COP26નાં પરિણામો વિશે વૈજ્ઞાનિકો શું વિચારે છે?

    • લેેખક, રોજર હેરાબિન
    • પદ, બીબીસી પર્યાવરણ વિશ્લેષક

ગત દિવસોમાં ગ્લાસગો ખાતે યોજાયેલી COP26ની ક્લાઇમેટ કૉન્ફરન્સનાં પરિણામો અંગે ટોચના ક્લાઇમેટ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

આ પૈકી બીબીસી સાથે જે લોકોએ વાત કરી તેમણે ભાગ લેનાર દેશોને આવતાં વર્ષે પ્રદૂષણમાં વધુ ઘટાડા બાબતે સંકલ્પબદ્ધ કરવા માટે મળવા રાજી કરવા માટે આ કૉન્ફરન્સનાં વખાણ કર્યાં. અને તેમણે જંગલો, નવી શોધો અને જીવાશ્મ ઈંધણ અને પશુઓને કારણે થતાં મિથેનના ઉત્સર્જન અંગેની સંધિઓને આવકારી.

પરંતુ વૈજ્ઞાનિકોને ગભરાટ છે કે રાજનીતિજ્ઞો પોતાના વાયદાઓ નહીં પૂરા કરે. ઔદ્યોગિકયુગ પૂર્વેના તાપમાન કરતાં દોઢ ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાન જાળવવાનું લક્ષ્ય અપેક્ષા કરતાં એમ પણ ઓછું છે.

નિષ્ણાતો માને છે કે અત્યાર સુધીના તાપમાનમાં 1.1 ડિગ્રી સેલ્સિયસના વધારાની ગંભીર અસરો દુનિયા વેઠી રહી છે. આટલા વધારાના પરિણામે ગરમીનો અસહનીય અહેસાસ આપણને થઈ ચૂક્યો છે. આ સિવાય તાપમાનમાં રેકર્ડ વધારો, જંગલોની આગનું વધતું જતું પ્રમાણ, પૂર અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ સર્જાવાની ઘટનાઓમાં વધારો થયો છે.

યુનાઇટેડ કિંગડમના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક પ્રોફેસર સર ડેવિડ કિંગે કહ્યું કે, “તાપમાનનો વધારો અત્યારથી જ એક ખતરનાક સ્તરે પહોંચી ગયો છે તેમાં કોઈ બેમત નથી. સતત બરફ પીગળવાની ઘટનાને કારણે ગ્રીનલૅન્ડ પાણીમાં તરબોળ છે. ગરમીમાં ધ્રુવો પરનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું... દાવાનળની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો હતો.”

“જો આપણે વાતાવરણમાં કરાઈ રહેલા ઉત્સર્જનને સંપૂર્ણપણે અટકાવી દઈએ તો પણ આપણી મુશ્કેલી નહીં ઘટે, કારણ કે વાતાવરણમાં પહેલાંથી મોટ પ્રમાણમાં ગ્રીનહાઉસ ગૅસો રહેલા છે.”

ઇન્ટરનેશનલ પેનલ ઑન ક્લાઇમેટ ચેન્જના કોઑર્ડિનેટિંગ મુખ્ય લેખક પ્રોફેસર પીઅર્સ ફોર્સ્ટરે પણ કંઈક આવો જ મત વ્યક્ત કરે છે.

તેઓ કહે છે કે, “હાલના તાપમાનમાં જ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે અને જૈવવિવિધતા પર ખતરો તોળાઈ રહ્યો છે. આપણે પહેલાંથી જ દરિયાની સપાટીમાં વધારાની અભૂતપૂર્વ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ.”

તેઓ આગળ કહે છે કે, “આ સદી માટે તાપમાનના વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી જાળવી રાખવાની આશા એ ચમત્કારથી વધુ નથી. પરંતુ એના વિશે આપણે જેટલો અભ્યા કરીએ છીએ તેટલી આપણને ખબર પડે છે કે ઉત્સર્જન માટે સલામત મર્યાદા જેવું કંઈ નથી.”

શું રાજનેતા પોતાનાં વચન પાળશે?

જે વૈજ્ઞાનિકોનો અમે સંપર્ક કર્યો તેમણે COP દ્વારા સૂચવાયેલાં વ્યવહારિક નિરાકરણોની સરાહના કરી.

અગાઉની 22 COP કરતાં આ વખતની COPમાં ઓછામાં ઓછું જીવાશ્મથી બનેલા ઈંધણનો વપરાશ ઘટાડવાની વાત કરવામાં આવી એ વાતનો સંતોષ છે. જોકે ભારત અને ચીને છેલ્લી ઘડીએ સંકલ્પપત્રની ભાષાને નબળી બનાવી તે અંગે આશ્ચર્ય જરૂર છે. તેમજ આ તમામ રાજનેતાઓ પોતાનાં વચનો પાળશે કે કેમ? તેને લઈને ઘણા ભયનો માહોલ છે.

આર્કટિક બેઝકૅમ્પનાં સંસ્થાપક પ્રોફેસર ગેઇલ વ્હાઇટમૅને કહ્યું કે શિખરમંત્રણાનાં મિશ્ર પરિણામો આવ્યાં છે.

તેમણે કહ્યું કે, “મંત્રણા દરમિયાન ટેબલ પર ખૂબ સારાં વચનો હતાં – પરંતુ તે અંગે વધુ ઍક્શન લેવાશે કે કેમ? તેની મને ખબર નથી. હું ચિંતિત છું.”

અને એક્સેટરની ગ્લોબલ સિસ્ટિમ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ટિમ લેન્ટન ઉમેરે છે કે, “સાનુકૂળ વાત એ છે કે COP26એ નવા ખરા વિકાસની શરૂઆત કરી છે, જે સિવિલ સોસાયટી, બિઝનેસ, ફાઇનાન્સ અને NGOના સંગઠિત પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે.”

“પરંતુ હજુ પણ આપણે ગ્લોબલ વૉર્મિંગની દિશામાં 2 ડિગ્રી સેલ્સિયસ વધારાના દરે આગળ વધી રહ્યા છીએ. જેના કારણે ઘણી પ્રાકૃતિક પ્રણાલીઓ ભાંગી પડવાની બીક ઊભી થઈ છે. આપણે હજુ પણ ક્લાઇમે ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છીએ.”

તેમણે કહ્યું કે, “આપણે આપણા રાજનીતિજ્ઞોને મનાવવાની જરૂર છે જેથી તેઓ આપણો આ પરિવર્તનમાં સાથ આપે. હાલ આંતરરાષ્ટ્રીય નીતિઓ ક્લાઇમેટ સિસ્ટિમ કરતાં ઓછી ઝડપથી આગળ વધી રહી છે.”

નીતિ, ઍક્શન અને વિજ્ઞાન વચ્ચેના અવકાશના કારણે જ ક્લાઇમેટ નિષ્ણાતો ચિંતિત છે.

દાખલા તરીકે યુનાઇટેડ કિંગડમને નીતિ ઘડતરની બાબતમાં વિશ્વમાં સૌથી આગળ માનવામાં આવે છે. UKએ વર્ષ 2050 સુધી શૂન્ય ઉત્સર્જન કરવાની ખાતરી આપી છે.

પરંતુ ત્યાંની સરકાર અગાઉના ઉદ્દેશો પૂરા કરવામાં હંમેશાં નિષ્ફળ નીવડી છે. આ દેશ દ્વારા પરંપરાગત કારોનો ઉપયોગ બંધ કરવાની નીતિ લાગુ કરવા મામલે પ્રશંસા થાય છે. પરંતુ હોમ ઇન્સ્યુલેસન બાબતે તેની નિષ્ફળતાની પણ ચર્ચા થાય છે.

તેમના સલાહકારોની સલાહની વિરુદ્ધ તેઓ ઉડાણમાં વધારો કરી રહ્યું છે. તેમજ શેટલૅન્ડ ખાતે દેશે એક નવા ઑઇલ ક્ષેત્ર પર કામ કરી રહ્યું છે. આ સિવાય તેઓ વધુને વધુ રસ્તાઓનું નિર્માણ કરી રહ્યું છે.

COP26ની સાંજે ચાન્સેલર ઋષિ સુનકે બજેટમાં ક્લાઇમેટ ચેન્જનો ઉલ્લેખ નહોતો કર્યો, જેના કારણે વૈજ્ઞાનિકો આશ્ચર્યમાં મુકાયા હતા.

ઘણું ઓછું, ઘણું મોડું?

વડા પ્રધાન બોરિસ જૉન્સને આ સાથે જ એ વાત પર ભાર મૂક્યો કે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો માત્ર અને માત્ર ટેકનૉલૉજી મારફતે શક્ય છે. તેમણે વર્તનના બદલાવ અંગે વધુ ભાર મૂક્યો નહોતો. તેમણે ક્લાઇમેટ ચેન્જ સમિતિની એ ભલામણો પર ભાર મૂક્યો નહોતો જેમાં કહેવાયું હતું કે ઉપરોક્ત બંને બાબતોના સંયોજનથી જ વર્ષ 2030 માટેના લક્ષ્યને હાંસલ કરી શકાય છે.

અમેરિકામાં પણ નીતિ અંગે કંઈક આવી જ ગૂંચ સર્જાયેલી છે. રાષ્ટ્રપતિ જો બાઇડન પોતાની હરિત નીતિ માટેનાં પગલાં અંગે કૉંગ્રેસને રાજી કરવા માટે મથી રહ્યા છે. આ સિવાય રોડ, બ્રિજ, ઍરપૉર્ટ અને બંદરો બનાવવા માટેની તેમની એક ટ્રિલિયન ડૉલરની યોજનાથી કરોડ ટન પ્રદૂષણ વાતાવરણમાં ભળશે તેવી શક્યતા છે. તેમજ તેના નિર્માણ સિવાય તેના કારણે થનાર ટ્રાફિકથી પણ કાયમી ઉત્સર્જનની સમસ્યા પેદા થશે.

રાષ્ટ્રપતિ જો બાઇડન મિથેન ઉત્સર્જન અંગે અન્યોની આગેવાની લઈ શક્યા હોત. પરંતુ તેઓ બોરિસ જૉન્સનના કાર અંગેના વચનની સરખામણી ન કરી શકે. અને અમેરિકનો હજુ પણ મોટી SUV કાર ખરીદી રહ્યા છે.

અમેરિકાના ક્લાઇમેટ પ્રતિનિધિ જૉન કેરીએ પોતાનો અંદાજ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો દેશો તમામ વાયદા પાળે તો તાપમાનમાં વધારો 1.8 ડિગ્રી સેલ્સિયસ સુધી અટકાવી શકાય છે. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે ઘણું ઓછું અને ઘણું મોડું પગલું હશે.

હેડલી સેન્ટરના મેટ ઑફિસના રિચર્ડ બેટ્સ જણાવે છે કે, “આપણે વધુ મહત્ત્વાકાંક્ષી બનીને કામ કરીએ તો ક્લાઇમેટ ચેન્જના કારણે તાપમાનમાં થઈ રહેલા વધારાને રોકી શકાય છે.”

“પરંતુ જો આપણે વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડનું ઉત્સર્જન બંધ નહીં કરીએ ત્યાં સુધી ક્લાઇમેટ ચેન્જના કારણે વધુ વાતાવરણ વધુ ગરમ થવાનું અને વધુ પડકારો સર્જાવાનું ચાલુ જ રહેશે.”

યુનિવર્સિટી ઑફ રીડિંગ ખાતેના ક્લાઇમેટ સાયન્સના પ્રોફેસર એડ હૉકિન્સ ચેતવણી ઉચ્ચારતાં જણાવે છે કે, “આ એક ઢાળ છે જેના પર આપણે પહેલાંથી ગબડી રહ્યા છીએ. જેટલી જલદી આપણે ગ્રીનહાઉસ ગૅસોનું ઉત્સર્જન ઘટાડશું તેટલાં ખરાબ પરિણામોને આપણે ટાળી શકીશું.”

યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજના પ્રોફેસર ઑફ એંજિનિયરિંગ અને એન્વાયર્નમેન્ટ, જુલિયન ઑલવૂડ જણાવે છે કે, “ગ્લાસગોની મંત્રણા દરમિયાન જે નિરાકરણોની વાત થઈ તે શુદ્ધ ઊર્જા, કાર્બન કૅપ્ચર અને બાયોમાસના અવાસ્તવિક અંદાજો પર આધારિત છે.”

તેમણે કહ્યું કે, “જો તમે હાલ આપણી પાસે જે છે તેની શક્ય વૃદ્ધિદરે સરખામણી કરો તો આપણે આ લક્ષ્યો હાંસલ કરી શકશું તેવી કોઈ સંભાવના નથી.”

“તેથી આપણે નીતિઓના અલગ માળખાની જરૂર છે જેમ કે ઊર્જાનો વપરાશ અડધો કરવો. આપણે ઉડાણ, શિપિંગ અને સિમેન્ટ વગેરે પર નિયંત્રણો મૂકવાં પડશે.”

આ એવા રાજનેતાઓ માટે એક ઉત્સાહવર્ધક ન હોય તેવો સંદેશ છે, જેઓ પ્રવૃત્તિઓમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય ક્લાઇમેટની સ્થિરતાનું લક્ષ્ય હાંસલ કરવા માગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો