કમલેશ મકવાણા : એ ગુજરાતી ક્રિકેટર જેમની બૉલિંગ સામે 'ધ વૉલ' દ્રવિડ પણ 'બેચેન' રહેતા

ભારતીય ક્રિકેટમાં અગાઉ એમ કહેવાતું હતું કે તે માત્ર દેશના કેટલાક મેટ્રો શહેર પૂરતું જ મર્યાદિત છે અને આ રમતમાં સામાન્ય વર્ગના ખેલાડીઓ માટે કોઈ સ્થાન નથી.

જોકે છેલ્લા કેટલાક સમયથી દેશના નાનાં નાનાં સેન્ટરમાંથી ખેલાડીઓ ભારતીય ટીમમાં આવી રહ્યા છે.

હવે ભારતની ટીમમાં મુંબઈ, બૅંગલુરુ કે ચેન્નાઈ-દિલ્હીનો ઇજારો રહ્યો નથી.

અમદાવાદ, નડિયાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, રાંચી, તામિલનાડુ નજીકનાં નાનાં ગામડાંમાંથી આવીને ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

આવી જ રીતે સામાન્ય કે મધ્યમવર્ગના ખેલાડીઓ પણ ટીમમાં આવી રહ્યા છે.

કારણ એ કે જે તે સ્ટેટ ઍસોસિયેશનોએ તેમની ટીમોમાં આ ખેલાડીઓને સામેલ કરીને તેમની આવડતને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે.

આ જ હરોળમાં એક નામ આવે છે જે તે સમયે સૌરાષ્ટ્રની રણજી ટ્રૉફી ટીમ માટે ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ખેરવનારા ઑફ સ્પિનર કમલેશ મકવાણા.

સામાન્ય પીચ ક્યુરેટરના પુત્રનું ક્રિકેટજગતમાં ડેબ્યુ

ક્રિકેટ માત્ર પૈસાદારોની રમત હોત તો આજે સૌરાષ્ટ્ર માટે સૌથી વધુ વિકેટ ખેરવવાનો રેકૉર્ડ કોઈ ઉદ્યોગપતિના પુત્રના નામે હોત, જેને બદલે આ રેકૉર્ડ વર્ષોથી સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન (એસસીએ)ના વિવિધ મેદાનોની પીચ તૈયાર કરનારા ક્યુરેટર રસિકભાઈ મકવાણાના પુત્ર કમલેશ મકવાણાના નામે છે.

સદગત રસિકભાઈ અગાઉ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ અને ત્યાર બાદ એસસીએના પોતાના એવા ખંડેરી ખાતેના સ્ટેડિયમ પીચ ક્યુરેટર હતા.

રેસકોર્સ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે 2009ની 15મી ડિસેમ્બરે રમાયેલી મૅચની પીચ પણ તેમણે તૈયાર કરી હતી જેમાં ભારતના 414 રનના વિશાળ સ્કોર સામે શ્રીલંકાએ 411 રન નોંધાવ્યા હતા, આમ બંને ટીમે મળીને મૅચમાં 825 રન ફટકાર્યા હતા.

1983ની 31મી ઑગસ્ટે જન્મેલા કમલેશ મકવાણાએ ધાર્યું હોત તો પિતાની માફક પીચ ક્યુરેટરની કામગીરી અપનાવી હોત, પરંતુ તેઓ પિતાના માર્ગે ચાલ્યા નહીં પરંતુ તેમની મજલ તો સરવાળે રસિકભાઈની માફક ક્રિકેટનું મેદાન જ રહ્યું.

2000ની સાલની આસપાસ તેઓ સૌરાષ્ટ્રની અંડર-19 ટીમ માટે પસંદ થયા અને ત્યારથી જ તેમણે પોતાની કાબેલિયત દાખવવાની શરૂઆત કરી દીધી.

જ્યારે 2001માં અમદાવાદમાં જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા આવેલી સૌરાષ્ટ્રની ટીમમાં કમલેશને ઈજાને કારણે અંતિમ ઇલેવનમાં સ્થાન મળ્યું નહીં અને તેઓ આખી મૅચ દરમિયાન સ્કોરર પાસે બેસી રહેતા હતા. તેમને કોઈ પૂછે કે તમારું નામ શું છે કે તેમના વિશે કાંઈ બીજું પૂછે ત્યારે કમલેશ પોતાની ઓળખ આપતાં કહેતા કે તેઓ રાજકોટના રસિકભાઈ મકવાણાના પુત્ર છે.

પોતાના પિતાના નામે પોતાની ઓળખ આપતા કમલેશે પોતાની કારકિર્દીના તે બાદના સમયમાં એવી પ્રગતિ કરી કે ખંડેરી મેદાન પર રસિકભાઈની ઓળખ કમલેશના પિતા તરીકે આપવામાં આવતી હતી.

‘ધ વૉલ’ દ્રવિડ પણ એક સમયે કમલેશની ‘ધારદાર’ બૉલિંગથી ‘બેચેન’ રહેતા

કમલેશે કારકિર્દી બનાવવા માટે આકરી મહેનત કરી હતી.

હજી એકાદ બે સિઝન અગાઉ સૌરાષ્ટ્ર ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ખેરવવાનો રેકૉર્ડ કમલેશના નામે હતો, જે પાછળથી જયદેવ ઉનડકટ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તોડ્યો હતો.

આજે ઉનડકટની 280 અને જાડેજાની 246 વિકેટ બાદ કમલેશ મકવાણા 240 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે. જોકે તેમાં દુલીપ ટ્રૉફીમાં વેસ્ટ ઝોન માટે એક જ મૅચમાં ખેરવેલી દસ વિકેટ સામેલ કરીએ તો કમલેશ મકવાણાની કુલ વિકેટનો આંક 250ને સ્પર્શી જાય છે.

જોકે આંકડાને એક તરફ રાખીએ તો જે ધાર કમલેશને બૉલિંગમાં હતી તેનાથી હરીફ ટીમના મોટા ભાગના બૅટ્સમૅન ક્રીઝ પર હોય ત્યારે બેચેન રહેતા હતા.

અને આ વિવિધ ટીમના હરીફ બૅટ્સમૅનમાં સમગ્ર વિશ્વમાં મિ. વોલ તરીકે જાણીતા એવા રાહુલ દ્રવિડનો પણ સમાવેશ થઈ જાય છે.

કમલેશ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ડૉમેસ્ટિક ક્રિકેટ રમ્યા છે તેથી અહીં બીજાં નામ ઉમેરીએ તો ભારતના ડૉમેસ્ટિક ક્રિકેટના માંધાતાઓ અમોલ મજુમદાર, રોબિન ઉથપ્પા, યેરે ગૌડ પણ આવી જાય.

આ ઉપરાંત સુરેશ રૈના જેવા ઇન્ટરનેશનલ ખેલાડીને મળીને કમલેશે અત્યાર સુધીમાં અલગ અલગ 191 બૅટ્સમૅનને પેવેલિયન ભેગા કર્યા છે.

જ્યારે ટીમ ઇન્ડિયાના ‘સ્ટાર બૅટ્સમૅનો’ને પવેલિયન પરત મોકલ્યા

2007માં કર્ણાટકની ટીમ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર રણજી ટ્રૉફીની મૅચ રમવા આવી હતી.

આ મૅચ દરમિયાન જ 2007ના વન-ડે વર્લ્ડકપ (વેસ્ટ ઇન્ડીઝમાં) માટેની ભારતીય ટીમની પસંદગી કરવાની હતી અને રાહુલ દ્રવિડ ટીમના કૅપ્ટન હોવાથી તમામ પસંદગીકારો તથા બીસીસીઆઈના સેક્રેટરી સહિતના અધિકારીઓ રાજકોટમાં હતા.

રાહુલ દ્રવિડ આ મૅચમાં રમી રહ્યા હતા અને તે પ્રથમ દાવમાં 56 રન ફટકારી ચૂક્યા હતા.

દ્રવિડ જેવા બૅટ્સમૅન સૌરાષ્ટ્ર સામે 56 રનના સ્કોરે રમતા હોય તો તેમની પાસેથી સદીની જ અપેક્ષા રખાતી હોય, પરંતુ કમલેશ મકવાણાનો ઑફ સ્ટમ્પની બહાર પીચ પડેલો બૉલ ટર્ન થયો અને ભારતીય ક્રિકેટની મજબૂત દીવાલના ડિફેન્સને તોડીને સીધો સ્ટમ્પ પર પડ્યો.

આ વાત કરતાં કમલેશ આજે પણ રોમાંચિત થઈ ઊઠે છે.

અને આ સ્વાભાવિક પણ છે, કેમ કે રાહુલ દ્રવિડને આઉટ કરવા માટે વર્ષોથી તમામ બૉલરો મહેનત કરી રહ્યા છે ત્યારે દ્રવિડ જેવા મહાન બૅટ્સમૅનના ડિફેન્સને ચૅલેન્જ કરીને તેમને બોલ્ડ કરવાથી વિશેષ કોઈ બાબત હોઈ શકે નહીં.

કદાચ કમલેશને તેમની 250 ફર્સ્ટ કલાસ વિકેટને બદલે માત્ર આ એક જ વિકેટ મળી હોત તો પણ તે વિકેટ તેના જીવનનું સંભારણું બની ગઈ હોત.

એવી જ રીતે ચેન્નાઈના ચેપોક ખાતે રમાયેલી દુલીપ ટ્રૉફીની ક્વાર્ટર ફાઇનલ પણ કમલેશ માટે યાદગાર બની રહી હતી.

ઑક્ટોબર 2012માં રમાયેલી આ મૅચમાં વેસ્ટ ઝોનનો મુકાબલો નૉર્થ ઝોન સામે હતો.

શિખર ધવન જેવા બૅટ્સમૅનને તેમણે મૅચના બંને દાવમાં આઉટ કર્યા, આ ઉપરાંત એ વખતે નૉર્થ ઝોનના સ્ટાર મનાતા પારસ ડોગરા જેવા બૅટ્સમૅનને પણ તેમણે આઉટ કર્યા.

મૅચના બંને દાવમાં તેમણે પાંચ પાંચ એમ કુલ દસ વિકેટ ખેરવી. દુલીપ ટ્રૉફીના ઇતિહાસમાં વેસ્ટ ઝોનના બૉલરોના મૅચમાં શાનદાર પ્રદર્શનમાં કમલેશ મકવાણાની આ બૉલિંગ સાતમા ક્રમે આવે છે.

હકીકત તો એ છે કે 2012 પછી વેસ્ટ ઝોનનો કોઈ બૉલર એક મૅચમાં દસ વિકેટ ખેરવી શક્યો નથી.

તો કમનસીબી એ રહી કે આ મૅચ બાદ કમલેશ મકવાણાને ફરીથી ક્યારેય વેસ્ટ ઝોન માટે કે દુલીપ ટ્રૉફીની અન્ય કોઈ ટીમ માટે રમવાની તક સાંપડી નહીં.

માત્ર બૉલિંગ નહીં બેટિંગમાં પણ કર્યું સારું પ્રદર્શન

કમલેશ તેમની કારકિર્દીની 93 ફર્સ્ટ ક્લાસ મૅચમાંથી 92 મૅચ સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રૉફીમાં રમ્યા અને એક મૅચ વેસ્ટ ઝોન માટે દુલીપ ટ્રૉફીમાં રમ્યા.

2012-13ની સિઝન તેમના માટે સર્વોત્તમ રહી હતી જેમાં તેમણે 34 વિકેટ ખેરવી હતી, તો 2015-16માં તેણે 33 વિકેટ ખેરવી હતી.

સૌરાષ્ટ્રની ટીમ રણજી ચૅમ્પિયન બની તેમાં પણ કમલેશનું યોગદાન બહુમૂલ્ય રહ્યું હતું.

કમલેશ તેમની બૉલિંગને કારણે જ નહીં પરંતુ બેટિગંને કારણે પણ ટીમને એટલા જ ઉપયોગી હતા, કેમ કે તેમણે કારકિર્દીમાં 25.34ની સરેરાશથી 2,357 રન ફટકાર્યા છે જેમાં ત્રણ સદી ઉપરાંત આઠ અડધી સદીનો સમાવેશ થાય છે.

આ ત્રણ સદીની ખાસિયત એ છે કે તેમણે તમામ સદી રાજકોટના ખંડેરી ખાતેના એસસીએ સ્ટેડિયમ પર ફટકારી છે.