ભારત વિ ઇંગ્લૅન્ડ : શું વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નબળી કડી બની ગયા છે?

    • લેેખક, વિમલકુમાર
    • પદ, વરિષ્ઠ સ્પૉર્ટ્સ સંવાદદાતા
  • છેલ્લા કેટલાક સમયથી કોહલીનું ફોર્મ ટીમ માટે સમસ્યા
  • બર્મિંઘમ ટી-20 પહેલાં કોહલી અને કોચ દ્રવિડ ચર્ચા કરતાં જોવા મળ્યા
  • રોહિત સાથે પનિંગમાં કોણ આવશે તેની ચર્ચા
  • મિડલ ઓવરમાં ધડાધડ વિકેટો ગુમાવ્યા બાદ જાડેજાનું સારું પ્રદર્શન
  • બૉલરો પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને મૅચ અને સિરીઝ ભારતને નામ કરી

બર્મિંઘમ ટી-20 મૅચની ઠીક પહેલાં સ્ટેડિયમ બહાર આ લેખકને એક રસપ્રદ નજારો જોવા મળ્યો.

ટીમ ઇન્ડિયાની બસ એજબેસ્ટનના ગેટ નંબર-3 પર આવીને થોભે છે અને તેમાં એક બાજુથી રોહિત શર્મા એકલા નીકળે છે. જ્યારે બસના બીજા દરવાજેથી વિરાટ કોહલી કોચ રાહુલ દ્રવિડ સાથે ઊતરતા જોવા મળે છે.

કોહલી અને દ્રવિડ વચ્ચે કોઈ ગંભીર મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા કરતાં તેઓ અંદર જાય છે.

આ પોતાનામાં એક અનોખી વાત હતી કારણ કે અત્યાર સુધી જ્યારે પણ ટીમ ઇન્ડિયા બસમાંથી ઊતરીને મેદાનમાં પ્રવેશ કરતી હતી ત્યારે કોહલી અને દ્રવિડ અલગઅલગ નીકળતા હતા, પરંતુ બીજી ટી-20 પહેલાં ચર્ચા એ બાબતને લઈને થઈ રહી હતી કે રોહિત શર્માનું ઓપનિંગ પાર્ટનર કોણ હશે.

અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઈશાન કિશનની જગ્યાએ કોહલી ઓપનરની ભૂમિકા ભજવી શકે છે.

તેઓ ગયા વર્ષે ભારતમાં રમાયેલી ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી ચૂક્યા છે. પણ દ્રવિડે કદાચ કોહલીને મૅચ પહેલાં એ સમજાવી દીધું કે તેમણે નંબર-3 પર જ બૅટિંગ કરવી પડશે અને તેઓ ઋષભ પંતને ટેસ્ટ ક્રિકેટના અંદાજમાં બૅટિંગ કરવા કહેશે.

બાદમાં જ્યારે ટોસ થયો અને ઇંગ્લૅન્ડે ભારતને બૅટિંગ આપી તો કૅપ્ટન રોહિત શર્મા અને ઋષભ પંતે એ જ બેફિકર અંદાજમાં બૅટિંગ કરી, જેની ક્રિકેટપ્રેમીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

છ ઓવર એટલે કે પાવરપ્લે બાદ માત્ર એક વિકેટના નુક્સાન પર 61 રન ભારતના આક્રમક ઇરાદાની ઝલક આપી રહ્યા હતા.

પહેલી વખત એક સાથે ઓપનિંગ કરનારા રોહિત-ઋષભની જોડીએ 29 બૉલમાં 49 રનની ભાગીદારી નોંધાવી. આ ભાગીદારીએ એક મોટા સ્કોર માટે પાયો નાખ્યો હતો.

બદલાઈ ગઈ છે ટીમ ઇન્ડિયાની રમવાની રીત

જાન્યુઆરી 2020થી લઈને ગયા વર્ષના ટી-20 વર્લ્ડ કપ સુધી ભારત પાવરપ્લે ઓવરમાં સરેરાશ આઠ રન પ્રતિ ઓવરથી બૅટિંગ કરતું અને 20 ટકાથી પણ ઓછા શોટ બાઉન્ડરીની બહાર પહોંચતા હતા.

પરંતુ હવે રોહિત શર્મા - રાહુલ દ્રવિડવાળા સમયમાં પાવરપ્લેમાં રનરેટ અંદાજે 8.50 અને લગભગ 35 ટકા બાઉન્ડરી હોય છે.

સારી ઓપનિંગથી શરૂ થયેલી ભારતની ઇનિંગ્સને થોડા જ સમયમાં ઇંગ્લૅન્ડે ધીમી પાડી દીધી હતી. પાવરપ્લે બાદ ઇંગ્લૅન્ડની ટીમે બૉલિંગમાં જાદુ બતાવ્યું અને ભારતની 89 રનોમાં પાંચ વિકેટ પડી ગઈ.

આ સ્કોર જૂની ટીમ ઇન્ડિયા માટે ડિફૅન્સિવ બની શકતો હતો પરંતુ દ્રવિડ-રોહિત શર્માની ટીમ મિડલ ઓવરમાં વિકેટ પડ્યા બાદ પણ ઝડપથી રન બનાવવાનો ઇરાદો છોડતી નથી.

સારી શરૂઆત બાદ ધડાધડ પાંચ વિકેટો પડ્યા બાદ બધો જ દારોમદાર વિરાટ કોહલીના અનુભવી ખભા પર હતો. જોકે, ખુદને સાબિત કરવા અને એક મોટી ઇનિંગ્સ રમવાના દબાણમાં તેમણે જલદી જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

હાલમાં નસીબ તેમનો સાથ ન આપતું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે એક બાજુ રોહિત અને રવીન્દ્ર જાડેજાને મેદાનમાં જીવનદાન મળી રહ્યા છે, ત્યારે કોહલીને એક પણ તક મળતી નથી.

ભારતે 10 બૉલમાં જ કોહલી, રોહિત અને પંતની વિકેટ ગુમાવી દીધી. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ પણ આ વખતે સારું પ્રદર્શન આપી શક્યા નહીં.

ભારતીય ટીમ પર દબાણ હતું પરંતુ દિનેશ કાર્તિકની નિષ્ફળતા છતાંય જાડેજાએ ભારતને એક એવા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી, જેનાથી સારી બૉલિંગની મદદથી જીતવાની આશા જાગી હતી.

ભુવનેશ્વર કુમારની ધમાકેદાર બૉલિંગ

ભુવનેશ્વર કુમારે હંમેશાંની જેમ સદાબહાર સ્વિંગ બૉલિંગ કરી અને ઓપનર જેસન રૉયને ખાતું ખોલ્યા વગર પૅવેલિયન ભેગા કર્યા.

બટલર પણ માત્ર ચાર રન બનાવીને ભુવનેશ્વરનો શિકાર બન્યા.

સતત બે મૅચમાં જો ઓપનરોની ખતરનાક જોડી જ એકદમ નિષ્ફળ થઈ જાય તો એવી ટીમ સિરીઝ હારે તેમાં નવાઈ નહીં.

ઇંગ્લૅન્ડની ટીમ 11મી ઓવર સુધી 61 રન પર છ વિકેટ ગુમાવી ચૂકી હતી અને મૅચ ત્યાં જ પૂરી થઈ ગઈ. ભલે ઔપચારિકતાને પૂરી કરવામાં થોડો સમય લાગ્યો.

પ્રથમ મૅચમાં 50 અને બીજી મૅચમાં 49 રનોના અંતરથી જીતે દર્શાવી દીધું કે ટીમ ઇન્ડિયા હવે ટી-20 વર્લ્ડ કપની તૈયારીને લઈને ગંભીર નિર્ણયો લઈ રહી છે.

મૅચના એક દિવસ પહેલાં ટી-20માં રમનારા કોઈ પણ ખેલાડીએ પ્રૅક્ટિસ કરી ન હતી, પરંતુ જાડેજા કોચ દ્રવિડની હાજરીમાં એક કલાક સુધી બૅટિંગ પ્રૅક્ટિસ કરતા નજરે પડ્યા હતા.

લાંબા-લાંબા છગ્ગા મારવાની વચ્ચે જાડેજા ડિફૅન્સિવ શોટ મારતા પણ જોવા મળ્યા અને કંઈક એ જ રીતે તેઓ મૅચમાં પણ રમ્યા હતા.

જાડેજા ભલે આ મૅચમાં અર્ધસદી ન ફટકારી શક્યા હોય પણ તેમની બૅટિંગના કારણે બંને ટીમો વચ્ચેના સ્કોરનું અંતર વધારવામાં મદદ કરી હતી.

પ્રેક્ટિસ બાદ જાડેજાએ અનૌપચારિક વાતચીતમાં જણાવ્યું કે થોડાક દિવસોમાં તેમની પુત્રી ઇંગ્લૅન્ડ આવી રહી છે અને કદાચ એ માટે જ તેઓ તેણીને ખુશ કરવા માટે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે.

આખરે જસપ્રીત બુમરાહ અને યુજવેન્દ્ર ચહલની બૉલિંગની વાત.

બંનેએ મળીને પાંચ ઓવરમાં માત્ર 20 રન આપ્યા અને ચાર વિકેટ મેળવી હતી. મિડલ ઓવરમાં આ બંનેએ ઇંગ્લૅન્ડના બૅટરોને કોઈ છૂટ ન આપી અને પરિણામ એ આવ્યું કે ટીમ ઇન્ડિયાએ નૉટિંઘમ સુધી પહોંચતા પહેલાં જ સિરીઝ પોતાને નામ કરી લીધી.

વિરાટ કોહલી... આગળ શું?

મૅચ પૂરી થયા બાદ જ્યારે ટીમ ઇન્ડિયા પાછી બસમાં જઈ રહી હતી. ત્યારે સમર્થકોની ભારે ભીડ હતી.

માત્ર હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા જ એવા ખેલાડી હતા, જેમણે દર્શકો તરફ જોઈને તેમનાં અભિવાદન સ્વીકાર્યાં.

કોહલી માટે સૌથી વધારે બૂમો પડી રહી હતી પણ આ વખતે કોહલી એકલા ચૂપચાપ બસમાં જઈને બેસી ગયા.

કોહલીને કદાચ એવું લાગી રહ્યું હશે કે ટી-20 સિલેક્શનની બસ ક્યાંક તેઓ ચૂકી ન જાય. કારણ કે હાલની ટીમમાં માત્ર કોહલીના ફોર્મની જ કચાશ જોવા મળી રહી છે. આ સિવાય ટીમમાં કોઈ સમસ્યા નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો