ સાથે વાત કરતી વખતે અબ્દુલે કહ્યું કે તેમના જીવ પર જોખમ છે.

તાલિબાન કટ્ટરપંથો ઇસ્લામના રૂઢિવાદી સ્વરૂપને પ્રોત્સાહન આપે છે. અબ્દુલની ઉંમર 21 વર્ષની છે. 1990ના દાયકામાં જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો હતો ત્યારે તેમનો જન્મ પણ નહોતો થયો.

સ્વિમિંગ-પુલમાં મુલાકાત

અબ્દુલ કહે છે, "મેં મારા પરિવારજનો તથા મોટી ઉંમરના લોકો પાસેથી તાલિબાનો વિશે સાંભળ્યું છે. અમે તેમના વિશેની અમુક ફિલ્મો પણ જોઈ છે, પરંતુ હવે તો એવું લાગે છે કે જાણે અમે જ ફિલ્મના ભાગ છીએ."

ચાલુ અઠવાડિયામાં જ અબ્દુલની યુનિવર્સિટીની છેલ્લા વર્ષની પરીક્ષાઓ આયોજિત હતી. તેઓ આવા સમયે મિત્રો સાથે લંચ માણી રહ્યા હોત અથવા તો બૉયફ્રેન્ડ સાથે મુલાકાત કરી રહ્યા હોત.

ત્રણ વર્ષ પહેલાં અબ્દુલ તથા તેમના બૉયફ્રેન્ડની મુલાકાત એક સ્વિમિંગ-પુલમાં થઈ હતી. જ્યારથી કાબુલ પર તાલિબાનોનો કબજો થયો છે ત્યારથી અબ્દુલ ઘરમાં જ બંધ છે.

તેમના ઘરના મુખ્ય દરવાજાની બહાર તાલિબાનના લડવૈયા ઊભા છે.

તાલિબાનથી ભયભીત કેમ?

અબ્દુલ કહે છે, "જ્યારે હું બારીમાંથી તાલિબાનીઓને જોઉં છું તો ખૂબ જ ફફડી જાઉં છું. એમને જોઈને મારું શરીર ધ્રૂજવા લાગે છે. સામાન્ય લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. મને નથી લાગતું કે હું તેમની સામે કંઈ પણ બોલી શકીશ."

સમલૈંગિક હોવા મુદ્દે અબ્દુલને માત્ર સમાજનો જ નહીં, પરંતુ પરિવારનો પણ ડર છે. અબ્દુલે આ વિશે પરિવારમાંથી કોઈને નથી જણાવ્યું.

અબ્દુલનું કહેવું છે, "અફઘાનિસ્તાનમાં કોઈ સમલૈંગિક તેમના પરિવારને પણ આના વિશે જણાવી નથી શકતો. એટલે સુધી કે તમે તમારા મિત્રો સાથે પણ આ વિશે વાત નથી કરી શકતા."

"જો મેં મારા પરિવારમાંથી કોઈને આ વિશે જણાવ્યું હોત તો તેમણે મને માર માર્યો હોત અથવા તો મારી નાખ્યો હોત."

અબ્દુલે પરિવારજનો સામે પોતાની જાતીય પસંદગીને છુપાવી રાખી હતી, પરંતુ કાબુલમાં તેઓ પોતાનું જીવન સહજતાથી જીવતા હતા.

તેઓ કહે છે, "મારો અભ્યાસ સારી રીતે ચાલી રહ્યો હતો. આ એક ધબકતું શહેર હતું, અહીંના જીવનમાં આગવી મોજ હતી."

એક અઠવાડિયામાં અબ્દુલની નજર સામે જીવન અંધકારમાં ગરકાવ થવા લાગ્યું.

અબ્દુલને આશંકા છે, "મને લાગે છે કે હવે હું ક્યારેય મારો અભ્યાસ પૂર્ણ નહીં કરી શકું. મારા મિત્રો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. મને ખબર નથી કે તેઓ કેવી સ્થિતિમાં છે."

"મારો પાર્ટનર બીજા શહેરમાં પોતાના પરિવાર સાથે ફસાયેલો છે. તે અહીં આવી શકે તેમ નથી. હું ત્યાં જઈ શકું તેમ નથી."

'તેઓ સમલૈંગિકોને ગોળી મારી દેશે'

અબ્દુલના પિતા અફઘાન સરકારમાં કામ કરતા હતા અને હવે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.

અબ્દુલના પરિચયની મોટા ભાગની મહિલાઓ ભયના માર્યા ઘરની બહાર નથી નીકળી રહી, તેઓ પુરુષ સભ્ય સાથે જ બહાર નીકળે છે.

છેલ્લા એક અઠવાડિયાથી અબ્દુલના દિલ અને દિમાગમાં અંધકાર છવાઈ ગયો છે.

તેઓ કહે છે, "હું ભયાનક રીતે ડિપ્રેશનમાં છું. અનેક વખત આ બધું ખતમ કરી દેવાના વિચાર આવે છે. હું આ પ્રકારનું જીવન જીવવા નથી માગતો."

"હું એવું ભવિષ્ય ઇચ્છું છું, જેમાં મુક્ત રીતે જીવી શકું. હું નથી ઇચ્છતો કે કોઈ મને કહે કે તું સમલૈંગિક છે એટલે અહીં ન રહી શકે."

તાલિબાને કહ્યું છે કે તેમના શાસનમાં મહિલાઓને વ્યાપક અધિકાર આપવામાં આવશે તથા લઘુમતીઓનું રક્ષણ કરવામાં આવશે. જોકે, અબ્દુલને તાલિબાનીઓની વાતો પર વિશ્વાસ નથી.

તેમનું કહેવું છે, "ભલે તાલિબાનીઓ સરકારમાં મહિલાઓને સ્વીકારી લે અને તેમને શાળાએ જવા દે. પરંતુ તેઓ કોઈ પણ સંજોગોમાં એલજીબીટી કે સમલૈંગિક વ્યક્તિનો સ્વીકાર નહીં કરે, તેમને તત્કાળ મારી નાખશે."

દેશ છોડવા માટે વિમાન ઉપર લટકવાનો પ્રયાસ કરનારા અફઘાનીઓ વિશે અબ્દુલ કહે છે, "તેઓ પાગલ નથી. અહીં તેમના ધંધા-રોજગાર છે. સારું જીવન છે, છતાં તેઓ શહેર છોડીને નાસી રહ્યા છે."

"તેઓ પાગલ નથી કે વિમાન ઉપર લટકી જાય છે અને મરી રહ્યા છે. તેઓ જાણે છે કે અફઘાનિસ્તાનમાં તેઓ સુરક્ષિત નથી."

'સ્વતંત્રતા અને સલામતી સાથે જીવવું છે'

અબ્દુલ કહે છે કે તેઓ દેશની બહાર નીકળવાની તક શોધી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં અનેક એવા સંગઠન કાર્યરત છે, જે અબ્દુલ જેવા લોકોને મદદ કરે છે.

અબ્દુલ એ વાત જાણે છે કે બ્રિટન દ્વારા 20 હજાર અફઘાન નાગરિકોને આશ્રય આપવામાં આવશે, પરંતુ તેઓ જાણતા નથી કે ક્યાં અરજી કરવાની છે અથવા રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવાનું છે.

બ્રિટનમાં સમલૈંગિકો માટે કામ કરનારા સંગઠન સ્ટૉનવૉલે બ્રિટનની સરકારને કહ્યું છે કે એલજીબીટી સમુદાયના શરણાર્થીઓની મદદ કરવા માટે કહ્યું છે, જેથી તેઓ બ્રિટન આવીને પોતાની જિંદગી નવેસરથી શરૂ કરી શકે.

અબ્દુલનું કહેવું છે, "હું માત્ર એટલું જ કહેવા માગું છું કે જો કોઈ મારી વાત સાંભળી રહ્યું હોય, તો હું યુવા તરીકે સ્વતંત્રતા તથા સલામતી સાથે જીવવા ઇચ્છું છું."

"હું 21 વર્ષનો છું. મેં આખી જિંદગી યુદ્ધમાં વીતાવી છે. બૉમ્બવિસ્ફોટ જોયા છે. મિત્રો ગુમાવ્યા છે. સંબંધીઓને મરતા જોયા છે."

"અમારા માટે દુઆ કરજો, બધા માટે દુઆ કરજો."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો