You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છ : દરિયાનાં ખારાં પાણીથી કચ્છ જેવા રણપ્રદેશમાં ખેતી કઈ રીતે કરી શકાય?
- લેેખક, ક્લોઈ બર્ગ અને સની ફિટ્ઝેરાલ્ડ
- પદ, બીબીસી ફ્યૂચર
ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકાંઠો અને કચ્છનો રણપ્રદેશ ધરાવતું એક એવું રાજ્ય છે જ્યાં પીવાના પાણી તથા ખેડૂતો માટે સિંચાઈનાં પાણીની સમસ્યા એક સામાન્ય વાત છે.
વૈજ્ઞાનિકો અનુસાર આવનારા સમયમાં પીવા માટેનું જળ તથા ખેતીલાયક પાણીની અછત એક મોટી સમસ્યા બનવા જઈ રહ્યું છે ત્યારે શું ગુજરાત જેવા લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્ય માટે સમુદ્રનાં ખારાં પાણીનો ઉપયોગ કરવાનો કોઈ ઉપાય છે?
સવાલ એ છે કે તાજું પાણી ઉપલબ્ધ ન હોય તો શું કરવાનું? આપણી જળવ્યવસ્થા પર દબાણ વધાર્યા વિના વિશ્વની માગને સંતોષવાનો કોઈ ઉપાય છે ખરો? આપણી પાસે ખેતીલાયક પાણીનો અમર્યાદ સ્રોત વાસ્તવમાં હોઈ શકે?
વિશ્વમાં પાણીની અછતવાળા વિસ્તારોમાં વસ્તી પણ સતત વધતી રહે છે અને જ્યાં કશું ઉગાડી શકાય તેમ ન હોય એવા વિસ્તારોમાં ખાદ્યસામગ્રીની માગ પણ વધતી રહે છે. તેમાં આબોહવાની કટોકટીને કારણે આ સમસ્યા વકરી રહી છે.
વિશ્વના ઘણા લોકોના અસ્તિત્વ માટે પાણીનો અભાવ એક ગંભીર જોખમ છે અને આબોહવામાં પરિવર્તનને કારણે સર્જાતા દુકાળને કારણે તેમની મુશ્કેલી બમણી થઈ રહી છે.
વિશ્વ આરોગ્ય સંગઠને (ડબલ્યુએચઓ) આગાહી કરી છે કે 2025 સુધીમાં વિશ્વની કુલ પૈકીની અડધોઅડધ વસ્તી પાણીની અછતવાળા વિસ્તારોમાં રહેતી હશે. એ વિસ્તારોમાં સ્વચ્છ, વપરાશ યોગ્ય પાણીની માગ પાણીના ઉપલબ્ધ પુરવઠા કરતાં વધારે હશે. તો સમાધાન શું?
કેટલાક સંશોધકો કહે છે કે આપણા સૌથી કિંમતી સ્રોતને બચાવવાનો ઉપાય કદાચ આપણી સામે જ છે. બ્રિટનસ્થિત સીવૉટર ગ્રીનહાઉસ સંસ્થાના સ્થાપક અને ડિરેક્ટર ચાર્લી પેટન કહે છે કે "પૃથ્વી પર પાણીનો પુરવઠો મર્યાદિત પ્રમાણમાં છે એમ કહેવું ખોટું છે, કારણ કે તે પ્રચૂર પ્રમાણમાં ઉપલબ્ધ છે. આપણે તેનું વ્યવસ્થાપન યોગ્ય રીતે કરતા નથી."
પૃથ્વી પર તાજાં પાણીનો પુરવઠો કદાચ મર્યાદિત પ્રમાણમાં હશે, પરંતુ સીવૉટર ગ્રીનહાઉસના પ્રોજેક્ટ્સમાં, સમુદ્રના પાણી અને સૂર્યપ્રકાશ જેવા બે અમર્યાદ સ્રોતનો ઉપયોગ રણની વચોવચ ખેતી માટે કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેટન અને તેમની ટીમે છેલ્લા દાયકામાં ઓમાન, સંયુક્ત આરબ અમિરાત તથા ઑસ્ટ્રેલિયામાં અને તાજેતરમાં સોમાલીલૅન્ડમાંના સૂકાભઠ, સૂર્યપ્રકાશિત તટીય વિસ્તારોમાં સીવૉટર ગ્રીનહાઉસીઝ સફળતાપૂર્વક પ્રસ્થાપિત કર્યાં છે.
ડિસેલિનેશન એટલે કે સમુદ્રના પાણીને મીઠું બનાવવાની નાવીન્યસભર પદ્ધતિ વડે, સંપૂર્ણપણે સૂર્યઊર્જાથી સંચાલિત આ ગ્રીનહાઉસ કામગીરીમાં ખારા પાણીને સમુદ્રમાંથી પાઇપ વડે કુવામાં લાવીને તેનો ઉપયોગ ખેતીલાયક પરિસ્થિતિ સર્જવા માટે કરવામાં આવે છે.
કેટલાંક ગ્રીનહાઉસીઝ પ્રભાવશાળી કામગીરી કરી રહ્યાં છે. સૂર્યપ્રકાશિત વિસ્તારોમાં સ્ટીલની ફ્રેમ તથા કાચનાં બિલ્ડિંગ્ઝ બનાવવામાં આવ્યાં છે, જ્યારે બીજા કેટલાક લાકડાના માળખા આસપાસ કેન્વાસ શીટ્સ લગાવીને બનાવવામાં આવ્યાં છે, પણ એ બધાની અંદર જે છે તે વધારે મહત્ત્વનું છે.
રણમાં ફળો તથા શાકભાજી ઉગાડવાનું મુશ્કેલ છે, પરંતુ રસભરી કાકડી, મોટા ટામેટાં અને ચળકતી લાલ રાસબરી રણમાં ખેતી ન કરી શકાતી હોવાની ધારણાને ખોટી સાબિત કરે છે.
આ પ્રકલ્પોએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને 2017માં જોર્ડનના અકાબાના અખાત નજીકના રાતા સમુદ્રથી 15 કિલોમિટર દૂર આવેલા તપતા ભૂખંડમાં મૃગજળની માફક સહારા ફૉરેસ્ટ પ્રોજેક્ટ આકાર પામ્યો હતો. ફૂટબૉલના ચાર મેદાનો જેટલા મોટા આ ગ્રીનહાઉસ પ્રોજેક્ટમાં સમુદ્રના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
સોમાલીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાના કેટલાક હિસ્સાઓની માફક જોર્ડન પણ સીવૉટર ગ્રીનહાઉસ ટેકનૉલૉજીના ઉપયોગ માટેનું આદર્શ સ્થળ છે. ત્યાં ગરમ અને સૂકીભઠ આબોહવા હોય છે. પાણીની સૌથી વધુ અછત ધરાવતા દેશોની વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં આ દેશ પાંચમા ક્રમે છે અને તે ખારાં પાણીના સ્રોતની નજીક આવેલો છે.
આ પ્રોજેક્ટના મૅનેજિંગ ડિરેક્ટર જેટિલ સ્ટેક કહે છે કે "સમુદ્રનું ખારું પાણી, સૂર્યપ્રકાશ અને રણપ્રદેશ પૃથ્વી પર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. ખાદ્યસામગ્રી, પીવાલાયક પાણી અને સ્વચ્છ ઊર્જાની આપણને સૌથી વધારે જરૂર છે અને આપણે એ સ્રોતોનો ઉપયોગ આ બધા માટે કરવો જોઈએ. કુલ પૈકીના પીવાલાયક 80 ટકા પાણીનો ઉપયોગ અત્યારે ખેતી માટે કરવામાં આવે છે. 2050 સુધીમાં વિશ્વની વસ્તીમાં જંગી વધારો થશે ત્યારે આપણે પૃથ્વીને નુકસાન પહોંચાડ્યા વિના એ બધાનું પેટ કઈ રીતે ભરીશું?"
સમુદ્રના પાણી વડે ખેતી કઈ રીતે કરવી?
ગ્રીનહાઉસીઝની અંદર છોડવાઓ તથા શાકભાજીનો એક ઠંડો, ભેજવાળો દ્વીપકલ્પ વિકસે છે. રસાદાર ફળો, સલાડના પાન અને રીંગણાં જેવાં શાકભાજી ઉગાડવા માટે સામાન્ય રીતે મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે, પરંતુ સીવૉટર ગ્રીનહાઉસની વિશેષતા એ છે કે અહીં પાણીનો અસરકારક રીતે પુનઃવપરાશ કરી શકાય છે.
પ્લાન્ટ્સ વિકસે પછી તેઓ તેમનામાંના વધારાના પાણીનું તેમનાં પાંદડાં તથા પુષ્પો મારફતે ટ્રાન્સ્પિરેશન નામની પ્રક્રિયા અનુસાર બાષ્પીકરણ કરે છે.
ગરમ અને સુકા વાતાવરણમાં છોડવાઓ વધારે ઝડપથી પાણી ગુમાવતા હોય છે. પેટન કહે છે કે "આ પ્રક્રિયા ભીના કાગળને સૂકવવા માટે તાર પર લટકાવવા જેવી છે. વાતાવરણ વાદળછાયું હશે તો તે સુકાશે નહીં, પરંતુ તે સાઉદી અરેબિયામાં સૂકવવામાં આવ્યો હશે તો 10 જ મિનિટમાં સૂકાઈ જશે."
તેઓ સમજાવે છે કે રણમાં ખેતી કરવા માટે ગ્રીનહાઉસની અંદર બ્રિટન જેવી ભેજવાળી આબોહવા સર્જવી પડે છે. ઠંડાગાર, ભેજવાળા હવામાનનો અર્થ એ કે છોડવાઓને વિકસવાં માટે ઓછા તાજાં જળ અને ઓછી સિંચાઈની જરૂર પડશે. તેથી આ ખેતીમાં પાણી ઓછું વપરાશે અને ખર્ચ પણ ઓછો થશે.
સીવૉટર ગ્રીનહાઉસીઝમાં અનુકૂલિત પૅડ ઍન્ડ ફૅન ટેકનૉલૉજી વડે આ શક્ય બને છે. પંખાઓ હવાને પાણીમાં ભીંજાયેલા પૅડ્ઝમાં ધકેલે છે. ઊભા લટકાવવામાં આવેલા કાર્ડબોર્ડનાં લેયર્સ વરાળ ઉત્પન્ન કરે છે, જે ગ્રીનહાઉસમાં ભેજનું સર્જન કરે છે અને ઉષ્ણતામાનમાં 15 ડિગ્રી સેલ્સીયસ સુધી ઘટાડો કરે છે.
પરંપરાગત પૅડ ઍન્ડ ફૅન સિસ્ટમમાં તાજા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે સીવૉટર ગ્રીનહાઉસમાં સમુદ્રનાં ખારાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ બન્ને કિસ્સામાં પરિણામ એકસરખું જ મળે છે. હવાને પૅડમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે પાણીમાંથી ખારાશ અલગ થઈ જાય છે અને બ્રાઇન તરીકે ઓળખાતા પ્રચૂર ક્ષારવાળા આ પાણીનો ઉપયોગ ગ્રીનહાઉસને ઠંડુ રાખવા માટે કરવામાં આવે છે.
પેટનના જણાવ્યા મુજબ, "બાષ્પ ઉત્સર્જનયુક્ત કૂલિંગ"ના હેતુ માટે તાજા પાણીને બદલે બ્રાઇન વધારે અસરકારક હોય છે. તાજા પાણીની સરખામણીએ બ્રાઇનમાં હાયર બૉઇલિંગ પૉઇન્ટ (ઉત્કલનબિન્દુ)અને લોઅર ફ્રીઝિંગ પૉઇન્ટ (થીજાંક) બન્ને વધારે હોય છે, જે કૂલિંગ માટે વધારે ઉપયોગી છે. બ્રાઇન દ્વારા હીટ ઍનર્જી ઍબ્સૉર્બ કરી લેવામાં આવે છે, કારણ કે તેમાંથી વધુ જળનું બાષ્પીભવન થાય છે. પરિણામે પ્લાન્ટ્સની આસપાસની હવાને ઠંડી કરવામાં મદદ મળે છે. તે ઘટ્ટ થાય છે અને તાજું પાણી પાક માટે સિંચાઈનું કામ કરે છે, ગ્રીનહાઉસની બહારના લૅન્ડસ્કૅપને ફરી તાજોમાજો બનાવે છે અને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે છે.
ડિસેલિનેશનના પરંપરાગત પદ્ધતિ ખર્ચાળ છે અને તેમાં ક્ષારયુક્ત બ્રાઇનને ફરી સમુદ્રમાં ઠાલવવામાં આવે છે. તેથી નાજુક ઇકોસિસ્ટમને નુકસાન થાય છે, પરંતુ સીવૉટર ગ્રીનહાઉસ મૉડલ પર્યાવરણ માટે અનુકૂળ છે. કૂલિંગ સાયકલમાં ઉપયોગમાં લેવાયા ન હોય તેવા તમામ બ્રાઇનનું બાષ્પીભવન કરીને તેમાંથી નમક બનાવવામાં આવે છે. પેટનના જણાવ્યા મુજબ, તેમનો હેતુ "ડિસેલિનેશનમાંથી ઝીરો ડિસ્ચાર્જ"નું લક્ષ્ય હાંસલ કરવાનો છે.
ભાવિ વૃદ્ધિ માટે ભૂતકાળ પર નજર
સીવૉટર ગ્રીનહાઉસ પ્રમાણમાં નવો વિચાર છે અને તેમાં હાલ ઉપલબ્ધ ટેકનૉલૉજી તથા ડિઝાઇનના તત્વોનું સંયોજન થાય છે. એ પૈકીની કેટલીકનાં મૂળ તો મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં છે.
પેટન કહે છે કે "આરબ વાસ્તુકળામાં દિવાલો પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે, કારણ કે પાણીનું બાષ્પીભવન તે સ્થળને ઠંડુ કરશે. ઈરાનમાં એવા ઘણા જૂના મહેલો છે, જેમાં વાતાનુકૂલન માટે અત્યાધુનિક ઇવાપૉરેટિવ કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ બહૂ જૂની ટેકનૉલૉજી છે."
પાણીની બાકીની વરાળ દ્વિપકલ્પ જેવી આબોહવા સર્જે છે અને ડિસેલિનેટેડ પાણીના ઉપયોગ વડે આજુબાજુના વિસ્તારને ફરી હરિયાળો બનાવીને કાયમી પરિવર્તન લાવવાની તથા આજના રણમાં વનનું ફરી સર્જન કરવાની સહારા ફૉરેસ્ટ પ્રોજેક્ટની યોજના છે.
પેટન કહે છે કે "વનસ્પતિવાળા ભેજયુક્ત વિસ્તારમાંથી સૂકાભઠ બની ગયા હોય એવા ઘણા વિસ્તારો મેં મારા જીવનકાળમાં જોયા છે."
વિશ્વભરમાં થઈ રહેલા જંગલોના વિનાશથી પર્યાવરણને પ્રચંડ નુકસાન થતું હોવા ઉપરાંત હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષતાં વૃક્ષોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થાય છે.
સ્ટેક કહે છે કે "અમે રણને લીલાછમ બનાવવા ઇચ્છીએ છીએ. જેટલા વધુ વિસ્તારને હરિયાળો બનાવી શકીશું, જમીનમાં તેટલા વધારે પ્રમાણમાં કાર્બન સંગ્રહિત થઈ શકશે."
રિવેજીટેશનની આ કામગીરી બાષ્પીભવનની કુદરતી પ્રક્રિયાને સરળ બનાવીને જળચક્ર સુધારવામાં મદદ કરી શકે છે, તે આખરે પૃથ્વી પર વધારે વરસાદ ખેંચી લાવશે.
વધતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલોનો સફાયો અને શહેરી વિકાસ થઈ રહ્યો છે. તેના કારણે ઉપરોક્ત પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. આ વાત સમજાવતાં પેટન કહે છે કે "જમીન પર કંક્રિટ અથવા ડામર પાથરવામાં આવે છે ત્યારે બાષ્પીભવનના અંશમાં ઘટાડો થાય છે. સમાજ તો વિકાસ પામે છે, પરંતુ જળચક્રની ચિંતા કોઈ કરતું નથી."
આ સિદ્ધાંત તો અત્યંત આકર્ષક છેઃ આપણી પાસે પુષ્કળ સંસાધનો છે. તેનો ભરપૂર ઉપયોગ કરો. પછી તેની બાય-પ્રોડક્ટ બનાવો અને તેનો પણ ભરપૂર ઉપયોગ કરો. ખેતીની આવી કેટલી પદ્ધતિઓ બધી રીતે લાભકારક છે?
સ્ટેકના જણાવ્યા મુજબ, જોર્ડનમાં તો બે મહિના બાદ જ ગ્રીનહાઉસીઝની બહાર છોડવાઓ ખીલ્યા હતા.
પેટનના સીવૉટર ગ્રીનહાઉસ પ્રોજેક્ટસને રિવેજીટેશનમાં પણ સમાન સફળતા મળી છે. તેઓ જણાવે છે કે, "ઓમાનમાંની સાઇટની આજુબાજુની જમીન બે દિવસમાં જ પરિવર્તન દેખાવા લાગ્યું હતું. બધી સાઇટ્સમાં આટલી પ્રગતિ જોવા મળી નથી. કેટલીક તો આજે પણ રણમાં બનાવવામાં આવેલા એકલવાયા ગ્રીનહાઉસીઝ જેવી લાગે છે. તેમાં હોવી જોઈએ તેટલી હરિયાળી દેખાતી નથી."
આર્થિક પોસાણક્ષમતા
સીવૉટર ગ્રીનહાઉસીઝને પર્યાવરણીય લાભ ઉપરાંત આ ટેકનૉલૉજી મોટી આર્થિક વૃદ્ધિ, પર્યાવરણને અનુકૂળ રોજગારનું સર્જન કરી શકે છે તેમજ ખેતીમાં આત્મનિર્ભર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે. તેથી સંબંધિત દેશોની આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થઈ શકે છે અથવા સોમાલીલૅન્ડ જેવા સ્થળોના કિસ્સામાં ખાદ્યાન્ન સહાય ઉપલબ્ધ થઈ શકે છે.
ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં આત્યંતિક હવામાનને કારણે ખેતી કરવાનું મુશ્કેલ હોય છે ત્યારે સીવૉટર ગ્રીનહાઉસીઝ પ્રતિકૂળ હવામાનમાં પણ એકધારા કૃષિ ઉત્પાદનની સંભાવના ઑફર કરે છે. ઑસ્ટ્રેલિયાના પોર્ટ ઑગસ્ટાના સનડ્રૉપ ફાર્મ્સમાં સ્થાપવામાં આવેલા સીવૉટર ગ્રીનહાઉસમાં ઑસ્ટ્રેલિયાના કુલ પૈકીના 15 ટકા ટામેટાંનું ઉત્પાદન થાય છે.
પેટન કહે છે કે "અમારી જરૂરિયાત પૂરતું શુદ્ધ પાણી બનાવવાની અને કૂલિંગ તથા ઍરકન્ડિશનિંગની બાબતમાં અમે આત્મનિર્ભર છીએ. અમે પ્રતિકૂળ હવામાનમાં ખેતી કરીએ છીએ અને સુપરમાર્કેટેસને અમારું ઉત્પાદન પસંદ છે."
સહારા ફૉરેસ્ટ પ્રોજેક્ટમાં ઉત્પાદિત શાકભાજીના કેટલાક હિસ્સાનું વેચાણ જોર્ડનની સ્થાનિક માર્કેટ્સમાં કરવામાં આવે છે.
કંપનીએ ઇટાલિયન કૉસ્ટા તથા એઆઈડીએ ક્રૂઝ શિપ્સ સાથે કરાર કર્યા છે. એ કરાર હેઠળ સીવૉટર શાકભાજીનો સમાવેશ ઑન-બોર્ડ મેન્યૂમાં કરવામાં આવ્યો છે.
કોવિડ-19 મહામારીને કારણે પ્રવાસ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હોવાથી આ વ્યવસ્થા કામચલાઉ રીતે બંધ છે, પરંતુ રોગચાળાના અંત પછી તે ફરી શરૂ થવાની આશા છે. શાકભાજીની નૉર્વેમાં નિકાસ કરવાની યોજનાનું કામ પણ ચાલી રહ્યું છે.
પેટનના જણાવ્યા મુજબ, "પ્રવાસન ઉદ્યોગ માટે વધુ ટકાઉ વિકલ્પો પૂરા પાડવાની બાબતમાં સીવૉટર ગ્રીનહાઉસીઝ વધારાની ભૂમિકા ભજવી શકે તેમ છે. દાખલા તરીકે, સાઉદી અરેબિયામાં એક જંગી પ્રવાસન પ્રકલ્પનું કામ ચાલી રહ્યું છે, જેમાં ડિસેલિનેટેડ પાણીની મોટા પ્રમાણમાં જરૂર પડશે."
પેટન કહે છે કે "તેઓ 'હોતા હૈ, ચલતા હૈ'નો અભિગમ અપનાવશે તો ગલ્ફ તથા રાતા સમુદ્રમાં બ્રાઇન વેસ્ટને કારણે ક્ષારનું પ્રમાણ વધશે અને તેની સમુદ્રી જીવન પર અત્યંત માઠી અસર થશે. તેના બદલે તેઓ બ્રાઇનનો ઉપયોગ બાષ્પીભવનકારક કૂલિંગ માટે કરશે તો તે હરિયાળી તથા ઠંડક સર્જવાની બાબતમાં પ્રચંડ સામર્થ્યવાન સાબિત થશે. પ્રક્રિયાને આગળ વધારવા તેઓ અક્ષય ઊર્જાનો ઉપયોગ કરશે તો પણ તેની કાર્બન કૅપ્ચર ક્ષમતા જોરદાર હશે."
સીવૉટર ગ્રીનહાઉસીઝની વધુ એક આવડત બ્રાઇન વેસ્ટમાંથી લિથિયમ, કોબાલ્ટ અને મેગ્નેશિયમ જેવાં પદાર્થો તારવવાની છે.
આ સામગ્રીનો અન્ય ઉદ્યોગોમાં ઉપયોગ માટે વેચી શકાય.
પેટન કહે છે કે "સમુદ્રનાં પાણીમાં લિથિયમ સારાં એવાં પ્રમાણમાં હોય છે, પરંતુ તે અત્યંત પાતળાં સ્વરૂપમાં હોય છે. અમે સમુદ્રનાં પાણીનું બાષ્પીભવન કરીએ છીએ, તેથી અમને બ્રાઇન પદાર્થ સ્વરૂપે મળે છે. તેને કારણે તેમાંથી મૂલ્યવાન પદાર્થો તારવવાનું ઘણું આસાન બની જાય છે."
સ્પર્ધાનો પડકાર
પર્યાવરણને અનુકૂળ અનેક અન્ય ઉદ્યોગની માફક સીવૉટર ગ્રીનહાઉસીઝે પણ પડકારોનો સામનો કરવો પડ્યો છે.
પેટનના જણાવ્યા મુજબ, "શરૂઆતમાં તો તેને વર્તમાન કૃષિ નીતિઓ તથા ભાગીદારી પરનું જોખમ ગણવામાં આવતી હતી. આ પ્રોજેક્ટને કારણે સર્વસામાન્ય કૃષિ નીતિ હેઠળ લાભ મેળવતા યુરોપના મોનોપૉલી ઉત્પાદકોનું હિત જોખમાશે તેવો ભય આ ક્ષેત્રના હિતધારકોને હતો, પરંતુ કૅનેરી આઇલૅન્ડમાંના પાઇલટ પ્રોજેક્ટમાં પ્રારંભે મળેલી સફળતાને કારણે એ હિતધારકોનો ટેકો આ પ્રોજેક્ટને મળ્યો હતો."
આવા પ્રોજેક્ટની સાઇટ નક્કી કરવામાં સ્થાનિક સંસ્કૃતિ જેવી બાબતો પણ મોટો ભાગ ભજવતી હોય છે.
પેટનના જણાવ્યા મુજબ,"સોમાલીલૅન્ડમાં ખેતીને આકરી મહેનતનું કામ ગણીને તેના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. ત્યાં લોકો ખેતીને બહુ ગરીબ લોકોનું કામ ગણે છે, જ્યારે બધાને વધુને વધુ ઊંટો અને પશુઓના માલિક બનવાની ઝંખના હોય છે."
"તેને સમૃદ્ધિનું સૂચક પણ ગણવામાં આવે છે. એવા વાતાવરણમાં આ પ્રકારનો જંગી પ્રોજેક્ટ હાથ ધરવાથી અનેક સમસ્યા સર્જાઈ શકે તેમ હતી. તેથી પેટન અને તેમની ટીમે પરિવાર દ્વારા સંચાલિત નાના પ્રોજેક્ટ્સ હાથ ધર્યા હતા."
જોર્ડનની રૉયલ સાયન્ટિફિક સોસાયટીમાં રાષ્ટ્રપ્રમુખના વિજ્ઞાન નીતિના સલાહકાર તરીકે કાર્યરત રુબા અલ ઝુબીના જણાવ્યા મુજબ, "ખેતી પ્રત્યેના સ્થાનિક લોકોના અભિગમને સમજવો બહુ જરૂરી છે."
પર્યાવરણને અનુકૂળ કોઈ પણ અન્ય નવા ઉદ્યોગની માફક આ ટેકનૉલૉજીના વિસ્તાર માટે પણ સાંસ્કૃતિક, આર્થિક અને અન્ય પડકારોનો સામનો કરવો પડશે, પરંતુ જોર્ડન, સોમાલીલૅન્ડ તથા બીજા પ્રદેશોના રણમાંના સીવૉટર ગ્રીનહાઉસીઝમાં ઉગાડવામાં આવતા રસભર્યા, રંગબેરંગી છોડ તથા શાકભાજી આશાના તેજસ્વી કિરણો સમાન છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો