COP26 : જળવાયુ પરિવર્તન માટે જવાબદાર પાંચ સૌથી મોટા પ્રદૂષણ ફેલાવનારા દેશો

દુનિયામાં સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ (CO2) માત્ર ચાર દેશો - ચીન, અમેરિકા, ભારત અને રશિયા, તથા યુરોપિયન સંઘ પેદા કરી રહ્યાં છે.

આ બધાએ 2015માં પેરિસ ખાતેની પરિષદમાં પ્રદૂષણ ઘટાડવાની ખાતરી આપી હતી કે જેથી વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલા જોખમી વધારાને મર્યાદિત કરી શકાય. પણ એ ખાતરી આપ્યા પછી આટલાં વર્ષોમાં આ રાષ્ટ્રોએ કેવાં પગલાં લીધાં છે?

ચીન : વિશ્વનો સૌથી વધારે પ્રદૂષણ પેદા કરનારો દેશ

• ચીનના જણાવ્યા અનુસાર 2030 સુધીમાં તેના કાર્બન ઉત્સર્જનની ટોચ આવી જશે.

• 2030 સુધીમાં 25% ઊર્જા બિનઅશ્મીભૂત બળતણથી પેદા કરવાની નેમ છે

• 2060 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ થઈ જવાની ખાતરી આપે છે

ચીન સૌથી વધુ CO2 પેદા કરે છે, જે વિશ્વના કુલ ઉત્સર્જનનો ચોથો ભાગ છે. હજી પણ ચીન મુખ્યત્વે કોલસા આધારિત છે તેના કારણે ઉત્સર્જનનું પ્રમાણ વધી જ રહ્યું છે.

ચીને એ સ્પષ્ટતા નથી કરી કે કાર્બન ન્યૂટ્રલ થવા માટે તે ઉત્સર્જન ઓછું કરશે કે પછી વૈકલ્પિક ઉપાયો અજમાવીને એટલી જ માત્રામાં કાર્બન ઓછું થાય તેવું કરશે.

ગયા મહિને જ પ્રમુખ શી જિનપિંગે જાહેરાત કરી હતી કે હવે વિદેશમાં નવા કોલસા આધારિત પ્રોજેક્ટોને ધિરાણ આપવાનું બંધ કરાશે.

જોકે ચીને ઘરઆંગણે કોલસાની ખાણોને જણાવ્યું છે કે ખોદકામ વધારે, જેથી વધી રહેલી ઊર્જાની માગને પહોંચી વળાય. 2026 સુધીમાં કોલસાનો ઉપયોગ ઓછો કરવાનું વચન ચીને આપેલું છે, છતાં આ પગલું લેવાયું છે.

ચીને પુનઃવપરાશ લાયક ઊર્જાના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ પણ કરી છે. વિશ્વના કુલ સૂર્યઊર્જાના ઉત્પાદનમાં હવે ચીનનો હિસ્સો ત્રીજા ભાગનો છે અને વિશ્વમાં સૌથી વધુ પવનઊર્જા પણ ચીન પેદા કરે છે.

જોકે 2060 સુધીમાં પ્રદૂષણથી મુક્ત થઈ જવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તે હાંસલ કરવા માટે ચીને કોલસાની માગ 80 ટકા જેટલી ઓછી કરવી જરૂરી છે, એમ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી જણાવે છે.

બીજી બાજુ ક્લાઇમેટ ઍક્શન ટ્રૅકરે જણાવ્યું છે કે આ દિશામાં ચીનની નીતિઓ અને કાર્યક્રમો "અપૂરતાં" છે અને જો બધા જ દેશો આવું કરશે તો વૈશ્વિક સરેરાશ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ વધી જશે.

અમેરિકા : માથાદીઠ સૌથી વધારે ઉત્સર્જન

• 2005માં જેટલો CO2 પેદા થતો હતો તેમાં 50 ટકા જેટલો ઘટાડો 2030 સુધીમાં કરવાનું લક્ષ્ય છે

• 2030 સુધીમાં અડધોઅડધ વાહનો ઇલેક્ટ્રિક હોય તેવો ઇરાદો છે

• 2050 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ થવાની ખાતરી આપી છે

અમેરિકાની ઊર્જાના 80 ટકા જેટલો હિસ્સો અશ્મીભૂત બળતણમાંથી પેદા થાય છે. જોકે હવે વૈકલ્પિક ઊર્જા સ્રોતો પણ વધી રહ્યા છે.

પ્રેસિડન્ટ જો બાઇડનની પર્યાવરણ અંગેની યોજનામાં ગ્રીન એનર્જી પર ભાર મૂકવામાં આવ્યું છે.

વીજ ઉત્પાદન કંપનીઓ વૈકલ્પિક બળતણ તરફ વળે અને ક્લીન ઇલેક્ટ્રિસિટી પેદા કરે તે માટેની યોજના પાછળ 150 અબજ ડૉલરનું ભંડોળ ફાળવવામાં આવશે.

જોકે આ યોજનાનો વિરોધ અમેરિકાના સાંસદો તરફથી જ થયો છે અને તેમણે આ યોજનાને કારણે કોલસા અને ફ્રેકિંગ ઉદ્યોગો પર થનારી અસરોની ચિંતા વ્યક્ત કરી છે.

છેલ્લા એક દાયકાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થઈ રહ્યો છે.

જોકે ક્લાઇમેટ ઍક્શન ટ્રૅકરના જણાવ્યા અનુસાર અમેરિકાનાં કાર્યક્રમો અને નીતિઓ "અપૂરતાં" છે અને પેરિસ કરાર અનુસાર વૈશ્વિક તાપમાનમાં વધારો માત્ર 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી જ મર્યાદિત રાખવાના હેતુ માટે હજી "સારા એવા સુધારાની" જરૂર છે.

યુરોપિયન યુનિયન : ઉત્સર્જનમાં ઘટાડો

• 1990માં ઉત્સર્જન થતું હતું તેમાં 55 ટકાનો ઘટાડો 2030 સુધીમાં કરવાનું વચન અપાયું છે

• 2030 સુધીમાં 40 ટકા ઊર્જા વૈકલ્પિક અને પુનઃપ્રાપ્ય સ્રોતોમાંથી મેળવવાનું લક્ષ્યાંક છે

• 2050 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ થઈ જશે

યુરોપિયન યુનિયનમાં જર્મની, ઇટાલી અને પોલૅન્ડ આ ત્રણ દેશોમાં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન થાય છે.

સમગ્ર રીતે યુરોપિયન યુનિયનમાં ઉત્સર્જનમાં ઘટાડો થયો છે, પણ જુદાં-જુદાં રાષ્ટ્રોમાં આર્થિક અને ટેક્નિકલ ક્ષમતાઓ અસમાન હોવાથી સમાન ધોરણે ઘટાડો થયો નથી.

બધાં જ સભ્ય રાષ્ટ્રોએ સંઘના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તે વિશે સહમતી કેળવવી જરૂરી છે, કેમ કે 2021માં સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સ (COP26)માં યુરોપિયન યુનિયન બધાં સભ્ય રાષ્ટ્રો વતી સંયુક્ત રીતે વાટાઘાટો કરી રહ્યું છે.

ક્લાઇમેટ ઍક્શન ટ્રૅકર જણાવે છે કે યુરોપિયન યુનિયનની નીતિઓ અને કાર્યક્રમો "લગભગ પૂરતા પ્રમાણમાં" છે, કે જેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો 2 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરી શકાય. 2018થી ઉત્સર્જનમાં ઘટાડો થઈ રહ્યો છે એમ પણ ટ્રૅકરે જણાવ્યું છે.

ભારત : હજી પણ કોલસો જ આધાર

• 2030 સુધીમાં 'ઉત્સર્જનની તીવ્રતા'માં 33-35 ટકા ઘટાડો કરવાનું લક્ષ્યાંક છે

• 2030 સુધીમાં 40 ટકા વીજળી બિનઅશ્મીભૂત બળતણથી પેદા કરવાની ખાતરી આપે છે

• કાર્બન ન્યૂટ્રલ થવા માટે કોઈ મુદ્દત નક્કી કરી નથી

છેલ્લા બે દાયકા દરમિયાન ભારતમાં CO2 ઉત્સર્જનમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે ટોચના પાંચ દેશોમાં માથાદીઠ ભારતમાં સૌથી ઓછું ઉત્સર્જન છે.

ભારત એવી દલીલ કરે છે કે વધુ ધનિક અને વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતા દેશોએ વધારે બોજ પોતાના માથે લેવો જોઈએ, કેમ કે વૈશ્વિક તાપમાનમાં વધારો કરવા માટે પણ આ જ દેશો જવાબદાર છે.

ભારતે "ઉત્સર્જન તીવ્રતા"નો એટલે કે આર્થિક વિકાસદરના એકમ અનુસાર CO2 ઉત્સર્જનનું પ્રમાણ ગણવાનું કહ્યું છે, અને એવી દલીલ કરી છે આવી ગણતરીથી બીજા દેશો સાથે વધારે યોગ્ય રીતે સરખામણી થઈ શકે છે.

ભારતે સાથોસાથ બિન-અશ્મીભૂત ઊર્જા સ્રોતોમાંથી એટલે કે પવન, સૂર્ય અને જળવિદ્યુતમાંથી વધારે પ્રમાણમાં વીજળી પેદા કરવાની ખાતરી પણ આપી છે. 2019માં આવા સ્રોતોમાંથી વીજળી ઉત્પાદનનું પ્રમાણ વધીને 23 ટકા સુધી પહોંચ્યું હતું. જોકે હજીય ભારતની વીજળીની જરૂરિયાતના 70 ટકા કોલસા આધારિત એકમોથી પૂરી થાય છે.

ક્લાઇમેટ ઍક્શન ટ્રૅકર જણાવે છે કે ભારતે 2040 સુધીમાં કોલસા આધારિત વીજ એકમોને તબક્કાવાર બંધ કરી દેવા જરૂરી છે અને બિનઅશ્મીભૂત સ્રોતોમાંથી વીજળીના લક્ષ્યાંકને વધારવો જરૂરી છે.

રશિયા : ખનીજ તેલ અને ગૅસ આધારિત અર્થતંત્ર

• 1990માં ઉત્સર્જન થતું હતું તેનાથી 30% ઓછું ઉત્સર્જન 2030 સુધીમાં કરવામાં આવશે

• 2060 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાનું વચન આપ્યું છે

સોવિયત સંઘના વિઘટન બાદ 1991થી આમ પણ જોકે રશિયાનું અર્થતંત્ર અને તેના કાર્બનના ઉત્સર્જનનું પ્રમાણ બંને ઘટ્યાં છે.

બીજું કે રશિયા આજેય પોતાનાં વિશાળ જંગલો અને ખુલ્લી જગ્યાને કારણે કાર્બન તેમાં શોષાય જાય તેના પર આધાર રાખે છે.

પવન, સૂર્ય અને જળઊર્જા જેવા વૈકલ્પિક ઊર્જાસ્રોતોનો બહુ ઓછો ઉપયોગ થાય છે.

બીજું કે રશિયાના જીડીપીમાં 20 ટકાથી વધુનો હિસ્સો હજીય ક્રૂડ ઑઇલ અને ગૅસનો છે.

ક્લાઇમેટ ઍક્શન ટ્રૅકરના જણાવ્યા અનુસાર રશિયાની નીતિઓ અને કાર્યક્રમો "બહુ જ અપૂરતાં" છે, કે જેના આધારે વૈશ્વિક તાપમાનમાં વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખી શકાય.

-અહેવાલ અને સંશોધન જેક હૉર્ટન, શ્રુતી મેનન, ડેનિયલ પલુમ્બો અને કાઇ વૅંગ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો