તાલિબાન: બે દાયકામાં ખરેખર બદલાયું છે કે ડાહી ડાહી વાતો માત્ર દેખાડો છે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષ 1996ની આ વાત છે. મરિયમ સફી તે વખતે 19 વર્ષનાં હતાં. અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં મેડિકલમાં અભ્યાસ કરી રહ્યાં હતાં. એક દિવસ અચાનક તેની દુનિયા બદલાઈ ગઈ.

તાલિબાને મઝાર-એ-શરીફ પર કબજો કરી લીધો અને મરિયમએ અભ્યાસ છોડી દેવો પડ્યો. તાલિબાને સત્તા પર આવ્યા પછી મહિલા શિક્ષણ પર અફઘાનિસ્તાનમાં પ્રતિબંધ મૂકી દીધો હતો. સ્ત્રી એકલી ઘરની બહાર નીકળે તો ધાર્મિક પોલીસ તેને ફટકારતી હતી.

પિતા, ભાઈ અથવા પતિ સાથે જ સ્ત્રીને ઘરની બહાર નીકળવાની છૂટ હતી. તે વખતે જાહેરમાં ફાંસીની સજા, પથ્થર મારીને મારી નાખવાની અને હાથ-પગ કાપી નાખવા જેવી સજા સામાન્ય વાત થઈ ગઈ હતી.

આ ડર અને જોખમને કારણે મરિયમે મેડિકલ અભ્યાસ છોડી દઈને ઘરમાં કેદ થઈ જવું પડ્યું. તે પછી 2001માં અમેરિકાની આગેવાની હેઠળ નાટો દેશોએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને તાલિબાનને હાંકી કાઢ્યા તે પછી મરિયમે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.

ગયા રવિવારે કાબુલમાં તાલિબાને કબજો કર્યો, ત્યારે મરિય માટે જૂની યાદો ફરી એક વખત તાજી થઈ ગઈ.

હવે વાત 17 ગસ્ટ 2021ની

"કાબુલ પર તાલિબાનના કબજાના બે દિવસ પછી મેં જોયું કે કાબુલમાં મારી હોટલના પુરુષ સ્ટાફે બે દિવસ સુધી દાઢી કરી નહોતી. રિસેપ્શન, રૂમ સર્વિસ અને સફાઈમાં વ્યસ્ત રહેતો મહિલા સ્ટાફ પણ ગાયબ થઈ ગયો હતો. હોટેલમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વાગ્યા કરતું હોય છે તે પણ બે દિવસથી સંપૂર્ણપણે બંધ થઈ ગયેલું છે."

"આવું શા માટે થઈ રહ્યું છે? મેં આવું પૂછ્યું ત્યારે જવાબ મળ્યો કે 'અમારા અહીંના કેટલા દોસ્તો તાલિબાન સાથે જોડાયેલા છે.'

રવિવારે તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો તે પછીની પરિસ્થિતિનું વર્ણન કરતા બીબીસી સંવાદદાતા મલિક મુદસ્સિરના અહેવાલ કેટલાક અંશ ઉપર રજૂ કર્યા છે.

તાલિબાન 2.0 વિ તાલિબાન 1.0

વર્ષ 1996 અને વર્ષ 2021ની ઉપરની બે સ્થિતિની સરખામણી કરીએ તેનાથી જ સ્થિતિનો ખ્યાલ આવી જાય છે. તાલિબાન શાસન દરમિયાન મઝાર-એ-શરીફ અને કાબુલની પરિસ્થિતિ આના પરથી સ્પષ્ટ થઈ જાય છે. આ બંનેમાં તમને ખાસ તફાવત દેખાશે નહીં.

પરંતુ આ બે પરિસ્થિતિ વચ્ચે, તાલિબાનનો ત્રીજો ચહેરો પણ મંગળવારે મોડી સાંજે દુનિયાએ જોયો. અફઘાનિસ્તાન પર ફરી નિયંત્રણ મેળવ્યા બાદ તાલિબાનની પ્રથમ પ્રેસકૉન્ફરન્સ મંગળવારે મોડી રાત્રે કાબુલમાં યોજાઈ હતી.

તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદ અને તેમના બે સાથીઓ પ્રથમ વખત કૅમેરા સામે દેખાયા. સ્થાનિક ભાષામાં મીડિયાને સંબોધને કરીને તાલિબાનના 'ઉદાર' ચહેરાની ઝલક તેમણે બતાવી, જે 1996-2001ના તાલિબાનથી બિલકુલ અલગ લાગે.

જબીહુલ્લાહ મુજાહિદે પ્રેસકૉન્ફરન્સમાં કહ્યું, "અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે તેમની સાથે કોઈ પક્ષપાત નહીં કરીએ. અફઘાનિસ્તાન હવે યુદ્ધનું મેદાન નથી તે અમે સુનિશ્ચિત કરીશું. અમારી સામે લડનારા બધાને અમે માફ કરી દીધા છે. હવે અમારી દુશ્મની ખતમ થઈ છે. અમે શરિયત અનુસાર મહિલાઓના અધિકારો માટે પ્રતિબદ્ધ છીએ. સ્ત્રીઓ અમારી સાથે ખભેખભો મીલાવીને કામ કરવાની છે."

આ રીતે આજના તાલિબાને ટીવી કૅમેરા સામે કામ કરવાની છૂટ આપવાની અને બદલો ના લેવાની વાત જણાવી, પરંતુ વાસ્તવિક રીતે એવી સ્થિતિ દેખાતી નથી. એથી જ ચર્ચા જાગી છે કે શું 2021નું તાલિબાન 1996ના તાલિબાનથી ઘણું અલગ છે? કે પછી આ માત્ર એક ઢોંગ છે? અથવા તો અત્યારના સમયની જરૂરિયાત?

શું તાલિબાન બદલાઈ રહ્યું છે?

વિદેશી બાબતોના વરિષ્ઠ પત્રકાર અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રાજદ્વારી સંપાદક ઇન્દ્રાણી બાગચી કહે છે, "અત્યારે નિશ્ચિતપણે કહી શકાય નહીં કે આજનું તાલિબાન બદલાયેલું છે. તેની વિચારધારા બદલાઈ નથી, એટલું આપણે જાણીએ છીએ. મંગળવારે પણ શરિયત કાયદા અનુસાર જ મહિલાઓને અધિકારો આપવાની વાત કરી." આના કારણે સવાલો ચોક્કસ ઊભા થઈ રહ્યા છે.

અફઘાનિસ્તાન અને વિશ્વ બંને 20 વર્ષમાં બહુ બદલાયા છે એટલે શું તાલિબાન પણ બદલાયું? અફઘાનિસ્તાનમાં પહેલાં કરતાં વધારે છોકરીઓ ભણી રહી છે, વધુ મહિલાઓ કામ કરી રહી છે. શું તાલિબાન આ છોકરીઓ અને મહિલાઓને બુરખો પહેરીને ઘરમાં બેસી જવાનો હુકમ કરશે ખરું? આ સવાલોના જવાબ કોઈ જાણતું નથી.

મંગળવારની પ્રેસકૉન્ફરન્સમાં દુનિયાએ તાલિબાનની જે ભાષા સાંભળી તે તેનો બીજો ચહેરો છે, પરંતુ કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે યુવતીઓના નિકાહ પરાણે તાલિબાનના લડાયકો સાથે કરાવવામાં આવી રહ્યાં છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના નવા શાસનને થોડા દિવસો (ઓછામાં ઓછા છ મહિના) પસાર થયા પછી જ તેના વિશે કંઇક નક્કર કહી શકાશે. સત્તા સંભાળી લે, નવા નેતાની પસંદગી કરી લે તે પછી સરકાર કેવી રીતે કામ કરે છે તે જોવું પડશે. સાઉદી અરેબિયા જેવા બનવાની કોશિશ કરશે કે યુએઈના માર્ગે ચાલશે અથવા પોતાનો અલગ રસ્તો પસંદ કરશે? આ બધું જોવાનું રહેશે.

અત્યારે તો ફક્ત આશા જ રાખી શકાય છે કે 20 વર્ષમાં અફઘાનિસ્તાનમાં પરિવર્તન આવ્યું છે એમ તાલિબાન પણ બદલાશે.

છેલ્લા વીસ વર્ષમાં અફઘાનિસ્તાનમાં શું બદલાયું?

20 વર્ષમાં અફઘાનિસ્તાનમાં કેટલું પરિવર્તન આવ્યું છે તે સવાલના જવાબમાં અમે ઈન્દ્રાણીએ કેટલાક આંકડાં જણાવ્યાં.

તેમણે કહ્યું કે વિશ્વની સાથે છેલ્લા 20 વર્ષમાં અફઘાનિસ્તાનમાં ઘણું બદલાયું છે એ વાત સાચી છે.

વિશ્વ બૅન્કના અહેવાલ મુજબ 2001માં છોકરીઓ પ્રાથમિક શાળામાં દાખલ થતી નહોતી. તે સમયે અફઘાનિસ્તાનમાં માત્ર 10 લાખ છોકરાઓ પ્રાથમિક શિક્ષણ માટે શાળાએ જતા હતા.

પરંતુ 2012ના વર્લ્ડ બૅન્કના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં 80 લાખ બાળકો પ્રાથમિક શાળામાં જતા થયા, જેમાંથી લગભગ 30 લાખ છોકરીઓ હતી. જોકે મોટા ભાગની છોકરીઓ માધ્યમિક શાળા સુધી પહોંચતી નહોતી, કેમ કે અભ્યાસ અધવચ્ચે છોડી દે છે.

વાસ્તવિકતા એ પણ છે કે 52% છોકરીઓની શાદી 20 વર્ષની ઉંમરે જ કરી દેવામાં આવે છે.

યુનિસેફના 2010-11ના અહેવાલ મુજબ, 15થી 24 વર્ષની યુવતીઓમાં સાક્ષરતા દર માત્ર 22% છે, જે બહુ પ્રોત્સાહક કહી શકાય નહીં. પરંતુ તાલિબાન સત્તામાંથી હટ્યા પછી આટલું જ થઈ શક્યું અને તેને ચોક્કસપણે મોટો ફેરફાર કહેવો પડે.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશનના 2009ના રિપોર્ટ અનુસાર નોકરીઓમાં હવે પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ પ્રાધાન્ય મળવા લાગ્યું હતું અને આ જ ગતિએ આગળ વધ્યું તો 2020 સુધીમાં 40 ટકા મહિલાઓ નોકરી કરતી હશે તેવો અંદાજ હતો.

9/11 પછી દુનિયા બદલાઈ ગઈ

દિલ્હીસ્થિત થિંક ટેન્ક 'ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન'ના સ્ટ્રેટેજિક સ્ટડીઝ પ્રોગ્રામના પ્રોફેસર હર્ષ વી. પંત પણ વૈશ્વિક પરિવર્તનની અસર તાલિબાનના બદલાતા સ્વર પાછળ જોઈ રહ્યા છે. તેઓ કહે છે કે, "અમેરિકા પર 9/11ના આતંકવાદી હુમલા બાદ આતંકવાદ પ્રત્યે વિશ્વનું વલણ બદલાયું અને તેની સામેની સહનશક્તિ ઘટી હતી. તાલિબાનનો બદલાતો ચહેરો જોતી વખતે આપણે આ યાદ રાખવાની જરૂર છે."

1996થી 2001 વચ્ચેના અફઘાનિસ્તાન વિશે વાત કરતાં પ્રોફેસર પંત કહે છે, "તે સમયના તાલિબાન પાસે શાસનનું કોઈ મોડલ નહોતું. અમેરિકાને પણ અફઘાનિસ્તાનમાં કોઈ રસ નહોતો. શરિયત કાયદાનું શાસન હતું અને તેમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવતા હતા.''

પરંતુ 9/11ની ઘટના પછી દુનિયાની નજર અફઘાનિસ્તાન પર પડી. ત્યાં શું ચાલી રહ્યું છે તેના પર વિશ્વની નજર છે. અમેરિકાનું ફંડિંગ હવે બંધ થઈ ગયું છે. કાબુલમાં તાલિબાનનો કબજો થયો, પરંતુ ઍરપૉર્ટ પર અંધાધૂંધી સર્જાઈ ત્યારે અમેરિકાએ પોતાની સેના મોકલીને તેને હાથમાં લઈ લીધું હતું. તાલિબાન આજે પણ અમેરિકાની તાકાતને ઓછી આંકતું નથી. તેઓ જાણે છે કે તેના (અમેરિકાના) ઇશારા ઉપર આંતરરાષ્ટ્રીય અભિપ્રાય તેની વિરુદ્ધ જઈ શકે છે."

આ સ્થિતિમાં સરકાર અને શાસન ચલાવવા માટે તાલિબાનને આંતરરાષ્ટ્રીય માન્યતાની જરૂર પડશે.

ચીન અને પાકિસ્તાનના નિવેદનોથી તાલિબાને પ્રોત્સાહન મળશે, પરંતુ રશિયાએ તાલિબાનને ટેકો આપવા ખુલ્લેઆમ કંઈ કહ્યું નથી. આથી જ આજનું તાલિબાન વિશ્વ સમક્ષ પોતાની છબી સુધારવા માટે અંગ્રેજી બોલતા પ્રવક્તાને આગળ કરી રહ્યું છે.

શા માટે તાલિબાને બદલવું પડે તેમ છે?

ઇન્દ્રાણીના જણાવ્યા અનુસાર બે મહત્ત્વની બાબતોને કારણે તાલિબાને બદલાવાની જરૂર છે.

"અફઘાનિસ્તાનમાં આવેલા પરિવર્તનનો ખ્યાલ તાલિબાનને પણ હશે. શું બદલાયેલા અફઘાનિસ્તાનમાં મહિલાઓને બંદૂકની અણીએ કેદ કરીને માત્ર સંતાનો પેદા કરવાનું કહી શકશે? તેઓએ પણ આ જોવું અને સમજવું પડશે."

"તાલિબાનવિરોધી પૉસ્ટર સાથેની મહિલાઓની તસવીરો મંગળવારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. લોકોએ આ મહિલાઓની હિંમતને બહુ દાદ આપી હતી.''

"બીજી વાત એ છે કે 21મી સદીમાં માનવાધિકાર, મહિલા અધિકાર, લિંગ સમાનતા જેવા મુદ્દાઓ પશ્ચિમી દેશોના ગંભીર મુદ્દા છે. સત્તામાં રહેવા માટે તાલિબાનને પશ્ચિમના દેશોની સ્વીકૃતિની જરૂર પડશે. નાણાકીય અને ટેક્નિકલ સહાયની પણ જરૂર પડશે, તેથી તે ખાતર પણ થોડો 'ઉદાર' ચહેરો દર્શાવશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો