અફઘાનિસ્તાનમાં તાલિબાન : શરિયત શું છે અને મહિલાઓને કેવી રીતે અસર કરશે?

20 વર્ષ બાદ ફરી એક વખત તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો છે.

સેંકડો લોકો અફઘાનિસ્તાન છોડીને નાસી રહ્યા છે. જે લોકો અફઘાનિસ્તાનમાં રહી ગયા છે, તેઓ પોતાના ભાવિ અંગે ચિંતિત છે. વિશેષ કરીને મહિલાઓ અને સ્ત્રીઓ.

તાલિબાનોએ 'અફઘાન મૂલ્યો તથા ઇસ્લામિક કાયદાની મર્યાદામાં' મહિલાઓને અધિકાર આપવાની વાત કહી છે. ઇસ્લામિક કાયદો એટલે શરિયત કે શરિયા લૉ.

1996થી 2001ના શાસનકાળ દરમિયાન તાલિબાનોએ શરિયતના કાયદાના નામે લોકોના અંગવિચ્છેદ, પથ્થર મારવા, જાહેરમાં સરકલમ તથા ચાબૂકથી ફટકારવાની સજા આપી હતી.

વિશ્વના અનેક મુસ્લિમ દેશોમાં શરિયતનો કાયદો અમલમાં છે.

શરિયત એટલે શું?

શરિયતને 'શરિયા લૉ' કે 'ઇસ્લામિક પીનલ કૉડ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પ્રકારની ઇસ્લામિક કાયદો વ્યવસ્થા છે.

શરિયતનાં ઘટકોમાં કુરાન અને ઇસ્લામિક વિદ્વાનના ફતવાનો સમાવેશ થાય છે. આ સિવાય પયગંબર મોહમ્મદના કહેલા શબ્દો છે, જે-તે કેસમાં આપેલા ચુકાદા જે હદીસમાં લખેલા છે.

શરિયત દરેક મુસલમાનના જીવનનું નિયમન કરે છે. જન્મથી લઈને મરણ સુધીના રીતરિવાજો, નિકાહ, તલાક, બંદગી, રોજા, તહેવારો તથા ખેરાત વગેરેના નિયમો ટાંકેલા હોય છે.

તેનો હેતુ દરેક મુસલમાનને અલ્લાહની મરજી મુજબ જીવવા માટે મદદ કરવાનો છે.

દાખલા તરીકે, જો કોઈ ઑફિસનો કર્મચારી તેના મુસ્લિમ સહકર્મચારીને પબમાં આવવા માટેનું આમંત્રણ આપે, તો આવા સજોગોમાં શું કરવું, તેના માટે શરિયતના જાણકારનું માર્ગદર્શન લઈ શકે છે, જેથી કરીને તેનું આચરણ ઇસ્લામને અનુરૂપ હોય.

આ સિવાય પરિવાર, વેપાર તથા આર્થિક બાબતોમાં મુસ્લિમ શરિયતના જાણકારનું માર્ગદર્શન લે છે.

'હદ' ગુના અને 'તાઝીર'

શરિયતના અમુક કાયદા અને સજા ખૂબ જૂની પદ્ધતિનાં અને અતિકષ્ટદાયક હોય છે. અને તાલિબાની તેનું અનુસરણ કરાવે છે.

1990માં જ્યારે તેમણે અફઘાનિસ્તાન પર કબજો કરીને તેને ઇસ્લામિક દેશ જાહેર કર્યો ત્યારે લોકોને ફિલ્મો જોવા પર સંગીત સાંભળવા પર મહિલાઓને તેમના મહેરમ વગર ઘરની બહાર નીકળવાની પણ આઝાદી નહોતી.

મહેરમ મતલબ યા તો પિતા, પતિ કે પુત્ર. તેઓ પોતાના અર્થઘટન પ્રમાણે શરિયત લાગુ કરાવે છે અને લોકો પર શાસન કરે છે.

ગુના માટે બતાવવામાં આવેલી સજા બે ભાગમાં વહેંચાયેલી છે. એક હદ અને તાઝીર.

હદ ખૂબ સિરિયસ ક્રાઇમ માટે છે, જેમ કે ચોરી. તો શરિયા પ્રમાણે ચોરના હાથ કાપી નાખવાની સજા છે. જ્યાં તાલિબાનીઓ કે જે જે દેશમાં શરિયા લૉ લાગુ છે ત્યાં આજ દિન સુધી આવી સજા પ્રવર્ત છે. જેમ કે એડલ્ટ્રી, તેમાં પથ્થર મારીને આરોપીને મારી નાખવાની જોગવાઈ છે.

આ સિવાય દાઢી રાખવાના અને પહેરવેશના નિયમો પણ હવે અફઘાન માટે તાલિબાન નક્કી કરી શકે.

ગુના માટેની સજા 'હદ' અને તાઝીર એમ બે ભાગમાં વહેંચાયેલી છે.

ગંભીર પ્રકારના ગુનાઓને 'હદ' હેઠળ મૂકવામાં આવે છે. જેમ કે શરિયત હેઠળ ચોરી માટે હાથ કાપી નાખવાની સજા છે. જ્યારે પરપુરુષગમન કરનારી મહિલાને પથ્થરથી માર મારીને તેની હત્યા કરવાની સજા ફરમાવવામાં આવેલી છે.

સંયુક્ત રાષ્ટ્રે પણ પથ્થરથી માર મારીને હત્યા કરાય તેનો વિરોધ કયો છે અને તેને 'ક્રૂર, અમાનવીય ગણાવ્યું છે અને એટલે જ તે પ્રતિબંધિત છે.'

મુસ્લિમજગતમાં ઇસ્લામનો ત્યાગ કે ધર્મ છોડવાને માટે મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.

મોટા ભાગનું મુસ્લિમજગત તથા નિષ્ણાતો માને છે કે તેના માટે મૃત્યુની સજા છે.

જોકે, લઘુમતી એવા મુસ્લિમ વિદ્વાનો, વિશેષ કરીને જેઓ પશ્ચિમી સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે, તેઓ માને છે કે વાસ્તવમાં આધુનિક જગતમાં 'સજા' અલ્લાહ ઉપર છોડી દેવી જોઈએ. ધર્મત્યાગથી ઇસ્લામને કોઈ જોખમ નથી. કુરાનમાં પણ ધર્મ માટે "ફરજિયાતપણું" નથી.

તાઝિર પ્રકારના ગુનામાં જજના વિવેક ઉપર આધાર રાખે છે. જેમ કે, દાઢી રાખવી કે પહેરવેશ સંબંધિત નિયમો. અલબત્ત, ન્યાયાધીશ કેટલા તાલીમબદ્ધ છે અને તેમનું કેટલું જ્ઞાન છે, તેની ઉપર પણ સજાનો આધાર રહે છે.

કાયદાનો વિવાદ કેમ છે?

દુનિયાની અનેક કાયદાકીય વ્યવસ્થાની જેમ જ શરિયતની સમજ મુશ્કેલ છે.

ઇસ્લામિક વિદ્વાનો માર્ગદર્શન પૂરું પાડે છે, જે 'ફતવા' તરીકે ઓળખાય છે.

શરિયતના વિશ્લેષણ માટે મુખ્યત્વે પાંચ શાખા છે, જેમાંથી હન્ફી, મલિકી, હન્બલી અને શફીએ શિયા સિદ્ધાંત અનુસાર છે, જ્યારે શિયા માટે શિયા જાફરી છે.

ઇસ્લામિક વિદ્વાનોમાં અર્થઘટનમાં તફાવતને કારણે જ ઘણી વખત પાસપાસે રહેતા મુસ્લિમ સમુદાયો અલગ-અલગ દિવસે ઈદ ઊજવે છે અથવા તો એક જ કાયદા માટે અલગ-અલગ દેશમાં અલગ-અલગ સજા નિર્ધારિત કરવામાં આવી છે.

અનેક મુસ્લિમ દેશોએ સંપૂર્ણપણે શરિયતનો કાયદો લાગુ નથી કર્યો, ક્યાંક તે પૂર્ણપણે લાગુ થયેલો છે, તો ક્યાંક આંશિકપણે.

સામાન્ય રીતે જે દેશમાં ઇસ્લામિક કાયદો લાગુ હોય તે દેશ ધર્મનિરપેક્ષ નથી હોતો.

ઇરાક, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત, માલદીવ, ઈરાન, ઇજિપ્ત, મલેશિયા, નાઇજિરિયા તથા સુદાનમાં શરિયત લાગુ છે.

ભારત જેવા દેશમાં આર્થિક અને ગુનાહિત બાબતો માટે બંધારણ તથા અન્ય કાયદા લાગુ પડે છે, જ્યારે વ્યક્તિગત બાબતો શરિયત હેઠળ નિયંત્રિત થાય છે, જેના માટે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ જેવી સંસ્થાનું ગઠન કરવામાં આવ્યું છે.

અફઘાનિસ્તાનમાં યુદ્ધની સમાપ્તિ બાદ તાલિબાનોએ કહ્યું હતું કે મહિલાઓને ઘરની બહાર નીકળવાની તથા કામકાજ કરવાની મંજૂરી રહેશે, પરંતુ તેમણે બુરખો અને હિજાબ પહેરવાં પડશે.

આવનારા સમયમાં વાસ્તવમાં શું થાય છે, તે તો સમય જ કહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો