ભાજપને ચૂંટણી પહેલાં બિરસા મુંડા અને આદિવાસીઓ કેમ યાદ આવે છે?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અઠવાડિયે આદિવાસી સમાજના નાયક રહી ચૂકેલા બિરસા મુડાંની જયંતી નિમિત્તે સંસદમાં તેમની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ઝારખંડના પાટનગર રાંચીમાં બિરસા મુંડાની યાદમાં એક સંગ્રહાલયનું અનાવરણ કરાયું, અને સાથે જ એલાન કરાયું કે હવેથી બિરસા મુડાંની જયંતી એટલે કે 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવદિવસ મનાવાશે.

ત્યારબાદ વડા પ્રધાને મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં જનજાતીય ગૌરવ કાર્યક્રમમાં ભાગ લીધો અને ત્યાંના હબીબગંજ સ્ટેશનનું નામ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પાડી દીધું જે એક ગોંડ રાણી હતાં.

પરંતુ વાત માત્ર મધ્ય પ્રદેશ, ઝારખંડની નથી. ભાજપ પાછલા કેટલાક સમયથી મધ્ય પ્રદેશથી માંડીને ગુજરાત સુધી અલગઅલગ રીતોથી આદિવાસી સમુદાયને લલચાવવાની કોશિશ કરી રહી છે.

તેમની આ રણનીતિ તેમના વિરોધીઓ અને રાજકીય અલોકનકર્તાઓને અચરજમાં નાખી રહી છે, કારણ કે પાંચ રાજ્યોમાં કેટલાક મહિના બાદ ચૂંટણી થવાની છે અને ત્યાંના આદિવાસીઓની સંખ્યાને જોતાં એ સવાલ પેદા થાય છે કે આખરે ભાજપ જ્યારે આ પ્રયત્નોની કોઈ અસર થતી જોવા મળી નથી રહી ત્યારે આ ચૂંટણીના સમયગાળામાં આદિવાસીઓને કેમ લક્ષ્યમાં લઈ રહ્યો છે.

ઘણા સમયથી રાષ્ટ્રીય સ્તર પર ભાજપની રણનીતિ પર નજર રાખી રહેલાં વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડનીસ જણાવે છે કે, "બધાને ખ્યાલ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વનવાસી સેવા કલ્યાણ આશ્રમના માધ્યમથી આદિવાસીઓ વચ્ચે ઘણા સમયથી કામ કરી રહ્યો છે. પરંતુ રાજકીયપણે જનજાતિઓ વચ્ચે કૉંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. અને ભાજપ હવે આ વર્ચસ્વને તોડવાની કોશિશ કરતો દેખાઈ રહ્યો છે."

ભાજપની મોટી યોજના

અદિતિ ફડનીસ માને છે કે, "એવું સમજવું કે ભાજપ એક મોટા ગેઇમ પ્લાન દ્વારા ઉત્તર પ્રદેશની ચૂંટમીને ધ્યાનમાં રાખીને આ તમામ પગલાં લઈ રહ્યો છે. આ થિયરીમાં જેટલું સારું લાગે છે, જમીન પર તેનાં પરિણામ અપેક્ષા મુજબનાં નથી."

ફડનીસ જે તરફ ઇશારો કરે છે તેનો પુરાવો ઉત્તર પ્રદેશમાં આદિવાસીઓની વસતીના ફેલાવા પર મળે છે. ઉત્તર પ્રદેશમાં આદિવાસી સમુદાયની વસતી માત્ર છત્તીસગઢ અને ઝારખંડની સરહદથી માંડને સોનભદ્ર ક્ષેત્ર સુધી સમેટાયેલી છે.

ઉત્તર પ્રદેશના રાજકારણને નજીકથી સમજનારા વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્ર માને છે કે આ પ્રવૃત્તિઓ ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને નથી થઈ રહી.

તેઓ કહે છે કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઘણા મંચે એક સાથે કામ કરી રહ્યા છે. એક તરફ તેઓ પાંચ રાજ્યોની ચૂંટણી માટે કામ કરી રહ્યા છે. તેમજ બીજી તરફ તો પોતાની ચૂંટણી (વર્ષ 2024ની સામાન્ય ચૂંટણી) પર પણ ધ્યાન આપી રહ્યા છે. અને જનજાતિઓ સુધી પહોંચવાની આ કોશિશ, તેઓ પોતાની સામાન્ય ચૂંટણીઓને લઈને કરી રહ્યા છે."

"ઝારખંડની આખી ચૂંટણી લગભગ જનજાતિઓ પર જ નિર્ભર રહે છે. ગુજરાતમાં લગભગ 30થી 35 બેઠકો જનજાતિ પ્રભાવિત હોય છે."

2021થી 2023 અને 2024 પર નિશાન

પાછલાં સાત-આઠ વર્ષમાં અમિત શાહ અને મોદીના નેતૃત્વમાં ભાજપ એક એવી રાજકીય પાર્ટી બનીની સામે આવ્યો છે જે ચૂંટણી માટે પોતાની જાતને તૈયાર નથી કરતો, પરંતુ હંમેશાં ચૂંટણીના મોડમાં જ રહે છે.

ભાજપના રાજકારણને નજીકથી જોનાર-સમજનાર લોકો જણાવે છે કે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ એક સમયમાં ઘણાં મંચો, લક્ષ્યો અને સંભાવનાને આકાર આપવાની કોશિશમાં લાગેલું રહે છે.

મધ્ય પ્રદેશના રાજકારણને સમજનારા વરિષ્ઠ પત્રકાર રાકેશ દીક્ષિત માને છે કે આ પ્રવૃત્તિઓ 2023ની મધ્ય પ્રદેશની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાઈ રહી છે.

રાકેશ દીક્ષિત કહે છે કે, "ફેબ્રુઆરીમાં અહીં સંઘની એક બેઠક થઈ હતી જેમાં એવી ચિંતા વ્યક્ત કરાઈ હતી કે આગામી વસતિગણતરીમાં ઘણા બધા આદિવાસી પોતાની જાતને હિંદુ ગણાવવા નથી માગી રહ્યા. તેઓ પોતાને અન્ય શ્રેણીમાં નાખવા માગે છે. ત્યારબાદ આરએસએસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સંઘ ઇચ્છે છે કે તેઓ આદિવાસીઓને વધુને વધુ સંખ્યમાં હિંદુ સમાજમાં સામેલ કરે."

તેઓ કહે છે કે આવી પરિસ્થિતિમાં નવ ઑગસ્ટના રોજ જાતીય ગૌરવ સન્માન શરૂ કરવાથી માંડીને બિરસા મુંડાના સન્માન જેવી પ્રવૃત્તિઓ આ જ વ્યૂહરચનાનો એક ભાગ છે.

રાકેશ દીક્ષિત સાથે જ કહે છે કે આદિવાસીઓને લઈને ભાજપના પ્રયાસોનું બીજું પરિમાણ રાજકારણ એટલે કે ભાજપના ચૂંટણી લાભ સાથે જોડાયેલું છે.

તેઓ જણાવે છે કે મધ્ય પ્રદેશમાં આદિવાસીઓની વસતી 21 ટકા (1.75 કરોડ) છે અને આ ક્ષેત્રમાં તેમની અસર દેખાઈ.

તેમણે કહ્યું, "ભાજપે 2002માં ઝાબુઆમાં એક હિંદુસંગમ કર્યો હતો જ્યાં લગભગ બેથી અઢી લાખ આદિવાસીઓને બોલાવાયા હતા. ભાજપને તેની ઘણી અસર દેખાઈ. વર્ષ 2003ની ચૂંટણીમાં 47 અનામત બેઠકોમાંથી 34 બેઠકો ભાજપને મળી હતી. ત્યારબાદ 2008 અને 2013ની ચૂંટણીમાં ભાજપે પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો."

જોકે, વર્ષ 2018ની ચૂંટણીમાં બાજી પલટાઈ ગઈ. ભાજપ પાસે આ પૈકી માત્ર 16 બેઠકો જ રહી જવા પામી અને કૉંગ્રેસને 31 બેઠકો મળી ગઈ. કંઈક આ જ પ્રકારની સ્થિતિ છત્તીસગઢમાં પણ થઈ.

રાકેશ દીક્ષિત કહે છે કે હવે ભાજપનો ઉદ્દેશ આદિવાસીઓને લલચાવીને પાછા પોતાની સાથે લાવવાનો છે.

તેમણે કહ્યું, "ભાજપ આ રણનીતિ પર ચાલીને 2023ની મધ્ય પ્રદેશ અને 2024ની લોકસભાની ચૂંટણીમાં આદિવાસી સમુદાયમાં પોતાની પકડ મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યો છે. તેમજ સંઘ આદિવાસીઓને હિંદુ ધર્મના પરિઘમાં લાવવાની વ્યાપક કોશિશ કરી રહ્યો છે. આમ આ સંઘ અને ભાજપની બહુ-પક્ષીય રણનીતિ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો