GT vs SRH : હાર્દિક પંડ્યાની કઈ ભૂલના કારણે ગુજરાત ટાઇટન્સ IPLમાં પહેલી વખત હારી?

સોમવારે આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ તથા સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં ગુજરાતની ટીમનો ટુર્નામેન્ટમાં પ્રથમ વખત પરાજય થયો હતો. સનરાઇઝર્સે 163 રનનો ટાર્ગેટ સરળતાથી પાર કરી લીધો હતો. તેમણે માત્ર બે વિકેટ ગુમાવી હતી અને પાંચ બૉલ બાકી હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન કેન વિલિયમ્સને 57 રનની ઇનિંગ રમી હતી. તેમણે ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. તેમને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સની ટીમથી જો એક ચૂક ન થઈ હોત તો વિલિયમ્સન આટલો મોટો જુમલો ન ખડકી શક્યા હોત અને મૅચનું પરિણામ પણ બદલાઈ ગયું હોત.

ભારે પડી ચૂક

કેન વિલિયમ્સન પહેલી ઓવરના ચોથા બૉલ પર જ આઉટ થઈ ગયા હતા, પરંતુ ગુજરાત ટાઇટન્સના કૅપ્ટને તેની પર ધ્યાન આપ્યું ન હતું.

મોહમ્મદ શામીના મિડલ સ્ટમ્પ બૉલને રમવામાં વિલિયમ્સન ચૂકી ગયા હતા. શમી તથા ટીમના વિકેટકીપર મૅથ્યુ વેડે એલબીડબલ્યૂની અપીલ કરી હતી, પરંતુ અમ્પાયરે આઉટ આપ્યો ન હતો.

પહેલી નજરે જોતા એવું લાગતું હતું કે બૉલ ઇનસાઇડ ઍજ લઈને પૅડ સાથે અથડાયો હતો. આથી પંડ્યાએ ઇચ્છ્યું હોત તો તેઓ રિવ્યૂ લઈ શક્યા હોત, પરંતુ તેમણે એમ ન કર્યું. વેડે બે-ત્રણ વખત આગ્રહ પણ કર્યો હતો, છતાં પંડ્યા તૈયાર થયા ન હતા.

વિલિયમ્સન માત્ર બે રન સાથે મેદાન પર હતા. એ પછીની ઓવરમાં બૉલ ટ્રૅકિંગ રિવ્યૂ સિસ્ટમમાં જણાયું કે બૉલ વિલિયમ્સનના બૅટ સાથે અથડાયો ન હતો અને તેઓ વિકેટની આગળ જ ઊભા હતા, મતલબ કે તેઓ આઉટ હતા.

જો પંડ્યાએ રિવ્યૂ લીધો હોત તો વિલિયમ્સન આઉટ થઈ ગયા હોત. આગળ જતાં વિલિયમ્સને મૅચનું પાસું જ પલટી નાખ્યું. આમ એક રિવ્યૂની કિંમત ગુજરાત ટાઇટન્સે બે પૉઇન્ટ ગુમાવીને ચૂકવી હતી.

શમી અને વિલિયમ્સન

આઈપીએલની મૅચો દરમિયાન શમી તથા વિલિયમ્સનની ટક્કર રસપ્રદ રહી છે. શમી એકમાત્ર એવા બૉલર છે કે જેમણે વિલિયમ્સનને ત્રણ વખત આઉટ કર્યા છે. શમી સામે વિલિયમ્સનની સરેરાશ માંડ અઢી રનની છે.

શમી ખુદને તથા પોતાના કૅપ્ટનને રિવ્યૂ લેવા માટે આશ્વસ્ત કરી શક્યા ન હતા, અન્યથા વધુ એક વખત બાજી શમીના નામે હોત.

વિલિયમ્સન ટીમને વિજય તરફ દોરી ગયા, તો નિકોલસ પુરને વિજય અપાવ્યો. રાહુલ ત્રિપાઠી રિટાયર્ડ હર્ટ થયા ત્યારે 14મી ઓવરમાં પૂરન મેદાન પર આવ્યા.

રાહુલ તેવટિયાના લૅગસ્ટમ્પ બહારના બૉલની ઉપર છગ્ગો મારવા જતા તેમણે સંતુલન ગુમાવી દીધું હતું અને પડી ગયા હતા, જેથી તેઓ રિટાયર્ડ હર્ટ થયા હતા. ફર્ગ્યુસન 'બૉલ ઍન્ડ કૅચ'ની તક ચૂકી ગયા હતા, જેનો પૂરને પૂરો લાભ લીધો હતો. તેમણે 18 દડામાં અણનમ 36 ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.

ગિન્નાયા પંડ્યા

મૅચ દરમિયાન જો મોહમ્મદ શામી થોડું દોડ્યા હોત, તો કદાચ વિલિયમ્સનનો કૅચ પકડી શક્યા હોત, જે ટર્નિગ પૉઇન્ટ સાબિત થયો હોત, પરંતુ મોહમ્મદ શામી પોતાના સ્થાને જ રહ્યા હતા.

આથી હાર્દિક પોતાની જ ટીમના વરિષ્ઠ સભ્ય પર ગિન્નાઈ ગયા હતા અને દેખીતી રીતે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. જોકે, આ દરમિયાન હાર્દિક પંડ્યાનું આચરણ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યું હતું.

આઇસેનરૉયે નામના ટ્વિટર હૅન્ડલે લખ્યું, "ડિયર હાર્દિક, તમે ભયાનક કૅપ્ટન છો. તે તમારા ટીમના ખેલાડીઓ ઉપર ન ઠાલવો. વિશેષ કરીને શામી જેવા વરિષ્ઠ સભ્ય પર."

કેટલાકે હાર્દિકના આચરણની સરખામણી તેમના ભાઈ કૃણાલ સાથે કરી હતી, જેઓ આઈપીએલની લખનઉ ટીમ વતી રમી રહ્યા છે.

પંડ્યાનું પ્રદાન

પંડ્યા આઈપીએલમાં પ્રથમ વખત કોઈ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. સોમવારની મૅચમાં હાર્દિક પંડ્યાએ અણનમ 42 દડામાં 50 રન ફટકાર્યા હતા. જેના કારણે ગુજરાત ટાઇટન્સ સાત વિકેટ ગુમાવીને 162 રન બનાવી શક્યું હતું.

હાર્દિકે તેમની રમતની શરૂઆત આક્રમક રીતે કરી હતી, પરંતુ પાછળથી સામા છેડે એક પછી એક વિકેટો પડવા લાગતા તેમને પોતાની રમતને ધીમી પાડવાની ફરજ પડી હતી. ચાર ચોગ્ગા અને એક છગ્ગાને કાઢી નાખવામાં આવે તો તેમણે 37 બૉલમાં 28 રન કર્યા હતા.

મૅચમાં તેમણે આઈપીએલમાં 100 છગ્ગા ફટકારવાનો મુકામ હાંસલ કર્યો હતો. તેમણે ઑલરાઉન્ડ રમતનું પ્રદર્શન કર્યું હતું. ચાર ઓવરમાં 27 રન આપીને એક વિકેટ પણ ઝડપી હતી.

સામા પક્ષે કેન વિલિયમસને 46 દડામાં 57 રન કર્યા હતા, પરંતુ શરૂઆતના લગભગ 25 દડા તણે સેટ થવા માટે લીધા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો