પાકિસ્તાન : જ્યારે બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું, '... દરેક પાકિસ્તાનીમાં ક્યાંક ને ક્યાંક ભારત વસે છે'

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ચૅરમૅન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મંત્રી તરીકે શપથ લીધા છે. બીબીસી ઉર્દૂ સેવા અનુસાર બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના નવા વિદેશમંત્રી હશે. તેમને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલવીએ શપથ લેવડાવ્યા હતા.

આ સમયે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પણ હાજર હતા.

33 વર્ષીય બિલાવલ ભુટ્ટોનાં માતા બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનનાં વડાં પ્રધાન રહી ચૂક્યાં છે, જ્યારે તેમના પિતા આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.

બિલાવલ ભુટ્ટો 2018માં પહેલી વાર પાકિસ્તાનના સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેઓ સરકારમાં પ્રથમ વખત મંત્રીપદ સંભાળી રહ્યા છે.

જ્યારે બિલાવલ પહેલી વાર ભારત આવ્યા

બિલાવલ 10 વર્ષ પહેલાં પહેલી વાર ભારત આવ્યા હતા. 8 એપ્રિલ, 2012ના રોજ દિલ્હીમાં પગ મૂકતાં તેમણે કહ્યું હતું- "અસ્સલામ વાલેકુમ, ભારત, તમારે ત્યાં શાંતિ રહે."

ત્યાર બાદ બિલાવલ તેમના પિતા આસિફ અલી ઝરદારી સાથે ભારત આવ્યા હતા, જેઓ તે સમયે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. એ પ્રવાસમાં ભારતમાં આસિફ અલી ઝરદારી વિશે જેટલો રસ દાખવ્યો હતો, એટલો જ રસ બિલાવલમાં લોકોએ દાખવ્યો હતો.

પોતાનાં માતાને યાદ કરતાં બિલાવલે એ સમયે ટ્વિટર પર લખ્યું હતું કે, "મારી માતાએ એક વાર કહ્યું હતું કે દરેક પાકિસ્તાનમાં ક્યાંક ને ક્યાંક ભારત વસે છે અને દરેક ભારતીયના હૃદયમાં એક નાનું પાકિસ્તાન વસે છે."

તે સમયે બિલાવલ ભુટ્ટોની ઉંમર 23 વર્ષની હતી. કાળા પઠાણી પોશાકમાં બિલાવલ ભુટ્ટો તેમના પિતા સાથે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર નમાજ અદા કરવા ગયા હતા. આસિફ અલી ઝરદારી અજમેર પહોંચે તેના બે કલાક પહેલાં દરગાહને સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવી હતી.

અજમેર શરીફની મુલાકાત લીધા બાદ બિલાવલ ભુટ્ટોએ લખ્યું હતું કે ત્યાં જવાનો અનુભવ ખૂબ જ શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક હતો.

તેમની એક દિવસીય મુલાકાતમાં બિલાવલ ભુટ્ટોએ તેમના પિતા સાથે રાહુલ ગાંધી અને તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહ સાથે ભોજન લીધું હતું. જે અંગે તેમણે કહ્યું કે, "ભોજન ખૂબ જ સારું હતું, એકબીજા પાસેથી ઘણું શીખી શકાય છે."

ભારત-પાકિસ્તાનના પરસ્પર સંબંધો પર 23 વર્ષીય બિલાવલ ભુટ્ટોએ પણ ટિપ્પણી કરી હતી.

બિલાવલે લખ્યું, "આ શરમજનક વાત છે કે બંને દેશોમાં મોટી સંખ્યામાં લોકો ગરીબીમાં જીવે છે અને આપણે એકબીજાને બરબાદ કરવા માટે પરમાણુ હથિયારો પર આટલા પૈસા ખર્ચીએ છીએ. આ પૈસાનું હેલ્થ કેરમાં રોકાણ કરવું જોઈએ, બિઝનેસમાં રોકાણ કરવું જોઈએ જેથી આપણે એકબીજાના ઘા રુઝાવી શકીએ."

કેવી રીતે બન્યા વિદેશમંત્રી

એક સમયે પાકિસ્તાનમાં મુસ્લિમ લીગ (નવાજ) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને હરીફ માનવામાં આવતી હતી, પરંતુ હવે આ બંને પક્ષોની ગઠબંધન સરકાર છે. આ સરકારમાં પાકિસ્તાનમાં મુસ્લિમ લીગ (નવાજ)ના પ્રમુખ શાહબાઝ શરીફ વડા પ્રધાન છે.

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારના પતન પછી શાહબાઝ શરીફે 12 એપ્રિલે વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પછી તેમણે 38 મંત્રીઓને શપથ લેવડાવ્યા પણ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ત્યાં નહોતા.

જ્યારે કૅબિનેટમંત્રીઓએ શપથ લીધા ત્યારે બિલાવલ ભુટ્ટો રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ સમારોહમાં સામેલ હતા. તે સમયે વિદેશ મંત્રાલયની જવાબદારી કોને આપવામાં આવશે તે સ્પષ્ટ નહોતું. નિષ્ણાતોનું માનવું હતું કે વડા પ્રધાન શાહબાઝ શરીફ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને વિદેશ મંત્રાલય જેવું મહત્ત્વનું મંત્રાલય આપવા માગતા નથી.

શપથ લીધા વિના જ બિલાવલ ભુટ્ટો વડા પ્રધાન શાહબાઝ શરીફના ભાઈ અને પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને મળવા લંડન પહોંચી ગયા હતા.

નવાઝ શરીફ અને તેમની ટીમ સાથે બિલાવલ ભુટ્ટો ઝરદારીની આગેવાની હેઠળની પીપીપી ટીમની લાંબી બેઠક થઈ હતી. આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારીએ અનેક વાર 'ચાર્ટર ઑફ ડેમૉક્રેસી'નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ આ ઇતિહાસને દોહરાવવા માગે છે.

વર્ષ 2006 દરમિયાન પણ બિલાવલ ભુટ્ટોનાં માતા બેનઝીર ભુટ્ટો અને નવાઝ શરીફ વચ્ચે 'ચાર્ટર ઑફ ડેમૉક્રેસી' કરારમાં બંને પક્ષોએ કેટલાક બંધારણીય સુધારા, રાજકીય વ્યવસ્થામાં લશ્કરી સ્થિતિ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ, જવાબદારી અને સામાન્ય ચૂંટણીઓ પર સહમતી સધાઈ હતી.

આ બેઠકમાં બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે, "નવું નેતૃત્વ રાષ્ટ્રપતિ અને મિયાંસાહેબના માર્ગદર્શન હેઠળ દેશના વિકાસ માટે કામ કરશે."

નવાઝ શરીફ સાથે બિલાવલ ભુટ્ટોની આ મુલાકાત ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે આ બેઠક બાદ જ બિલાવલ ભુટ્ટોને વિદેશમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીનાં બહેન બખ્તાવર ભુટ્ટોએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે તેમના ભાઈ પાકિસ્તાનના નવા વિદેશમંત્રી તરીકે શપથ લેશે.

બખ્તાવર ઝરદારીએ ટ્વીટ કર્યું, "બિલાવલ ભુટ્ટો ગઠબંધન સરકારમાં પાકિસ્તાનના વિદેશમંત્રી તરીકે શપથ લેશે. અમને તેમના પર ખૂબ ગર્વ છે. તેઓ પહેલાં સંસદમાં પોતાની પ્રતિભા દર્શાવી ચૂક્યા છે અને હંમેશાં લોકતાંત્રિક મૂલ્યો સાથે ઊભા રહ્યા છે. હું આતુર છું, આ સફરની સાક્ષી બનવા માટે."

શાહબાઝ શરીફ વડા પ્રધાન બન્યા તે પહેલાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ તેના સહયોગીઓ સાથે પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર ચલાવતી હતી.

પરંતુ કેટલાક સભ્યો ઇમરાન સરકારમાંથી વિપક્ષી ગઠબંધનમાં ગયા હતા. નેશનલ ઍસેમ્બલીમાં ઇમરાન ખાનની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવનું મતદાન થયું ત્યારે 174 સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યા હતા અને ઇમરાન સરકારને પાડી દેવામાં આવી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો