'મને કૅન્સર છે, હું ક્યારેય સાજો થવાનો નથી, પણ હું જીવવા માગું છું'

    • લેેખક, રવિ પ્રકાશ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

જિંદગી અને મોત વચ્ચે એકમાત્ર ફરક અનુભવનો છે. જિંદગી જીવતાં આપણે જે અનુભવ મેળવીએ છીએ તેની વ્યાખ્યા કરી શકીએ છીએ, કારણ કે આપણું હૈયું ધબકતું હોય છે.

મૃત્યુના અનુભવની કથા વણકહી રહી જાય છે. મોત આવે છે ત્યારે શ્વાસનો આધાર રહેતો નથી અને એટલે જ દુનિયા પાસે મૃત્યુનો અનુભવ નથી. મોત આવે છે અને આપણે નિશ્ચેતન થઈ જઈએ છીએ.

બીજા લોકો આપણા મૃત્યુની કથા સંભળાવી શકે છે, પરંતુ મોત પછી શું થાય છે, એ અનુભવ કેવો હોય છે તે આપણે પોતે જણાવી શકતા નથી.

હા, સમાજમાં ક્યારેક એવા કિસ્સા સાંભળવા મળે છે કે મૃત્યુ પામ્યાના થોડા કલાકો બાદ કોઈ વ્યક્તિના શ્વાસ ફરી ધબકવા લાગ્યા હોય.

એ વ્યક્તિ ફરી જીવંત થઈ ત્યારે તેમના નખમાં ચોખાના દાણા, લાલ સિંદૂર અને ફૂલ હતાં. દેશનાં ગામોની માફક બિહારનાં ગામોમાં પણ આવી કથાઓ સાંભળવા મળતી હોય છે.

અલબત્ત, કથિત રીતે ફરી જીવંત થયેલી કોઈ વ્યક્તિ પણ તેના મોતના અનુભવની કથા સંભળાવી શકી નથી. મૃત્યુ ડરામણું હોય છે. આપણે મરવા ઈચ્છતા નથી, જીવવા ઈચ્છીએ છીએ. એ પણ લાંબા સમય સુધી.

ભારત જેવા દેશમાં મોટા ભાગના લોકોનું સરેરાશ આયુષ્ય 70 વર્ષનું હોય છે ત્યારે તમારી વય 50 વર્ષથી પણ ઓછી હોય અને તમારા પર મોતનો ઓછાયો તોળાવા લાગે તો શું થાય?

વિશ્વની ખતરનાક બીમારી પૈકીની એક

મારી વય 46 વર્ષની છે. જાન્યુઆરી-2021માં મને કૅન્સર થયાની ખબર પડી તેના થોડા દિવસ પહેલાં જ મેં મારો 45મો જન્મદિવસ ઊજવ્યો હતો. એ દિવસે મને થોડી ખાંસી અને હળવો તાવ હતો.

ડૉક્ટર પાસે ગયા ત્યારે પ્રારંભિક તપાસમાં ખબર પડી કે મને ફેફસાંનું કૅન્સર છે. સિટી સ્કૅનની કાળી ફિલ્મો પર ચાંદીના રંગની ચમકદાર આકૃતિઓ હતી.

એ વખતે મારી સારવાર કરી રહેલા રાંચીના ડૉ. નિશીથકુમારે કહેલું કે આ છેલ્લા તબક્કાનું કૅન્સર હોઈ શકે છે. કૅન્સરની ગાંઠો અને લિમ્ફ નોડ્સ ફેલાયેલા જોવાં મળી રહ્યાં હતાં.

આ બધું ત્યાં સુધી માત્ર તસવીરોમાં હતું. કૅન્સર તથા તેના તબક્કાની પુષ્ટિ માટે મારે અનેક પ્રકારની તપાસ કરાવવાની હતી. એ દિવસે 30 જાન્યુઆરી હતી. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ.

કૅન્સરનો સમાવેશ વિશ્વની સૌથી ખતરનાક બીમારીઓમાં થાય છે. સામાન્ય માણસ એવું માને છે કે કૅન્સર થાય એટલે જિંદગી દાવ પર લાગી જાય. કૅન્સરના દર્દીએ મરવાનું છે અને મોત કોઈ પણ સમયે આવી શકે છે.

જોકે, કૅન્સર બાબતે ચિકિત્સા વિજ્ઞાનમાં નિરંતર સંશોધન થઈ રહ્યું છે. અનેક ઉત્તમ સારવાર પદ્ધતિ પણ ચલણમાં છે.

અમાસની રાતનું ઘનઘોર અંધારું

ડૉક્ટરો કહે છે કે કૅન્સર પ્રારંભિક તબક્કામાં જ પકડમાં આવી જાય તો તેનો ઈલાજ શક્ય છે. ઘણા લોકોનો સફળ ઈલાજ થયો પણ છે.

અલબત્ત, ફરી કૅન્સર થવાની આશંકા, કૅન્સરને લીધે થતાં મૃત્યુના આંકડા અને કૅન્સરની સારવાર દરમિયાન થતી આડઅસરથી લોકો ડરે છે. તેનાં વાજબી કારણો પણ છે. કૅન્સરની સારવાર મોંઘી પણ છે.

ખેર, મને કૅન્સર થયાના નિદાનના બીજા જ દિવસે સારવાર માટે હું મુંબઈ પહોંચ્યો ત્યારે મારી આંખ સામે અમાસનું ઘનઘોર અંધારું હતું.

મુંબઈની વિખ્યાત ટાટા મેમોરિયલ કૅન્સર હૉસ્પિટલનાં ડૉ. દેવયાનીએ મારા કેટલાક ટેસ્ટ કરાવ્યા. શરીરમાં નાની-મોટી સોઈ ઘૂસવાનું શરૂ થયું. મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

એ પછીના થોડા દિવસોમાં બાયોપ્સી સહિતની બીજી જરૂરી ચકાસણી બાદ ડૉક્ટરે જણાવ્યું હતું કે મારું કૅન્સર ચોથા એટલે કે અંતિમ તબક્કામાં છે. હું લંગ કારસિનોમા મેટાસ્ટેટિકનો દર્દી છું.

આ એવી સ્થિતિ હોય છે જ્યારે કૅન્સરના કોષો તેમની પ્રાથમિક જગ્યાએથી શરીરમાં અન્ય સ્થળોએ ફેલાઈ ચૂક્યા હોય છે. એ તબક્કે કૅન્સરની સારવાર માત્ર દર્દીને સાજો કરવા (ક્યૂરેટિવ) માટે થતી નથી.

શેષ જીવનના આયોજનનો તબક્કો

ચોથા તબક્કાના કૅન્સરને અંતિમ કે ઍડવાન્સ કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે એ તબક્કે ડૉકટર દર્દીની પેલિયેટિવ કૅર ટ્રીટમેન્ટ કરે છે.

તેનો અર્થ એવી સારવાર કે જેનાથી બીમારીનું નિરાકરણ ન થાય, પણ દર્દીને કૅન્સરથી કમસે કમ પીડા થાય અને તેની જિંદગી વધુમાં વધુ દિવસો, મહિનાઓ કે વર્ષ સુધી લંબાવી શકાય.

એ પરિસ્થિતિમાં ડૉક્ટર, દર્દી પૂછે ત્યારે તેને તેના બાકી બચેલા આયુષ્ય વિશે જણાવતા હોય છે, જેથી દર્દી તેની ઈચ્છા મુજબનું આયોજન કરી શકે.

આ એ સમય હોય છે જ્યારે કૅન્સરનો દર્દી મોતના ભયની વચ્ચે પોતાની બાકીની જિંદગી વિશે વિચારી શકે છે. હું માનું છું કે આ પ્રિવિલેજ્ડ તબક્કો છે, કારણ કે પોતાનું શું થવાનું છે તે કૅન્સરનો દર્દી જાણતો હોય છે.

હું છેલ્લા સવા વર્ષથી આ પરિસ્થિતિનો સાક્ષી બની રહ્યો છું. ટાટા મેમોરિયલ હૉસ્પિટલના ડૉક્ટર મને જણાવી ચૂક્યા છે કે હું ક્યારેય સાજો થવાનો નથી અને મારા જીવનના બહુ થોડા મહિના બાકી રહ્યા છે.

જોકે, મારી સારવાર માટે અનેક ઉપચાર પદ્ધતિ છે, જે મને આ સમયગાળામાં ઠીકઠાક રાખશે.

કિમોથેરપી અને ટાર્ગેટેડ થેરપી

ડૉ. દેવયાની પછી મેડિકલ બોર્ડે મને મારી બીમારીના નિષ્ણાત ડૉ. કુમાર પ્રભાષ અને તેમની ટીમ પાસે મોકલ્યો હતો.

હું ફેબ્રુઆરી, 2021થી તેમણે સૂચવેલી કિમોથેરપી અને ટાર્ગેટેડ થેરપી લઈ રહ્યો છું.

પ્રત્યેક એકવીસમા દિવસે કિમોથેરપી, દર ત્રણ મહિને એટલે કે કિમોથેરપીની પ્રત્યેક ચાર સેશન પછી મુંબઈસ્થિત આ હૉસ્પિટલની ઓપીડીમાં મારી તપાસ અને આગામી ત્રણ મહિના માટેની દવા આ બધું હવે મારી દિનચર્યામાં સામેલ છે.

મુંબઈથી દરેક વખતે રાંચી પાછો ફર્યા પછી હું મુંબઈની આગામી યાત્રાની યોજના બનાવું છું. મને લાગે છે કે મુંબઈની હૉસ્પિટલ મારા જીવનના શ્વાસનો કોન્ટ્રાક્ટ દર ત્રણ મહિને વધારતી રહેશે.

હું આ કરારને જલદી-જલદી વધારવા ઈચ્છું છું. હું થોડા વધુ વર્ષ જીવવા ઈચ્છું છું. થોડાં વધુ વર્ષ જીવી શકીશ તો મારા જીવનની કેટલીક મહત્ત્વની જવાબદારી પાર પાડી શકીશ એવો વિચાર આવે છે. તેમ છતાં હું આવું વિચારું છું અને ખુશ થાઉં છું.

પરિવાર અને દોસ્તોની સપોર્ટ સિસ્ટમ

'અંત અને આશા' વચ્ચેની આ હાલતમાં હું ઈચ્છું તો મોતના ડરને દહેશતમાં પરિવર્તીત કરીને મારું તથા મારા પરિવારજનોનું જીવન બગાડી શકું તેમ છું.

પરંતુ હું ઈશ્વરનો આભારી છું, કારણ કે મેં ભયને શબ્દકોશનો એક શબ્દ માત્ર માનીને આશાને સહારે મારા બાકી બચેલા જીવનને વધુ ખુશખુશાલ તથા યાદગાર બનાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

હું મારી પત્ની સંગીતા, પુત્ર પ્રતીક અને તમામ દોસ્તોનો પણ આભારી છું. તેઓ કાં તો આ માર્ગમાં મારાં હમસફર છે અથવા હું જે માર્ગ પર આગળ વધી રહ્યો છું તેની સપોર્ટ સિસ્ટમ બન્યાં છે.

થોડા દિવસ પહેલાં અમે સારવાર માટે મુંબઈ ગયા હતા. 20 કિમો અને સવા વર્ષ સુધી ટાર્ગેટેડ થેરપી લીધા બાદનું એ મારું પાંચમું ફૉલોઅપ હતું.

સિટી સ્કેન અને મારી ઓપીડી તપાસ વચ્ચે ચાર રાત અને પાંચ દિવસનો ઈન્ટરવલ હતો. મેં એ દિવસો કૅન્સરની ચિંતાથી દૂર રહીને ગોવામાં માણવાનું વિચાર્યું હતું.

શરીરમાં ઠેકઠેકાણે અગણિત ઘા

મેં આ વાત પત્નીને કરી અને સિટી સ્કેન કરાવ્યા પછી હૉસ્પિટલથી સીધા ઍરપૉર્ટ પહોંચ્યાં. થોડા કલાકો પછી અમે ગોવામાં હતાં.

ખબર છે શા માટે? કારણ કે હું કૅન્સરના ડરને દહેશતમાં પરિવર્તિત કરવાનો વિરોધી છું. હું મૃત્યુના સત્યને નજરઅંદાજ કરતા લોકોનો વિરોધી છું. આપણો જન્મ થયો ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે આપણે મરવાનું છે. જે નિશ્ચિત છે તેનાથી ડરવાનું શા માટે? એ ડરને ખંખેરી નાખવા માટે હું ગોવા ગયો હતો.

ટાર્ગેટેડ થેરપીની આડઅસરને કારણે મારા શરીરમાં ઠેકઠેકાણે અનેક ઘા પડ્યા છે એ હું જાણું છું, પણ એ દર્દ મારા પર સવાર થઈ જાય એવું ઈચ્છતો નથી.

અમે ગોવામાં ચાર રાત મસ્તીભેર પસાર કરી. દવાઓ સમય પર લેવાની છે એટલું જ યાદ રાખ્યું હતું. એ સિવાય મારા કૅન્સરને ક્યારેય સંભાર્યું નહોતું. અમે ખંડેરોમાં ગયા હતાં અને ચર્ચ તથા મંદિરોમાં પણ ગયા હતાં.

તમામ બીચને ઍક્સપ્લોર કર્યા. સમુદ્રમાં સ્નાન કર્યું. રાતનો મોટો હિસ્સો દરિયાકિનારે પસાર કર્યો. ડિસ્કોમાં ગયા. બહુ બધું ખાધું.

બહુ હસ્યાં અને મુંબઈ પાછા ફરીને ઓપીડીમાં મારા ડૉક્ટર સાથે શું વાત કરવાની છે તે પણ નક્કી કર્યું.

હસતાં-હસતાં મોત આવે તો પણ...

ગોવામાં અરબી સમુદ્રનાં વાદળી મોજાં પર અમે પૅરાસેલિંગ કરવા જવાના હતા ત્યારે પત્નીએ સવાલ કર્યો હતો કે "ઉપર હવામાં તમારો શ્વાસ થંભી જશે તો?" તેણે આ સવાલ કદાચ એટલે કર્યો હતો કે મને ફેફસાંનું કૅન્સર છે.

મેં તેને જવાબ આપ્યો હતો કે "હસતાં-હસતાં મોત આવે તેનાથી વધારે સારું મૃત્યુ હોય જ નહીં. આમ પણ હવે હું મરવાનો નથી. મને કંઈ નહીં થાય."

અમે હસતાં-હસતાં પૅરાસેલિંગ કર્યું હતું.

હવે અમે પહાડોમાં જવાની યોજના બનાવી રહ્યા છીએ, કારણ કે મોતનો અનુભવ કોઈને નથી હોતો, જિંદગીનો હોય છે એ અમે જાણીએ છીએ અને અમે એ અનુભવની કથા બધાને સંભળાવવા ઈચ્છીએ છીએ.

કૅન્સર સાથે આવી રીતે પણ જીવી શકાય, દોસ્તો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો