You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી સરકાર જળવાયુ પરિવર્તન મામલે પોતાનો લક્ષ્યાંક હાંસલ કરી શકશે?
- લેેખક, શ્રુતિ મેનન
- પદ, બીબીસી રિયાલિટી ચેક
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં નુકસાનકારક વાયુનું ઉત્સર્જન દેશમાં નેટ ઝીરો કરી દેવા માટેનું લક્ષ્ય દર્શાવ્યું છે. ગ્લાસગ્લો ક્લાઇમેટ સમિટ વખતે અન્ય ઘણા દેશોએ જે મુદત સ્વીકારી છે તેનાથી ઘણો મોટો લક્ષ્યાંક હાંસલ કરવાનું ભારતે સ્વીકાર્યું છે.
ભારતે 2030 સુધીમાં ઉત્સર્જનમાં એક અબજ ટન જેટલો ઘટાડો કરવાનો પણ લક્ષ્યાંક રાખ્યો છે.
ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજો સૌથી મોટી કાર્બન ડાયોક્સાઇડ (CO2) ઉત્સર્જન કરનારો દેશ છે.
ભારતમાં ઝડપથી વસતિ વધી રહી છે અને દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર હજીય કોલસો અને ખનીજ તેલ છે, ત્યારે CO2ને કાબુમાં રાખવાનાં યોગ્ય પગલાં લેવામાં ન આવે તો બહુ ઝડપથી તેનું પ્રમાણ વધી શકે છે.
ભારતે કેવા પ્રકારના ઉત્સર્જનને કાબૂમાં રાખવાનું વચન આપ્યું છે?
સમગ્ર ઉત્સર્જનમાં ઘટાડો કરવાના લક્ષ્યાંક સામે ભારતે વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે ઔદ્યોગિક દેશોએ વધારે બોજ પોતાના માથે લેવો જોઈએ, કેમ કે વૈશ્વિક તાપમાનમાં વધારો કરવા માટે સૌથી વધુ જવાબદાર તે દેશો જ છે.
આર્થિક વિકાસના દરેક અંક પ્રમાણે "ઉત્સર્જનના પ્રમાણમાં વધારો" ગણવામાં આવે તે વધારે જરૂરી છે, કેમ કે તેના કારણે બીજા દેશો સાથે વાજબી રીતે સરખામણી થઈ શકે છે એમ ભારતે જણાવ્યું છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે 2030 સુધીમાં ભારત પોતાના અર્થતંત્રના વિકાસદરના અંક પ્રમાણે ઉત્સર્જનના પ્રમાણમાં વધારાને 45 ટકા સુધી ઘટાડશે.
માત્ર CO2 નહીં, પણ દરેક પ્રકારના ગ્રીનહાઉસ ગૅસ ઘટાડવાની આ વાત છે અને અગાઉ 33-35 ટકા ઘટાડો કરવાનું વિચારાયું હતું, તેનાથી વધુ મહત્ત્વાકાંક્ષી આ લક્ષ્ય છે. 2005ના વર્ષના સ્તરે થતાં ઉત્સર્જનમાં 45 ટકા સુધીના પ્રમાણમાં વર્ષ 2030 સુધીમાં ઘટાડો કરવાનું લક્ષ્યાંક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે કાર્બનનું ઉત્સર્જન ઘટે તેનાથી સમગ્ર રીતે ઉત્સર્જન ઘટે તેવું જરૂરી નથી.
સરકારની નીતિઓ અને કાર્યક્રમો પર નજર રાખતી સંસ્થા ક્લાઇમેટ ઍક્શન ટ્રૅકર (CAT)એ જણાવ્યું છે કે આ લક્ષ્યાંકને કારણે સમગ્ર રીતે ઉત્સર્જનની ધારણા છે, તેમાં ખાસ કોઈ અસર થાય તેમ નથી.
ઇન્ટર-ગવર્નમેન્ટલ પેનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (IPCC) કહે છે કે ગ્લોબલ નેટ ઝીરો (દેશ હવામાં ગ્રીનહાઉસ ગૅસના પ્રમાણમાં વધારો ના કરે તે સ્થિતિ) 2050 સુધીમાં લાવી દેવી જરૂરી છે, જેથી તાપમાનમાં વધારો મહત્તમ 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખી શકાય.
140 જેટલા દેશોએ આ પ્રમાણે નેટ ઝીરોનું લક્ષ્યાંક હાંસલ કરવા માટે જાહેરમાં વાયદો કર્યો છે.
ભારતના વડા પ્રધાને વચન આપ્યું છે કે ભારત 2030 સુધીમાં અશ્મીભૂત ઊર્જા સ્રોતો સિવાયના વૈકલ્પિક સ્રોતોમાંથી 500 ગીગાવૉટ વીજળી ઉત્પન્ન કરશે.
હાલમાં ભારતમાં 100 ગીગાવૉટની ઉત્પાદનક્ષમતા છે. અગાઉ ભારતે આગામી વર્ષે જ 175 ગીગાવૉટ ઉત્પાદન નિર્ધાર્યું હતું, પણ તે પૂરું થઈ શકે તેમ લાગતું નથી.
2030 સુધીમાં જે લક્ષ્યાંક નક્કી કરાયો છે, તે વધારે મહત્ત્વાકાંક્ષી છે, પણ તેમ છતાંય તેના કારણે "વાસ્તવિક ઉત્સર્જનની બાબતમાં તેનાથી બહુ થોડી અસર જ થશે," એમ ક્લાઇમેટ ઍક્શન ટ્રૅકર જણાવે છે.
ભારતે 2015માં પણ વચન આપ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં 40 ટકા વીજળી બિન-અશ્મીભૂત સ્રોતો મારફત પેદા થતી હશે. આ લક્ષ્યાંકને વડા પ્રધાને હવે વધારીને 50 ટકા કર્યું છે.
આ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં બિનપરંપરાગત સ્રોતોમાંથી વીજળીનું ઉત્પાદન 39 ટકા સુધી પહોચ્યું છે, એમ ભારતના સત્તાવાર આંકડાંમાં જણાવાયું હતું.
જોકે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા અનુસાર 2020ના વર્ષમાં ખરેખર આ રીતે ઉત્પાદિત કરવામાં આવેલી વીજળીનું પ્રમાણ 20 ટકા જેટલું જ હતું.
CATનાં સિન્ટી બૅક્સ્ટર કહે છે કે ભારત જેવા વિકાસશીલ દેશોને અર્થતંત્રમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર છે, અને તો જ પેરીસ કરાર અનુસાર વૈશ્વિક તાપમાનનો વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો મર્યાદિત રાખી શકાશે.
"ભારતે શરતો સાથેનો ટાર્ગેટ નથી રાખ્યો કે મદદની ક્યારેય જરૂર પડશે ... અથવા કેટલી મદદની જરૂર પડશે તે નિર્ધારિત થઈ શકે."
COP26 સંમેલન વખતે મિથેન ગૅસના ઉત્સર્જનને રોકવા માટે વૈશ્વિક કરાર થયો તેના પર પણ ભારતે સહી કરી નથી.
મિથેન ગૅસ પણ બહુ નુકસાનકારક વાયુ છે, જે કૃષિ, અશ્મીભૂત બળતણ અને કચરાને કારણે પેદા થાય છે અને ભારતમાં તેનું પ્રમાણે ઘણું ઊંચું છે.
ભારતમાં જંગલો વિસ્તરી રહ્યાં છે?
ભારતે ઘણી વાર જણાવ્યું છે કે તે પોતાના ત્રીજા ભાગની જમીનમાં જંગલો વિકસાવવા માગે છે, જેથી તે કાર્બન શોષી શકે.
જોકે ક્યાં સુધીમાં આટલા જંગલો થશે તેની સમયમર્યાદા નથી આપી અને આ બાબતમાં બહુ ધીમી પ્રગતિ થઈ રહી છે.
જોકે ભારતના દક્ષિણ હિસ્સામાં વૃક્ષારોપણ માટેના પ્રયાસો થયા છે, પરંતુ ઈશાન ભારતમાં જંગલપ્રદેશમાં હાલમાં ઘટાડો થયો છે.
ભારતે આયોજન કર્યું છે કે 2030 સુધીમાં હવામાંથી અઢીથી ત્રણ અબજ ટન CO2 શોષી શકાય તેટલાં વૃક્ષો વાવવામાં આવશે.
મેરિલૅન્ડ યુનિવર્સિટી, ગૂગલ, યુનાઇટેડ સ્ટેટ્સ જીયોલૉજિકલ સર્વ અને નાસાના સંયુક્ત પ્રયાસોથી તૈયાર થયેલા ગ્લોબલ ફોરેસ્ટ વૉચ અનુસાર ભારતમાં 2001થી 2020 સુધીમાં ગાઢ જંગલોમાંથી 18 ટકાનો નાશ થયો છે, જ્યારે વૃક્ષાચ્છાદિત વિસ્તારોમાં 5 ટકા ઘટાડો થયો છે.
જોકે ભારત સરકારનો દાવો છે કે 2001થી 2019 સુધીમાં જંગલ પ્રદેશમાં 5.2 ટકા જેટલો વધારો થયો છે.
ગ્લોબલ ફોરેસ્ટ વૉચના અહેવાલમાં માત્ર 16 ફૂટથી વધારે ઊંચાં વૃક્ષો હોય તેને જ જંગલપ્રદેશ ગણવામાં આવે છે, જ્યારે ભારતમાં જમીન પર લીલોતરી કેટલી છે તેના આધારે ગણતરી કરવામાં આવે છે.
-અતિરિક્ત રિસર્ચ ડેવિડ બ્રાઉન દ્વારા
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો