વીર દાસ : શું કૉમેડિયનના મૉનોલૉગથી વિદેશમાં ભારતનું અપમાન થયું?

સ્ટૅન્ડ-અપ કૉમેડિયન વીર દાસે અમેરિકામાં ભારતમાં વિશે એક મૉનોલૉગનું પઠન કર્યું હતું, જેની સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા થઈ રહી છે.

વીર દાસે સોમાવરે તેમની યુટ્યૂબ ચેનલ પર અમેરિકાના વૉશિંગ્ટન ડીસી ખાતે જોન ઍફ કૅનેડી સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમનો છ મિનિટનો વીડિયો શૅર કર્યો હતો. જે ગણતરીના કલાકોમાં વાઇરલ થઈ ગયો હતો.

કેટલાક લોકોના મતે વીર દાસે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છાપને ઠેસ પહોંચાડી છે તો કેટલાક લોકો વીર દાસનું સમર્થન કરી રહ્યા છે.

વીર દાસે નિવેદન બહાર પાડીને લોકોને અધૂરી ક્લિપ સાથે છેતરાઈ નહીં જવા તથા 'મહાન' ભારત ઉપર 'ગર્વ' હોવાની વાત કહી છે. તેમના પર્ફૉર્મન્સની સામે દિલ્હી તથા મુંબઈમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

શું છે મૉનોલૉગમાં?

વીર દાસે અમેરિકામાં 'આઈ કમ ફ્રૉમ ટુ ઇન્ડિયાઝ' (હું બે ભારતમાંથી આવું છું.)નું પઠન કર્યું હતું. જેની અમુક મુખ્ય વાતો આ મુજબ છે :

હું એવા ભારતમાંથી આવું છું કે જ્યાં બાળકો માસ્ક વગર એકબીજાનો હાથ પણ નથી પકડતા અને નેતાઓ માસ્ક વગર એકબીજાને ભેંટે છે.

હું એવા ભારતમાંથી આવું છું કે જ્યાં દિવસે મહિલાઓની પૂજા થાય છે અને રાત્રે તેમનો ગૅંગરેપ થઈ જાય છે.

હું એવા ભારતમાંથી આવું છું કે અમે ટ્વિટર ઉપર બોલીવૂડ મુદ્દે બે ભાગમાં વહેંચાઈ જઈએ છીએ, પરંતુ થિયેટરના અંધકારમાં બોલીવૂડને કારણે જ એક થઈએ છીએ.

હું એવા ભારતમાંથી આવું છું કે જ્યાં પત્રકારત્વ સમાપ્ત થઈ ચૂક્યું છે, મર્દપત્રકાર એકબીજાની વાહવાહી કરે છે અને એક મહિલા પત્રકાર રસ્તા ઉપર લેપટોપ લઈને સત્ય જણાવી રહી છે.

હું એવા ભારતમાંથી આવું છું કે જ્યાં પીએમ વિશે તો બધી માહિતી આપવામાં આવે છે, પરંતુ 'પીએમ કેયર્સ' વિશે માહિતી આપવામાં નથી આવતી.

હું એવા ભારતમાંથી આવું છું કે જ્યાં અમે શાકાહારી હોવા ઉપર તો ગર્વ કરીએ છીએ, પરંતુ જે ખેડૂતો શાકભાજી ઉગાડે છે, તેમને જ કચડી નાખીએ છીએ.

હું એવા ભારતમાંથી આવું છું કે જ્યાં સૈનિકોને પૂરેપૂરું સમર્થન આપીએ છીએ, જ્યાર સુધી તેઓ પેંશનની વાત ન કરે.

હું એવા ભારતમાંથી આવું છું, જે ચૂપ નહીં બેસે.

હું એવા ભારતમાંથી આવું છું, જે બોલશે પણ નહીં.

હું એવા ભારતમાંથી આવું છું, જે બદીઓ વિશે વાત કરવા બદલ મારી ટીકા કરશે.

હું એવા ભારતમાંથી આવું છું, જે પોતાની નબળાઈઓ વિશે મુક્તપણે વાત કરે છે.

હું એવા ભારતમાંથી આવું છું, જે આ જોશે અને કહેશે, 'આ કૉમેડી નથી...જોક ક્યાં છે?'

હું એવા ભારતમાંથી આવું છું, જે આ જોશે અને જાણશે કે જોક જ છે, પરંતુ મજાક નથી.

એક વાત, બે વર્ગ

કૉંગ્રેસના સંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરૂરે લખ્યું, "એક સ્ટૅન્ડ-અપ કૉમેડિયન જેને ખરા અર્થમાં બેઠા થવાનો મતલબ ખબર છે. વીર દાસ લાખો લોકો વતી બોલ્યા છે. છ મિનિટના આ વીડિયોમાં તેમણે બે પ્રકારના ભારતની વાત કહી છે. અને જણાવ્યું છે કે તેઓ કેવી રીતે ભારત માટે ઊભા થયા છે. આ જોક તો છે,પરંતુ તે હસાવનારું નથી."

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા તથા પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે કૉમેડિયનના સમર્થનમાં લખ્યું, "વીર દાસ બે ભારત છે એ વાતમાં કોઈ શંકા નથી. અમે નથી ઇચ્છતા કે દુનિયાને આના વિશે જણાવીએ. અમે અસહિષ્ણુ અને પાખંડી છીએ."

વીડિયોમાંથી એક પંક્તિ લખીને બરખા દત્તે વીર દાસનો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્વરાજ ઇંડિયાના સંયોજક યોગેન્દ્ર યાદવના કહેવા પ્રમાણે, "વીર દાસને ચોક્કસથી સાંભળજો, તેઓ બે ભારત વિશે વાત કરે છે, જ્યાંના તેઓ નિવાસી છે. આપણે એવા તબક્કે પહોંચી ગયા છીએ કે જ્યાં આવી વાત કહેવી પણ સાહસની વાત બની ગઈ છે."

ભાજપના નેતા પ્રીતિ ગાંધીએ લખ્યું, "વીર દાસ તમે એવા ભારતમાંથી આવો છો કે જ્યાં તમે તમારા જ દેશને અપમાનિત કરીને આજીવિકા રળો છો. તમે એવા ભારતમાંથી આવો છો કે જ્યાં તમારા ફૂવડ અને અપમાનજનક બફાટને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે રજૂ કરવાની છૂટ આપે છે. તમે એવા ભારતમાંથી આવો છો, જેણે તમારી ખોટી ટીકાને લાંબા સમય સુધી સહન કરી છે."

રોઝી નામના ટ્વિટર હૅન્ડલે લખ્યું, "આ કૉમેડી છે? અમેરિકાના કૅનેડી સેન્ટરમાં વીર દાસ કહે છે - હું એવા ભારતમાંથી આવું છું, જ્યાં અમે દિવસે મહિલાઓની પૂજા કરીએ છીએ અને રાત્રે ગૅંગરેપ થઈ જાય છે. શક્ય છે કે તેઓ આવું કરતા હોય, પરંતુ ભારત માટે સામાન્યકરણ કરવાનું તથા ભારતને લૅબલ કરવાનો હક તેમને કોણે આપ્યો?"

કેટલાક યૂઝર્સે વીર દાસની ફિલ્મ 'મસ્તીઝાદે' તથા 'દિલ્હી બેલી'માં મહિલાઓના ચિત્રણ તથા સંવાદને વીર દાસના કથનો સાથે જોડ્યા હતા.

વીર દાસ સામે ફરિયાદ

આશુતોષ દુબે નામના વ્યસવાયે વકીલ તથા ભાજપની લિગલ સેલ સાથે જોડાયેલી વ્યક્તિએ મુંબઈ પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી છે.

જેમાં તેમણે વીર દાસની ઉપર ભારત, ભારતીય મહિલાઓ તથા ભારતના વડા પ્રધાન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ મૂક્યો છે. તેઓ યુએસએમાં ભારતની છાપ ખરાબ કરી રહ્યા છે, એવો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.

તેમના નિવેદનોથી એવું લાગે છે કે ભારતમાં લોકશાહી જોખમમાં છે, વાસ્તવમાં પાયાવિહોણા આરોપ છે.

દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ આદિત્ય ઝા નામની વ્યક્તિએ કૉમેડિયન-અભિનેતા વીર દાસની સામે કેસ દાખલ કરાવ્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે અમેરિકા ખાતેના કાર્યક્રમમાં વીર દાસે ભારતની છાપ ખરાબ કરી હતી.

દુબે આ પહેલાં સબ્યસાચી મુખર્જીની સામે પણ ફરિયાદ દાખલ કરાવી ચૂક્યા છે.

વિવાદ વકરતા વીર દાસે ટ્વિટર ઉપર નિવેદન મૂક્યું, 'આ વીડિયો ભારતના બેવડા વલણ વિશે છે. જેના બે પક્ષ છે, જે તદ્દન વિપરીત છે. દરેક દેશનું એક સારું અને એક ખરાબ પાસું હોય છે, તે કોઈ ગુપ્ત વાત નથી.'

'કૃપા કરીને ઍડિટ થયેલી ક્લિપોથી ભરમાશો નહીં. ભારતને આશાથી જુએ છે, ધિક્કારથી નહીં.'

'મને મારા દેશ ઉપર ગર્વ છે, જેને હું વિશ્વમાં બધે લઈને ફરું છું.'

'મેં જે વાત ઉપસ્થિત દર્શકોને કહી હતી, તે જ તમને કહીશ. પ્રકાશ ઉપર ધ્યાન રાખો. આપણી મહાનતાને યાદ કરો અને પ્રેમ ફેલાવો.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો