IPL GTvSRH: ઉમરાન મલિકના એ ચાર બૉલ જેના પર દુનિયા થઈ આફરીન

સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે બુધવારે યોજાયેલી મૅચ ખૂબ રસપ્રદ રહી હતી.

પળેપળ બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે મૅચ ક્યારેક હૈદરાબાદ તરફ તો ક્યારેક ગુજરાત તરફ ઝૂકતી દેખાતી હતી.

ટૉસ જીતીને ગુજરાતે બૉલિંગ પસંદ કરી હતી. 18મી ઓવર સુધી હૈદરાબાદે 162 રન બનાવ્યા હતા. જોકે, છેલ્લી બે ઓવરમાં શશાંકસિંહની જોરદાર બૅટિંગના કારણે ટીમનો અંતિમ સ્કોર 195 સુધી પહોંચ્યો હતો.

જોકે, ગુજરાતની બૅટિંગ દરમિયાન પણ અંતિમ ઓવર ખૂબ રસપ્રદ રહી હતી. એક ઓવરમાં 22 રનની જરૂર હતી. ત્યારે રાહુલ તેવટિયા અને રાશિદ ખાને ચાર છગ્ગા ફટકારીને ટીમને જીતાડી હતી.

આ મૅચમાં ભલે બેટ્સમૅનો ખૂબ રસપ્રદ પ્રદર્શન આપીને રોમાંચ ઊભો કર્યો હતો, પરંતુ ચર્ચામાં છે સનરાઇઝર્સ હૈદરાબાદના બૉલર ઉમરાન મલિક.

દોઢસોથી વધુની સ્પીડ પર બૉલ નાંખીને પાંચ વિકેટ

સનરાઇઝર્સ હૈદરાબાદના બૉલર ઉમરાન મલિકે ગુજરાત સામેની મૅચમાં કુલ પાંચ વિકેટ લીધી છે. જે પૈકી ચાર વખત તેમણે દોઢસોથી વધુની સ્પીડ પર બૉલ નાંખીને ખેલાડીઓને ક્લીન બોલ્ડ કર્યા હતા.

ગઈકાલની મૅચ પહેલાં તેઓ 'પર્પલ કૅપ'ની રેસમાંથી બહાર હતાં. જોકે, ગઈકાલની મૅચ બાદ તેઓ કુલ 15 વિકેટ સાથે પોતાની જ ટીમના ટી. નટરાજન સાથે બીજા ક્રમાંકે છે. 18 વિકેટ સાથે યજુવેન્દ્ર ચહલ 'પર્પલ કૅપ'ની દાવેદારી માટે પ્રથમ ક્રમાંકે છે.

22 વર્ષીય ઉમરાન મલિક જમ્મુના રહેવાસી છે અને પોતાની ડૅબ્યૂ મૅચથી જ 150થી વધુની સ્પીડ પર બૉલિંગ કરતાં આવ્યા છે.

ગઈકાલની મૅચ બાદ તેઓ આઈપીએલ 2022ના ટૉપ-6 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર'ની યાદીમાં સમાવિષ્ટ થઈ ગયા છે.

સોશિયલ મીડિયા પર છવાયા મલિક

મૅચ બાદ હર્ષા ભોગલેએ ટ્વીટ કરીને કર્યું, "કેટલાક સ્કાઉટ્સને જમ્મુ મોકલો. જ્યાંથી તેઓ આવે છે. ત્યાં તેમના જેવા અન્ય પણ હશે."

ચૅન્નઈ સુપરકિંગ્સના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી પણ ઉમરાન મલિકના વખાણ કરવામાં આવ્યા હતાં.

જ્યારે દિગ્ગજ ટૅનિસ ખેલાડી મહેશ ભૂપતિએ લખ્યું, "એક નવા સિતારાનો જન્મ થયો."

ઈરફાન પઠાણે વખાણ કરતાં કહ્યું, "ઉમરાન પેસ કા માલિક"

ગઈકાલની મૅચ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ 10 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલ પર ત્રીજા નંબરે છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ 14 પૉઇન્ટ સાથે પહેલાં નંબર પર યથાવત છે.

હૈદરાબાદ તરફથી ઑપનર અભિષેક શર્મા અને મિડલ ઑર્ડર બૅટસમૅન મરકરામે અર્ધશતકીય ઇનિંગ રમી હતી. જ્યારે ગુજરાત તરફથી રિદ્ધિમાન સાહાએ સૌથી વધુ 68 રન ફટકાર્યા હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો