You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડાંગ: ગુજરાતનું ચેરાપુંજી ગણાતો આ જિલ્લો દર વર્ષે ઉનાળામાં તરસ્યો કેમ રહી જાય છે?
- લેેખક, ઉમેશ ગાવિત
- પદ, બીબીસી ગુજરાતી
"અમારે જીવના જોખમે કૂવામાં ઊતરીને પાણી ભરવું પડે છે. કૂવાનું પાણી ડહોળું હોવાથી ઘરે મહેમાન આવે તો તેમને પાણી આપતાં પણ શરમ આવે છે." આ શબ્દો છે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા મોટાબરડા ગામે રહેતાં લીલાબહેન ધૂમનાં.
ડાંગને તેની નયનરમ્ય પ્રાકૃતિક નજારાઓના કારણે 'ગુજરાતના ચેરાપુંજી' તરીકે ઓળખવામાં આવે છે.
શિયાળા અને ચોમાસામાં હિલ સ્ટેશનની અનુભૂતિ કરાવતા ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભરપૂર વરસાદ પડતો હોય છે.
તેમ છતાં ઉનાળાની શરૂઆત થતાં જ ડાંગ જિલ્લામાં લીલાબહેન જેવાં સેંકડો મહિલાઓ છે જેમને પીવાનું પાણી ભરવા માટે અથાક પરિશ્રમ કરવો પડે છે.
ચોંકાવનારી બાબત એ પણ છે કે ડાંગમાં 'નલ સે જલ યોજના' અંતર્ગત નળ કનેક્શન આપવામાં આવ્યા હોવા છતાં કોઈક ને કોઈક કારણોસર પાણી ન મળવાથી મહિલાઓએ હાલાકી ભોગવવી પડી રહી છે.
કેવી છે ડાંગની ભૌગોલિક પરિસ્થિતિ?
દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રને અડીને આવેલ ડાંગ જિલ્લો ગાઢ જંગલ વિસ્તાર ધરાવે છે. જંગલ વિસ્તાર હોવાથી જિલ્લામાં ભારે વરસાદ પડે છે.
ડાંગમાં ગિરા, અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીઓ આવેલી છે. આ નદીઓ ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યાં બાદ ઉનાળામાં સૂકીભટ બની જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડાંગમાં ખેતી થતી હોવા છતાં ઉનાળો શરૂ થતાં જ પાણીની તંગી સર્જાતાં ખેડૂતો ખેતી કરવાનું સાહસ કરતા નથી.
પર્યાવરણવિદ્ નેહા સર્વન્ટ કહે છે, "ડાંગ જિલ્લો સાતપુડાના પશ્ચિમમાં આવેલો છે અને ત્યાંનો જંગલ વિસ્તાર ઢાળ અને પથ્થરો ધરાવતો હોવાથી પાણી વહી જાય છે."
પાણી બચાવવા અંગેનો ઉપાય સૂચવતાં તેઓ જણાવે છે, "વિવિધ જગ્યાએ નાના તળાવ અને ડિટેન્શન પૉઇન્ટ બનાવીને ભૂગર્ભ જળને બચાવી શકાય છે. આ સિવાય પાણીનો સંગ્રહ કરવો પણ સરળ બને છે."
ડાંગના પાણીપુરવઠા અધિકારી હેમંતભાઈ ઢીમ્મરના કહેવા પ્રમાણે, ડાંગ જિલ્લો 3 તાલુકામાં 311 ગામોમાં વહેંચાયેલો છે. જ્યાં ખીણો અને ડુંગરો આવેલાં છે. આ સિવાય 500થી 800 મિટર સુધીની ઊંચાઈ ધરાવતા ડુંગરો આવેલા છે. જેથી વરસાદી પાણી નીચે ઊતરી જાય છે. હાલમાં ડુંગરો પરથી નીચે ઊતરતા પાણીનું સંગ્રહ કરવા ડૅમ માટેની યોજના પર કામ ચાલી રહ્યું છે.
ધુડા ગામમાં રહેતા દિનેશ ભોયે જણાવે છે, "ગામમાં દર વખતે એપ્રિલ મહિનાથી પાણીની તંગી સર્જાવાની શરૂઆત થાય છે. આવા સમયે ગામમાં ટૅન્કર વડે પાણી મંગાવવામાં આવે છે. આમ તો ટૅન્કર મંગાવવાની જવાબદારી ગ્રામપંચાયતની હોય છે પરંતુ પંચાયત દ્વારા માત્ર એક વર્ષ જ પાણી મંગાવવામાં આવ્યું."
તેઓ આગળ કહે છે. "ગ્રામપંચાયત દ્વારા પાણીના ટૅન્કર મંગાવવામાં ન આવતાં હોવાથી જે લોકોને પરવડે છે તે સ્વખર્ચે પોતાના માટે પાણીની વ્યવસ્થા કરી લે છે અને બાકીના લોકોએ ચાલીને દૂર સુધી જવું પડે છે. એમ નથી કે પાણીના સ્રોત જ નથી, પરંતુ સરકાર દ્વારા આ સ્રોતનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી."
"નલ સે જલ યોજના અંતર્ગત ફક્ત ત્રણ દિવસ પાણી આપવામાં આવ્યું"
ડાંગના વઘઈ તાલુકાના મોટાબરડા ગામે રહેતાં લીલાબહેન રામદાસભાઈ ધૂમ જણાવે છે, "અમારા ગામના કૂવા તૂટી ગયા છે. જીવના જોખમે પાણી ભરવા જવું પડે છે. કૂવામાં પણ પાણીનું સ્તર નીચે જતાં અમારે અંદર ઊતરવું પડે છે. પાણી ડહોળું હોવાથી ઘરે આવતા મહેમાનોને આપતાં શરમ આવે છે."
તેઓ આગળ કહે છે, "ગામમાં નળ કનેક્શન તો છે પરંતુ તેમાંથી આવતું પાણી ફક્ત ઢોર માટે કે અન્ય કામ માટે જ વપરાય તેમ છે. જ્યારે પીવાના પાણી માટે તો કૂવાનો જ સહારો છે. નજીકના કૂવામાં પાણી ખૂટી જતાં ત્રણેક કિલોમિટર દૂર જવું પડે છે."
લીલાબહેનના કહેવા પ્રમાણે, તેમનું ગામ ડુંગર પર હોવાથી તેમને ભૂગર્ભ ટાંકા બનાવી આપવામાં આવ્યા છે, પરંતુ તેમાં સંગ્રહ કરાયેલું પાણી ખૂબ જ કરકસરપૂર્વક વાપર્યા બાદ માર્ચ મહિના સુધી જ ટકે છે. જ્યારે ઉનાળામાં પાણીની પરિસ્થિતિ દર વર્ષે યથાવત્ રહે છે.
કિરલી ગામમાં રહેતાં સોનીબહેન અન્યાભાઈ પવાર જણાવે છે કે તેમના ગામમાં છ મહિના પહેલાં 'નલ સે જલ યોજના' અંતર્ગત ફક્ત ત્રણ દિવસ પાણી આપવામાં આવ્યું હતું. તેમાં પણ એક ઘડો ભરાય એટલું જ પાણી આવતું હતું.
તેઓ કહે છે, "હજુ ઉનાળો શરૂ જ થયો છે અને કૂવામાં પાણી ખૂટી ગયું છે અને બોરમાંથી પાણી ભરવા માટે સવારે ત્રણ વાગ્યે ઊઠીને બે કિલોમિટર દૂર ચાલીને જવું પડે છે. બોરમાંથી પાંચેક ઘડા પાણી ભર્યા બાદ રાહ જોવી પડતી હતી. જેના કારણે ઘરનું કામ પણ અટકી જાય છે."
અત્યારે સોનીબહેન રોજ પોતાના ઘરેથી ચાર કિલોમીટર દૂર પાણી ભરવા જાય છે. તેમના પુત્ર અમૂલભાઈ ગામમાં પાણીની સમસ્યાને લઈને અવારનવાર રજૂઆતો કરતા આવ્યા છે. જોકે, આમ કરવા છતાંય તેમને ગ્રામજનોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે.
અમૂલભાઈ જણાવે છે, "મારી મમ્મીને પાણી ભરવામાં પડતી તકલીફને જોઈને મેં પાણી પુરવઠાઅધિકારીથી લઈને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરી છે પણ અમારા ગામના લોકો જ અમને ખોટા ઠેરવે છે. મારું કહેવું છે કે જો પ્રશ્નોની રજૂઆત નહીં કરીએ તો અધિકારીઓને ખબર કઈ રીતે પડશે."
તેઓ આગળ કહે છે, "અમારી આસપાસનાં ગામડાંમાં પાણીની સમસ્યાના કારણે લોકોનાં લગ્ન તૂટતાં જોયાં છે. ગામમાં પાણીની સમસ્યા હોય ત્યાં લોકો છોકરી આપવાનું પણ ટાળી રહ્યા છે."
શા માટે પાણીનો સંગ્રહ નથી
ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે પાણી વહેણ મારફતે નદીઓમાં વહી જાય છે. ડુંગરોમાં ભાગ્યે જ પાણીનો સંગ્રહ થઈ શકે છે.
ત્યારે પાણી બચાવવા માટે જંગલ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડૅમ બનાવવામાં આવ્યા છે. જે ઉનાળાની શરૂઆત થતાં જ સૂકાભટ થઈ જાય છે.
પર્યાવરણ સુરક્ષા સમિતિના સભ્ય રોહિત પ્રજાપતિ જણાવે છે કે સ્થાનિક કક્ષાએ પરિસ્થિતિ વિષયક સમજ ધરાવતા લોકોની વાતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. વરસાદનું પાણી જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળનો સંગ્રહ જરૂરી છે.
તેઓ કહે છે, "ડાંગમાં શબરીધામ અને સાપુતારામાં વિકાસના નામે સરકારનો હસ્તક્ષેપ સમજ બહાર છે. તેનાથી ફક્ત પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. નદી કોતરની લિંક તોડવામાં આવી છે."
ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ ચીંચલી ગામના આગેવાન વિજય ચૌધરી કહે છેકે ઉનાળા દરમિયાન ડૅમ, તળાવ અને કૂવા સુકાઈ જાય છે. જેના કારણે પૂર્વ પટ્ટી વિસ્તારના મોટાભાગના લોકો બળદગાડું કે પીક-અપ વાન દ્વારા આશરે કિલોમિટર દૂર પાણી ભરવા જાય છે.
તેઓ વધુમાં જણાવે છે, "ઉનાળામાં પાણીની સમસ્યાના કારણે લોકો પિયત ખેતી કરી શકતા નથી. તેથી પૂર્વ પટ્ટી વિસ્તારમાં લોકો મજૂરીકામ માટે બહાર જાય છે. આ ઉપરાંત સરકારની યોજનાઓ પણ પરિપૂર્ણ જોવા મળતી નથી. સરકારી કામ અધૂરું કરવામાં આવે છે એટલે પાણીની સમસ્યાઓ હલ થઈ શકતી નથી."
ભૂગર્ભ જળ અને પીવાના પાણી માટેની શું વ્યવસ્થા?
ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા 'નલ સે જલ યોજના' શરૂ કરવામાં આવી છે પરંતુ કૂવા અને તળાવ સૂકાઈ જવાથી નળમાં પાણી પહોંચી શકતું નથી.
જે ગામડાંમાં પાણીની ભારે તંગી હોય છે ત્યાં ઉનાળામાં ભૂગર્ભ ટાંકીઓ પાણી સમસ્યા નિવારવાનો અકસીર ઉપાય સાબિત થઈ શકે છે.
વાસ્મો યોજના દ્વારા ભૂગર્ભ જળના ટાંકા તૈયાર કરવામાં આવે છે. ચોમાસા દરમિયાન આ ભૂગર્ભ ટાંકીઓમાં પાણીનો સંગ્રહ કરી રાખવામાં આવે છે. જે ઉનાળા દરમિયાન ઉપયોગમાં આવે છે.
જિલ્લાનાં 100 ગામડાંમાં ઉનાળામાં પાણીની તંગી વર્તાય છે. આ ગ્રામ્ય વિસ્તારોમાં વાસ્મો યોજના દ્વારા 7,126 પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે. જેમાં ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ કરીને તેને ઉનાળા દરમિયાન ઉપયોગમાં લઇ શકાય.
ડાંગ જિલ્લા વાસ્મો યોજના અને પાણીપુરવઠા અધિકારી હેમંત ઢીમ્મરે જણાવ્યું કે સરકારની વાસ્મો યોજના દ્વારા હયાત કૂવા અને બોરમાં વસતિના ધોરણે સ્ટોરેજ બનાવીને ગામમાં નળ કનેક્શન દ્વારા પાણી પહોંચાડવાનું હોય છે. એક હજારની વસતિએ 100 લિટરના સ્ટોરેજ બનાવીને પાણી પહોંચાડે છે.
તેઓ વધુમાં જણાવે છે, "કૂવા અને બોર ઉનાળામાં સુકાઈ જવાથી હાલમાં ડૅમ આધારિત પાણી પહોંચાડવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. જેમાં આઠ થી દસ ગામો વચ્ચે એક એમ કુલ 69 ડૅમ બનાવવામાં આવશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો