You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરી કૉન્ટ્રાક્ટર : જ્યારે ઘાતક બાઉન્સરે એક ગુજરાતી મૂળના ક્રિકેટરની કારકિર્દી રોળી નાખી
વર્તમાન ક્રિકેટમાં બૅટ્સમૅન માટે સુરક્ષાનાં સાધનોની કોઈ કમી નથી. ખરેખર તો ક્રિકેટર આખો ઢંકાઈ જાય તેટલાં સાધનો તેને માથાથી પગ સુધી રક્ષણ માટે મળી રહેતા હોય છે, પરંતુ આજથી ત્રણેય દાયકા અગાઉ આવું ન હતું, તો છ દાયકા અગાઉ તો તેની કલ્પના પણ કેવી રીતે કરી શકાય.
આ સંજોગોમાં હરીફ ટીમ ખૂંખાર ઝડપી બૉલર્સ ધરાવતી વેસ્ટ ઇન્ડીઝની હોય તો તો બૅટ્સમૅનનું આવી જ બન્યું સમજો.
એ વખતે એક ઓવરમાં બાઉન્સર્સ પર આજના જેવી મર્યાદા પણ ન હતી અને એવા જ એક બાઉન્સરે મૂળ ગુજરાતી એવા ભારતીય ટેસ્ટ ક્રિકેટર નરી કૉન્ટ્રાક્ટરની કારકિર્દી રોળી નાખી હતી.
નરી કૉન્ટ્રાક્ટર ભારતના ખ્યાતનામ બૅટ્સમૅન પૈકીના એક છે અને તેઓ ભારતીય ટીમના કૅપ્ટન પણ રહી ચૂક્યા છે.
તાજેતરમાં મુંબઈમાં નરી કૉન્ટ્રાક્ટરના માથામાં એક સર્જરી કરવામાં આવી હતી અને તેમના માથામાં રહેલી એક સ્ટીલની પ્લેટ કાઢી નાખવામાં આવી હતી. આ સમાચાર સાથે ફરીથી નરી કૉન્ટ્રાક્ટર માધ્યમોમાં ચમક્યા હતા.
ઘણાને નવાઈ લાગતી હતી કે કોઈ ક્રિકેટરના માથામાંથી સ્ટીલ પ્લેટ કાઢી નાખવામાં આવે તેમાં આટલા મોટા સમાચાર કેવી રીતે બને, પરંતુ એ પ્લેટ પણ ઐતિહાસિક હતી.
હકીકતમાં આ પ્લેટે જ એક વ્યક્તિ (ક્રિકેટર)નું જીવન બચાવ્યું હતું અને એ પ્લેટ મુકાવવાની ફરજ પડી તેને કારણે જ તેમનું ક્રિકેટ જીવન સમાપ્ત થઈ ગયું હતું.
નરી કૉન્ટ્રાક્ટર એ વખતે ભારતીય ટીમના સુકાની હતા. ભારતની ટીમ વેસ્ટ ઇન્ડીઝના કપરા પ્રવાસે ગઈ અને કૅપ્ટન તરીકે કૉન્ટ્રાક્ટરની વરણી કરવામાં આવી ત્યારે એમ લાગતું હતું કે કમસે કમ ભારત આ વખતે હારીને તો નહીં જ આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅપ્ટનને માથામાં ગ્રિફિથનો બૉલ વાગ્યો અને...
ભારતીય ટીમ બાર્બાડોઝના બ્રિજટાઉન ખાતે બાર્બાડોઝ સામે ત્રણ દિવસની ફર્સ્ટ ક્લાસ મૅચ રમી હતી. મૅચના બીજા દિવસે 17મી માર્ચે વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ પૂરી થયા બાદ ભારત બેટિંગમાં ઊતર્યું.
હજી તો ઇનિંગ્સની શરૂઆત જ હતી અને ચાર્લી ગ્રિફિથનો એક બૉલ કૉન્ટ્રાક્ટરના માથામાં વાગ્યો.
એમ કહેવાય છે કે પેવેલિયન તરફથી કોઈએ ડ્રેસિંગરૂમની બારી ખોલી અને કૉન્ટ્રાક્ટર બેધ્યાન બની ગયા અને ગ્રિફિથના બાઉન્સરને પારખવામાં થાપ ખાઈ જતાં છેલ્લી ઘડીએ તેમણે ચહેરો ફેરવી લીધો અને બૉલ તેમના માથાના પાછળના ભાગમાં ખોપરી પર વાગ્યો.
એમ પણ કહેવાતું હતું કે એ વખતે બૉલ ટકરાવાના અવાજ પેવેલિયનમાં સંભળાયો હતો.
જોકે કૉન્ટ્રાક્ટર ક્રીઝ પર પડી ગયા બાદ તેમને અન્ય ખેલાડીના ટેકાથી પેવેલિયનમાં લાવવામાં આવ્યા ત્યાં સુધી તેમની ઇજાની ગંભીરતાની કોઈને ખબર ન હતી, પરંતુ થોડી વાર બાદ તેમણે અસહ્ય દુખાવાની ફરિયાદ કરી અને તેમને બ્રિજટાઉનની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
એ રાત્રે બાર્બાડોઝમાં ભારતીય હાઇ કમિશનને ત્યાં એક પાર્ટી હતી જેમાં ભારતીય ટીમની સાથે સાથે કેરેબિયન ટીમના કેટલાક ખેલાડી પણ હાજર હતા.
આ વખતે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કેરેબિયન ટીમના સુકાની ફ્રેન્ક વોરેલે પણ આ પ્રકારની ઘાતક બૉલિંગની આકરી ટીકા કરી હતી.
એ જ સમયે હૉસ્પિટલમાં કૉન્ટ્રાક્ટર પર સર્જરી ચાલી રહી હતી અને ભારતીય ટીમના તત્કાલીન મૅનેજર અને ભૂતપૂર્વ ક્રિકેટર ગુલામ મોહમ્મદ ત્યાં હાજર હતા.
થોડી વારમાં તેમણે ટીમના અન્ય ખેલાડીઓ તથા એ વખતે ટૂર કવર કરવા ગયેલા પત્રકારો બેરી સર્વાધિકારી, ડિકી રત્નાગર અને શેશાદ્રી રામાસ્વામીને પણ હૉસ્પિટલ બોલાવી લીધા હતા.
એ વખતે ચેઇન સ્મોકર ગણાતા ગુલામ મોહમ્મદના હાથમાં સિગારેટ નહીં જોતાં જ ટીમના ખેલાડીઓ તથા પત્રકારોને મામલાની ગંભીરતા સમજાઈ ગઈ હતી.
કૉન્ટ્રાક્ટરના માથામાં સ્ટીલ પ્લેટ મૂકવી પડશે અને એ ઑપરેશન ગંભીર છે તેમ તબીબોએ જણાવતા તાત્કાલિક જ્યોર્જટાઉનથી નિષ્ણાત સર્જન (ડૉ. દેવરાજ)ને બ્રિજટાઉન લાવવાની વ્યવસ્થા કરવામાં આવી. આ વ્યવસ્થા ફ્રેન્ક વોરેલ અને ભારતના દૂતાવાસે કરી હતી.
એ વખતે દર્દીને બ્લડની જરૂર પડી ત્યારે સૌપ્રથમ હરીફ ટીમના કૅપ્ટન ફ્રેન્ક વોરેલે બ્લડ આપ્યું હતું ત્યાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓ ચંદુ બોરડે, બાપુ નાડકર્ણી અને પોલી ઉમરીગરે બ્લડ આપ્યું હતું.
અંતે સફળ સર્જરી બાદ કૉન્ટ્રાક્ટર બચી તો ગયા પણ તેમની ટેસ્ટ કારકિર્દી અધૂરી રહી ગઈ.
ટેસ્ટ ક્રિકેટની બંને ઇનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય
નરી કૉન્ટ્રાક્ટર ભારત માટે 31 ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે એક સદી અને 11 અડધી સદીની મદદથી 1611 રન ફટકાર્યા હતા, તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમની કારકિર્દી 1962ની 16મી માર્ચ બાદ પણ જારી જ રહી અને છેક 1970ના ડિસેમ્બરમાં તેઓ બરોડા સામે રણજી ટ્રૉફી રમીને નિવૃત્ત થયા.
નરી કૉન્ટ્રાક્ટર એવા પ્રથમ ભારતીય હતા (હવે ત્રણ છે) જેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીની પ્રથમ જ મૅચમાં બંને દાવમાં સદી ફટકારી હોય.
1952માં એ જ બરોડા સામે તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને 152 તથા અણનમ 102 રન ફટકાર્યા હતા.
એ વખતે માત્ર આર્થર મોરિસ (ઑસ્ટ્રેલિયા-ન્યૂ સાઉથ વેલ્સ) જ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા હતા.
અકસ્માતે ગુજરાતમાં જન્મ
કૉન્ટ્રાક્ટર તેમની કારકિર્દીમાં મોટા ભાગની મૅચો ગુજરાત માટે રમ્યા હતા તેની પાછળ પણ એક કહાણી છે.
હકીકતમાં 1934ની સાતમી માર્ચે તેમનો જન્મ 'અક્સ્માતે' જ ગોધરામાં થયો હતો.
પરંતુ એ વખતના બીસીસીઆઈના નિયમ મુજબ જન્મ થયો હોય તે જ રાજ્યમાંથી રમી શકાય કૉન્ટ્રાક્ટર ગુજરાત માટે રમ્યા હતા.
બન્યું એવું કે નરી કૉન્ટ્રાક્ટરનાં માતા એ વખતે ગોધરામાં સંબંધીને ત્યાં આવ્યાં હતાં અને ત્યાંથી મુંબઈ જવા માટે રવાના જ થતાં હતાં, પરંતુ તેમની શારીરિક હાલત જોતાં સંબંધીએ તેમને એક રાત ગોધરામાં જ રોકાઈ જવાનું કહ્યું અને ત્યાં જ બાળ નરી કૉન્ટ્રાક્ટરનો જન્મ થયો.
આમ તેઓ ગુજરાતની ધરતી પર જન્મેલા હોવાને કારણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ગુજરાત માટે રમ્યા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો