35 વર્ષ પહેલાં સાઇગૉનમાં શું થયું હતું કે કાબુલ સાથે થઈ રહી છે સરખામણી?

એક તરફ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળો તથા નાગરિકોનું નિર્ગમન થઈ રહ્યું છે. બીજી તરફ કાબુલમાં પ્રવર્તમાન સ્થિતિની સરખામણી વિયેતનામ સાથે કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર આ તસવીરો વ્યાપકપણે શૅર થઈ રહી છે અને ચીનના વિદેશમંત્રાલયે પણ તેના મારફત અમેરિકાને ટોણો માર્યો હતો.

વિયેતનામની બહુચર્ચિત તસવીર ફોટોગ્રાફર હલબર્ટ વેન એસે વર્ષ 1975માં ખેંચી હતી. જેમાં વિયેતનામ યુદ્ધના અંત સમયે કેટલાક લોકો એક ઇમારતની છત પર તહેનાત હેલિકૉપ્ટરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા દેખાય છે.

અનેક નિષ્ણાતો, રિપબ્લિકન તથા ડેમૉક્રેટિક નેતાઓ સાઇગૉનમાં અમેરિકાના પરાજય તથા કાબુલમાં તાલિબાનના વિજયની સરખામણી કરી રહ્યા છે.

સાઇગૉનમાં અમેરિકાનો પરાજય

વિયેતનામ યુદ્ધ 20 વર્ષ સુધી ચાલ્યું હતું, જેમાં ઉત્તર વિયેતનામ પર સામ્યવાદી સરકારનું પ્રભુત્વ હતું, જ્યારે દક્ષિણ વિયેતનામને અમેરિકા તથા પશ્ચિમી દેશોનો ટેકો મળેલો હતો.

આ યુદ્ધ આર્થિક અને જાનમાલની દૃષ્ટિએ પણ અમેરિકાને ભારે પડ્યું હતું. આને કારણે અમેરિકનોમાં પણ ઊભી ફાડ પડી ગઈ હતી. શીતયુદ્ધ દરમિયાન 'સાઇગૉન પતન'ને અમેરિકાના મોટા પરાજય તરીકે જોવામાં આવે છે.

'સાઇગૉન પરાજય' કે 'સાઇગૉન પતન' એ દક્ષિણ વિયેતનામની રાજધાની સાઇગૉન ઉપર ઉત્તર 'વિયેતનામની પીપલ્સ આર્મી ઑફ વિયેતનામ' જેને 'વિએત કૉંગ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના દ્વારા કબજા સંદર્ભે છે.

જેણે તા. 30મી એપ્રિલ 1975ના દિવસે શહેર પર કબજો કરી લીધો હતો. અમેરિકાએ વર્ષ 1973માં વિયેતનામમાંથી પોતાની સેનાને પરત બોલાવી લીધી હતી.

એ પછી દક્ષિણ વિયેતનામે આત્મસમર્પણ કરી લીધું. પછી આ શહેરનું નામ ઉત્તર વિયેતનામના નેતા હો ચિ મિન્હના નામ પરથી 'હો ચિ મિન્હ સિટી' રાખવામાં આવ્યું. જેમ ભારતમાં જવાહરલાલ નહેરુને 'ચાચા નહેરુ' તરીકે ઓળખવામાં આવે છે, એવી જ રીતે વિયેતનામમાં મિન્હ 'અંકલ હો' તરીકે ઓળખાતા.

ચીને ચૂંટલી ખણી

અમેરિકાના આકલન કરતાં બહુ ઓછા સમયમાં તાલિબાને કાબુલ પર કબજો કરી લીધો હતો.

જેવી રીતે કાબુલમાંથી દૂતાવાસને ખાલી કરવાની તથા સમર્થક લોકોને બહાર લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, એવી જ રીતે 'ઑપરેશન ફ્રિક્વન્ટ વિન્ડ' હેઠળ સાત હજાર અમેરિકન નાગરિકો, દક્ષિણ વિયેતનામના લોકો તથા વિદેશી નાગરિકોને સાઇગૉનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

અમેરિકાના સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ મહિનાના અંત ભાગ સુધી કાબુલ ઍરપૉર્ટ પરથી દરરોજ દર કલાકે એક ઉડાન દ્વારા અમેરિકન, પશ્ચિમી તથા અમુક અફઘાનીઓને ઉગારીને બહાર કાઢવા માગે છે.

દરરોજ નવ હજાર લોકોને રૅસ્ક્યૂ કરવાનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે તાલિબાનો તેમની બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ઊભો નથી કરી રહ્યા અને તેમની સાથે હજુ સુધી કોઈ સંઘર્ષ નથી થયો.

કાબુલ ઍરપૉર્ટ પર જે પ્રકારની અફરાતફરી સર્જાઈ, તેની તસવીરો દુનિયાભરના લોકોએ જોઈ છે.

ત્યા પ્રવર્તમાન સ્થિતિ માટે અમેરિકા તથા તેના સાથી દેશોની ભારે ટીકા થઈ રહી છે. ચીને પણ કાબુલ તથા સાઇગૉનની તસવીરો વચ્ચે સમાનતા દર્શાવીને અમેરિકાને તેની વધુ એક નિષ્ફળતા યાદ અપાવી હતી.

તાજેતરમાં ચીનના શિનજિયાંગમાં માનવાધિકાર ભંગ તથા અન્ય કેટલીક બાબતો મુદ્દે અમેરિકાએ ચીનની ટીકા કરી છે. ત્યારે વિયેતનામની તસવીરો દ્વારા ચીને તેનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કાબુલ તથા સાઇગૉનની તસવીરનો કૉલાજ શૅર કર્યો હતો અને લખ્યું, "1975માં લોકોએ જે વિયેતનામમાં જોયું હતું, તે હવે અફઘાનિસ્તાનમાં જોઈ રહ્યા છીએ."

બીજી જ મિનિટે વધુ એક ફોટો કૉલાજ પોસ્ટ કર્યું, જેમાં અમેરિકાની શક્તિના પતન તરફ ઇશારો કરવામાં આવ્યો હતો, ટ્વીટમાં ચુનયિંગે લખ્યું, 'ફ્રૉમ ધ પૉઝિશન ઑફ સ્ટ્રૅન્થ.'

પ્રથમ તસવીર વિયેતનામની છે, જેમાં એક સ્થાનિક વ્યક્તિને બળપૂર્વક પાછળ હડસેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

તો કાબુલ ઍરપૉર્ટ પર સુરક્ષાબળોની તસવીર છે. કાંટાળી વાડની પાછળ દેશ છોડવા માટે તત્પર લોકો રનવે તરફ આશા ભરી નજરે જોઈ રહ્યા છે.

ચીને કહ્યું છે કે તે તાલિબાનો સાથે 'મૈત્રીપૂર્ણ તથા સહયોગાત્મક સંબંધ' ઇચ્છે છે.

ચીને પોતાનું દૂતાલય ખુલ્લું રાખ્યું છે તથા ત્યાં રહેલા લોકોને ઘરમાં અને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

જુલાઈ મહિનામાં તાલિબાનોના એક પ્રતિનિધિમંડળે ચીનના વિદેશમંત્રીની મુલાકાત કરી હતી, જેને તાલિબાનોને 'કૂટનીતિક માન્યતા' તરીકે જોવામાં આવે છે.

સાઇગૉન સાથે સરખામણી સહજ?

વિયેતનામનું યુદ્ધ સમાપ્ત થયું તે પહેલાં ત્યાંની જનતાનો આ યુદ્ધમાંથી મોહભંગ થઈ ગયો હતો.

એક તરફ આ યુદ્ધ પાછળ અબજો ડૉલરનું આંધણ થયું હતું, બીજી તરફ 58 હજાર કરતાં વધુ અમેરિકન સૈનિક મૃત્યુ પામ્યાં હતાં.

કેટલાક લોકોના મતે સાઇગૉનમાં પરાજય એ અમેરિકાની શાખ પર ડાઘ સમાન છે. આના પછીનાં વર્ષો દરમિયાન અમેરિકામાં 'વિયેતનામ સિન્ડ્રૉમ' પ્રચલિત બન્યો. જેમાં અમેરિકન નાગરિકો અન્ય કોઈ દેશ માટે સૈન્યશક્તિ મોકલવામાં ખચકાટ અનુભવે છે.

કેટલાક અમેરિકન નેતાઓને સાઇગૉન તથા કાબુલમાં સમાનતા દેખાય છે. રિપબ્લિકન હાઉસ કૉન્ફરન્સના ઇલિસ સ્ટેફેનિકે ટ્વીટ કરીને કહ્યું કે, "આ (કાબુલ) જો બાઇડનનું સાઇગૉન છે. આંતરરાષ્ટ્રીયસ્તરે આવા પરાજયને ક્યારેય ભુલાવી નહીં શકાય."

ગત મહિને યુએસ જૉઇન્ટ ચીફ ઑફ સ્ટાફના વડા જનરલ માર્ક મિલેવે આ સરખામણીને અયોગ્ય જણાવી હતી.

તેમણે કહ્યું હતું,"મને નથી લાગતું કે એવું થશે. હું ખોટો પણ ઠરી શકું છું. કોણ જાણે છે, તમે ભવિષ્ય જણાવી ન શકો, પરંતુ તાલિબાન ઉત્તર વિયેતનામની સેના જેવું નથી. આ એવી સ્થિતિ નથી."

જોકે, ગણતરીના દિવસોમાં જ તાલિબાનોએ કાબુલ પર કબજો કરી લીધો હતો.

જો પ્રતીકોને અલગ રાખીને જોવામાં આવે તો બંને સ્થિતિમાં ભારે તફાવત છે.

વિયેતનામમાંથી અમેરિકન સેનાના નિર્ગમનનાં બે વર્ષ બાદ સાઇગૉનનું પતન થયું હતું, જ્યારે અફઘાનિસ્તાનમાં હજુ અમેરિકાની સેના હાજર છે અને બહાર નીકળવા માટે બચાવ અભિયાન ચલાવી રહી છે, ત્યારે જ તેનું પતન થઈ ગયું છે.

1975માં તત્કાલીન રાષ્ટ્રપતિ જેરાલ્ડ ફૉર્ડની રાજકીય કારકિર્દી પર એ ઘટનાક્રમની ઓછી અસર થઈ હતી, જ્યારે જો બાઇડનની રાજકીય કારકિર્દી પર તેની શું અસર થશે તે જોવું રહ્યું, અમેરિકનો આ યુદ્ધને સમર્થન નથી આપતા.

નૉટિંઘમ યુનિવર્સિટીમાં અમેરિકન સ્ટડીઝના ઍસોસિયેટ પ રોફેસર ક્રિસ્ટૉપર ફેલ્પ્સના કહેવા પ્રમાણે, "એ વાતમાં કોઈ શંકા નથી જણાતી કે તાજેતરના ઘટનાક્રમથી બાઇડનને નુકસાન થશે. તેને નુકસાન તરીકે જ જોવામાં આવશે. સંભવતઃ અપમાન તરીકે પણ. આ તેમનો નિર્ણય હતો, પછી તે યોગ્ય હોય કે નહીં."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો