'તાલિબાનીઓ મારી બહેનને ઉઠાવીને બમણી ઉંમરના પુરુષ સાથે પરણાવી દેશે તો?'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો કરી લેતાં સૌથી દેશમાં ફરીથી શરિયતના કાયદા અનુસાર જીવવાની લોકોને ફરજ પાડવામાં આવશે.

બે દાયકા પહેલાં અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન જોઈ ચૂકેલા લોકોને એ દિવસો યાદ કરતાં કંપારી છૂટી જાય છે. એવામાં પણ સૌથી વધુ ડર મહિલાઓને લાગી રહ્યો છે.

અફઘાનિસ્તાનથી ગુજરાતમાં અભ્યાસાર્થે આવેલી યુવતીઓ હવે સ્વદેશ પરત ફરવા માગતી નથી, તો સાથે જ અફઘાનિસ્તાનમાં રહેતા પોતાના પરિવારની સુરક્ષાને લઈને પણ ચિંતિત છે.

અતીફા ફારુકીની ઉંમર 24 વર્ષ છે અને અમાદવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરે છે. તેમનો પરિવાર કાબુલમાં રહે છે.

કાબુલ પર તાલિબાનનો કબજો થયા બાદ તેઓ ગભરાઈ ગયાં છે. પોતાની બહેન સાથે વાત કર્યા બાદ અતીફાની ગભરામણમાં વધારો થયો છે.

'બહેનને ડર લાગે છે'

બીબીસી સાથેની વાતચીતમાં આ અફઘાન યુવતી કહે છે, "મારા પિતા અમેરિકનો સાથે કામ કરતા હતા એટલે મારી બહેનને ડર લાગી રહ્યો છે કે તાલિબાનીઓ તેને ઉઠાવી જશે અને બમણી ઉંમરના પુરુષ સાથે એને પરણાવી દેશે. આ ડર એને માનસિક રીતે ખતમ કરી રહ્યો છે."

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અતીફા પોતાના પરિવારનો સંપર્ક સાધવા પ્રયાસ કરતાં હતાં પણ ઇન્ટરનેટ બંધ હોવાથી સંપર્ક સાધી શક્યાં નહોતા. મંગળવારે તેમને સંપર્ક સાધવામાં સફળતા મળી હતી.

અમેરિકન સૈન્ય અને નાટો દળે બે દાયકા પહેલાં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને ખતમ કર્યું હતું ત્યારે અતીફાની ઉંમર માત્ર ચાર વર્ષની હતી.

જોકે, તાલિબાનના શાસનમાં મહિલાનું જીવન કેવું હતું એનો અનુભવ અતીફાનાં માતાને છે.

અતીફાના જણાવ્યા અનુસાર તેમનાં માતાને ભણવું હતું પણ તાલિબાન શાસનમાં તેઓ સાતમા ધોરણથી આગળ ભણી શક્યાં નહોતાં. એટલું જ નહીં, એમનાં લગ્ન થયાં ત્યાં સુધી તેઓ પુરુષની હાજરી વગર ઘરની બહાર નીકળી શકતાં નહોતાં.

અતીફાના જણાવ્યા અનુસાર તાલિબાન સ્ત્રીઓને મનોરંજન અને બાળકો પેદા કરવાનું 'સાધન માત્ર' ગણે છે.

આ કહાણી માત્ર અતીફાની નથી. અતીફા જેવો જ અંદેશો ગુજરાતમાં ભણવા આવનારી કેટલીય અફઘાન છોકરીઓને આવી રહ્યો છે.

'હવે ભણતરનો કોઈ અર્થ નહીં રહે'

27 વર્ષીય શકીના નઝરીન ગુજરાત યુનિવર્સિટીમાં 'માસ કૉમ્યુનિકેશન'નો અભ્યાસ કરે છે. કાબુલમાં શિક્ષિકાની નોકરી છોડીને શકીના ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત આવ્યાં છે.

બે દાયકા પહેલાં અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન હતું ત્યારે શકીનાના પિતા પરિવાર સાથે પાકિસ્તાન જતા રહ્યા હતા. પાકિસ્તાનમાં તેમણે ધંધો શરૂ કર્યો અને સંતાનોને ભણાવ્યાં. શકીના પણ પાકિસ્તાનમાં ભણ્યાં છે.

અમેરિકા અને નાટો રાષ્ટ્રોના આક્રમણ બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનનો અંત આવ્યો એટલે શકીનાના પિતા પરિવાર સાથે વતન પરત ફર્યા. આ દરમિયાન તેઓ અનુસ્નાતક થયાં અને તેમને શિક્ષિકાની નોકરી પણ મળી ગઈ.

બીબીસી સાથે વાત કરતાં શકીના જણાવે છે, "મારા પતિ સાથે મારી વીડિયો કૉલ પર વાત થઈ હતી અને એમણે મને કહ્યું કે અફઘાનિસ્તાનમાં હવે શિક્ષિકાઓ શાળાઓએ જતી બંધ થઈ ગઈ છે. મહિલાઓનું બહાર નીકળવાનું બંધ થઈ ગયું છે."

શકીનાને ઉચ્ચ અભ્યાસ માટે તેમના પતિએ ભારત મોકલ્યાં છે.

શકીના કહે છે, "તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો મેળવી લીધો છે એટલે હવે અમારે પળેપળ ઘૂંટાઈને મરવાનું છે."

"અમારાં (સંતાનો) ભવિષ્ય માટે જ અમારો પરિવાર પાકિસ્તાન જતો રહ્યો હતો. અમે મોટાં થયાં ત્યારે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાઈ હતી અને કાબુલનો પણ વિકાસ થયો હતો. એ જોતાં અમે અફઘાનિસ્તાન પરત ફર્યાં હતાં."

"તાલિબાનીઓ દ્વારા મહિલા પર કરાતા અત્યાચારો મેં માધ્યમોમાં જોયા હતા અને એટલે મારે મહિલાઓને અવાજ બનવા પત્રકાર બનવું હતું. પણ હવે મારાં સપનાં તૂટી ગયાં છે."

શોકાતુર શકીના ઉમેરે છે, "હવે અફઘાનિસ્તાનમાં વાણીસ્વાતંત્ર્ય નહીં રહે અને એટલે હવે મારા ભણતરનો કોઈ અર્થ પણ નહીં રહે."

'વિઝા લંબાયા નહીં તો?'

તાલિબાનીઓએ મહિલાઓ પર કેવો ત્રાસ ગુજાર્યો હતો એ અંગે વાત કરતાં શકીના જણાવે છે, "મારી મિત્ર નૂરજહાંની માતા એક વાર પતિ વગર એકલી બહાર નીકળી. જાણ થતાં જ પુરુષ વગર ઘરની બહાર નીકળવા બદલ એ મહિલાને નદીમાં ફેંકી દેવાનું ફરમાન થયું. જોકે, એવામાં નૂરજહાંના પિતા આવી પહોંચ્યા અને એને બચાવી લીધી."

નૂરજહાં પણ શકીના સાથે બીબીએનો અભ્યાસ કરવા માટે ભારત આવ્યાં છે અને અફઘાનિસ્તાનની સ્થિતિ ભારે ડરેલાં છે.

આવી જ કંઈક કહાણી ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ફેરસ્તા બિગઝાદની પણ છે.

24 વર્ષીય ફેરસ્તા ચાર બહેનો અને બે ભાઈના પરિવારમાંથી આવે છે. બીબીસી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "મારા પિતા યુ.એન.માં કામ કરતા હતા અને તાલિબાનીઓ અમારા પરિવારથી અચૂકથી બદલો લેશે."

"મેં મારા પરિવાર સાથે વીડિયો કૉલ પર વાત કરી હતી. મારી ત્રણેય બહેનો રડતી હતી. તાલિબાનીઓએ એમને ઉઠાવી લેશે અને ક્યાંક પરણાવી દેશે એવો એમને ડર છે."

"મને થાય છે કે એમને ભારત બોલાવી લઉં પણ મારા વિઝા ઑગસ્ટના અંતમાં ખતમ થઈ રહ્યા છે. હું ક્યાં જઈશ એની મને ખબર નથી. વિઝા લંબાઈ જાય અને ભારતમાં નોકરી મળી જોય તો તો ઠીક છે પણ જો એવું નહીં થયું તો ક્યાં રહીશ? શું ખાઈશ?"

અફઘાન પોલીસને તાલીમ આપનારા પૂર્વ અધિકારી શું કહે છે?

આ દરમિયાન બીબીસીએ ગુજરાતના પૂર્વ આઈ.જી. કુલદીપ શર્મા સાથે વાત કરી. શર્મા વર્ષ 2016 અને વર્ષ 2018માં અફઘાન પોલીસને તાલીમ આપી ચૂક્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં શર્મા જણાવે છે, "હું વર્ષ 2016માં પ્રથવ વખત અફઘાનિસ્તાન ગયો હતો અને છ મહિના સુધી ત્યાંની પોલીસને તાલીમ આપી હતી."

"એ વખતે ત્યાંની પોલીસ નમાજ ન પઢનાર કે રમઝાનમાં ગીતો વગાડનાર વિરુદ્ધ શિસ્તના નામે પગલાં ભરતી હતી. આ કામ પોલીસનું નહીં પણ ધર્મગુરુઓનું છે એવું એમને સમજાવતા મને ત્રણ મહિના લાગ્યા હતા."

"વર્ષ 2018માં ફરી અફઘાન પોલીસને તાલીમ આપવા ગયો ત્યારે તાલિબાનનો પ્રભાવ વધ્યો હોવાનું જણાયું હતું. અમે જ્યાં રોકાયા હતા એ યુ.એન. ક્વાર્ટરમાં અફઘાન સૈનિકોના વેશમાં આવેલા સાત ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો."

"અલબત્ત, એ વખતે તમામને ઠાર કરાયા હતા પણ અફઘાનિસ્તાનના બાર જિલ્લામાં તાલિબાનનું રાજ હતું. તાલિબાનીઓ મજબૂત થયા હતા."

ઇસ્લામિક કાયદા અંતર્ગત મહિલાઓને આઝાદી

તાલિબાનના પ્રવક્તાએ મંગળવારે કહ્યું હતું કે મહિલાઓને શરિયત મુજબ અધિકારો મળશે. જોકે, અનેક લોકો તાલિબાનના ઇરાદાઓ પર શંકા વ્યક્ત કરે છે.

તાલિબાને મંગળવારે પ્રથમ પત્રકારપરિષદ યોજીને કહ્યું કે તેઓ કોઈ સાથે વેર નહીં રાખે અને મહિલાઓને ઇસ્લામિક કાયદા અનુસાર આઝાદી મળશે.

તાલિબાનના પ્રવક્તા ઝબિહુલ્લાહ મુજાહિદે પત્રકારપરિષદ સંબોધતાં કહ્યું, "20 વર્ષના સંઘર્ષ બાદ અમે દેશને મુક્ત કરાવ્યો છે અને વિદેશીઓને હાંકી કાઢ્યા છે."

ભવિષ્યમાં મહિલાઓની શું ભૂમિકા હશે અને તેઓ કેવી રીતે કામ કરશે, તે અંગે જવાબ આપવાનું પ્રવક્તા ઝબિહુલ્લા મુજાહિદ ટાળતા રહ્યા હતા.

તેમણે વારંવાર એક જ વાત કહી હતી કે, "તે ઇસ્લામિક કાયદાની પરિઘમાં હશે."

આ દરમિયાન વિશ્વના 60થી વધુ દેશોએ એક સંયુક્ત નિવદેન જાહેર કરીને સામાન્ય લોકોને નુકસાન ન પહોંચાડવા માટે તાલિબાનને અપીલ કરી છે.

છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનમાં શિક્ષણથી લઈને રોજગાર સુધી અફઘાન મહિલાઓની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે.

હવે ફરીથી તાલિબાને અફઘાનિસ્તાનને કબજે કર્યું છે ત્યારે મહિલાઓની હાલત કફોડી બનશે એમ કહેવામાં આવી રહ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો