મનરેગા અંતર્ગત ગત ચાર વર્ષોમાં કરોડો રૂપિયાનો ગોટાળો કરાયો TOP NEWS

ગ્રામીણ વિકાસ વિભાગ અંતર્ગત સોશિયલ ઑડિટ યુનિટ (એસએયુ)ને જાણવા મળ્યું છે કે ગત ચાર વર્ષમાં મનરેગાની વિવિધ યોજના અંતર્ગત 935 કરોડ રૂપિયાનો આર્થિક ગોટાળો થયો છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરંટી અધિનિયન (મનરેગા) અંતર્ગત વિવિધ યોજનાઓનાં માધ્યમ થકી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવાય છે.

અંગ્રેજી અખાબર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'એ ગ્રામીણ વિકાસ મંત્રાલયની મૅનેજમૅન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ (MIS) થકી સંબંધિત માહિતી હાંસલ કરી છે.

આ માહિતી અનુસાર અત્યાર સુધી માત્ર 12.5 કરોડ રૂપિયા એટલે કે 1.34 ટકાની ભરપાઈ થઈ શકી છે. આ ડેટા વર્ષ 2017-18થી વર્ષ 2020-21 સુધીનો છે.

વર્ષ 2017-18માં આ આંકડા વેબસાઇટ પર અપલૉડ કરવાનું શરૂ કરાયું હતું. ત્યારથી અત્યાર સુધી એસએયુએ કેટલાંય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની લગભગ 2.65 ગ્રામ પંચાયતોમાં ગત ચાર વર્ષ દરમિયાન ઓછામાં ઓછું એક વાર ઑડિટ કર્યું છે.

કેન્દ્ર સરકારે વર્ષ 2017-18માં મનરેગા માટે 55,659.93 કરોડ રૂપિયા ફાળવ્યા હતા અને એ બાદ આ રકમમાં સતત વધારો કરાયો છે. 2020-21માં આ રકમ 1,10,355.27 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

આ યોજના પર થનારો કુલ ખર્ચ વર્ષ 2017-18માં 63,649.48 કરોડ રૂપિયા હતો, જે વર્ષ 2020-21માં વધીને 1,11,405.3 કરોડ રૂપિયા થઈ ગયો છે.

આ ઑડિટમાં કેટલાય આર્થિક ગોટાળા જોવા મળ્યા છે, જેમાં લાંચ, નકલી લોકો અને સામાન માટે નકલી વેપારીઓને મોંઘી કિંમતો પર ચૂકવણી કરવાનું સામેલ છે.

તામિલનાડુમાં સૌથી વધુ 245 કરોડ રૂપિયાનો આર્થિક ગોટાળો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત કર્ણાટક, બિહાર, બંગાળ, ગુજરાત અને ઝારખંડમાં પણ આર્થિક ગોટાળા કરાયા છે.

બીજી તરફ કેરળ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, ગોવા, લદ્દાખ, અંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ, પુદુચેરી, દાદર અને નગર હવેલી, દમણ અને દીવમાં મનરેગમાં કોઈ ગરબડ નથી કરાઈ.

સોનિયા ગાંધીએ વિપક્ષની બેઠક બોલાવી

કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકમાં વિપક્ષના વરિષ્ઠ નેતાઓએ ભારતીય બંધારણના રક્ષણ માટે પોતાના મતભેદો ભૂલીને એકજૂથ થવા અંગે સહમતી વ્યક્ત કરી છે.

આ સાથે જ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ અત્યારે જ શરૂ કરી દેવા પર પણ ભાર મૂક્યો છે. અંગ્રેજી અખબાર 'ધ ટેલિગ્રાફ'માં આ સમાચાર પ્રકાશિત કરાયા છે.

સોનિયા ગાંધીએ શુક્રવારે વિપક્ષી દળોના નેતાઓની એક વર્ચ્યુયલ બેઠક બોલાવી હતી. જેમાં આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને આમંત્રણ નહોતું અપાયું.

આ બેઠક બાદ જાહેર કરાયેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવાયું, "અમે 19 વિપક્ષી દળોના નેતાઓ ભારતના લોકોને આહ્વાન કરીએ છીએ કે તેઓ પોતાની સંપૂર્ણ તાકાતથી પોતાની ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક વ્યવસ્થાના રક્ષણ માટે આગળ આવે. ભારતને આજે બચાવો, જેથી આપણે આને બહેતર કાલ માટે બદલી શકીએ."

આ બેઠકમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી, એનસીપી પ્રમુખ શરદ પવાર અને રાજદ નેતા તેજસ્વી યાદવ પણ સામેલ થયાં હતાં.

તાલિબાનને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને પાઠવી શુભેચ્છા

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તેના નેતાઓ, અફઘાન જેહાદીઓ અને મુજાહિદીનોને શુભેચ્છા પાઠવી છે.

તહરીક-એ-તાલિબાનના વડા મુફતી નૂર વલી મહસૂદના નામે આ નિવેદન જાહેર કરાયું છે.

આ નિવેદનમાં કુરાનની આયતનો ઉલ્લેખ કરાયો છે અને લખાયું છે, "શરિયતની મર્યાદામાં રહીને ઇસ્લામિક શાસન લાગુ કરવું એ બહુ મોટો પડકાર છે. જોકે, અલ્લાહની રહેમથી આ પડકારને પહોંચી વળાય."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો