વેનકુવર : કૅનેડામાં સદીના સૌથી શક્તિશાળી પૂરનું કારણ ક્લાઇમેટ ચેન્જ?

કૅનેડાના વેનકુવરમાં ભારે વરસાદને કારણે શહેર સાથેનો માર્ગ અને રેલવે સંપર્ક કપાઈ ગયો છે.

અધિકારીઓના મતે સદીમાં એક વાર જોવા મળે એવી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે શહેરને જોડતા બે રસ્તા પાણી ભરાઈ જવાથી બંધ થઈ ગયા છે.

બચાવકાર્ય સાથે જોડાયેલા કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે, હાઈવે પર ભૂસ્ખલનને કારણે એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે લોકો લાપતા થયા છે. પૂરની પરિસ્થિતિને કારણે હજારો લોકો પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે.

રોયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસના સાર્જન્ટ જેનલે શોહેત (RCMP) પ્રમાણે મૃત્યુ પામેલ મહિલાનો મૃતદેહ વેનકુવરથી 250 કિલોમીટર દૂર આવેલ લિલૂસેટ ખાતે મળી આવ્યો હતો.

સાર્જન્ટ જેનીલ શોહેતે જણાવ્યું કે, "બચાવકાર્યમાં લાગેલા લોકો હજુ કેટલાં વાહનો આ લૅન્ડસ્લાઇડમાં લાપતા થયાં તેની માહિતી મેળવી શક્યા નથી."

કેથી રેની નામનાં એક વાહનચાલકે સીબીસી ન્યૂઝને જણાવ્યું કે, "તેમણે લિલૂસેટની દક્ષિણે જવા માટે ઊભેલાં વાહનોના ટ્રાફિક પર લૅન્ડસ્લાઇડ થયાનું દૃશ્ય જોયું."

તેમણે કહ્યું કે, "જેવા અમે અમારા વાહનમાં બેઠા, અમારી આગળ રહેલા લોકો ચીસો પાડીને ભાગવા લાગ્યા. તેમના ચહેરા પરના ભાવ એવા હતા કે જાણે તેમણે સુનામી આવતી જોઈ લીધી હોય. આ મારા જીવનનું સૌથી બિહામણું દૃશ્ય હતું."

"મેં પાછું ફરીને જોયું તો મને આખેઆખા પહાડનો એક ભાગ રસ્તા પર આવીને ગાડીઓને પોતાની સાથે ઢસડીને લઈ જતો દેખાયો.... તેના માર્ગમાં આવતું બધું તેની સાથે જ ઢસડાતું ગયું. આ એકદમ હાહાકાર જેવી સ્થિતિ હતી."

ક્લાઇમેટ ચેન્જ કારણ?

બ્રિટિશ કોલંબિયામાં મહિનાનો સરેરાશ વરસાદ 24 કલાકમાં પડી ગયો હતો, જેના કારણે સિઝનલ નદીઓમાં ભારે પાણી આવી ગયાં હતાં અને હજારો લોકોને તત્કાળ ઘર છોડવા જણાવવામાં આવ્યું હતું.

ઉનાળા દરમિયાન બ્રિટિશ કોલંબિયામાં ભારે ગરમી પડી હતી જેમાં 500થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. જંગલની આગને કારણે આખું શહેર તબાહ થઈ ગયું હતું.

આ મહિનાની શરૂઆતમાં બ્રિટિશ કોલંબિયા વિસ્તારમાં ચક્રવાત જોવા મળ્યો હતો. પાંચ દાયકામાં પ્રથમ વખત આવી કુદરતી આપત્તિએ દેખા દીધી હતી.

અગાસીઝ શહેરમાં ફસાઈ ગયેલા લગભગ 300 લોકોને બહાર કાઢવા માટે હેલિકૉપ્ટર મોકલવામાં આવ્યાં હતાં. આ શહેરનો જમીનમાર્ગે સંપર્ક કપાયેલો છે.

ક્ષેત્રીય ટ્રાન્સપોર્ટેશન મંત્રી રોબ ફ્લેમિંગે પત્રકારપરિદમાં જણાવ્યું કે, "આ સદીનું સૌથી ભયાનક પૂર છે."

પબ્લિક સેફ્ટીના મંત્રી માઇક ફાર્નવર્થે કહ્યું કે, "એ વાતમાં કોઈ બેમત નથી કે આ વાવાઝોડું ક્લાઇમેટ ચેન્જનું પરિણામ છે."

ક્લાઇમેટ ચેન્જની વાવાઝોડાની તીવ્રતા પરની અસર અંગે હજુ સ્પષ્ટતા નથી, પરંતુ આપણને એટલી તો ખબર છે કે દરિયાની સપાટીના તાપમાનમાં થયેલ વધારો ઉપરની હવાને ગરમ બનાવે છે અને વાવાઝોડા માટે ઈંધણ જેવું કામ કરે છે. આમ, આવી પરિસ્થિતિમાં વાવાઝોડાની તીવ્રતા વધવાની સંભાવના વધુ હોય છે તેમજ વરસાદ પડવાની સંભાવનામાં પણ વધારો થઈ જાય છે.

ઔદ્યોગિકકાળથી અત્યાર સુધી વિશ્વનું તાપમાન 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ ગયું છે. અને જો સરકારો યોગ્ય પગલાં લઈને ઉત્સર્જનમાં ઘટાડો નહીં કરે તો તે વધતું જ રહેશે.

ઓટ્ટાવામાં પત્રકારો સાથે વાત કરતા કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને "લોકોને જરૂર હોય તે રીતે અને સ્વરૂપે મદદ કરવામાં આવશે."

સોમવારે વેનકુવરથી 120 માઇલ દૂર ઉત્તર-પૂર્વમાં સ્થિતિ મેરિટના સાત હજાર લોકોને તેમનાં ઘર છોડી દેવાની સૂચના અપાઈ હતી.

આ નગરમાં મંગળવારે હિમવર્ષા થઈ હતી અને આ નગરના રસ્તે બરફવાળા ઠંડા પાણીમાં કારો તરતી જોઈ શકાતી હતી.

સોમવારે શરૂ થયેલ વરસાદ અને ઝડપી હવા મંગળવાર બપોર સુધી રોકાઈ ગઈ હતી. પરંતુ ઘણા સમુદાયોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મંગળવારે એબટ્સફર્ડના નિવાસીઓને સુમાસ પ્રેઇરી અને યેરોની આસપાસના વિસ્તારો શક્ય એટલા જલદી ખાલી કરી દેવા જણાવાયું, કારણ કે પાણીની વધતી સપાટીના કારણે વિસ્તાર ખૂબ ખતરનાક બની ગયો હતો.

મેયર હેનરી બ્રોને કહ્યું કે, "તમારે બધાએ શક્ય એટલા જલદી જતા રહેવું જોઈએ, તમારા જીવનથી કિંમતી કઈ નથી. આવતી કાલની સવાર ખૂબ જ મોડું કહેવાશે."

વેનકુવરને સમગ્ર દેશ સાથે જોડતો ટ્રાન્સ કૅનેડા હાઇવે પણ પાણીમાં ડૂબી ગયો હતો.

કોકિહાલા હાઇવેનો એક ભાગ જે વેનકુવરને કેટલાક અંતરિયાળ વિસ્તારોથી જોડે છે તે પણ પૂરનાં પાણીમાં વહી ગયો હતો.

કૅનેડાના સૌથી મોટા બંદરીય નગર એવા વેનકુવરમાં લૅન્ડસ્લાઇડ અને પૂરના કારણે રેલતંત્ર ખોટકાઈ ગયું છે. જેના કારણે ભોજન, ઈંધણ અને અન્ય જરૂરી વસ્તુઓનો પુરવઠો અટકી પડ્યો છે.

રોયટર્સ ન્યૂઝ એજન્સી પ્રમાણે આ બંદરથી 440 મિલિયન ડૉલર જેટલા સામાનની દરરોજ અવરજવર થાય છે. આ વિસ્તારની ઈંધણ પહોંચાડતી પાઇપલાઇન પણ આગમચેતીનાં પગલાં તરીકે બંધ કરી દેવાઈ છે.

વેનકુવરનું મહત્ત્વ

વેનકુવરમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો અમેરિકા થઈને ફરી કૅનેડામાં પ્રવેશવાનો છે. જોકે હાલમાં અમેરિકામાંથી કૅનેડામાં ફરીથી પ્રવેશવા માટે નૅગેટિવ કોરોના રિપોર્ટની જરૂર રહે છે.

આ સિવાય કૅનેડા સાથે જોડાયેલા અમેરિકાના વૉશિંગ્ટન રાજ્યના રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યાં છે.

વેનકુવરએ કૅનેડાનું સૌથી મોટું બંદરીય શહેર છે. ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ મુજબ શહેરમાંથી દરરોજ 44 કરોડ ડૉલરનો સામાન દેશભરમાં જમીન તથા રેલમાર્ગે જાય છે.

ભારે વરસાદ તથા ભૂસ્ખલનને કારણે રેલ-વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. જેના કારણે ઈંધણ, ખોરાક તથા જીવન-જરૂરિયાતના અન્ય સામાનની હેરફેર અટકી ગઈ છે.

સાવચેતીનાં પગલાંરૂપે ઈંધણનું વહન કરતી પાઇપલાઇનોમાં પુરવઠો અટકાવી દેવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો