કાબુલ ઍરપૉર્ટ પર ભારતીયો સાથે શું થયું, અત્યાર સુધી શું માહિતી છે?

    • લેેખક, રવિંદરસિંહ રૉબિન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતનું વિદેશમંત્રાલય અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ફસાઈ ગયેલા ભારતીયોને ત્યાંથી કાઢવાની કોશિશ કરી રહ્યું છે. જે લોકોને અફઘાનિસ્તાનમાંથી ભારત લઈ આવવામાં આવ્યા છે તેમાં અફઘાન હિંદુ અને શીખ સમુદાયના લોકો પણ છે.

વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને કહ્યું કે, "અમે ભારતીયોને કાબુલમાંથી કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ."

કાબુલ ઍરપૉર્ટ અમેરિકન સૈનિકોની સુરક્ષા હેઠળ છે અને ઍરપૉર્ટની બહાર તાલિબાન લડવૈયા તહેનાત છે.

ત્યાં હાજર લોકોનું કહેવું છે કે હજારોની સંખ્યામાં લોકો ઍરપૉર્ટમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહ્યા છે. ભારત પણ પોતાના નાગરિકોને ઍરપૉર્ટ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

'કોઈ અધિકારી હાજર નથી'

કાબુલ ઍરપૉર્ટની નજીક હાજર ભારતીય નાગરિકોના સમૂહમાં સામેલ એક વ્યક્તિએ બીબીસીને ફોન પર કહ્યું કે "અમને બે દિવસથી ઍરપૉર્ટ લઈ જવાની કોશિશ થઈ રહી છે. ભારતનો કોઈ અધિકારી અહીં હાજર નથી. અમને કૉન્ટ્રેક્ટરો દ્વારા ઍરપૉર્ટ નજીક એક હૉલમાં રાખવામાં આવ્યા હતા."

ભારતીય નાગરિકોની સાથે અફઘાન હિંદુ અને શીખ પણ છે. દસ બસોમાં સવાર આ સમૂહના સંયોજકનો દાવો છે કે શનિવારે સવારે તાલિબાન એમને પોતાની સાથે લઈ ગયા હતા.

આ સમૂહના સંયોજક અને ભારતીય નાગરિક જુહૈબે બીબીસીને કહ્યું કે, "તાલિબાનના બે લોકો અમારી બસોમાં ચડી બેઠા અને બસોને એમની સાથે લઈ ગયા. એમણે અફઘાન હિંદુ અને શીખોને ભારતીય નાગરિકોથી અલગ કર્યા. અમુક શીખ અને હિંદુઓ ભયને કારણે ગુરુદ્વારામાં જતા રહ્યા."

જુહૈબ અનુસાર તાલિબાનોએ ભારતીયોના દસ્તાવેજોની તપાસ કરી અને એ પછી એમને નજીકમાં એક ફેકટરીમાં મોકલી દેવાયા. ત્યાં આ લોકો કન્ટેનરોમાં બેઠા છે.

એમનું કહેવું છે કે જલદી જ એમને ઍરપૉર્ટ મોકલી દેવામાં આવશે.

જુહૈબનું કહેવું છે કે તાલિબાને ભારતીય લોકોના સમૂહમાં અમુક લોકોની પૂછપરછ કરી અને કેટલાક મોબાઇલ ફોન તોડી નાખ્યા છે.

અફઘાન શીખ અનારકલીકોરે બીબીસીને કહ્યું કે, "ભારતીય અને અફઘાન નાગરિક રાતના 10 વાગ્યાથી જ ઍરપૉર્ટ નજીક બસોમાં બેઠેલા હતા."

તેઓ અનુસાર "જાહિદ નામના એક ભારતીય નાગરિકનો મોબાઇલ તાલિબાને લઈ લીધો હતો અને હવે તેમના વિશે કોઈ માહિતી નથી મળી રહી."

વિદેશમંત્રાલયે શું કહ્યું?

ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બીબીસીને કહ્યું કે તેઓ હાલ આ ઘટનાક્રમની પુષ્ટિ કરી શકે એમ નથી. મીડિયામાં તાલિબાન દ્વારા ભારતીય નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ખબરો ચલાવવામાં આવી છે પણ તેની કોઈ પુષ્ટિ થયેલી નથી.

જોકે, તાલિબાન પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને આપેલા નિવેદનમાં આ સમાચારોનું ખંડન કર્યું છે. કાબુલમાં તાલિબાનના પ્રવક્તા અમાનુલ્લા વાસિકે એક નિવેદનમાં કહ્યું કે "ભારતીયોનું અપહરણ કરવામાં નથી આવ્યું, એમને ઍરપૉર્ટ મોકલવામાં આવી રહ્યા છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો