You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL Final : હાર્દિક પંડ્યાએ કરેલો એ વાયદો જે IPL ફાઇનલ જીતી પૂરો કરી બતાવ્યો
- લેેખક, ચંદ્રશેખર લૂથરા
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી હિંદી માટે
થોડા મહિના પહેલાંની વાત છે. ક્રિકેટ વિશ્લેષક તેમજ ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા હતી કે આઈપીએલની બીજી સૌથી મોંઘી ટીમનું સુકાન હાર્દિક પંડ્યાને કઈ રીતે સોંપી દેવાયું, એ પણ એવા સમયે જ્યારે તેઓ સંપૂર્ણ ફિટ ન હતા.
ગુજરાત ટાઇટન્સે 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાયેલી હરાજીમાં હાર્દિક પંડ્યાને કપ્તાન તરીકે 15 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. જોકે તે પહેલાં ટી-20 વર્લ્ડકપ દરમિયાન હાર્દિક પંડ્યાને ટીમમાંથી બહાર મુકાયા હતા.
જેને જોઈને સવાલ ઊઠતો હતો કે શું આ ટુર્નામેન્ટ માટે તેઓ કપ્તાનના પદ માટે હકદાર છે? તેનું એક કારણ એ પણ હતું કે તેઓ બૉલિંગ માટે ફિટ ન હતા.
ગુજરાત ટાઇટન્સના કપ્તાન તરીકે હાર્દિકને પહેલી પ્રેસ કૉન્ફરન્સમાં જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ આઈપીએલમાં બૉલિંગ કરતા જોવા મળશે. હાર્દિક પંડ્યા પાસે તેનો નક્કર જવાબ ન હતો પણ તેમણે કહ્યું હતું, "તે એક સરપ્રાઇઝ હશે."
આઈપીએલની 15મી સિઝનમાં ટીમને ફાઇનલ સુધી પહોંચાડવાની યાત્રામાં તેમણે પોતાના પ્રદર્શનથી એ સવાલનો જવાબ આપી દીધો છે. બૅટથી 453 રન અને બૉલિંગમાં પાંચ વિકેટ. તેમના આ ઑલરાઉન્ડ પ્રદર્શનની સાથેસાથે કપ્તાન તરીકેના અંદાજની ખૂબ ચર્ચા થઈ રહી છે.
તેમનું આ પ્રદર્શન એક રીતે સરપ્રાઇઝ સાબિત થયું છે. તેઓ ન માત્ર 140 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ બૉલિંગ કરી રહ્યા હતા, પરંતુ ટીમના કપ્તાન તરીકે પણ તેમણે ઘણી સૂઝબૂઝ દેખાડી.
બૉલિંગથી હાર્દિક પંડ્યાની વાપસી
આઈપીએલની શરૂઆતની મૅચોમાં હાર્દિક પંડ્યા બૉલિંગ નહોતા કરી શકતા. તેમણે પહેલી ચાર મૅચમાં બૉલિંગ ન કરી, પરંતુ બાદમાં વાપસી કરી. તેમણે ન માત્ર પોતાના ક્વોટાની ચાર ઓવરોની બૉલિંગ કરી પરંતુ મુશ્કેલભરી પરિસ્થિતિઓમાં બૉલિંગ વડે ટીમને રાહત પણ અપાવી છે.
આ દરમિયાન તેમણે સરેરાશ 140 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ બૉલિંગ પણ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલું જ નહીં, પાવર પ્લે દરમિયાન જ્યારે બેટર્સ શૉટ્સ મારવા પ્રયત્ન કરતા હોય છે, ત્યારે તેમણે વાજબી બૉલિંગ કરી છે. પાવર પ્લે દરમિયાન તેમણે 5.54ની સરેરાશથી રન માર્યા છે.
પાવર પ્લેમાં ઓછામાં ઓછી 10 ઓવર નાખનારા ખેલાડીઓની યાદીમાં આ ત્રીજું સૌથી સારું પ્રદર્શન છે.
હાર્દિકે આ આઈપીએલમાં વધારે વિકેટ ભલે નથી લીધી, પરંતુ તેમની વાજબી બૉલિંગથી ટીમને ફાયદો જરૂર થયો છે. અત્યાર સુધી તેમણે 26.3 ઓવરો નાંખી છે અને 7.73ની સરેરાશથી પાંચ વિકેટ પણ ખેરવી છે અને આ વિકેટ તેમણે નિર્ણાયક સમયે લીધી છે.
જ્યારે બેટિંગમાં તેમણે ટીમ માટે ઘણી વખત કટોકટીના સમયે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
પ્રથમ ક્વૉલિફાયર મૅચમાં પણ ચર્ચા ભલે ડેવિડ મિલરના છગ્ગાની થઈ હોય પણ હાર્દિક પંડ્યા કપ્તાની ઇનિંગ રમ્યા. 75 હજારથી વધુ લોકોની હાજરીમાં ચોથી વિકેટ માટે તેમણે ડેવિડ મિલર સાથે 61 બૉલમાં 106 રનની ભાગીદારી નોંધાવી અને ટીમને જીત અપાવી.
તેમણે આઈપીએલમાં અત્યાર સુધીના પોતાના પ્રદર્શનથી ખુદને નવા 'કૅપ્ટન કૂલ' સાબિત કર્યા છે. ખાસ વાત એ છે કે આ સંબોધન તેમને પોતાના મૅન્ટોર, સાથી ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના 'કૅપ્ટન કૂલ' રહેલા મહેન્દ્રસિંહ ધોની પાસેથી મળ્યું હતું.
ક્રિકેટના નવા 'કૅપ્ટન કૂલ'
હાર્દિક પંડ્યાને કપ્તાની અંગે કામયાબ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની પાસેથી શીખવા મળ્યું હશે અને મુંબઈ ઇન્ડિયન્સમાં રોહિત શર્માની કપ્તાનીથી પણ તેમને મદદ મળી હશે.
એ જ કારણ છે કે માત્ર 28 વર્ષની ઉંમરમાં તેઓ આઈપીએલમાં ઘણા અનુભવી કપ્તાનો પર ભારે સાબિત થયા અને ભવિષ્યમાં ભારતીય ટીમની કપ્તાનીના દાવેદારોમાં તેમનું નામ આવી ગયું છે, કોણ જાણે તેમને જલદી જ તક પણ મળી જાય!
જોકે, હાર્દિકે પોતાની કૅરિયર પર ધોનીની અસર અને પ્રભાવની વાત સ્વીકારે છે, તાજેતરમાં તેમણે કહ્યું, "માહીની મારા જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેઓ મારા ભાઈ, મિત્ર અને પરિવારજન જેવા છે. હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું."
આ આઈપીએલ દરમિયાન તેમણે દર્શાવ્યું છે કે ધોનીની જેમ મુશ્કેલ પળોમાં ટીમને સંભાળવી, ખેલાડીઓનો ઉત્સાહ વધારવો અને તેનો સારો એવો ઉપયોગ કરવાનો ગુણ તેમનામાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો