દિલીપ દોશીઃ એ ગુજરાતી ક્રિકેટર, જેમણે મોટી ઉંમરે રમીને પણ પ્રભાવશાળી કારકિર્દી ઘડી

  • બિશન બેદીની નિવૃત્તિ બાદ દિલીપ દોશીને તક મળી અને તેનો તેમણે ભરપૂર લાભ ઉઠાવ્યો
  • દિલીપ દોશી મદ્રાસના ચેપોક ખાતે પહેલી ટેસ્ટ રમ્યા હતા
  • તેઓ જેટલું ભારતમાં રમ્યા છે તેટલું જ અથવા તો તેના કરતાં વધારે ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં રમ્યા
  • દિલીપ દોશીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 898 વિકેટ ખેરવી છે
  • એશિયાના તમામ બૉલરની ગણતરી કરીએ તો તેઓ 16મા ક્રમે આવે

ભારતમાં કે સમગ્ર ક્રિકેટજગતમાં અત્યારે કોઈ ક્રિકેટર ધારે તે ટીમ માટે રમી શકે છે અને એ મુજબનો કરાર કરી શકે છે, પરંતુ અગાઉ આ બાબત એટલી સામાન્ય ન હતી ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં જન્મેલા દિલીપ દોશીએ છેક 1968માં બંગાળ માટે રમવાનું પસંદ કર્યું.

એ જમાનામાં પણ અથવા તો તે અગાઉ પણ ક્રિકેટર આ રીતે પોતાના જન્મસ્થળને બદલે અન્ય રાજ્યોમાં જઈને રમતા હતા, પરંતુ તેમાંના મોટા ભાગનાએ કારકિર્દીનો પ્રારંભ તો પોતાના રાજ્યમાંથી જ કર્યો હતો અને ત્યાર બાદ અન્ય ટીમ માટે રમ્યા હતા.

આમ છતાં આજેય અને છેલ્લા દાયકાથી દિલીપ દોશી મૂળ તો ગુજરાતી અને સૌરાષ્ટ્રના જ રહ્યા છે.

દિલીપ દોશી તેમની ટેસ્ટ કારકિર્દી સમાપ્ત થયા બાદ સૌરાષ્ટ્ર માટે કેટલીક રણજી ટ્રૉફી અને ફર્સ્ટ ક્લાસ મૅચમાં રમ્યા હતા પરંતુ તે સિવાય એક ક્રિકેટર તરીકે તેમનો સૌરાષ્ટ્ર સાથે ખાસ નાતો રહ્યો ન હતો.

1960ના દાયકાના અંત ભાગમાં તેઓ કલકત્તા (હાલનું કોલકાતા) ચાલ્યા ગયા અને ત્યાંથી બંગાળ માટે રણજી ટ્રૉફી તથા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચમાં રમવાનો પ્રારંભ કર્યો હતો.

ભારતીય ક્રિકેટમાં મહાન સ્પિનર્સ એરાપલ્લી પ્રસન્ના, બિશનસિંઘ બેદી, ભાગવત ચંદ્રશેખર અને વેંકટરાઘવનને કારણે ઘણા સ્પિનર્સને ટેસ્ટ રમવાની તક મળી ન હતી, કેમ કે આ સ્પિનર્સ સુપરસ્ટાર્સ હતા અને કોઈ પસંદગીકાર એકાદ મૅચ માટે પણ તેમને ટીમમાંથી બાકાત રાખીને અન્ય સ્પિનરને સ્થાન આપવાની હિંમત કરી શકતો ન હતો.

આથી કારણે ઘણા સ્પિનર એવા છે જેમને ટેસ્ટ રમવાની તક મળી નહીં અથવા તો મળી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

'રસોઈ ઠંડી થઈ ગઈ'

રાજિન્દરસિંઘ ગોયેલ કે પદ્માકર શિવાલકર અને ગુજરાતના લેફ્ટ આર્મ સ્પિનર અશોક જોશી તો આટલા બધા સફળ હોવા છતાં તેમને ક્યારેય ટેસ્ટ રમવાની તક જ સાંપડી ન હતી, જેમની સરખામણીએ દિલીપ દોશી નસીબદાર કહેવાય કે તેમને ભલે 32 વર્ષની વયે પણ કમસે કમ ટેસ્ટ રમવાની તક તો સાંપડી.

જોકે બિશન બેદીની નિવૃત્તિ બાદ તેમને તક મળી પરંતુ તેનો દોશીએ ભરપૂર લાભ ઉઠાવ્યો અને તેઓ ભારત માટે જેટલી મૅચ રમ્યા તે તમામમાં તેમણે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો.

1979-80માં કિમ હ્યુજની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. એક તરફ ઑસ્ટ્રેલિયામાં કેરી પેકરની બોલબાલા હતી અને વિશ્વના મોટા ભાગના મોખરાના ક્રિકેટર કેરી પેકર સાથે જોડાઈ ગયા હોવાથી પ્રમાણમાં ઓછી મજબૂત એવી કાંગારું ટીમ ભારતના પ્રવાસે આવી હતી જેમાં રમવા માટે દિલીપ દોશીને તક સાંપડી.

એ વખતે એક કિસ્સો જાણીતો બન્યો હતો. ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત થઈ ત્યારે દિલીપ દોશી ઇંગ્લૅન્ડમાં હતા. તેમના પર ફોન આવ્યો કે તેમને ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

આ સાથે જ અભિનંદન આપતાં ફોનનો વરસાદ વરસી રહ્યો હતો. દિલીપભાઈએ આ અંગે પાછળથી કહ્યું હતું કે મને ગરમાગરમ જમવાનો શોખ અને આ ઉપરાઉપરી ફોન આવવાને કારણે એ દિવસે મારી રસોઈ ઠંડી થઈ ગઈ હતી.

હવે વિચાર કરો કે ક્યાં ટેસ્ટ રમવાની તક (અને એ પણ મોડે મોડે થેક 32 વર્ષની વયે) અને ક્યાં ગરમાગરમ ભોજન. જોકે આ સ્વભાવ અને સાથે સાથે લડાયક અભિગમે જ દિલીપ દોશીને ભારતીય ક્રિકેટમાં શાનદાર સફળતા અપાવી હતી.

દિલીપ દોશીને મદ્રાસ (હવે ચેન્નાઈ)ના ચેપોક ખાતે પહેલી ટેસ્ટ રમવાની તક મળી જેનો ભરપૂર લાભ ઉઠાવીને તેમણે પહેલા જ દાવમાં ઑસ્ટ્રેલિયાની છ વિકેટ ખેરવી દીધી.

આટલા પ્રભાવશાળી પ્રારંભ બાદ દિલીપ દોશી તેમની 33 ટેસ્ટની કારકિર્દીમાં લગભગ દરેક ટેસ્ટમાં સફળ રહ્યા હતા.

ખાસ વાત તો એ હતી કે ભારતની પ્રખ્યાત સ્પિન ત્રિપુટી કે સ્પિન ચોકડી બાદ વર્તમાન સ્પિનર્સ (કુંબલે કે હરભજન)ને બાદ કરતાં આવી સફળતા કોઈને સાંપડી નથી અથવા તો જે સમયે દિલીપ દોશીએ કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે કોઈને આવી સફળતાની કલ્પના પણ ન હતી.

દિલીપ દોશી જેટલું ભારતમાં રમ્યા છે તેટલું જ અથવા તો તેના કરતાં વધારે ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં રમ્યા છે અને એ વારસો તેમના પુત્ર નયન દોશીએ આજે પણ જાળવી રાખ્યો છે.

દિલીપ દોશીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 898 વિકેટ ખેરવી છે. ભારતના જ નહીં પરંતુ એશિયાના તમામ બૉલરની ગણતરી કરીએ તો તેઓ 16મા ક્રમે આવે છે. જ્યારે ભારતમાં તેમના કરતાં વધારે ફર્સ્ટ ક્લાસ વિકેટ ખેરવનારા બૉલરમાં ચાર પ્રખ્યાત સ્પિનર ઉપરાંત અનિલ કુંબલેનો સમાવેશ થાય છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 898 વિકેટમાંથી દોશીએ બંગાળ માટે તો સ્વાભાવિકપણે વધારે (311) વિકેટો લીધી હોય પરંતુ તેમાં નોટ્ટિંગહામશાયર માટેની 157 અને વોરવિકશાયર માટેની 146 વિકેટની સરખામણી કરીએ તો હિસાબ બરાબર થઈ જાય.

હકીકતમાં કાઉન્ટી ક્રિકેટના બહોળા અનુભવનો જ દિલીપ દોશીને ભારત માટે રમતી વખતે લાભ મળ્યો હતો.

તો 1979માં તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યાર બાદ ભારતીય ટેસ્ટ ટીમે જે કાંઈ સફળતા હાંસલ કરી હતી તેમાં ભારતના ખ્યાતનામ બૅટ્સમૅન સુનીલ ગાવસ્કર, ગુંડપ્પા વિશ્વનાથ, દિલીપ વેંગસરકર અને મોહિન્દર અમરનાથ જેટલો જ અથવા તો તેના કરતાં પણ વધારે ફાળો કપિલદેવ અને દિલીપ દોશીનો રહ્યો હતો.

તેનું એક સૌથી ઉમદા ઉદાહરણ 1981ની મેલબર્ન ટેસ્ટ છે.

ઑસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટમાં ભારતનો 59 રનથી વિજય થયો તેમાં છેલ્લા દિવસે ઑસ્ટ્રેલિયાને 83 રનમાં ઑલઆઉટ કરવામાં કપિલદેવનો સિંહફાળો હતો, તો બે કાઠિયાવાડી બૉલર કરસન ઘાવરી અને દિલીપ દોશીનું યોગદાન અત્યંત મહત્ત્વપૂર્ણ હતું.

મૅચના ચોથા દિવસે ઘાવરીએ ઉપરાઉપરી બૉલમાં જ્યોફ ડાયસન અને ગ્રેગ ચેપલને આઉટ કર્યા ત્યાર બાદ તરત જ દોશીએ ગ્રીમ વૂડને સ્ટમ્પ કરાવી દીધો અને અંતિમ દિવસે કપિલદેવે તરખાટ મચાવ્યો.

તે વખતે સૌથી મહત્ત્વની એવી કિમ હ્યુજની વિકેટ દિલીપ દોશીએ ખેરવી હતી. આ જ મૅચના પ્રથમ દાવમાં પણ દિલીપ દોશીએ ત્રણ વિકેટ ખેરવી હતી.

પાકિસ્તાન સામે 5 વિકેટ

આવી જ રીતે 1979-80માં ઑસ્ટ્રેલિયા સામે અને 1981-82માં ઇંગ્લૅન્ડ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતે ટેસ્ટ જીતી તે બંને મૅચમાં દોશીએ પાંચ-પાંચ વિકેટ ખેરવી હતી.

1982-83માં ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ ત્યારે દિલીપ દોશી ટીમના સૌથી અનુભવી ખેલાડી પૈકીના એક બની ગયા હતા.

આ સિરીઝ બેટિંગમાં ઝહીર અબ્બાસ અને બૉલિંગ ઇમરાન ખાનના આતંક માટે જાણીતી હતી, તો સામે પક્ષે મોહિન્દર અમરનાથે એકલા હાથે ભારત માટે લડત આપી હતી તેમ કહેવાતું આવ્યું છે, પરંતુ લાહોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ભારતે ડ્રો કરી તેમાં મોહિન્દરની સદી ઉપરાંત દોશીની પાંચ વિકેટ કામ કરી ગઈ હતી તે બાબતની ખાસ નોંધ લેવાઈ નથી.

ટેસ્ટ ક્રિકેટમાં તો દિલીપ દોશીને મુંબઈના વાનખેડે અને ચેન્નાઈના ચેપોક ખાતે સૌથી વધારે સફળતા સાંપડી છે પણ એ સિવાય તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વિશ્વનાં મોટાં ભાગનાં મેદાનો પર સફળ રહ્યા છે.

ખાસ કરીને કાઉન્ટી ક્રિકેટમાં દિલીપ દોશીનું યોગદાન વિશેષ રહ્યું છે. બંગાળ માટે રમવાને કારણે ઇડન ગાર્ડન્સ ખાતે તેમણે પોતાની કારકિર્દીની 898માંથી 173 વિકેટ ઝડપી છે તે સ્વાભાવિક છે પરંતુ નોટ્ટિંગહામના મેદાન પર માત્ર 21 મૅચમાં 69 વિકેટ અને બર્મિઘહામના એજબસ્ટન (જ્યાં તાજેતરમાં જ ભારતીય ટીમ ટેસ્ટ રમી હતી) ખાતે માત્ર 19 મૅચમાં 51 વિકેટ પણ દિલીપ દોશીના પ્રભાવક દેખાવની ચાડી ખાય છે.

દિલીપ દોશીની બીજી એક ખાસિયત ઊડીને આંખે વળગતી હતી તે તેમની ફિલ્ડિંગ હતી.

વર્તમાન ક્રિકેટમાં ફિલ્ડિંગ પર વધારે ભાર મૂકવામાં આવે છે અને લગભગ દરેક ખેલાડી એક ઍથ્લીટની માફક ફિલ્ડિંગ કરતો હોય છે.

પરંતુ આજથી ત્રણેક દાયકા અગાઉ ફિલ્ડિંગમાં આવી જાગૃતિ ન હતી ત્યારે પોતાની શક્તિ બચાવી રાખવા માટે દિલીપ દોશી ફાઇન લેગ કે બાઉન્ડરી પરથી બૉલિંગ કરતા હોય તે રીતે થ્રો કરતા હતા, જે એ સમયે આકર્ષણનું કેન્દ્ર રહેતું.

ગરમાગરમ ભોજન હોય કે સ્ટાઇલિશ વસ્ત્રોની વાત આવે તેમાં પણ દોશી હંમેશાં આગળ રહેતા હતા, તો સાથેસાથે તેઓ પોતાના મૃદુ સ્વભાવને કારણે પણ ટીમમાં તથા અન્ય તમામ સ્થળે આકર્ષણનું કેન્દ્ર રહેતા હતા.

ક્રિકેટમાં ઉચ્ચ કક્ષાએ તક મળે નહીં અથવા તો તેમાં વિલંબ થાય તો કેવી રીતે ધીરજ રાખીને શાનદાર પ્રદર્શન કરતા રહેવું અને તક મળે ત્યારે તેને યોગ્ય રીતે ઝડપીને કેવો પ્રભાવ દાખવવો તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલીપ દોશીની કારકિર્દી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો