ઇસ્લામિક સ્ટેટ : 'અફઘાનિસ્તાનમાં ઇસ્લામનો નહીં સોદાબાજીનો વિજય થયો'

ખુદને 'ઇસ્લામિક સ્ટેટ' તરીકે ઓળખાવતા ઉગ્રવાદી સંગઠને અફઘાનિસ્તાનના તાજેતરના ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપી છે.

તેનું કહેવું છે કે ત્યાં તાલિબાનનો વિજય નથી થયો, પરંતુ અમેરિકાએ આ દેશની કમાન તેમને સોંપી દીધી છે.

'ઇસ્લામિક સ્ટેટ'એ પોતાના સાપ્તાહિક અખબાર 'અલ-નબા'ના તા. 19મી ઑગસ્ટના સંપાદકીય લેખમા લખ્યું છે કે, "આ વિજય શાંતિ માટેનો છે ઇસ્લામ માટેનો નહીં, આ સોદાબાજીનો વિજય છે, નહીં કે જેહાદનો."

આઈએસએ 'નવ તાલિબાન'ને 'ઇસ્લામનો આંચળો ઓઢનાર' એવો 'બહુરૂપિયા' ઠેરવ્યા છે, જેનો ઉપયોગ અમેરિકા દ્વારા મુસલમાનોને લલચાવવા તથા ઇસ્લામિક સ્ટેટના અસ્તિત્વને સમાપ્ત કરવા માટે થઈ રહ્યો છે.

અગાઉ ઇસ્લામિક સ્ટેટના સમર્થકોએ આરોપ મૂક્યા હતા કે તાલિબાનો દ્વારા અમેરિકાનાં ગંદાં કામોને પાર પાડવામાં આવી રહ્યા છે.

પોતાના તાજેતરના નિવેદનમાં આઈએસએ કહ્યું છે કે તે જેહાદના નવા તબક્કાની તૈયારી કરી રહ્યું છે. જોકે તેમણે એ વાતની સ્પષ્ટતા નથી કરીને તેઓ કોને ટાર્ગેટ કરવા ચાહે છે.

આમ છતાં જે સંદર્ભમાં આ વાત કહેવામાં આવી છે, તેના આધારે એવી અટકળ કરવામાં આવે છે કે તેઓ અફઘાનિસ્તાન તરફ ઇશારો કરી રહ્યા છે.

ઇસ્લામિક સ્ટેટ વિ. તાલિબાન

અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટનું જોર ઘટાડવામાં તાલિબાને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિશેષ કરીને વર્ષ 2019માં.

એ સમયે તાલિબાન, અમેરિકા તથા અફઘાન સુરક્ષાબળએ સાથે મળીને પૂર્વ અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના પ્રભુત્વવાળા વિસ્તારોમાં મોરચો ખોલી નાખ્યો હતો. જેના કારણે આઈએસએ ખાસ્સો એવો વિસ્તાર ગુમાવવો પડ્યો હતો.

એ પછી ઇસ્લામિક સ્ટેટ તાલિબાન પર અમેરિકા સાથે સાઠગાંઠ કરવાના આરોપ મૂક્યા છે.

ફેબ્રુઆરી-2020માં તાલિબાને અમેરિકા સાથે કરાર કર્યા હતા અને કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ અન્ય જેહાદી જૂથોને કરવા નહીં દે.

ઇસ્લામિક સ્ટેટે કહ્યું હતું કે તેઓ આવા કરાર સાથે બંધાયેલા નથી અને અફઘાનિસ્તાનમાં જેહાદ ચાલુ રાખશે.

પોતાના સંપાદકીય લેખમાં ઇસ્લામિક સ્ટેટે 'વાસ્તવિક' શરિયત લાગુ કરવાના તાલિબાનના દાવા પર શંકા વ્યક્ત કરી હતી.

વિવાદના મૂળમાં

છ વર્ષ પહેલાં જાન્યુઆરી-2015માં બંને જૂથોએ એકબીજા સામે યુદ્ધની જાહેરાત કરી હતી. તે સમયે ઇસ્લામિક સ્ટેટે તેની 'ખુરાસન શાખા'નું ગઠન કરવાની જાહેરાત કરી હતી.

અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન તથા મધ્ય એશિયાના અમુક ભાગોને ઐતિહાસિક દૃષ્ટિએ 'ખુરાસન' તરીકે ઓળખવામાં આવે છે.

મૂળ ઇરાક અને ઈરાનમાં મૂળિયાં ધરાવનારા ઇસ્લામિક સ્ટેટે પહેલી વખત આરબજગતની બહાર પોતાના વિસ્તારની જાહેરાત કરી હતી.

'ઇસ્લામિક સ્ટેટ' કે 'દાએશ' એવું પ્રથમ ઉગ્રવાદી સંગઠન છે, જેણે તાલિબાનના તત્કાલીન નેતા મુલ્લા મોહમ્મદ ઉમરની સત્તાને પડકાર ફેંક્યો હતો.

તાલિબાનના લડવૈયા મુલ્લા મોહમ્મદ ઉમરને 'ઇસ્લામિક અમિરાત ઑફ અફઘાનિસ્તાન'ના 'આમિર-ઉલ-મોમિન' (વફાદારોના નેતા) માનવામાં આવે છે.

અલ-કાયદાના નેતાઓએ તાલિબાનો પાસે આશરો લીધો હતો અને તેઓ પણ મુલ્લા મોહમ્મદ ઉમરની સત્તાનો સ્વીકાર કરતા હતા, પરંતુ ઇસ્લામિક સ્ટેટે સરાજાહેર તેને પડકાર ફેંક્યો છે.

આઈએસનો આરોપ છે કે તાલિબાન દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ (ઇન્ટર સર્વિસિઝ ઇન્ટેલિજન્સ)ના હિતને સાધવા માટે પ્રયત્નશીલ રહે છે.

ઇસ્લામિક સ્ટેટ વિ. ઇસ્લામિક અમિરાત

બંને જેહાદી જૂથો વચ્ચે અનેક મુદ્દે મતભેદ પ્રવર્તે છે. ઇસ્લામિક સ્ટેટ દ્વારા વૈશ્વિક જેહાદની હાકલ કરવામાં આવે છે, જે કોઈ દેશની સરહદ પૂરતી મર્યાદિત નથી. આઈએસનો હેતુ તમામ મુસ્લિમ દેશો તથા વિસ્તારો માટે એક રાજકીય એક સ્થાપવાનો છે.

બીજી બાજુ, તાલિબાનનો એજન્ડા અફઘાનિસ્તાન પૂરતો મર્યાદિત છે. તેનો મુખ્ય હેતુ 'અફઘાનિસ્તાનને વિદેશીઓના તાબા હેઠળથી મુક્ત કરવાનું' પૂર્વઘોષિત લક્ષ્ય છે.

લાંબા સમયથી તાલિબાન ભારપૂર્વક કહેતું હતું કે વિદેશી સેનાઓએ અફઘાનિસ્તાન છોડી જવું જોઈએ.

બંને સંગઠનો વચ્ચે ધાર્મિક બાબતોમાં પણ મતભેદ પ્રવર્તે છે. તાલિબાનોએ મૂળતઃ સુન્ની ઇસ્લામની હનફી શાખાને અનુસરે છે, મોટા ભાગના સુન્ની અફઘાન તેનું જ અનુસરણ કરે છે. બીજી બાજુ, ઇસ્લામિક સ્ટેટ સુન્ની ઇસ્લામની વહાબી/સલાફી શાખાને અનુસરે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો