You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન : 'સામ્રાજ્યોનું એ કબ્રસ્તાન' જ્યાં વિશ્વની શક્તિશાળી સેનાઓ 180 વર્ષથી હારતી આવી
- લેેખક, નોબેર્તો પેરેડીઝ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
19મી સદીમાં જ્યારે બ્રિટિશ સામ્રાજ્ય મહાસત્તા હતું ત્યારે તેમણે અફઘાનિસ્તાનને તાબે રાખવા માટે મથામણ કરી, પરંતુ 1919માં જ તેમણે અફઘાનિસ્તાનને સ્વતંત્રતા આપી દેવી પડી.
તે પછી સોવિયેત સંઘે આ માટે પ્રયત્નો કર્યા અને (1978માં કાવતરું કરીને બનાવાયેલી સામ્યવાદી સરકારને બચાવવા માટે) 1979માં અફઘાનિસ્તાનમાં ઘૂસ્યું હતું. દસ વર્ષે રશિયનોને સમજાયું હતું કે આ લડાઈ જીતવાનું તેમનું કામ નથી.
બ્રિટિશ અને સોવિયેત બંનેનો સૂરજ ચમકતો હતો ત્યારે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું, પણ તે પછી સામ્રાજ્યના પાયા હચમચવા માંડ્યા હતા.
અમેરિકાએ 2001માં અફઘાનિસ્તાનમાં આક્રમણ કર્યું અને તે પછી 20 વર્ષ પછી લાખોનો જીવ લેનારી લડાઈ ચાલતી રહી. આખરે જો બાઇડનની સરકારે પણ એપ્રિલ માસમાં અફઘાનિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો.
આ વિવાદાસ્પદ નિર્ણયની બહુ ટીકા પણ થઈ હતી અને અમેરિકનો હઠ્યા તેના થોડા જ દિવસમાં જેહાદી જૂથ તાલિબાને પાટનગર કાબુલને પણ કબજામાં લઈ લીધું.
"અફઘાન લોકો પોતે લડવા ના માગતા હોય તે યુદ્ધ ખાતર" અમેરિકનોનો ભોગ ન લેવાવો જોઈએ એમ કહીને આ નિર્ણયનો બાઇડને બચાવ કર્યો છે.
બાઇડને કહ્યું કે, "ગમે તેટલી લશ્કરી તાકાત પછી પણ સ્થિર, અખંડ અને સલામત અફઘાનિસ્તાન બનવાનું નથી." અને યાદ કર્યું કે આ દેશ આમ પણ "સામ્રાજ્યોના કબ્રસ્તાન" તરીકે જાણીતો છે.
છેલ્લી સદીઓ દરમિયાન દુનિયાની શક્તિશાળી સેનાઓ અફઘાનિસ્તાનમાં પરાસ્ત થતી આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અફઘાનિસ્તાન પર હુમલો કરીને પ્રારંભમાં તેના પર કબજો મેળવ્યાનો સંતોષ થાય, પણ આખરે આક્રમકોએ ત્યાંથી નીકળી જવું પડ્યું છે.
સંરક્ષણ અને વિદેશનીતિના વિશ્લેષક ડેવિડ ઇસ્બીએ બીબીસીને જણાવ્યું, "એવું નથી કે અફઘાન લોકો પાસે બહુ તાકાત છે, પણ આક્રમણ કરનારાં સામ્રાજ્યો પોતે જ ભૂલો કરતાં આવ્યાં છે, ભૂલો સામ્રાજ્યો કરતાં હોય છે અને તેમની મર્યાદાઓ હોય છે."
ઇસ્બીએ "અફઘાનિસ્તાન : ગ્રૅવયાર્ડ ઑફ ઍમ્પાયર્સ- અ ન્યૂ હિસ્ટરી ઑફ ધ બૉર્ડરલૅન્ડ" (2010) નામે પુસ્તક પણ લખ્યું છે.
ઇસ્બી જણાવે છે કે અફઘાનિસ્તાન "તટસ્થ રીતે જુઓ તો" બહુ મુશ્કેલ જગ્યા છે.
ત્યાં ભાગ્યે જ કોઈ સુવિધાઓ છે, મર્યાદિત વિકાસ છે અને તે ચારે બાજુથી અન્ય રાષ્ટ્રોથી ઘેરાયેલું છે.
તેઓ સામ્રાજ્યોની ભૂલો જણાવતાં આગળ કહે છે કે, "સોવિયેત, બ્રિટિશ કે પછી અમેરિકા હોય, સામ્રાજ્યોએ અફઘાનિસ્તાન સાથે પનારો પાડવામાં જરૂરી ફ્લેક્સિબિલિટી દાખવી નથી. પોતાની રીતે કામ કરવા માગતા આ લોકો અફઘાનિસ્તાનની સંકુલતાને ક્યારેય સમજી શક્યા નથી."
એવું આપણે સાંભળતા રહીએ છીએ કે અફઘાનિસ્તાન પર "વિજય મેળવવો અશક્ય છે", પણ તે સાચી વાત નથી. ફારસી, મોગલ અને સિકંદરે તેના પર વિજય મેળવ્યો હતો.
એ વાત સાચી કે અફઘાનને કબજે કરવામાં બહુ મોટું નુકસાન થયું હતું. એ જ રીતે છેલ્લાં ત્રણ સામ્રાજ્યોને કાબુલમાં નિષ્ફળતા મળી છે.
બ્રિટિશ સામ્રાજ્ય અને તેનાં ત્રણ આક્રમણ
19મી સદી દરમિયાન મધ્ય એશિયા પર નિયંત્રણ માટેની બ્રિટિશ અને રશિયન સામ્રાજ્ય વચ્ચેની "ગ્રેટ ગેઇમ" દરમિયાન અફઘાનિસ્તાન કાયમ કેન્દ્રસ્થાને રહ્યું હતું.
દાયકાઓ સુધી રશિયા અને બ્રિટન વચ્ચે ગજગ્રાહ ચાલ્યો અને તેમાં આખરે બ્રિટિશરો ફાવ્યા હતા. પણ તેની મોટી કિંમત ચૂકવવી પડી હતી.
યુ.કે.એ 1839થી 1919 વચ્ચે ત્રણ વાર અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું અને કહી શકાય કે ત્રણેય વાર તેને નિષ્ફળતા મળી હતી.
પ્રથમ ઍંગ્લો-અફઘાન યુદ્ધ 1839માં થયું હતું. રશિયા પહેલા કબજો કરી લેશે એવા ભયથી બ્રિટિશરોએ હુમલો કરીને કાબુલ કબજે કરી લીધું. પણ તેના કારણે બ્રિટિશરોએ કદાચ ઇતિહાસની સૌથી ખરાબ હાર ખમવી પડી હતી.
તે વખતે દુનિયાની સૌથી તાકાતવર ગણાતી બ્રિટિશ સેનાને સાદાં હથિયારોથી કબીલાના લડવૈયાઓએ સાવ ખતમ કરી નાખી હતી.
અફઘાનિસ્તાન પર હુમલાનાં ત્રણ વર્ષ પછી અફઘાન લોકોએ બ્રિટિશરોને કાબુલમાંથી ખદેડી દીધા અને મોટા ભાગનાને ખતમ કરી નાખ્યા.
6 જાન્યુઆરી, 1842ના રોજ કાબુલથી જલાલાબાદ જવા માટે 16,000 સૈનિકોનો બ્રિટિશ કાફલો નીકળ્યો હતો, પણ બધાને ખતમ કરી દેવામાં આવ્યા અને માત્ર એક જ બ્રિટિશ નાગરિક જીવિત રહ્યો હતો.
ઇસ્બી જણાવે છે કે, "આખી સેના ખતમ થઈ જવાના કારણે ભારતીય ઉપખંડમાં વિસ્તાર વધારવાનું અટકી પડ્યું, એટલું જ નહીં બ્રિટિશરો અજેય છે તે વાત પણ ધૂળમાં મળી ગઈ."
ચાર દાયકા પછી યુ. કે.એ ફરી એક વાર અફઘાનિસ્તાનને કબજે કરવા માટે પ્રયાસ કર્યો, પણ થોડી જ સફળતા મળી.
1878થી 1880 સુધી ચાલેલા બીજા ઍંગ્લો-અફઘાન યુદ્ધ પછી અફઘાન બ્રિટિશ સામ્રાજ્યનું સંરક્ષિત રાજ્ય બન્યું ખરું, પરંતુ બ્રિટિશરોએ કાબુલમાં રેસિડેન્ટ મિનિસ્ટર રાખવાની નીતિને પડતી મૂકવી પડી હતી.
તેના બદલે એક અફઘાન અમીરને જ પસંદ કરીને તેમને પોતાના પ્રતિનિધિ તરીકે ત્યાં નીમવા પડ્યા હતા અને પોતાનાં દળોને પાછાં ખેંચી લેવાં પડ્યાં હતાં.
તે પછી આ અફઘાન અમીરે પોતાને બ્રિટિનથી સ્વતંત્ર જાહેર કરી દીધા એટલે 1919માં ત્રીજું યુદ્ધ થયું હતું.
તે વખતે રશિયામાં પણ બોલ્શેવિક ક્રાંતિ થઈ ચૂકી હતી અને રશિયાનું સામ્રાજ્ય વિખેરાઈ ગયું હતું. સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે બ્રિટિશ સેના પાસે નાણાં નહોતાં એટલે અફઘાનિસ્તાનમાં લડવાનો કોઈ અર્થ રહ્યો નહોતો.
તેના કારણે ચાર મહિના લડાઈ કર્યા પછી બ્રિટને અફઘાન રાજ્યની સ્વાયત્તતા સ્વીકારી લીધી હતી.
આ રીતે અફઘાનિસ્તાન પર હવે બ્રિટિશરોનો કોઈ કાબૂ રહ્યો નહોતો, જોકે વર્ષો સુધી તેના પર બ્રિટિશરોનો પ્રભાવ હતો તેવું મનાય છે.
સોવિયેત સંઘનું વિયેતનામ
1920ના દાયકામાં અમીર અમાનુલ્લા ખાને મહિલાઓને બુરખામાંથી મુક્તિ આપવા સહિતના સુધારા દાખલ કરવાની કોશિશ કરી હતી.
જોકે આવા સુધારાને કારણે કેટલાક કબીલાના વડા અને મુલ્લા નારાજ થયા હતા અને તેના કારણે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ હતી.
એ વખતે અફઘાનિસ્તાનમાં અરાજકતાની સ્થિતિ ઊભી થઈ અને દાયકાઓ સુધી સત્તા માટે સંઘર્ષ ચાલતો રહ્યો.
1979માં રશિયાના આક્રમણ બાદ સામ્યવાદી સરકાર જેમતેમ સત્તા પર આવી હતી.
જુદાંજુદાં મુજાહિદ્દીન જૂથોએ રશિયનોનો વિરોધ કર્યો અને તેની સામે લડાઈ શરૂ કરી. આ માટે અમેરિકા, પાકિસ્તાન, ચીન, ઈરાન અને સાઉદી અરેબિયા તરફથી નાણાં અને શસ્ત્રોની સહાય મળવા લાગી.
રશિયાએ વિરોધ થતો હોય તેવાં ગામડાં અને પ્રદેશોને ખતમ કરવા માટે જમીન અને હવાઈમાર્ગે હુમલાઓ કર્યા. તેમાં અનેકનો ભોગ લેવાઈ ગયો અને હજારો લોકો નિરાશ્રિત બન્યા.
રશિયાનું આક્રમણ સૌથી લોહિયાળ સાબિત થયું હતું. આ યુદ્ધમાં લગભગ 15 લાખ લોકો માર્યા ગયા અને 50 લાખ લોકો નિરાશ્રિત બન્યા હતા.
એક તબક્કે મોટાં ભાગનાં શહેરો અને મોટાં નગરો પર સોવિયેત સંઘનો કબજો થયો હતો, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મુજાહિદ્દીનો પગદંડો જામ્યો હતો.
રશિયનોએ જુદીજુદી રીતે બળવાખોરી દાબી દેવા કોશિશ કરી, પણ મોટા ભાગે ગોરીલા પદ્ધતિએ લડતો સામો પક્ષ હુમલાથી બચી જતો.
યુદ્ધમાં દેશ થયો તબાહ
તે વખતના સોવિયેત સંઘના વડા મિખાઈલ ગોર્બાચેવને ભાન થયું હતું કે એક બાજુ રશિયાના અર્થતંત્રને સુધારવાની તાતી જરૂર છે ત્યારે આવું ખર્ચાળ યુદ્ધ પરવડે નહીં. તેથી તેમણે 1988માં સેનાને પાછી બોલાવી લેવાનું નક્કી કર્યું અને તેના કારણે આબરૂનું ધોવાણ થયું.
આ રીતે અફઘાનિસ્તાન સોવિયેત સંઘ માટે વિયેતનામ સાબિત થયું. રશિયા માટે આ બહુ ખર્ચાળ અને કલંક સમાન યુદ્ધ સાબિત થયું. જબરદસ્ત તાકાત છતાં સ્થાનિક કબીલાઓએ તેમને હરાવી દીધા હતા.
ડેવિડ ઇસ્બી કહે છે કે, "સોવિયેત સંઘમાં પણ તિરાડો પડવા લાગી હતી, સરકાર અને સેના વિખેરાવા લાગી હતી. ત્યારે રશિયનો અફઘાનિસ્તાનમાં સત્તાના દાવો કરી રહ્યા હતા."
"સોવિયેત સરકારની એ સૌથી મોટી ભૂલ હતી."
તે પછી સોવિયેત સંઘનું જ વિઘટન થઈ ગયું.
અમેરિકાની પણ નાલેશીભરી પીછેહઠ
બ્રિટિશરો અને રશિયનો જ્યાં ના ફાવ્યા ત્યાં અમેરિકાએ 2001માં પોતાની સેના મોકલી હતી. 9/11ના ત્રાસવાદી હુમલા માટે જવાબદાર અલ-કાયદાને ખતમ કરવા અને લોકતંત્રના સમર્થન માટે સેના મોકલવામાં આવી હતી.
અગાઉની બે મહાસત્તાની જેમ જ પ્રારંભમાં અમેરિકા પણ કાબુલ પર કબજો કરી શક્યું અને તાલિબાનને સત્તા પરથી ખદેડી શક્યું.
ત્રણ વર્ષ પછી નવી સરકારને કાબુલમાં બેસાડવામાં આવી, પણ તાલિબાનના હિંસક હુમલા ચાલુ જ રહ્યા હતા.
ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ 2009માં વધુ ટુકડીઓ મોકલવાનો નિર્ણય કર્યો, તેના કારણે તાલિબાનોને પાછા ખદેડી શક્યા પણ તેને નાબૂદ કરી શકાયા નહીં.
2001 પછી 2014નું વર્ષ સૌથી વધુ લોહિયાળ સાબિત થયું. નાટો રાષ્ટ્રોની સેનાએ પોતાનું મિશન પૂરું થયાનું ગણીને અફઘાનિસ્તાનની સુરક્ષાની જવાબદારી અફઘાન સેનાને સોંપી.
પરંતુ તેના કારણે તાલિબાન ફરી ઊભું થવા લાગ્યું અને વધુ વિસ્તારોમાં કબજો કરવાનું શરૂ કરી દીધું.
તે પછીનાં વર્ષોમાં તાલિબાનની તાકાત વધતી ગઈ અને અનેક વાર આત્મઘાતી હુમલા કર્યા. કાબુલની સંસદ પર પણ હુમલો કરવામાં આવ્યો અને એક વાર આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પણ હુમલો કર્યો હતો.
ઇસ્બીના જણાવ્યા અનુસાર અમેરિકાના આક્રમણ પછી અનેક ભૂલો કરવામાં આવી હતી.
તેઓ કહે છે કે, "લશ્કરી અને રાજદ્વારી પ્રયત્નો પછીય મુખ્ય સમસ્યા એ રહી કે અમેરિકા કે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનને દખલગીરી કરતાં રોકી શક્યા નથી. પાકિસ્તાન પોતાના સત્તાના ખેલમાં સફળ થઈ શક્યું."
"શસ્ત્રો કરતાંય આ ખેલ વધારે અસરકારક સાબિત થયો છે."
રશિયનોના હુમલા વખતે હિંસા વધારે થઈ હતી, જ્યારે અમેરિકાનો હુમલો સૌથી વધુ ખર્ચાળ પુરવાર થયો છે.
સોવિયેત સંઘ અફઘાનિસ્તાનમાં વર્ષે બે બિલિયન ડૉલરનો વ્યય કરતું હતું, પરંતુ અમેરિકાએ 2010થી 2012 વચ્ચે વર્ષે 100 બિલિયન ડૉલરનું નુકસાન ભોગવવું પડ્યું હતું એવું સરકારી આંકડા જ દર્શાવે છે.
કાબુલમાં બનેલી ઘટનાઓની સરખામણી દક્ષિણ વિયેતનામની ઘટનાઓ સાથે થઈ રહી છે.
રિપબ્લિકન સાંસદ ઍલિસ સ્ટેફનિકે ટ્વીટ કરીને જણાવ્યું,"આ જો બાઇડન માટે સાયગોન બન્યું છે."
"દુનિયામાં એવી કફોડી નિષ્ફળતા જે ક્યારેય ભૂલાશે નહીં."
અફઘાનિસ્તાનમાં આગળ શું?
અમેરિકાનાં દળો હઠ્યાં અને તાબિલાને કબજો જમાવ્યો તે પછી દુનિયાએ જોયું કે હજારો લોકો નાસભાગ કરવા લાગ્યા છે અને તેમણે નિરાશ્રિત તરીકે આશરો લેવો પડશે.
ડેવિડ ઇસ્બી કહે છે કે, "દરમિયાન એ જોવાનું રહેશે કે શું તાલિબાનને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે જોડી શકાય છે કે કેમ, પણ તેમાં શંકા તો રહે જ છે."
તાબિલાન સાથે પનારો પાડવાનું આંતરરાષ્ટ્રીય સમુદાય માટે મુશ્કેલ બનશે તો પછી શું અન્ય કોઈ મહાસત્તા ફરી એક વાર સામ્રાજ્યોના કબ્રસ્તાન સાબિત થયેલા અફઘાનિસ્તાનમાં ઘૂસીને સ્થિતિને નિયંત્રણમાં લેવાની કોશિશ કરશે ખરી - એ જોવાનું બાકી રહેશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો