અશોક માંકડ : આ કાકામાં પ્રતિભાની કોઈ કમી ન હતી, પણ નસીબે સાથ ન આપ્યો

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

જન્મ મુંબઈમાં, ઉછેર મુંબઈમાં અને સમગ્ર જીવન એ જ શહેરમાં વીતાવ્યું હોવા છતાં કુદરતી રીતે જ કેટલાક ગુણો કે લક્ષણો વતનના આવતા જ હોય છે એવી જ રીતે અશોક માંકડના પિતા તથા મૂળ પરિવાર જામનગરનો હતો અને કાકાના હુલામણા નામે લોકપ્રિય બનેલા અશોક માંકડમાં કેટલાક ગુણો સૌરાષ્ટ્રના હતા.

આ વાતનો પુરાવો એક વાર સુનીલ ગાવસ્કરે કહેલી વાતમાંથી મળી આવે છે. અશોક માંકડના નિધનના થોડા મહિના બાદ રાજકોટમાં એક વન-ડે મેચ હતી અને તે વખતે ગાવસ્કર સાથે થોડી મિનિટો વાત કરવાનો મોકો મળ્યો. સાથે ધીરજ પરસાણા પણ હતા અને સ્થળ હતું રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડની પિચની નજીકની જગ્યા.

અમે અશોક માંકડને યાદ કરીને ગાવસ્કરને પૂછ્યું કે "થોડા સમય અગાઉ કાકાએ વિદાય લીધી તો તમે તો તેમના પડોશી હતા એટલે સારી રીતે ઓળખતા હશો?" જવાબમાં ગાવસ્કરે જે કહ્યું તે આજે પણ યાદ છે. તેમણે કહ્યું કે "કાકા જેવો ઇન્સાન મળવો મુશ્કેલ છે. તેમના નિધનના સમાચાર મને મોબાઇલ પર મેસેજથી મળ્યા એ વખતે હું ન્યૂઝીલેન્ડમાં હતો અને રાત્રે મેસેજનો ટોન વાગ્યો તો એમ થયું કે જવા દે કાંઇક માઠા સમાચાર હશે એટલે જોયું નહીં. સવારે ઉઠીને જોયું તો વાંચ્યું કાકા ગયા."

ગાવસ્કર ઉમેરે છે, "અશોક માંકડ અને હું મુંબઈમાં એક જ ફ્લેટમાં રહીએ પણ મળવાનું ઓછું થાય અને મોટા ભાગે તો વાત થાય જ નહીં કેમ કે કાકાએ મોઢામાં માવો ભરાવેલો હોય એટલે લિફ્ટમાં કે ગાર્ડનમાં મળે તો ફક્ત માથું ધુણાવીને અથવા તો મોંઢામાંથી હં...હમ...હું...આ પ્રકારના અવાજોથી જ તમને જવાબ આપે."

આ હતી અશોક માંકડની ખાસિયત.

સિનિયર ખેલાડીઓ પણ સલાહ લેવા આવતા હતા

ઉપર કહ્યું તેમ જન્મ, ઉછેર અને મરણ બધું જ મુંબઈમાં સમગ્ર ક્રિકેટ કારિકિર્દી (જુનિયરથી ટેસ્ટ સુધી) પણ મુંબઈ માટે પરંતુ યોગાનુયોગ એવો રહ્યો કે અશોક માંકડે પહેલી વાર કોઈ નોંધપાત્ર ટુર્નામેન્ટમાં રમવાનું શરૂ કર્યું હોય તો તે જામનગરથી.

1960ના ડિસેમ્બરમાં જામનગરમાં કુચબિહાર ટ્રોફીની ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વેસ્ટ ઝોનની બે મેચો રમાઈ હતી. અશોક માંકડની કારકિર્દીની સૌપ્રથમ મેચ મહારાષ્ટ્ર સામે જામનગરના અજિતસિંહ ગ્રાઉન્ડ ખાતે રમાઈ.

બસ વતન સાથે તેમનો આટલો જ નાતો. એ પછી બે દાયકા બાદ એક રણજી ટ્રોફી અને અન્ય બે ફર્સ્ટ ક્લાસ મેચ રમવા તેઓ જામનગર ગયા હતા એ તેમનો વતનનો ક્રિકેટ પ્રવાસ રહ્યો.

જોકે અશોક માંકડ ભારતના ઉમદા ટેસ્ટ ક્રિકેટર પૈકીના એક હતા. ક્રિકેટ તો વારસામાં મળ્યું હતું. ત્રણ ભાઈઓને પણ સૌથી વધારે ફળ્યું મોટા અશોકભાઈને. વિનુ માંકડના ત્રણ પુત્ર અશોક, અતુલ અને રાહુલમાંથી અશોક અને અતુલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમ્યા તો અશોક તો ટેસ્ટમાં પણ રમ્યા.

અશોક માંકડ માટે એમ કહેવાતું હતું કે તેમની પાસે ક્રિકેટનું દિમાગ (ક્રિકેટિંગ બ્રેઇન) હતું. આ રમતની બારીકાઈઓ તેમણે પચાવી લીધી હતી અને તેમના કરતાં ઘણા સિનિયર અને વધારે ટેસ્ટ રમેલા ખેલાડીઓ પણ અવારનવાર ક્રિકેટની બારીકાઈ માટે અશોક કાકાની સલાહ લેતા હતા.

ભારતીય ક્રિકેટ બોર્ડે પણ તેમની નિવૃત્તિના ઘણા વર્ષો બાદ પણ દેશના ડોમેસ્ટિક ક્રિકેટ અને જુનિયર ક્રિકેટમાં પરિવર્તન કરવા માટે તથા તેના વિકાસ માટે અશોક માંકડની સલાહ લીધેલી હતી. આ ઉપરાંત તેમને કોચ પણ બનાવવામાં આવ્યા હતા.

સૌથી વધુ રન, મૅચ અને સદીનો રૅકોર્ડ ધરાવતા હતા

ટેસ્ટ ક્રિકેટમાં 900થી વધુ રન કર્યા બાદ 1000નો આંક પાર નહીં કરી શકેલા કેટલાક કમનસીબોમાં અશોક માંકડનો પણ સમાવેશ થતો હતો, પરંતુ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના તેઓ કિંગ હતા.

એક સમયે રણજી ટ્રોફીમાં સૌથી વધુ મેચ (93), સૌથી વધુ રન (6619) અને સૌથી વધુ સદી (22)નો રેકોર્ડ તેમના નામે જ હતો અને વર્ષો સુધી આ રૅકોર્ડ અકબંધ રહ્યો હતો.

આજે સિઝનમાં વધુમાં વધુ મેચો રમવા મળે છે ત્યારે તેમના આ આંકડા વામણા લાગે પરંતુ 1980ના દાયકામાં આ રેકોર્ડ અત્યંત પ્રભાવશાળી મનાતો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડે એક સમયે પ્રતિભા શોધનો પ્રારંભ કર્યો હતો અને દેશમાંથી યુવાન તથા પ્રતિભાશાળી ખેલાડીઓને શોધવાની જવાબદારી અશોક માંકડને સોંપાઈ હતી તેના પરથી જ ખ્યાલ આવી જાય કે ભારત પાસે ઉચ્ચ કક્ષાના અને વર્લ્ડ ક્લાસ ટેસ્ટ ક્રિકેટર હોવા છતાં આ જવાબદારી અશોક માંકડને કેમ સોંપવામાં આવી હશે.

તેમણે એ સમયે કેટલાક સૂચનો કર્યા હતા તથા કેટલાક ખેલાડીઓ તરફ ઇશારો કર્યો હતો. આ 1990ની આસપાસનો સમય ગાળો હતો અને તે પ્રયાસોને પરિણામે ભારતને વિનોદ કાંબલીથી માંડીને અનિલ કુંબલે, વેંકટેશ પ્રસાદ, જવાગલ શ્રીનાથ તથા તેમના જેવા સંખ્યાબંધ ખેલાડીઓ મળ્યા હતા.

આ ઉપરાંત આ વાત પરથી હવે આટલા વર્ષે એ પણ ખ્યાલ આવી જાય છે કે આજે ભારતીય ક્રિકેટ વિશ્વમાં જે સ્થાને છે તેની સફળતાનો પ્રારંભ 1990ના દાયકાથી જ થયો હતો. તો પછી તેમાં અશોક માંકડના વિઝનનો પણ એટલો જ ફાળો રહ્યો છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં લેખાય.

જ્યારે પાંચ ઇનિંગ્સમાં ચાર અડધી સદી ફટકારી

જોકે એ પણ સાચી વાત કે તેમની પ્રતિભા એક ટેસ્ટ ક્રિકેટર તરીકે એટલી બધી પુરવાર થઈ ન હતી. નહિંતર 1960માં મુંબઈમાં હેરિસ શિલ્ડમાં માત્ર 18-19 વર્ષની વયે 348, 325 અને 258 રનનો જંગી સ્કોર ખડકનારા બેટ્સમેન પાસેથી 22 ટેસ્ટની કારકિર્દીમાં કમસે કમ એકાદ સદીની તો અપેક્ષા રાખી જ શકાય.

એમ પણ કહેવાય છે કે પિતા વિનુ માંકડના આખાબોલા સ્વભાવની અશોક માંકડે ઘણી વાર કિંમત ચૂકવવી પડી હતી. પરંતુ, તેના કરતાં વિપરીત બાબત એ પણ રહી કે ભારતીય ટેસ્ટ ટીમમાં તેમને સ્થાન મળ્યું તે અગાઉ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમના નામે માત્ર એક જ સદી હતી (લગભગ 40 ફર્સ્ટ ક્લાસ મેચ બાદ) અને સાત વખત શૂન્ય નોંધાયા હતા.

આ પ્રદર્શન છતાં તેમને 1969-70માં ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરાયા હતા. વિજય મર્ચન્ટ એ વખતે પસંદગીકાર હતા અને તેઓ યુવાનોને ટીમમાં સ્થાન અપાવવા માગતા હતા. જેમાં અશોક માંકડ ઉપરાંત અજિત પાઈ તથા ચેતન ચૌહાણનો સમાવેશ થતો હતો.

આ સિરીઝની પહેલી બે ટેસ્ટમાં ઘોર નિષ્ફળતા બાદ માંકડને ત્રીજી ટેસ્ટમાં પડતા મુકાયા પરંતુ ત્યાર પછી એવા કોઈ જોરદાર પ્રદર્શન વિના પણ તેમને એ જ વર્ષના અંતમાં ભારત આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ સામે ફરીથી ટીમમાં સામેલ કરાયા.

આ વખતે અન્ય યુવાનોમાં મોહિન્દર અમરનાથ તથા ગુંડપ્પા વિશ્વનાથનો પણ સમાવેશ કરાયો હતો.

હકીકતમાં એ સિરીઝમાં માંકડે પાંચ ઇનિંગ્સમાં ચાર અડધી સદી ફટકારી હતી જેમાં તેમની કારકિર્દીના સર્વોચ્ચ એવા 97 રનની ઇનિંગ્સનો પણ સમાવેશ થતો હતો.

આ ઉપરાંત તેમને ઓપનિંગમાં મોકલાયા તો ફારુક એન્જિનિયર સાથે તેમની ભાગીદારી યાદગાર રહી હતી.

મહાન સુનીલ ગાવસ્કરે કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે અશોક માંકડ તેમના ઓપનિંગ જોડીદાર રહ્યા હતા. ગાવસ્કર તેમને એટલો આદર આપતા હતા કે બંને ઓપનિંગમાં ઉતરે ત્યારે અશોક માંકડને પહેલો બોલ રમવા મળે તેવો ગાવસ્કરનો આગ્રહ રહેતો હતો.

1971માં ભારતે વેસ્ટ ઇન્ડિઝમાં ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતી ત્યારે માંકડ જ ગાવસ્કરના ઓપનિંગ જોડીદાર હતા.

સમગ્ર પરિવાર રમતગમત ક્ષેત્રમાં

જોકે 1971માં ઇંગ્લેન્ડના પ્રવાસમાં સાંપડેલી નિષ્ફળતા બાદ માંકડની કારકિર્દી વેરવિખેર થઈ ગઈ હતી. આમ છતાં તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવાનું જારી રાખ્યું અને 1976-77માં રણજી સિઝનમાં 827 રન કરીને ધમાકેદાર પુનરાગમન કર્યું.

1977-78માં તેમને ઓસ્ટ્રેલિયા ગયેલી ટીમમાં સામેલ કરાયા જ્યાં પ્રવાસની અન્ય મેચોમાં તો તેઓ 50.80ની સરેરાશથી 508 રન ફટકારવામાં સફળ રહ્યા પરંતુ ત્રણ ટેસ્ટમાં તેમની સરેરાશ માંડ 23.80ની રહી. આ પ્રવાસ સાથે તેમની ઇન્ટરનેશનલ કારકિર્દી સમાપ્ત થઈ ગઈ.

આ જ અરસામાં ચેતન ચૌહાણનો ઉદય થયો હતો અને સુનીલ ગાવસ્કરના સફળ જોડીદાર તરીકે તેઓ ખ્યાતનામ બન્યા હતા. ભારતીય ક્રિકેટમાં અન્ય પરિવારની માફક માંકડ પરિવારનું પણ ઘણું મોટું યોગદાન છે.

કદાચ વિનુ માંકડની તોલે અશોક માંકડના રેકોર્ડ નહીં આવતા હોય પરંતુ માંકડની નિષ્ફળતા ક્રિકેટપ્રેમીઓની વધુ પડતી અપેક્ષાનું પરિણામ હોઈ શકે, અન્ય સાથે બનતું આવ્યું છે તેમ રમતપ્રેમી તેમનામાં વિનુ માંકડના દર્શન કરતો હોય તેથી તેને નિરાશા સાંપડી હોય.

જોકે અશોક માંકડનો પરિવાર રમતગમત સાથે સંકળેલો છે. તેમના પત્ની નિરૂપમા માંકડ ઉમદા ટેનિસ ખેલાડી હતાં અને એશિયન ટેનિસ ચેમ્પિયન રહી ચૂક્યા હતાં.

તેમના પુત્ર હર્ષ માંકડ ભારતની ડેવિસ કપ ટેનિસ ટીમમાંથી રમ્યા હતા. અન્ય પુત્ર મિહિર માંકડ પ્રોફેસર તથા લીડરશિપ કોચ તરીકે ઍવૉર્ડ જીતી ચૂક્યા છે.