ગુજરાતમાં ચાલતો નૉન-વેજનો વિવાદ આરોગ્યનો પ્રશ્ન છે કે રાજકારણ?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા પર ઊભી રહેતી નૉન-વેજ અને ઈંડાંની લારીઓને 'આરોગ્યનો પ્રશ્ન' ગણીને ખસેડવામાં આવી રહી છે.

જોકે લારીવાળાઓ દ્વારા આ કાર્યવાહીનો વિરોધ પણ કરાઈ રહ્યો છે.

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ પણ આ કાર્યવાહી અંગે પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે.

તો વિપક્ષ કૉંગ્રેસે આ કાર્યવાહીને રાજકારણ અને આગામી વિધાનસભા ચૂંટણી સાથે જોડી છે.

ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે નૉન-વેજનો વિવાદ એ જાહેર આરોગ્યનો પ્રશ્ન છે કે હિંદુ-મુસ્લિમ રાજનીતિ?

સી. આર. પાટીલ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતને થાળે પાડી જુદાંજુદાં કૉર્પોરેશનો દ્વારા કરાયેલી મૌખિક અને લેખિત આદેશોને નૉન-વેજના વિવાદ સાથે જોડીને ન જોવા જણાવ્યું હતું.

પણ પાછલા અમુક દિવસોથી થઈ રહેલી કાર્યવાહીને કારણે એક તરફ જ્યાં લારી-ગલ્લાવાળાનો વિરોધનો વંટોળ વધતો જઈ રહ્યો છે તો બીજી તરફ ભાજપના જુદા-જુદા નેતાઓ તરફથી જુદાં-જુદાં પ્રકારનાં નિવેદનો આવતાં આ મામલે હજુ સુધી અસ્પષ્ટતા પ્રવર્તી રહી છે.

આ મુદ્દા અને તેની સાથે જોડાયેલા પ્રશ્ન અંગે વધુ સ્પષ્ટતા મેળવવા બીબીસી ગુજરાતીએ વિવિધ પક્ષકારો અને પાર્ટીના પ્રવક્તાઓનો સંપર્ક કર્યો.

લોકો ગમે તે આહાર લેવા માટે સ્વતંત્ર?

ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે બીબીસી ગુજરાતીને આ મામલે પોતાનો મત રજૂ કરતાં કહ્યું કે, "નૉન-વેજનો વિવાદ માત્ર જાહેર આરોગ્ય અને ટ્રાફિકની સમસ્યાનો વિષય છે. ભાજપ સ્પષ્ટ માને છે કે લોકો પોતાના આહારની પસંદ માટે સ્વતંત્ર છે. આમાં સરકાર ક્યાંય આડે નહી આવે."

"પણ જ્યાં લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય એવી ખાદ્યવસ્તુઓ વેચવામાં આવતી હશે ત્યાં સરકાર નિયમ પ્રમાણે કાર્યવાહી કરશે."

નૉન-વેજની લારીઓને પ્રતિબંધિત કરવા વિશે યમલ વ્યાસે કહ્યું, "નૉન-વેજના વેચાણ ઉપર પ્રતિબંધનો નિર્ણય પક્ષ કે સરકારનો નથી. કૉર્પોરેશન જેવી સ્થાનિક સંસ્થાઓનો છે. સરકારે આ પ્રકારનો વટહુકમ, ઑર્ડર કે કાયદો બહાર પાડ્યો નથી."

નોંધનીય છે કે વિવિધ કૉર્પોરેશનના સત્તાધારીઓએ મીડિયા સમક્ષ જાહેર રસ્તા પર નૉન-વેજ વેચાતું હોવાના કારણે લોકો માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનાં નિવેદનો કર્યાં છે.

તેમજ પોતાની લારી-ગલ્લા હઠાવવાની કાર્યવાહીને વાજબી ઠેરવવાના પ્રયત્ન કર્યા છે. તો બીજી તરફ સરકાર આ બાબતે કોઈ પ્રતિબંધ ન હોવાના કે લારી-ગલ્લાવાળા સાથે સહાનુભૂતિ પ્રદર્શિત રાખતી હોવાનાં નિવેદનો પક્ષના આગેવાનો તરફથી કરાઈ રહ્યાં છે.

યમલ વ્યાસ કહે છે, "રસ્તા ઉપરથી નૉન-વેજ લારીઓ ઉઠાવવાનો નિર્ણય કોઈએ લીધો નથી. આ ગેરસમજ અથવા ખોટું અર્થઘટન છે. પરિવહનને નિયંત્રિત કરવા માટે લારીઓવાળાએ પોતાને ફાળવાયેલા સ્થાને જ ઊભા રહેવું એ નિયમ તો 2015માં બનેલો છે. એના અમલીકરણની વાત થઈ હશે."

શું આ જાતિઆધારિત વિભાજનનો પ્રયાસ છે?

જોકે આ મુદ્દે અલગ તર્ક રજૂ કરતાં ગુજરાત કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશી કહે છે, "મહાનગરમાં 15 વર્ષ કરતાં વધુ સમયથી શાસન કરતા ભાજપને જાહેર પરિવહનને નિયંત્રિત કરવું હોય તો સૌ પહેલાં ગેરકાયદેસર બાંધકામને રોકવું જોઈએ."

"લોકોના આરોગ્યની ચિંતા હોય તો પીવાનું શુદ્ધ પાણી લોકોને આપવું જોઈએ. સૌથી વધુ પ્રદૂષિત નદીઓ પૈકી સાબરમતી પણ એક છે. તાપી, વિશ્વામિત્રી ભારે પ્રદૂષિત નદીઓ છે. આ વિવાદ આરોગ્યનો નહીં પણ રાજનીતિનો છે. ચૂંટણી નજીક આવે એટલે સરકાર જાતિઆધારિત વિભાજનનાં આવાં નાટકો કરે છે."

લોકોના આરોગ્યની સરકારની ચિંતાને ગેરવાજબી ઠેરવતાં ડૉ. દોશી કહે છે, "આપણે તહેવારોમાં ટનબંધ મીઠાઈ ખાઈ જઈએ છીએ. તહેવારો વીતી ગયાના મહિનાઓ બાદ મીઠાઈની ગુણવત્તાના અહેવાલો પ્રકાશમાં આવે છે. સરકારને જાહેર આરોગ્યની ચિંતા હોય તો આવું પાંગળું વ્યવસ્થાતંત્ર હોય?"

મનીષ દોશી ધર્મસ્થળોની આસપાસ ઈંડાં અને માંસના વેચાણના મુદ્દાને ભાજપનું રાજકારણ ગણાવતાં કહે છે કે, "ધર્મસ્થાનો પાસે નૉન-વેજ વેચવાનો મુદ્દો ઊભો કરવામાં આવે છે ત્યારે મારો પ્રશ્ન એ છે કે ધર્મસ્થાનો પાસે દારૂ, ગુટકા, ડ્રગ્સ વેચાય છે, ખુલ્લેઆમ વેચાય છે. નૉન-વેજનો વિવાદ માત્ર એમની રાજનીતિ છે. એથી વિશેષ કંઈ નહી."

દબાણ હઠાવવાની ઝુંબેશને હપ્તારાજ સાથે સાંકળતાં ડૉ. દોશી આરોપ મૂકે છે, "ગરીબો કનડગત વગર વ્યવસાય કરી શકે એ માટે કૉંગ્રેસ સરકાર સ્ટ્રીટ વેન્ડર પૉલિસી લાવી પણ ભાજપના શાસનમાં હપ્તારાજ ચાલે છે. પોલીસનો હપ્તો, દબાણવાળાનો હપ્તો, સ્થાનિક નેતાઓનો હપ્તો."

"કોરોના મહામારીમાં ત્રસ્ત લોકોને સરકાર રોજગાર આપવાને બદલે દબાણના નામે અને ફતવા બહાર પાડીને લોકોને હેરાન કરવામાં આવે છે."

'મીડિયાએ મુદ્દો ચગાવ્યો ભાજપે નહીં'

જો ગેરકાયદેસર દબાણો હઠાવવાનો જ મુદ્દો હોય તો આ નૉન-વેજ મુદ્દો શા માટે પકડાયો અને તેને શા માટે હવા અપાઈ રહી છે?

આ પ્રશ્નનો જવાબ આપતાં ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે બીબીસીને કહ્યું, "એ મીડિયામાં પકડાયો છે, ક્યાંય પાર્ટીએ કે સરકારે આ વિષયમાં કોઈ નિવેદન નથી આપ્યું."

આ તર્કને ફગાવતાં કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી કહે છે, "કોઈ એક કે બે મીડિયા મુદ્દાને તોડીમરોડીને રજૂ કરે, શું સમગ્ર મીડિયાજગત ખોટું છે? ભાજપને આ અવધારણા ઊભી કરીને લોકોના માનસમાં ઘુસાડવી હતી."

"શિક્ષણ, બેરોજગારી, મોંઘવારી જેવા મૂળ મુદ્દાઓથી લોકોનું ધ્યાન હઠાવવા માટે તેમણે અજમાવેલું આ રાજનીતિનું શસ્ત્ર છે. આ ઊભો કરેલો મુદ્દો જ એમની સત્તા માટેની રૅસિપી છે."

માંસાહાર સારો કે શાકાહાર?

અમદાવાદના બાળરોગનિષ્ણાત ડૉ. પ્રકાશ કાપડિયા કહે છે, "નૉન-વેજની આરોગ્ય ઉપર કોઈ આડઅસર નથી. ન તો હિંદુ-મુસ્લિમ રાજનીતિ સાથે ખાસ લેવા દેવા છે. મારા મતે આ વ્યક્તિગત ગમા-અણગમાની બાબત હોવી જોઈએ."

ડૉ. કાપડિયા ઉમેરે છે, "આજે ચીન, રશિયા સહિતના કેટલાય દેશોનો મુખ્ય આહાર નૉન-વેજ છે. અલબત્ત, નૉન-વેજ ખોરાક કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે ઘણું અગત્યનું છે. સરખી રીતે રાંધવામાં આવે તો શાકાહાર, માંસાહાર બંને સારું જ છે."

લારીઓમાં વેચાતા આહારની ગુણવત્તાને લઈને ડૉ. કાપડિયાએ કહ્યું, "હા, લારીઓવાળા ફૂડ કલર અને આડાઅવળા ઍડિટિવનો ભારે માત્રામાં ઉપયોગ કરે છે એટલે તે આરોગ્યપ્રદ તો નથી જ. હોટલમાં માંસાહારી ભોજન પૂરતી કાળજી સાથે રાંધવામાં આવતું હોય છે. હોટલના અને લારીના નૉન-વેજમાં આભ-જમીનનો ફરક છે."

"વેજ હોય કે નૉન-વેજ સારી રીતે રંધાતું હોય એવું લારીઓમાં ઓછું બને છે. શાકભાજીમાં ફાઇબર અને પાણીની માત્રા વધારે હોય છે એટલે પાંચ-દસ મિનિટમાં ચડી જાય છે. નૉન-વેજમાં રહેલા ફેટ અને પ્રોટીનને ચડતા અડધો-અડધો કલાક થાય છે. લારીવાળા અડધું રાંધેલું રાખે છે."

લારીમાં ઓછી ગુણવત્તાવાળી ખરાબ થયેલી વસ્તુઓ વેચાતી હોવાનો મત રજૂ કરતાં ડૉ. કાપડિયા કહે છે કે, "બસો ગ્રામ ચીઝના ભાવમાં લારીવાળા કિલો ચીઝ લાવતા હોય છે. અમારા ક્લિનિકની બાજુમાં બ્રેડ વેચાય છે. બીજે કે ત્રીજે દિવસે નહી વેચાયેલી બ્રેડ બેકરીને પાછી આપવામાં આવે છે."

"મેં પૂછ્યું કે તમે પાછી આપો છો તે બ્રેડ ક્યાં જાય છે? જવાબ મળ્યો કે એ ઉપયોગની અવધિ વીતી ગયેલી બ્રેડ ઓછી કિંમતમાં લારીવાળાઓને વેચવામાં આવે છે. લારીઓના ખોરાકમાં આરોગ્યના પ્રશ્ન છે. પછી તે શાકાહાર વેચતી હોય કે માંસાહાર."

ખાણીપીણીની વસ્તુઓનો સ્ટ્રીટ વેન્ડિંગ ઍક્ટમાં સમાવેશ જ નથી કરાયો એમ અમદાવાદ મિરર એક અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે.

આ અહેવાલ પ્રમાણે, "અમદાવાદ મહાનગરપાલિકાના નિયમ પ્રમાણે, સ્ટ્રીટ વેન્ડિંગ ઍક્ટમાં માત્ર ફળો, શાકભાજી અને કપડાં સહિતની અન્ય વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, શેરીઓમાં રાંઘેલા ભોજનની સામગ્રીને સમાવવા આવી નથી."

આ અહેવાલમાં એએમસીના એસ્ટેટ અધિકારી મનીષ માસ્ટરે કહ્યું છે, "જે ખાણીપીણીની લારીમાં વસ્તુઓને રાંધવામાં આવતી હોય તેવી લારીઓને સ્ટ્રીટ વેન્ડર તરીકે ગણવામાં આવતા નથી અને તેમની નોંધણી સ્ટ્રીટ વેન્ડર્સ ઍક્ટ હેઠળ કરવામાં આવતી નથી."

જોકે અહેવાલ પ્રમાણે, "રસોઈ બનાવતી ખાણીપીણીની લારીઓને લાઇસન્સ નથી અપાયું. તો પણ એએમસીએ વર્ષ પહેલાં લો ગાર્ડન વિસ્તારમાં શરૂ કરેલા હેપ્પી સ્ટ્રીટ પ્રોજેક્ટમાં ભોજનની ટ્રકોને ભાડાપટ્ટે ચલાવવા દીધી હતી!"

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો