You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીરજ ચોપરાના ઇન્ટરવ્યૂમાં RJનો ડાન્સ, લોકોએ કહ્યું ‘આ યૌન ઉત્પીડન છે’
'ઉડેં જબ-જબ ઝુલ્ફેં તેરી, કવારિયો કા દિલ મચલે...' રેડ એફએમના કાર્યાલયમાં એક તરફ આ ગીત પર કેટલીક યુવતીઓ નાચે છે તો બીજી તરફ લૅપટૉપ પર ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ખેલાડી નીરજ ચોપરાનો ઝૂમ ઇન્ટરવ્યૂ થવાનો છે.
નીરજ ચોપરા ચુપચાપ ડાન્સ જોઈ રહ્યા છે અને કંઈ કહેવાની સ્થિતિમાં નથી જણાતા.
આ વીડિયોને લઈને હવે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે અને #Malishka ટ્રૅન્ડ થઈ રહ્યું છે.
રેડ એફએમ મુંબઈની નીરજ ચોપરાનો ઇન્ટરવ્યૂ લેવાની રીત પર સવાલ કરાઈ રહ્યા છે.
આ ઇન્ટરવ્યૂમાં રેડિયો જૉકી (આરજે) મલિષ્કા મૅન્ડોસાનાં વર્તન, તેમનાં દ્વારા બોલાયેલા કેટલાક શબ્દો અને નીરજ ચોપરા માટે સર્જાયેલી અસહજ સ્થિતિને લઈને વાંધો વ્યક્ત કરાઈ રહ્યો છે.
આરજે મલિષ્કાએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ અને સહકર્મીઓ નીરજ ચોપરાના ઇન્ટરવ્યૂ પહેલાં હાથમાં ગુલાબ લઈને નાચતાં જોવાં મળ્યાં હતાં.
તેમની સામે રખાયેલા લૅપટૉપની સ્ક્રિન પર નીરજ ચોપરા જોવા મળી રહ્યા છે અને બીજી સ્ક્રિન પર આરજેનો ડાન્સ.
મલિષ્કાએ આ વીડિયો શૅર કરતાં લખ્યું, "લેડીઝ... મુશ્કેલ અને ઊંડા જવાબો પણ મળ્યા છે પણ ઝૂમ કૉલ પર કૅમેરા ફેરવવાની ચાર સેકંડ પહેલાં જોઈ લો કે અમે કોના માટે ડાન્સ કરી રહ્યાં છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વીડિયોમાં ગીત વાગી રહ્યું છે, "ઉડે જબ-જબ ઝૂલ્ફે તેરી..."
આ દરમિયાન નીરજ ચોપરા સ્ક્રિન પર મલકાય છે. આરજે મલિષ્કા લૅપટૉપની સ્ક્રિન પર નજરે પડે છે અને કહે છે, "મજા પડી. સૉરી, અમે વધારે તો હેરાન તો નથી કર્યાને? "
જવાબમાં નીરજ માત્ર એટલું કહે છે, "થૅન્કયુ, થૅન્ક્યુ સો મચ."
અન્ય એક વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે, જેમાં આરજે મલિષ્કા નીરજ ચોપરાને કહે છે, "નીરજ હું આપને 'જાદુ કી જપ્પી' આપવા માગું છું, ચાલશે?"
આવું કહેતાં તેઓ સ્ક્રિનની નજીક આવી જાય છે.
એ વખતે નીરજ ચોપરા થોડા અસહજ જણાય છે અને કહે છે, "થૅન્કયુ, નમસ્તે, આમ દૂરથી જ."
આ ઇન્ટરન્યૂ અંગે લોકો અલગઅલગ પ્રકારે વાંધો લઈ રહ્યા છે. કોઈ આની સરખામણી યૌન ઉત્પીડન સાથે કરી રહ્યું છે તો કોઈને આમાં નીરજ ચોપરાનું અપમાન દેખાઈ રહ્યું છે.
યુઝર્સનું કહેવું છે કે જો કોઈ પુરુષ હૉસ્ટે કોઈ મહિલા ખેલાડી સાથે આવું વર્તન કર્યું હોત તો એ યૌન ઉત્પીડન ગણાત.
લોકોએ આ વીડિયો હઠાવી લેવા અને નીરજ ચોપરાની માફી માગવાની પણ માગ કરી છે. કેટલાક લોકો નીરજના સંયમી વર્તનનાં વખાણ પણ કરી રહ્યા છે.
ગ્યાનમ નામના એક યુઝરે ટ્વીટ કર્યું, "ઇન્ટરવ્યૂના નામે એક ઑલિમ્પિક મડેલિસ્ટનું ઉત્પીડન યોગ્ય ન કહેવાય. મલિષ્કા તમને શરમ આવવી જોઈએ."
અદિતિએ લખ્યું, "મલિષ્કા આપણા ગોલ્ડન બૉયને અસહજ કેમ કરે છે? આ પ્રકારની યાતના સહન કરવા માટે મારી એમના પ્રત્યે સહાનુભૂતિ છે."
અરનાઝ હાથિરામે લખ્યું, "જો મલિષ્કા એક પુરુષ હોત અને એક મહિલા ખેલાડી સાથે આવું કર્યું હોત તો નોકરી ગુમાવવા ઉપરાંત એણે માફી પણ માગવી પડત... પણ મહિલાઓને સશક્તીકરણ અને પ્રગતિના નામે અવગણી દેવાય છે."
તનવી શુક્લાએ લખ્યું, "તેમના હાવભાવ જુઓ. તેમણે લાખો ઇન્ટરવ્યૂ આપ્યા હશે પણ નીરજ ચોપરા આને ભૂલવાના નથી."
અક્ષય નામના એક યુઝરે લખ્યું, "આ યૌન ઉત્પીડન છે. એક યુવકનું યૌન ઉત્પીડન કરતાં તમને શરમ આવવી જોઈએ."
આ દરમિયાન કેટલાક લોકો મીમ બનાવીને નીરજ ચોપરા સાથે કરાયેલા આ વર્તન પર કટાક્ષ પણ કરી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો