અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 20 વર્ષ જેટલા લાંબા યુદ્ધમાં કેટલા ડૉલર ખર્ચી નાખ્યા?

    • લેેખક, રિયાલિટી ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેના હજી તો પાછી જઈ રહી છે ત્યાં તાલિબાને લગભગ દેશ પર કબજો કરી લીધો છે.

20 વર્ષ લાંબા યુદ્ધ પછી અફઘાનિસ્તાને ફરી એ જ દિવસો જોવાના આવ્યા છે જે તેણે અમેરિકા અને પશ્ચિમી દેશોનૈ સેન્યના અફઘાનિસ્તાનમાં આવ્યા પહેલાં જોયા હતા.

તો આટલા લાંબા યુદ્ધનું પરિણામ આજે બધાની સામે છે કે તેની પાછળ કેટલો ખર્ચ થયો છે. અમેરિકા અને તેના નાટો સહયોગીઓએ બે દાયકાના આ યુદ્ધમાં કેટલો ખર્ચ કર્યો?

કઈ સેના અફઘાનિસ્તાનમાં મોકલવામાં આવી?

અમેરિકાએ ઑક્ટોબર 2001માં તાલિબાનની હકાલપટ્ટી માટે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. અમેરિકાનો દાવો હતો કે તાલિબાન ઓસામા બિન લાદેન અને તેના સાથીઓને શરણ આપી રહ્યું છે જે 9/11 હુમલાના મુખ્ય આરોપીઓ હતા.

અમેરિકાના સૈનિકોની સંખ્યા ધીમેધીમે વધતી ગઈ જેમજેમ વૉશિંગ્ટને તાલિબાન સામેની લડાઈમાં અબજો ડૉલર રોકવાનું શરૂ કર્યું અને વર્ષોના યુદ્ધથી તબાહ થયેલા અફઘાનિસ્તાનના પુનર્નિર્માણ માટે પણ અમેરિકાએ કરોડો ડૉલર ખર્ચ કરવાનું શરૂ કર્યું.

2011માં તો અમેરિકાના 110,000 જેટલા સૈનિકો અફઘાનિસ્તાનમાં તહેનાત હતા.

ગત વર્ષે અમેરિકાના માત્ર ચાર હજાર સૈનિકો અફઘાનિસ્તાનમાં રહી ગયા હતા.

સત્તાવાર આંકડામાં સ્પેશિયલ ઑપરેશન ફૉર્સ અને અસ્થાયી સૈનિકદળોનો ઉલ્લેખ નથી હોતો.

અન્ય દેશો પણ અફઘાનિસ્તાનમાં પોતાના સૈનિકોને મોકલી રહ્યા હતા જેમાં નાટો દેશો પણ સામેલ હતા.

પરંતુ આમાં સૌથી વધારે સંખ્યામાં અમેરિકાના સૈનિકો હતા.

નાટોએ ડિસેમ્બર 2014માં પોતાનું કૉમ્બેટ મિશન સત્તાવાર રીતે પૂર્ણ કર્યું હતું, પરંતુ 13 હજાર જેટલા સૈનિકો અફઘાન સેનાને પ્રશિક્ષણ આપવા માટે અફઘાનિસ્તાનમાં રોકાયા હતા.

આ સૈનિકો અફઘાન સેનાના આતંકવાદવિરોધી ઑપરેશન્સમાં પણ ટેકો આપી રહ્યા હતા.

અફઘાનિસ્તાનમાં ખાનગી સુરક્ષા કૉન્ટ્રેક્ટર્સ પણ રાખવામાં આવ્યા હતા. અમેરિકાની કૉંગ્રેસના સંશોધન મુજબ આ ખાનગી કૉન્ટ્રેક્ટર્સમાં 2020ના અંતમાં 7,800 અમેરિકન નાગરિકો હતા.

કેટલા ડૉલર ખર્ચાયા?

બે દાયકામાં અફઘાનિસ્તાનમાંથી તાલિબાનની હકાલપટ્ટી અને દેશના પુનર્નિર્માણમાં થયેલા અબજોના ખર્ચમાં મોટો ફાળો અમેરિકાનો હતો.

2010થી 2012 વચ્ચે જ્યારે અમેરિકાના એક લાખથી વધુ સૈનિકો અફઘાનિસ્તાનમાં હતા, ત્યારે અમેરિકાના પ્રશાસનના આંકડા મુજબ દર વર્ષે આ યુદ્ધ પર અમેરિકા 100 અબજ ડૉલર ખર્ચી રહ્યું હતું.

અમેરિકાની સેનાએ ઉગ્રવાદીઓ સાથેની લડાઈ કરતાં વધારે ધ્યાન અફઘાન સૈનિકોને પ્રશિક્ષણ આપવા પર કેન્દ્રીત કર્યું હતું અને પછી ખર્ચમાં ઘટાડો થયો હતો.

અમેરિકાની કૉંગ્રેસમાં અમેરિકન સેનાના મુખ્યાલય પેંટાગનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 2018 સુધી અફઘાનિસ્તાન યુદ્ધમાં અમેરિકા વાર્ષિક 45 અબજ ડૉલર ખર્ચી રહ્યું હતું.

અમેરિકાના રક્ષા વિભાગ મુજબ, અફઘાનિસ્તાનમાં ઑક્ટોબર 2001થી સપ્ટેમ્બર 2019 સુધી અમેરિકાએ 778 અબજ ડૉલર ખર્ચી નાખ્યા હતા.

આ ઉપરાંત અમેરિકાના વિદેશ વિભાગ મુજબ અમેરિકાની એજન્સી ફૉર ઇન્ટરનેશનલ ડેવલપમૅન્ટ (યુએસએડ) અને અન્ય સરકારી એજન્સીઓએ 44 અબજ ડૉલર પુનર્નિર્માણમાં ખર્ચ્યા હતા.

સત્તાવાર આંકડા મુજબ આમ કુલ 822 અબજ ડૉલર 2001થી 2019 વચ્ચે ખર્ચાયા હતા, તેમાં પાકિસ્તાન પર થયેલા ખર્ચનો સમાવેશ નથી.

પાકિસ્તાનનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં અલગઅલગ ઑપરેશન માટે અમેરિકાએ કર્યો હતો.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં યુદ્ધમાં ખર્ચ અંગે અભ્યાસ કરનાર બ્રાઉન યુનિવર્સિટીના અભ્યાસ મુજબ 2019માં અમેરિકાએ આશરે 978 અબજ ડૉલર ખર્ચ કર્યા હતા. (આમાં 2020ના વર્ષમાં થયેલો ખર્ચ પણ સામેલ છે.)

અભ્યાસ મુજબ કુલ ખર્ચનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, કારણ કે ગણતરીની પ્રક્રિયા અલગઅલગ છે અને સમય સાથે બદલાતી પણ રહી છે, જેને કારણે અલગ આંકડો સામે આવે.

અમેરિકા પછી યુકે અને જર્મનીએ પણ મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા હતા- અફઘાનિસ્તાનમાં યુકેએ 30 અબજ ડૉલર અને જર્મનીએ 19 અબજ ડૉલર ખર્ચ કર્યા હતા.

નાટોએ સૈનિકો બોલાવ્યા પણ અમેરિકા અને નાટોએ 2024 સુધી ચાર અબજ ડૉલર વાર્ષિક આપવાનો વાયદો કર્યો છે.

નાટોએ આ વર્ષે અત્યાર સુધી અફઘાનિસ્તાનની સેનાને સાધનો અપાવવા માટે 71 મિલિયન ડૉલર આપ્યા છે.

અબજો ડૉલર ક્યાં ગયા?

અફઘાનિસ્તાનમાં જેટલો ખર્ચ થયો છે તેમાંથી મોટા ભાગનો ખર્ચ આંતકવાદવિરોધી ઑપરેશન્સમાં થયો છે અને સૈનિકોનાં ભોજન, વરદી, આરોગ્ય સુવિધા, વિશેષ વેતન અને સુવિધાઓમાં થયો.

આધિકારિક આંકડા મુજબ 2002થી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પુનર્નિર્માણમાં 143.27 અબજ ડૉલર ખર્ચ કર્યા છે.

આમાંથી 50 ટકાથી વધારે 88.32 અબજ ડૉલર અફઘાન સેનાની મદદમાં ખર્ચ થયો.

અફઘાનિસ્તાનમાં 36 અબજ ડૉલર જેટલો ખર્ચ ગવર્નેન્સ અને વિકાસકાર્યોમાં થયો ત્યારે આના કરતાં પણ ઓછું ભંડોળ ડ્રગના વેપારને નાબૂદ કરવા અને માનવીય સહાયમાં ખર્ચાયો.

આમાંથી વર્ષો સુધી ઘણા ડૉલર્સ ભ્રષ્ટાચાર, ફ્રૉડ અને શોષણમાં બગડ્યા છે.

ઑક્ટોબર 2020માં અમેરિકાની કૉંગ્રેસમાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ મે 2009 અને ડિસેમ્બર 2019 સુધી પુનર્નિર્માણના નામ પર અપાયેલી રકમમાંથી 19 અબજ ડૉલર આ રીતે બગડ્યા.

માનવીય કિંમત ચૂકવી?

તાલિબાન સામે યુદ્ધની 2001થી થયેલી શરૂઆત થઈ ત્યારથી ગઠબંધન સેનાના 3,500 સૈનિકોનાં મૃત્યુ થયાં છે અને અમેરિકાના 2,300 સૈનિકોનાં મૃત્યુ થયાં છે.

બ્રિટનના 450 સૈનિકોનાં મૃત્યુ થયાં છે. અમેરિકાના 20,660થી વધારે સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે.

પરંતુ અફઘાનિસ્તાનનાં સુરક્ષાદળો અને નાગરિકોને થયેલી જાનહાનિ સામે આ આંકડો ખૂબ નાનો વર્તાય છે.

રાષ્ટ્રપતિ ગનીએ કહ્યું કે 2019માં જ્યારથી તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યાર પછી અફઘાન સુરક્ષાદળોના 45 હજારથી વધારે સૈનિકો માર્યા ગયા છે.

2019માં બ્રાઉન યુનિવર્સિટીના સંશોધનમાં જણાવવામાં આવ્યા કે ઑક્ટોબર 2001માં યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી અફઘાનિસ્તાનની સેના અને પોલીસના 64,100થી વધારે કર્મચારીઓનો ભોગ લેવાયો છે.

સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનાઇટેડ નેશન્સ આસિસ્ટન્સ મિશન ઇન અફઘાનિસ્તાન મુજબ 2009થી જ્યારે આ યુદ્ધમાં મૃત્યુ પામના સામાન્ય નાગરિકોની વ્યવસ્થિત ગણતરી શરૂ થઈ ત્યારથી અફઘાનિસ્તાનમાં 1,11,000 જેટલા નાગરિકોનાં મૃત્યુ થયાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો