You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાથી ચીન અને પાકિસ્તાનને 'લૉટરી લાગી?'
- લેેખક, સિન્ધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
"ચીન તાલિબાન સાથે મૈત્રીપૂર્ણ અને પારસ્પરિક સહકારનો સંબંધ વિકસાવવા તૈયાર છે. ચીન અફઘાનિસ્તાનમાં શાંતિ તથા પુનર્નિર્માણમાં રચનાત્મક ભૂમિકા ભજવવા ઇચ્છે છે."
(ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિયાંગ)
"અફઘાનિસ્તાનમાં અત્યારે જે થઈ રહ્યું છે, એ ગુલામીની સાંકળો લોકોએ તોડી નાખી છે. તમે કોઈની સંસ્કૃતિને અપનાવો ત્યારે એવું માનવા લાગો છો કે એ સંસ્કૃતિ તમારાથી ઊંચી છે અને આખરે તમે તેના ગુલામ બની જાઓ છો."
(પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન)
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી ચીન તથા પાકિસ્તાન તરફથી આવેલાં આ નિવેદનો તાલિબાન માટેની તેમની સ્વીકૃતિને સ્પષ્ટ રીતે જાહેર કરે છે.
તાલિબાન સાથે ચીન અને પાકિસ્તાનનો 'રોમાન્સ'
ચીન અને પાકિસ્તાનનો સમાવેશ એવા ગણ્યાગાંઠ્યા દેશોમાં થાય છે જેમના દૂતાવાસ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી પણ સક્રિય છે.
એક તરફ અફઘાનિસ્તાનમાંથી વ્યાકુળ લોકોની ચિંતાજનક તસવીરો આવી રહી છે ત્યારે બીજી તરફ ચીન અને પાકિસ્તાનનું તાલિબાન પ્રત્યેનું નરમ વલણ પણ ચર્ચાનો વિષય બન્યું છે.
અહેવાલો જણાવે છે તેમ, અફઘાનિસ્તાનમાં શાંતિપ્રક્રિયા માટે નિયુક્ત કરાયેલા દૂત ઝાલમે ખલીઝાદે તાલિબાનને જણાવ્યું છે કે તેઓ બળપૂર્વક સત્તા આંચકશે તો તેમને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ નહીં મળે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આવું સંપૂર્ણપણે થતું જોવા મળતું નથી.
ચીન-પાકિસ્તાન તથા તાલિબાન વચ્ચેના આ 'રોમાન્સ'થી નિષ્ણાતોને જરાય આશ્ચર્ય થતું નથી. તેઓ તેને તાલિબાનનો એક મોટો 'રાજદ્વારી વિજય' ગણી રહ્યા છે.
નિષ્ણાતો માને છે કે ચીન અને તાલિબાનને એકમેકની જરૂર છે, જ્યારે પાકિસ્તાન પર તાલિબાનને ટેકો આપવાના આક્ષેપો અગાઉથી જ થતા રહ્યા છે.
આ પરિસ્થિતિમાં એવું માની લેવું જોઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો ચીન તથા પાકિસ્તાન માટે સારા સમાચાર છે? વળી, ચીન અને પાકિસ્તાનને તાલિબાન તરફથી કોઈ જોખમ જેવું છે?
તાલિબાનનો રાજદ્વારી વિજય?
પ્રોફેસર ગૌતમ મુખોપાધ્યાય અફઘાનિસ્તાન, સીરિયા અને મ્યાંમારમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "ચીનનું સમર્થન મળવાથી તાલિબાનનો જુસ્સો જરૂર વધશે અને એક રીતે આ રાજદ્વારી વિજય પણ છે, પરંતુ ચીન માટે એ જોખમી પણ છે."
ગૌતમ મુખોપાધ્યાયના જણાવ્યા મુજબ, "પાકિસ્તાનની છબી તો પહેલાંથી જ બહુ ખરાબ છે. એ સ્થિતિમાં પાકિસ્તાન સાથે મળીને તાલિબાનને ટેકો આપવાથી ચીન પોતાની છબી જ ખરાબ કરશે."
તેમણે કહ્યું હતું, "તાલિબાન સાથે હાથ મિલાવીને ઇસ્લામી ઉગ્રવાદી સંગઠનો તથા તેની હિલચાલ પર અંકુશ મેળવવાનું ચીન માટે સરળ બનશે. ખાસ કરીને ઇસ્ટ તુર્કીસ્તાન ઇસ્લામિક મૂવમૅન્ટને અંકુશમાં લેવાનું આસાન બનશે."
'ઇસ્ટ તુર્કીસ્તાન ઇસ્લામિક મૂવમૅન્ટ' ચીનના વીગર મુસલમાનોનું એક સંગઠન છે, જે શિનજિયાંગમાં એક સ્વતંત્ર દેશની રચનાની માગણી કરી રહ્યું છે.
ચીને ઇસ્ટ તુર્કીસ્તાન ઇસ્લામિક મૂવમૅન્ટનો મુદ્દો ગયા મહિને તાલિબાનના પ્રતિનિધિમંડળ સાથે થયેલી વાતચીતમાં પણ ઉઠાવ્યો હતો.
ચીની વિદેશમંત્રી વાંગ યીએ તાલિબાનના પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે તેમણે "ચીનવિરોધી આતંકવાદી સંગઠન" ઇસ્ટ તુર્કીસ્તાન ઇસ્લામિક મૂવમૅન્ટ સાથેના સંબંધ તોડવા પડશે.
ચીનનો માર્ગ પણ સરળ નથી
સવાલ એ છે કે આવું કરવાનું ચીન માટે આટલું સરળ હશે? ગૌતમ મુખોપાધ્યાયનો જવાબ છેઃ ના.
તેમણે કહ્યું હતું, "આ બધાં સંગઠન એકમેકથી જરાય અલગ નથી અને તેમને એકમેકથી અલગ કરવાનું સરળ પણ નથી. આ બધાં એકમેકની સાથે મળેલાં છે. તેથી મને લાગે છે કે તાલિબાન સાથે હાથ મિલાવીને ચીન જોખમ ચોક્કસથી લઈ રહ્યું છે."
ગૌતમ મુખોપાધ્યાય માને છે કે તાલિબાનને ટેકો આપવાના ચીનના નિર્ણયમાં તેનાં આર્થિક તથા વ્યૂહાત્મક હિત છૂપાયેલાં છે તે નક્કી છે, પરંતુ આગામી સમયમાં ઇસ્ટ તુર્કીસ્તાન ઇસ્લામિક મૂવમૅન્ટ સામે પગલાં લેવાં - એ તેના માટે મોટો પડકાર હશે.
તેમણે ઉમેર્યું હતું, "ચીન તેની દમન કરવાની અને ધમકાવવાની ક્ષમતાના ભરોસે તાલિબાનને ટેકો આપી રહ્યું છે. ચીન યુન્નાન અને શિનજિયાંગમાં એવું કરી ચૂક્યું છે, પણ આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે યુન્નાન અને શિનજિયાંગ ચીનની અંદરનો મામલો છે, જ્યારે તાલિબાનના કિસ્સામાં એવું નથી. મને લાગે છે કે ચીને આ બધી બાબતોને ધ્યાનમાં લીધી હશે."
ગૌતમ મુખોપાધ્યાયે કહ્યું હતું, "આ બધાનો આધાર, ચીનની સામે કેવી તકો આવે છે અને તે એ તકોનો કઈ રીતે ઉપયોગ કરે છે તેના પર છે. તાલિબાનને ટેકો આપીને ચીનની મહેચ્છા સફળ થાય એવું શક્ય છે, પરંતુ એવું ન થવાનાં પણ પૂરતાં કારણો છે."
ગૌતમ મુખોપાધ્યાય એવું પણ માને છે કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો એ રીતે ઉપયોગ કર્યો છે કે એ ચીન માટે મુશ્કેલી સર્જી શકે એમ છે.
તેમણે કહ્યું હતું, "અફઘાનિસ્તાનમાં અમેરિકાની હાજરી, રશિયા તથા ઈરાન જેવા તેના પ્રતિદ્વંદ્વીઓને સલામતી જ આપી રહી હતી. હવે અમેરિકાને લાગે છે કે તેઓ પોતે તેમનો સામનો કરે."
પાકિસ્તાન સામેના પડકારો
ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી અને એશિયન બાબતોના નિષ્ણાત પી. સ્તોબતન માને છે કે પાકિસ્તાન 'ડબલ ગેમ' રમી રહ્યું છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "એક બાજુ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાંથી સૈનિકોની વાપસી માટે અમેરિકાને સહકાર આપ્યો હતો અને હવે તે ચીનને સાથ આપીને તાલિબાનને સ્વીકૃતિ આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે."
સ્તોબતન માને છે કે ભવિષ્યમાં તાલિબાનના મુદ્દે ચીન અને અમેરિકા વચ્ચેની તંગદિલીમાં મોટો વધારો થશે અને તેની વચ્ચે પાકિસ્તાન ફસાશે.
તેમણે જણાવ્યું હતું કે નજીકના ભવિષ્ય માટે તો પાકિસ્તાન 'સ્માર્ટ ગેમ' રમ્યું છે, પરંતુ દૂરગામી ભવિષ્યમાં પાકિસ્તાન માટે સંજોગો મુશ્કેલ બની શકે છે.
પાકિસ્તાનનું વલણ
પી. સ્તોબતન માને છે કે અત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાને પાકિસ્તાન પોતાના વ્યૂહાત્મક વિજય તરીકે રજૂ કરી શકે છે, કારણ કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘની પોતે જ "સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયામાં નડતરરૂપ બની રહ્યા છે અને તેને કારણે હિંસા વધી રહી છે," એવું તો પાકિસ્તાન પહેલાંથી કહેતું રહ્યું છે.
પાકિસ્તાન સરકારે એવો આક્ષેપ પણ કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં અશાંતિનું વાતાવરણ યથાવત્ રાખવા માટે ભારત ષડ્યંત્રો રચી રહ્યું છે.
પી. સ્તોબતને કહ્યું હતું, "આ પરિસ્થિતિમાં પાકિસ્તાન તાલિબાનના કબજાને, અફઘાનિસ્તાનમાં ભારતના ઘટી રહેલા પ્રભાવ તરીકે પણ નિહાળશે."
પાકિસ્તાનમાં પહેલાંથી જ અફઘાન શરણાર્થીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે અને હાલની પરિસ્થિતિ પછી એવા લોકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે, ત્યારે તેને કારણે પાકિસ્તાન માટે મુશ્કેલી નહીં સર્જાય?
આ સવાલના જવાબમાં પી. સ્તોબતને કહ્યું હતું, "શરૂઆતમાં પાકિસ્તાન માટે એ આર્થિક રીતે મુશ્કેલ બની શકે છે, પરંતુ પછી તો તેઓ અફઘાન શરણાર્થીઓનો હવાલો આપીને વર્લ્ડ મોનિટરી ફંડ તથા વિશ્વ બૅન્ક પાસેથી મોટા પ્રમાણમાં ભંડોળ પણ મેળવશે."
ચીન બાબતે પી. સ્તોબતને જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં ચીન ખુશ પણ હશે અને સાશંક પણ. અલબત્ત, ચીન માટે તક વધારે હશે અને પડકારો ઓછા હશે એવું તેઓ માને છે.
તેમણે કહ્યું હતું, "અમેરિકા અફઘાનિસ્તાનમાંથી હઠી ગયું છે, પાકિસ્તાન ચીનની સાથે છે. રશિયા અને ઈરાન પણ ચીનની સાથે છે. તેથી તેનો પક્ષ નબળો નથી."
ચીન અને વીગર મુસલમાન
ગૌતમ મુખોપાધ્યાય અને પી. સ્તોબતન સાથેની વાતચીતમાંથી નીચે મુજબના મહત્વના મુદ્દા સામે આવે છે.
ચીન તેને ત્યાં વીગર મુસલમાનોની સમસ્યાથી ચિંતિત છે એટલે પણ એ તાલિબાન સાથે હાથ મિલાવવા ઇચ્છે છે.
મીડિયા અહેવાલોમાં જણાવ્યા મુજબ, ચીનના શિનજિયાંગ પ્રાંતમાં લગભગ 10 લાખ વીગર મુસલમાનો છે અને શિનજિયાંગની સીમા અફઘાનિસ્તાનની સીમાને અડીને જ આવેલી છે.
તેથી ચીનને એવો ડર લાગે છે કે વીગર મુસલમાનો અને ઇસ્ટ તુર્કીસ્તાન ઇસ્લામિક મૂવમૅન્ટના સભ્યો અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ તેના વિરુદ્ધની પ્રવૃત્તિઓ માટે કરી શકે છે.
એ કારણસર જ ચીને તાલિબાનને ટેકો આપવા માટે એવી શરત મુકી છે કે તાલિબાન અફઘાનિસ્તાનના એકેય હિસ્સાનો ઉપયોગ ચીનની વિરુદ્ધ થવા નહીં દે.
ચીન પર વીગર મુસલમાનોને ત્રાસ આપવાના આક્ષેપ થતા રહ્યા છે અને એ કારણસર અમેરિકા ઉપરાંત યુરોપના અનેક દેશો સાથેના ચીનના સંબંધ તંગદિલીભર્યા રહ્યા કરે છે.
ચીનનાં આર્થિક અને વ્યૂહાત્મક હિત
ચીન 'રોડ ઍન્ડ બેલ્ટ' યોજના જેવી અનેક મહત્ત્વકાંક્ષા સેવે છે. એ માટે તેને મધ્ય એશિયામાં જંગી પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૉમ્યુનિકેશનની જરૂર પડશે.
આ સંજોગોમાં ચીનને અફઘાનિસ્તાનમાંથી પૂરતો સહકાર નહીં મળે તો આ પ્રદેશમાં પોતાનો પ્રભાવ વધારવાની ચીનની યોજના પર માઠી અસર થશે.
એ જ રીતે ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર પણ એશિયામાં તેનો એક મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, પરંતુ પાકિસ્તાનમાં ચીની અધિકારીઓ પર હુમલા થતા રહે છે. તેથી તાલિબાન સાથે હાથ મિલાવીને ચીન એ પ્રદેશમાં પોતાની સલામતી સુનિશ્ચિત કરવા ઇચ્છે છે.
ચીને અફઘાનિસ્તાનમાં એનક કોપર માઇન અને અમૂ દરિયા ઍનર્જી જેવા પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે.
અફઘાનિસ્તાનમાં સુવર્ણ, કોપર, ઝિંક અને લોખંડ જેવી કિંમતી ધાતુઓનો ભંડાર છે. તેથી પોતાના માટે અફઘાનિસ્તાનમાં પ્રતિકૂળ વાતાવરણ સર્જીને ચીન ભવિષ્યમાં ત્યાં રોકાણની શક્યતામાં ઘટાડો કરવા ઇચ્છે નહીં એ દેખીતું છે.
પાકિસ્તાન અને તાલિબાન
તાલિબાનના કબજાથી પાકિસ્તાન ખુશ છે, કારણ કે ઇસ્લામાબાદ તેને અફઘાનિસ્તાનમાં ભારતનો વ્યૂહાત્મક પરાજય માની રહ્યું છે.
પાકિસ્તાનમાં હવે ઉગ્રવાદી સંગઠન 'પાકિસ્તાન તાલિબાન'નું મનોબળ પણ વધારે મજબૂત બનશે.
છોકરીઓનાં શિક્ષણ તથા શાંતિ માટે અવાજ ઉઠાવનાર મલાલા યુસૂફઝઈને તાલિબાનના સભ્યોએ જ ગોળી મારી હતી.
હવે પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં અફઘાન શરણાર્થીઓ આવવા બાબતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો